આજે વાંચો આ સુંદર અને સમજવા જેવી દસ ટચુકડી વાર્તાઓ…

૧. છાપામાં પહેલા પાને સમાચાર હતા : “ફલાણા સંપ્રદાયના ગુરુને ઢીંકણા આરોપસર પાંચ વર્ષની સજા થઇ. તેમનો કેદી નંબર ‘૯૨૧૧’ રહેશે.” બુદ્ધિજીવી અને વિચક્ષણ લોકોને લાગ્યું કે ગુરુના આંધળાં ભક્તો હવે વાસ્તવિકતા સ્વીકારશે! પછીના મહિને આર.ટી.ઓ. કચેરીમાં મનપસંદ નંબરોની હરાજી હતી. તેમાં સૌથી ઊંચી કીમતે વેચાયેલો નંબર હતો, ૨. “શૃંગાર વગર પણ સુંદર દેખાઈ શકાય.” એ વિષય પર સુંદર સ્ત્રી સેલેબ્રિટીનો ‘રેડિયો’ ઈન્ટરવ્યું હતો. તેમને આવતા થોડું મોડું થઇ ગયું, બ્યુટી પાર્લરમાં બહુ ભીડ હતી!


૩. શાળામાં લેખન સ્પર્ધા હતી. સ્પર્ધાનો વિષય હતો : “ડેમના ઉપયોગો”.
એક વિદ્યાર્થીએ ફક્ત એક જ ઊપયોગ લખ્યો છતાં સ્પર્ધા જીતી ગયો.
તેણે લખ્યું હતું, “ચૂંટણી જીતવા બહુ ઉપયોગી….”


૪. વીણા બગીચાના બાંકડે બેઠી હતી. સામેના બાંકડે એક માણસ સોગિયું મોઢું કરીને બેઠો હતો. વીણાને સેલ્ફી લેવાની ઈચ્છા થઇ અને તેણે પોતાનો ફોન કાઢી કેમેરો ઓન કર્યો. પણ, રેર કેમેરા ચાલુ હતો તેથી પેલા સોગિયા મોઢાવાળો માણસ દેખાયો. વીણાને તરત જ વિચાર આવ્યો, “ભગવાન પોતાની સેલ્ફી લેવા જાય અને ફોનનો રેર કેમેરા ચાલુ હોય તો?”


૫. ઉત્તરાયણના દિવસે મિનેશભાઇ ગાડી લઈને નીકળ્યા. કેટલાક માલધારીઓએ તેમને રોક્યા, “આજે સંક્રાંત છે તો ‘ઢોર’ના ઘાસચારા માટે ધર્માદો કરો.” તેઓ દરેક ગાડી રોકી તેમની પાસે ધરાર ધર્માદો કરાવી રહ્યા હતા, મિનેશભાઇએ પણ કર્યો… સાંજે મિનેશભાઇ ફેમિલી સાથે રેસ્ટોરન્ટમાં જમવા ગયા તો અંદર ‘ઢોર’ ચારો ચરતા બેઠા હતા!

૬. આજે પ્રહાર ફ્રી હતો. તે ઘરે આવેલું બાળકોનું મેગેઝીન વાંચવા લાગ્યો. તેમાં એક પેજ પર એક સરખા દેખાતા બે ચિત્રો હતા અને ઉપર લખ્યું હતું, “તફાવત શોધો.” પ્રહાર મચી પડ્યો. તે ઝીણવટભર્યું ઓબ્ઝર્વેશન કરવા લાગ્યો. ત્યાં જ તેનો નાનો છોકરો ક્રિશ પિન્ટુ સાથે મારામારી કરીને આવ્યો. પાછળ જ પિન્ટુના મમ્મી દાખલ થયા. તેમણે પ્રહારને ક્રિશ વિશે ફરિયાદ કરી. છેવટે, એકસરખા ચિત્રોમાં તફાવત શોધી રહેલા પ્રહારે ક્રિશને કાયમની જેમ સંભળાવ્યું, “તું તારા મોટા ભાઈ જેવો ક્યારે થઈશ?”

૭. રોજ એક સારું કામ કરવાનો નિર્ણય કરી ચૂકેલા મહેન્દ્રભાઈ, આજે પોતાના એક પણ એમ્પ્લોયી પર ગુસ્સે ન થયા.


૮. “જો તમે ઘરનું મોટું સંતાન હો તો નાના ભાઈ-બહેનનું ધ્યાન રાખો અને જો નાનું સંતાન હો તો મોટા ભાઈ-બહેનનો આદર કરો.” આ વાંચી કુશલ મનમાં બોલી ઉઠ્યો, “હાશ! મને એકેય વાત લાગુ પડતી નથી કારણ કે હું વચલું સંતાન છું!”


૯. મહેશે ભાષ્માસુરની વાર્તા વાંચી. તેણે વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરી, “હે ભગવાન, ફરી મોહિનીનું રૂપ ધારણ કરો અને ભ્રષ્ટ-લાંચિયા નેતાઓને બાળી નાખો.” ભગવાને તેની પ્રાર્થના સાંભળી… નોટબંધીનો નિર્ણય લેવાયો. પરંતુ, એક પણ નેતા ન ઝડપાયો!


વિષ્ણુ ભગવાને મહેશને સપનામાં આવી કહ્યું, “આજકાલના ભાષ્માસુર બહુ હોશિયાર થઇ ગયા છે, પોતાનો હાથ પોતાના માથા પર મૂકતા જ નથી!”


૧૦. “અરે સુમિતા! તને ખબર છે કે લીંબુ પીવાથી ચરબી ઉતરે?” “એમ? તો પછી આવતી કાલથી જ મારા સાસુને લીંબુ પીવડાવવાનું શરૂ…” “અરે ગાંડી, લીંબુ પીવાથી ખાલી શરીરની જ ચરબી ઉતરે…”

લેખક : હાર્દિક કનેરિયા

દરરોજ આવી અનેક નાની નાની વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ અને આ ટચુકડી વાર્તાઓ કેવી લાગી એ અચૂક જણાવજો…

ટીપ્પણી