સર્વસ્વ – એક પિતા માટે તેના બાળકોના બાળપણથી અમુલ્ય કશું જ નથી હોતું…

સર્વસ્વ

હંમેશની જેમ રમેશભાઈ પોતાના નાનકડા કમરામાં પ્રવેશ્યા અને કમરાનો દરવાજો બંધ કર્યો. મકાનના મુખ્ય ઓરડામાં બેસી ભીંડો સમારી રહેલી સંગીતાએ તીરછી નજરે એ જોઈ લીધું. થોડી જ વારમાં એક પટારો ખસેડવાનો અને તાળું ખુલવાનો અવાજ સંભળાયો. સંગીતાના હાથ બે પળ અટક્યા, અણગમાના ભાવ સાથે નીચલો હોઠ કરડ્યો અને ફરી કામમાં લાગી ગઈ. ભીંડાની સાથોસાથ ઘડીભર એનું હૈયું કપાઈ ગયું ત્યારે તાળું વાસવાનો અને પટારો ખસેડવાનો અવાજ ફરી સંભળાયો. રમેશભાઈ દરવાજો ખોલી બહાર આવ્યા. તેમના ચહેરા પર સંતોષ અને ખુશી છવાયેલા હતા.

વર્ષો પહેલા જ નિવૃત્ત થઇ ગયેલા રમેશભાઈના પત્ની અમૃતાબેન ઘણાં વર્ષો પહેલા જ વૈકુંઠનિવાસી થઈ ગયા હતા. પોતે મોટી ઉંમરે પિતા બન્યા હોવાથી તેમનો રવિ માંડ પચ્ચીસ વર્ષનો હતો. હજુ પંદર દિવસ ઉપર જ રવિના લગ્ન લેવાયેલા અને રમેશભાઈએ ખુશી ખુશી નવી વહુ સંગીતાને ઘરનો વહીવટ હાથમાં આપી દીધો હતો.

“પેલા પટારામાં શું છે?” સાંજે સંગીતાએ રવિને પૂછ્યું.
“પપ્પા કહે છે કે એમાં એમની આખી જિંદગીની મૂડી છે. સર્વસ્વ છે એમાં..”
અને આ વાતે સંગીતાનું ચેન હરી લીધું. જેને ઘરમાં પ્રવેશ્યે હજી પૂરા પંદર દિવસ ય નહોતા થયા એ સ્ત્રી રવિને કહેવા લાગી, “આપણે પપ્પાને માગે તે વસ્તુ પૂરી પાડીએ છીએ, એમનું ખાવા-પીવા-પહેરવા-ઓઢવાનું પૂરું ધ્યાન રાખીએ છીએ તો પછી તે મૂડીની એમને શી જરૂર છે? તેમણે એ આપણને સોંપી દેવો જોઈએ. આમેય, હમણાં ચોરીઓ બહુ થાય છે, આવી કીમતી વસ્તુઓ કે રૂપિયા એ કાટી ગયેલ નાના પટારામાં ન સચવાય!”

 

“તારી વાત સાચી છે.” કાચા કાનનો રવિ સંગીતાની વાતમાં આવી ગયો. આમ તો પોતાના પિતાના પટારા વિશે તે પહેલેથી જ જાણતો હતો, તેમાં શું છે એ જાણવાની તેને જિજ્ઞાસા પણ થતી પરંતુ પપ્પાની ગેરહાજરીમાં તેણે ક્યારેય પટારો ખોલવાની હિંમત નહોતી કરી. પણ સંગીતાએ ચાવી મારતા તેના મનમાં સળવળતો કીડો મોં પર આવી ગયો. બીજા જ દિવસે તેણે રમેશભાઈને તે પટારામાં શું છે એ વિશે પૂછ્યું પણ રમેશભાઈએ કહ્યું, “કેમ, તારે શું કામ છે?”

“હું તે સામાન લોકરમાં મૂકી આવીશ, તેને ઘરમાં રાખવું સલામતીભર્યું નથી.”
“તું ચિંતા ન કર, એ કોઈ નહીં લઈ જાય અને હું અમુક દિવસે તે ઉઘાડીને જોઉં છું ત્યારે મને ખૂબ આનંદ થાય છે. તું મારું સર્વસ્વ જ લોકરમાં મૂકી આવે તો હું એના વગર કેવી રીતે રહી શકું!!” અને બાપ-દીકરા વચ્ચે નાનકડી ચડભડ થઈ ગઈ. જોકે બેમાંથી એકેયે નમતું ન જોખ્યું પણ પછીથી રવિનું વર્તન સાવ બદલાઈ ગયું. તે રમેશભાઈ સાથે ફક્ત કામ પૂરતી વાત કરવા લાગ્યો.

“મને સોનાના પાટલા કરાવી આપોને…” મહિના પછી સંગીતાએ કહ્યું.
“હમણાં જ લગ્નમાં તને ઘણું સોનું ચડાવ્યું છે. હવે, પૈસાની તકલીફ છે અને સોનું તો શું સોનાના ભાવ તરફ ય નજર નંખાય એમ નથી એટલે સુધી ભાવ પહોંચી ગયા છે.” રવિએ રજૂઆત કરી.
“પપ્પાના રૂમમાં પેલો પટારો છેને?”
“પણ એ માનતા નથી એનું શું?”
“મારી પાસે એનો ઉપાય છે..”
ઉપાય સાંભળીને રવિના ચહેરા પર ચમક આવી અને ‘ઠીક છે’ કહી સૂઈ ગયો.

પ્રભાતિયો પ્હો ફાટ્યો અને અંધકારને ચીરતો સૂરજ તેના સોનેરી કિરણોની સેર ધરતી પર વિખેરવા લાગ્યો. દિવસ ચડતાં રવિ કામ પર ગયો અને રમેશભાઈ મંદિરે… ઘરે હવે કોઈ ન હતું. ખાંડણીયો લઈ સંગીતા રમેશભાઈના ઓરડામાં પ્રવેશી. તેણે રમેશભાઈના પલંગ નીચે રહેલો પટારો બહાર ખેંચ્યો. ખાંડણીયાનો એક જ ઘા મારી તાળું તોડી નાખ્યું. ખૂબ હોંશભેર તેણે પટારાનું મ્હોં ઉઘાડ્યું પણ અંદર કંઈક અલગ જ વસ્તુઓ હતી.

પટારાની અંદર કેટલાક છીપલાં, માટીના રમકડાં, આડીઅવળી રેખાઓ ખેંચેલા ચિત્રો, નાના બાળકના ઘસાઈ ગયેલા સદરો તથા ચડ્ડી અને પુખ્ત માણસના ચામડાના તૂટેલા ચપ્પલ હતા. સાથે કેટલીક ચિઠ્ઠીઓ પણ હતી. અલગ અલગ ચિઠ્ઠીમાં વસ્તુઓને અનુરૂપ લખાણ લખ્યું હતું, “આ છીપલાં રવિએ નદીકિનારે ફરીને વીણ્યા હતા. ઘરે આવી મેં તે ફેંકી દીધેલા પણ રવિ ખૂબ રડેલો… પછી હું તે ફેંકી દીધેલા છીપલાં ફરી વીણી લાવ્યો અને રડતાં રવિના ચહેરા પર હાસ્ય ઉપસી આવેલું. સામાન્ય લાગતી વસ્તુઓથી પણ માણસ ખુશ થઇ શકે છે એ નાનકડા રવિએ મને અજાણતાં જ શીખવેલું.”

“આ માટીના રમકડાં મેં અને રવિની મમ્મીએ બનાવ્યા હતા, રવિએ જીદ કરેલી કે મારે માટીના જ રમકડા જોઈએ છે! બજારમાં મળતા મોંઘા રમકડાંનો ઢગલો હોવા છતાં આ રમકડાં રવિને મન અમૂલ્ય હતા. તે તેને ખૂબ સાચવતો અને સૂતાં સુધી પોતાની પાસે જ રાખતો. અત્યારે પણ એ માટીમાં રવિના બાળપણની ખુશબો આવે છે.” “આ ચિત્ર રવિએ જાતે બનાવ્યા છે. કુમળા હાથમાં પેન્સિલ લઈને લીટા દોરતા રવિના આ ચિત્રોના મને કોઈ લાખો-કરોડો આપે તો પણ હું ન વેચું! મારે મન એ આ દુનિયાની કોઈ પણ વસ્તુ કરતા કીમતી છે.” “મને યાદ છે કે આ સદરો ચડ્ડીમાં ખોસી રવિ ‘ઇન’ મારતો. રવિની મમ્મી કહેતી કે ‘સદરાનું ઇન ન મરાય.’ પણ તે માનતો જ નહીં… ઉપરથી મારા આ ચામડાંના ચપ્પલ પહેરતો અને હરખાતો…”

આ બધી ચિઠ્ઠીઓ સિવાય પણ એક ચિઠ્ઠી હતી જેને વાંચતા તે હમણાં થોડા દિવસ પહેલા જ લખાઈ હોય એવું લાગતું હતું. તેમાં લખાયું હતું : “હવે, રવિ મોટો થઇ ગયો છે. તે મારી સાથે કામ પૂરતી જ વાત કરે છે. માટીના રમકડાં કે વીણેલાં છીપલાંથી ખુશ થતો રવિ તેના પપ્પાથી જ નાખુશ રહે છે. હા, તે મોટો થઇ ગયો છે… કંઈ વાંધો નહીં, આ ખજાનો છેને? આ પટારો ખોલીને જોઉં છું તો મારી આંગળી પકડી ચાલતો, નજીવી વાતોમાં ખુશ થતો, મારા જીવનને આનંદથી ભરી દેતો નાનકડો રવિ જીવંત થાય છે. હા, આ મૂડી મારા ચહેરા પર મુસ્કાન લાવી દે છે.”

ચિઠ્ઠી વાંચી સંગીતાની આંખમાંથી અશ્રુબુંદ સરી પડ્યા. તાબડતોબ રવિને કૉલ કરી બોલાવ્યો અને બંનેએ કંઈક ગુફતેગો કરી. ખજાનો બહાર કાઢી, પટારો બંધ કરી, તૂટેલું તાળું એમ જ લટકાવી સંગીતાએ તેને પલંગ નીચે ધકેલી દીધો. રમેશભાઈ મંદિરેથી આવ્યા તો સંગીતા તેમની રાહ જોતા બેઠી હતી. રમેશભાઈએ ઘરમાં નજર ફેરવી… માટીના રમકડાં અને છીપલાં શો-કેસમાં ગોઠવાઈ ગયા હતા, નાનકડા રવિએ દોરેલા ચિત્રોને દીવાલ પર લગાવવામાં આવ્યા હતા. સંગીતાએ અવાજ કર્યો અને રવિ અંદરના ઓરડામાંથી બહાર આવ્યો. તેણે નવો નક્કોર સદરો પહેર્યો હતો, સદરાને “ઇન” મારી પોતાના પેન્ટમાં ખોસ્યો હતો, તેના પગમાં રમેશભાઈના તૂટેલાં ચપ્પલ હતા.

લેખક : હાર્દિક ક્યાડા

દરરોજ આવી અનેક અવનવી વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી