મમ્મી-પપ્પા – વાંચો આ ખૂબ લાગણીસભર વાર્તા દરેક દિકરા અને વહુ ખાસ વાંચે…

મમ્મી-પપ્પા

“ના વીણા, હમણાં તું ના જતી. થોડા દા’ડા જવા દે. હું જ તને મૂકી જઈશ, બસ?!!” સૂર્યનગરના હારબંધ મકાનોની વિશાળ ગોઠવણીમાં છેવાડે આવેલા એક નાનકડા રૉહાઉસમાં નોકરિયાત પતિ દ્વારા અપાયેલો આ જવાબ હતો.
સૂર્યનગરમાં કુલ સોએક ઘર હતા. હાઈવેને અડીને આવેલી એ સોસાયટીમાં વિવિધ પ્રકારના બાંધકામ ધરાવતા ઘરોએ અડિંગો જમાવેલો હતો. એમાં વીસેક મોટા બંગ્લોઝ, ડુપ્લેક્ષ કહી શકાય તેવા ત્રીસ ઘર અને બાકીના રૉહાઉસ હતા. જ્ઞાતિ-જાતિના વાડા આ સોસાયટીના લોકોએ રાખેલા નહીં. એના લીધે સૌ અલગ અલગ નાત-જાત-ધર્મના લોકો સંપીને રહેતા હતા.

વિમલ સિદ્ધપુરા પણ ત્રણ મહિના ઉપર પોતાના જુના ઘરની થોડે દૂર આવેલી આ સોસાયટીમાં આવીને વસ્યો હતો. પરિવારમાં ફક્ત એક પત્ની જેની જોડે લગ્ન થયાને ત્રણ વરસ થવા આવ્યા અને સરસામાનમાં એક નાનકડો પલંગ ને એક તિજોરી હતી. માતા-પિતા હયાત હતા પણ પપ્પાના સ્વભાવ અને કંઈક સ્વમાનને લીધે એ ત્રણ મહિના પહેલા જુદો થઈને અહીં સૂર્યનગરના છેડે આવેલ રૉહાઉસમાં ભાડે રહેવા ચાલ્યો આવ્યો. કપાત પછી વધતા ત્રીસેક હજારના વેતનમાં સમય જતા સંધુય સારું થઇ રહેશે એવો એને ભરોસો હતો.
“તમે અઠવાડિયાથી મને નકારો છો. હું છ મહિને માંડ બે વાર પિયરીયે જાઉં છું. પાછલી વખતે ગઈ એને પાંચ મહિના થવા આવ્યા. અહીં એકલી એકલી કંટાળી જાઉં છું. તમે હરતાફરતાં રહો એટલે તમને આ કંટાળો શું છે એ નહીં સમજાય.” વીણાની આંખમાં ઝળઝળિયાં આવી ગયા.

“અરે પણ વીણા, તું સમજ. અહીં તારા વગર ઘર સૂનું બની જાય છે. વળી, મને થોડી ઘણી રસોઈ આવડે છે એનો ગેરલાભ ઉઠાવીને તું પંદર દહાડે પાછી ફરે છે. તને જેમ તારા મમ્મી-પપ્પા યાદ આવે છે એમ મનેય મારા મમ્મી-પપ્પા ખુબ યાદ આવે છે પણ પપ્પાની જૂની ઢબની વિચારધારા અને ખલેલથી કંટાળીને તો આપણે અહીં રહેવા આવ્યા છીએ.” વિમલના અવાજમાં હતાશા હતી.

“એ હું ન જાણુ. હવે બહુ થયું. જો તમે મને નહીં જવા દો તો હું મમ્મી-પપ્પાને અહીં તેડી આવીશ. પછી તમારે જે ખેલ કરવા હોય એ કરજો.” ઉગ્ર બનીને વીણા રસોડામાં ચાલી ગઈ.
આ બાજુ હમઉમ્ર મિત્રોના અનુભવજ્ઞાન દ્વારા કેળવાયેલા વિમલે પણ ટિફિન લઈને ચાલતી પકડી. લંગોટીયા મિત્ર રઘલાના શબ્દો હજી ય એને હોઠે હતા-“ભાઈ, બૈરાને તો મુઠ્ઠીમાં જ રખાય. બહુ ઉડવા દો તો તમને ઊંચે લઇ જઈને નીચે નાખે”. મિત્રોએ જે પટ્ટી પઢાવેલી એની અસર પણ વીણાને ના પાડવામાં જવાબદાર હતી. પતિવ્રતા વીણા વિમલથી કોઈ જ વાત છુપાવતી નહીં. કોઈ દિવસ પોતે પાંચેક કિલોમીટર દૂર આવેલા પિયરીયે મળીને આવી હોય તો ય એને કહ્યા વગર સુતી નહીં.

ચાલતાં ચાલતાં ક્યારે બસસ્ટેન્ડ આવી ગયું એનું ભાન વિમલને ન રહ્યું. દરરોજ એ સીટી બસમાં નોકરીએ જતો જે સૂર્યનગર થઈને એના નોકરીના સ્થળે પહોંચાડતી.
“સુહાસભાઈ, કેમ આજે બસ મોડી પડી?” કંડક્ટર સુહાસભાઈ અને વિમલ બન્ને પાક્કા મિત્રો હતા. પિસ્તાળીસ વર્ષની ઉંમરે ય સુડોળ સપ્રમાણ શરીર ધરાવતા સુહાસભાઈ પાંત્રીસના દેખાતા.
“અરે ભાઈ, તું તો જાણે જ છે આ સિટીબસનું તંત્ર. આ ધનાભાઈ(ડ્રાઈવર) બસ છોડાવવા ગયા પણ પેલો કેબિનવાળા સાહેબને ક્યાંક જવાનું થયું તે અર્ધી કલાકે પાછા આવ્યા એમાં મોડું થયું.”
“હમ્મ…”
“તને શું થયું ભાઈ? આજે રોજ જેવી મોજમાં નથી દેખાતો હોં. ભાભીએ કાંઈ ખરુખોટું સંભળાવ્યું છે કે શું?” આંખ મારતાં સુહાસભાઈ બોલ્યા જેના લીધે આજુબાજુ બેઠેલા લોકોના ચહેરા ઉપર પણ હાસ્ય પથરાયું.

“એની જ તો મ્હોંકાણ છે. ત્રણ ત્રણ મહિને પિયર જાવાનો ઉપાડો લે છે. બૈરાને મુઠ્ઠીમાં ન રાખીએ એટલે માથે ચડીને બેસે. ક્યારેક તો ખૂબ ત્રાસી જઉં છું.” રઘલો હૈયેથી હોઠે આવીને બોલ્યા વગર ન રહી શક્યો.
“અરે બાપ, આવું તે બોલાતું હશે. પત્ની છે. એની હારે જન્મારો કાઢવાનો છે. આવા વિચારો તો કો’ક મૂર્ખો જ કરે. એને ય મળવાનું મન થતું હશે. જાવા દેજે એને.”
“વિચારીશ.” પીઢ સુહાસભાઈની વાતને એ નકારી ના શક્યો અને બારીમાં બહાર તરફ મ્હોં રાખીને મૂક બની ગયો.
*******************

સાંજે જ્યારે વિમલ થાક્યો પાક્યો ઘરે આવ્યો ત્યારે ઘરના આંગણામાં પ્રવેશતા કાને વીણાનો અવાજ અથડાયો-“જુઓ બા-બાપુજી, હમણાં વિમલ આવશે. તમને જોઈને જરૂર એ ખુશ થઇ જશે. હમણાં તમારે અહીં જ રોકાવાનું છે.”

“મહારાણી તેડી જ આવ્યા પિયર જઈને…. હવે ક્યારે પાછા જશે એ ય નક્કી નહીં.” વિમલનું મન ખાટું થઇ ગયું. શૂઝ અને મોજા કાઢી હસતા ચહેરે અંદર પ્રવેશ્યો.
“આવ બેટા.”
પલંગ પર પોતાના માબાપને બેઠેલા જોઈ વિમલ હબક ખાઈ ગયો. હા, વીણા માબાપને તો તેડી આવી હતી પણ પોતાના નહીં, વિમલના. વિમલને પણ એમની ખોટ સાલતી હતી પણ ખુલ્લા દિલથી કહી શકતો નહીં. એમાંય જ્યારે એણે જાણ્યું કે મમ્મી-પપ્પા પંદર દિવસ રોકાવા ઘરે આવ્યા છે ત્યારે એને વીણા પર ગર્વ થયો. આવી સંસ્કારી અને ચતુર વીણા જેવી પત્નીને દુઃખ પહોંચાડવા બદલ અફસોસ પણ થયો.

રાત્રે સૂતી વખતે તેણે પસ્તાવા સાથે વીણાની માફી માંગી. તો વીણા પણ સમજુ હતી. જાણતી હતી કે વિમલ એને ખૂબ પ્રેમ કરે છે. એણે હસીને વિમલના ખભે માથું ઢાળી દીધું.

લેખક : હાર્દિક ક્યાડા

દરરોજ અવનવી વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી