ગળથૂથીના સંસ્કાર – હજી પણ તે માણસનો આત્મા દુખી થતો હશે…

ગળથૂથીના સંસ્કાર

એક ભવ્ય હોસ્પિટલની બહાર મોટું ટોળું ઊભું છે. આઠથી લઈ એંસી વર્ષના લોકો પ્રાર્થના કરી રહ્યા છે. આટલું મોટું ટોળું મેનેજ કરવુ હોસ્પિટલ સ્ટાફ માટે અઘરું બની જાય, પણ બધા લોકો સ્વયંશિસ્તમાં છે. રસ્તા પર નીકળનાર દરેક માણસને જિજ્ઞાસા થાય છે કે ‘સેલેબ્રિટી દાખલ થઇ છે કે નેતા?’ પણ, જેવી તેમને ખબર પડે છે કે ‘કાગડાભાઈને ગોળી વાગી છે’, તેઓ પણ ટોળામાં જોડાઈ જાય છે.

સાઠ વર્ષના કાગડાભાઈ વેન્ટિલેટર પર છે, કોઈએ તેમના પર ફાયરીંગ કર્યું છે! આઈ.સી.યુ.માં કોઈને એન્ટ્રી નથી છતાંય કેટલાક પહોંચેલા લોકો ત્યાં પહોંચી ગયા છે! કાગડાભાઇ કોઈ બિઝનેસમેન, કલાકાર કે રાજનેતા નથી છતાં લોકપ્રિય છે.
*********

“મારા નાની મુસલમાન, નાના શીખ અને દાદી હિંદુ હતા. દાદા અને પપ્પાનો ધર્મ નહીં કહું, નહિતર તમે મને એ ધર્મનો ગણી લેશો! મારી મરહૂમ પત્ની ખ્રિસ્તી હતી!” કપાળમાં કેસરી તિલક, માથે શીખ જેવી પાઘડી, મૂછ વગરની લાંબી દાઢી, ગળામાં ક્રોસ અને કાળા કપડા પહેરીને ફરતા માણસની આ વાત છે! તેઓ કયા ધર્મના છે એ જાણવા લોકોએ અનેક કોશિશો કરેલી છતાં રહસ્ય અકબંધ રહેલું, નેતાજીના મૃત્યુની જેમ! તેઓ પોતાનું નામ ‘કાગડો’ કહેતા!
“કાગડો? આવું નામ શા માટે?” લોકો પૂછતાં.

“મારા નામને ધર્મ સાથે સાંકળી ન શકાય એટલા માટે! બીજું એ કે કાગડો ગંદકી દૂર કરે… હું પણ કાગડાની જેમ કચરો સાફ કરું છું, ધર્મના નામે ફેલાતો કચરો! આઈ એમ અ રીલિજસ સ્વીપર!”
દરેક ધર્મની કટ્ટરતા અને અયોગ્ય રૂઢિઓનો તેઓ તર્કબદ્ધ વિરોધ કરતા. તેમની સચ્ચાઈ ભરેલી વાતોથી ઘેટાંવાદ હારતો… લોકોને ડરથી કરાતી ભક્તિ અને પ્રેમથી થતી ભક્તિ વચ્ચેનો ભેદ સમજાતો. તેમના સંપર્કમાં આવનાર વ્યક્તિ ‘માનવ ધર્મ’ પાળવા લાગતો.

“કોઈપણ ધર્મ હિંસા, વ્યભિચાર કે ભ્રષ્ટાચાર નથી શીખવતો! કોઈ મૂળપુરુષે એવું નથી કહ્યું કે મારો ધર્મ ફલાણો છે, એ તો પછોતિયાના પૂંછડા છે! દાનમાં અપાતા પૈસા, જમીન, ગાડીઓની જરૂર ધર્મની હાટડી ખોલીને બેસી ગયેલા અનસર્ટીફાઇડ ગુરુઓને છે, ભગવાનને નહીં! ભગવાન કંઈ ભિખારી છે? એ લેવા નહીં આપવા બેઠા છે!

જોકે, ભૂલ તો વિદ્યાર્થીઓની જ છે, શિક્ષકની દરેક વાત માની લેવાને બદલે તાર્કિક દલીલો કેમ નથી કરતા? શિક્ષક બનવા બી.એડ. કરવું પડે, ને ધર્મગુરુ બનવા? કોઈ એક રંગના કપડા પહેરી લો, બસ? ચારણો મારતા શીખો! એટલા પ્રશ્નો પૂછો કે ગુરુઓના દિમાગની કઢી થઇ જાય! જો અકળાઈ જાય કે સાચો જવાબ ન આપે તો દુકાન બદલી નાખવાની! હા… આ બધી દુકાનો જ છે ને? પણ, વેપારીએ ગ્રાહકની પાછળ ફરવાનું હોય, જયારે અહીં તો ગ્રાહક લબડતો ફરે છે!” કાગડાભાઇની વાતો સાચી હતી. પણ, રૂઢિચુસ્ત લોકોને એસિડિટી જેવી બળતરા ઉપડતી…
તેમના સંપર્કમાં આવનાર લોકો દરેક બાબતમાં તર્ક લડાવતા થયા હતા, નેતા-ગુરુઓને પ્રશ્નો પૂછતાં થયા હતા, અન્યાયનો વિરોધ કરતા થયા હતા… જોકે, કાગડાભાઇનો કોઈ આશ્રમ ન હતો! એ મસ્ત મૌલાને ગાડી, બંગલા કે ધાર્મિક ઈમારતોમાં રસ ન હતો! એ રખડતા રામ ગમે ત્યાં ચાલુ પડી જતા…


આથી જ, સાચા સંત-ફકીર સિવાયનો બધો જ કચરો ‘કાગડા’થી ગભરાવા લાગ્યો હતો! કેસરી, લીલા, લાલ કે સફેદ – દરેક વાઘાનો રંગ ફિક્કો પડ્યો હતો! ઢોંગી ધર્મગુરુઓના ગ્રાહક ને આવક બેય ઘટ્યા હતા! એમના માટે વિકટ પ્રશ્ન સર્જાયો હતો, “બધા સમઝુ બની જશે તો બેવકૂફ કોને બનાવીશું? કાગડાને ઠેકાણે પાડવો પડશે, નહિતર આપણે ઠેકાણે પડી જઈશું…”
અમુક શિકારીઓ ભેગા થયા, ધર્મના બાણ બુઠ્ઠા થતા સાચી પિસ્તોલ વાપરવા તૈયાર થયા! એ લોકો ય પ્યોર પ્રોફેશનલ્સ હતા! ફરતા ફકીરને ઢાળી દેતા વાર કેટલી? કાવતરું ઘડાઈ ગયું, સાવ સહેલું હતું, એક ગોળી ને ખેલ ખલાસ! વિનાશ કરતા કેટલી વાર? મહેનત તો સર્જનમાં થાય ને?!
**********
“બચવાના ચાન્સ નહિવત્ છે, કોઈ ચમત્કાર થશે તો જ બચશે”, ડોકટરે કહ્યું. વાત ફેલાતા દરેકના ચહેરા પર ગમગીની છવાઈ.
ટોળામાંના ઘણા લોકો શક્તિશાળી છે, પૈસો અને પાવર ધરાવે છે, પણ સૌ લાચાર છે! કુદરત લાંચ લેવા કે વગ ચલાવવા તૈયાર નથી!
કાગડાભાઈને પસંદ કરતા સૌ કોઈ પ્રાર્થનાઓ કરવા લાગ્યા. આમેય કાગડાભાઈ જ કહેતા, “કોઈનું સિગ્નલ પકડાય કે નહીં, પ્રાર્થનાનું સિગ્નલ પકડાયા વગર રહેતું નથી.”

પણ, યમરાજે ય કાગડાભાઇની વાત સાંભળી હતી. વળી, તેમની પાસે સ્માર્ટફોન ન હતો. આથી, દરરોજ બે-ત્રણ કલાક ફાજલ બચતા! યમરાજે ઉતાવળ કરી… કાગડાભાઇનું બેડલક… તેમને પ્રાર્થનાનું લાઈફ જેકેટ મળે એ પહેલા જ યમરાજ પહોંચી ગયા. લોકો ખૂબ દુ:ખી થયા. ‘કાગડાભાઇ’ના પાર્થિવ શરીરના અનેક ટુકડા કરવામાં આવ્યા, દરેક ટુકડાની અંતિમવિધિ અલગ અલગ ધર્મ પ્રમાણે થઈ. આ જ એમની અંતિમ ઈચ્છા હતી!
કાગડાભાઈને જ્યાં ગોળી વાગી હતી ત્યાં આજે આલીશાન ઈમારત ઊભી છે. ઈમારતની બહાર લખ્યું છે, “જય હો કાગડાભાઈની….!” અંદર કાગડાભાઇના નામે અબજોનો વેપાર ચાલે છે. વહીવટદારો ક્લાસવન સુવિધાઓ ભોગવી રહ્યા છે. હવે તો બીજી ઈમારતો બનાવવાની યોજનાઓ ઘડાઈ રહી છે!
કાગડાભાઇની રૂહ, સોલ, આત્મા દુ:ખી છે! શિકારીઓ અટ્ટહાસ્ય કરી રહ્યા છે, “ગળથૂથીમાં મળેલા સંસ્કાર કાઢવા એમ કંઈ સહેલા છે?”

લેખક : હાર્દિક કનેરિયા

દરરોજ અવનવી વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી