આજે વાંચો દસ નાની નાની ખૂબજ સમજવા જેવી વાર્તાઓ…

ત્રણ મિત્રો સરકારી નોકરીએ લાગ્યા. ત્રણેયના માથા પર પ્રામાણિકતાનું ભૂત સવાર હતું.
એક વર્ષ બાદ એક કંટાળ્યો અને નોકરી છોડી દીધી.
બીજો ટકી રહ્યો, પણ પ્રામાણિકતાના કારણે, કરકસરથી ઘર ચલાવવા મજબૂર બનેલી પત્ની, તેને છોડી ગઈ.
ત્રીજાએ તે બંનેમાંથી બોધ લીધો અને પ્રામાણિકતા છોડી દીધી!

“સાન્તાક્લોઝ હંમેશા કંઈ ને કંઈ આપતા રહે છે, તેઓ ક્યારેય કોઈ વળતરની અપેક્ષા રાખતા નથી.” આ વાંચ્યું અને મને દુનિયાભરની માતાઓ યાદ આવી ગઈ.

“મારું સપનું” વિષય પર વકતૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. એક બાળક સ્ટેજ પર ચડ્યો અને જુસ્સાભેર બોલ્યો, “મારે પી.આઈ. બનવું છે જેથી દરેક ગુનેગારને પકડી કડકમાં કડક સજા કરાવી શકું.” આખા હોલમાં તાળીઓના ગડગડાટ છવાઈ ગયો.
બરાબર ત્યારે જ, મુખ્ય અતિથિ બનેલા ડામોર સાહેબનો ફોન વાગ્યો. કેબીનેટ કક્ષાના મંત્રીનો તે ફોન હતો. પી.આઈ. ડામોરે ફોન ઊંચક્યો અને મંત્રી શ્રીનો આદેશ છૂટ્યો, “તે જે બ્રિજેશ દૂબેને છેડતીના કેસમાં અંદર કર્યો છે એના પપ્પા પાર્ટી માટે મોટું ફંડ પૂરું પાડે છે! આજે જ તે છૂટી જવો જોઈએ…”
“જી સાહેબ.” ડામોરે ફોન મૂકી પોતાના દાંત ભીંસ્યા.

“ડોક્ટર સાહેબ જલદી કરો, અમારા એકસો ત્રણ વર્ષના બા બહુ બીમાર પડી ગયા છે. બચે એમ લાગતું નથી.” વર્ષોથી ખાટલાવશ થઇ ગયેલા માજીના પ્રપોત્રએ, સોસાયટીના ઝાંપે જનરલ પ્રેક્ટિસ કરતા હોમિયોપેથીક ડોકટરને કહ્યું. સાહેબ તાબડતોબ તેમની સાથે ગયા અને માજીને કંઈક ઇન્જેક્શન આપ્યા. ભગવાનને કરવું ને માજી સાજા થઇ ગયા. ત્યારથી તે ઘરના સભ્યો, માજીના ઈલાજ માટે, તે ડોક્ટરને બોલાવતા નથી!
કોન્સ્ટેબલે ચોરનો પીછો કર્યો અને તેને એકલાહાથે પકડ્યો.
ચોર કોન્સ્ટેબલને કરગરવા લાગ્યો, “સાહેબ, મારી ભાભી વિધવા છે અને માતા અસ્થિર દિમાગની… તેમનું ગુજરાન ચલાવવા ચોરી કરવી પડે છે…” તેના અવાજમાં સચ્ચાઈ હતી.
થોડી જ વારમાં ચોર છૂટી ગયો. તેના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી કરાઈ ન હતી.
ચોર ચાલ્યો જતો હતો ત્યારે કોન્સ્ટેબલનો હાથ ભારે થયેલા પેન્ટના ખિસ્સામાં હતો. તે બબડ્યો, “મારે ય પત્ની, સંતાનો અને માતાનું ગુજરાન ચલાવવાનું છે એટલે છૂટકો નથી.”


“દરેક માણસે ભૌતિક સુખો પાછળની દોટ પડતી મૂકી સાદગીથી જીવવું જોઈએ. દરેક પ્રકારના ‘મોહ’ને ત્યજનાર વ્યક્તિ જ આત્માના સાચા સુખને માણી શકે છે.” પ્રવચન પૂરું કરી ધર્મગુરુ પોતાની રોલ્સરોય્સમાં બેઠા અને એક એકરમાં પથરાયેલ ભવ્ય વિલામાં આરામ કરવા પ્રસ્થાન કરી ગયા.

એક સરકારી અમલદારનો ઈન્ટરવ્યું હતો. પત્રકારે પૂછ્યું, “આપના સૌથી પ્રિય રાજનેતા કોણ છે?”
“મહાત્મા ગાંધી…” અમલદારે તત્ક્ષણ જવાબ આપ્યો.
અમલદાર સાચું બોલતો હતો… મહિના પછી એ.સી.બી.એ તેના ઘરે રેઇડ પાડી ત્યારે ત્યાંથી દસ કરોડની ચલણી નોટો મળી આવી હતી.

“જમાઈ આવું ન ચાલે… તમે સમજો કે તાન્યા એક વર્કિંગ વુમન છે. નોકરી કરતી સ્ત્રી માટે ઘર સંભાળવું ઘણું અઘરું બની જતું હોય છે… તમારી મમ્મીને કહી દેજો કે તેમણે જ ઘરકામ કરવું પડશે! આમેય તેઓ ઘરે જ હોય છે ને!” સાસરે આંટો મારવા આવેલા જમાઈનો નીમુબેને ઉધડો લીધો.
અઠવાડિયા પછી નીમુબેને ઘર માથે લીધું. તેઓ પોતાના દીકરાને કહી રહ્યા હતા, “તારી ઘરવાળીને સમજાવી દેજે, નોકરી કરવી હોય તો કરે પણ ઘરનું બધું કામ કરીને જાય! મેં આખી જિંદગી બહુ ઢસરડા કર્યા છે અને હવે હું કંઈ જ કરવાની નથી!”

વિષ્ણુભાઈ અને મીનાબેનને બે દીકરીઓ… એક ડાહી અને બીજી વંઠેલ… મા-બાપને પહેલાથી જ ચિંતા હતી કે એક સાસરે ટકી જશે અને બીજી પાછી આવશે! અને ખરેખર એવું જ થયું… વંઠેલ સાસરે ઠરીઠામ થઇ ગઈ છે….

અતિશય ગરીબ નૈતિકે ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલન છેડી દીધું. બે જ વર્ષમાં બહુ મોટી સંખ્યામાં લોકો તેમાં જોડાયા અને આજે… ગરીબ નૈતિક પાસે સો વીઘા જમીન, આલીશાન બંગલો અને લગ્ઝયુઅરિઅસ કાર છે.

લેખક : હાર્દિક કનેરિયા

દરરોજ આવી ટચુકડી રચનાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી