સન્માન – ઈશ્વર આવું સન્માન કોઈને ના અપાવે…

“સન્માન”

અમદાવાદના એક પ્રતિષ્ઠિત વિશાળ મેદાનમાં બધા રાજકીય દળોનો મેળાવડો યોજવામાં આવ્યો. શહેરની જનતાને અગાઉથી ઠેર ઠેર બેનર્સ લગાવીને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું. ગુપ્તપણે ચર્ચાએ જોર પકડ્યું હતું કે દરેક પક્ષ અન્ય પક્ષોની સરખામણીએ પોતાનું સ્થાન મજબૂત કરવા પ્રયત્ન કરશે. સૌનું ધ્યાન આગામી ચૂંટણી પ્રત્યે હતું. આ વખતે સત્તાધારી પક્ષના કેટલાક વિવાદાસ્પદ નિર્ણયોને લીધે ભારે રસાકસી જામી હતી. આ ઉપરાંત સૌ એક બાબતથી સુપેરે માહિતગાર હતા કે અમદાવાદની પ્રજા જેને પ્રેમ કરે છે તેને ઊંચા તખ્તાએ બેસાડવામાં સહેજ પણ કચાશ નથી છોડતી.

આખરે એ દિવસ આવી પહોંચ્યો. રવિવારની રજા, નિઃશુલ્ક પ્રવેશ અને કોર્પોરેશન દ્વારા સ્પેશિયલ વર્ધીવાળી બસોની જાહેરાત: પછી લોકો બાકી મૂકે?!! આખું મેદાન જનમેદનીથી ચિક્કાર ભરાઈ ગયું. આજે બહાર ફરતા ખાણીપીણીવાળા ફેરિયા ને લારીવાળાને તડાકો પડી જવાનો એ નક્કી હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્તરના નેતાઓએ હાજરી આપીને કાર્યક્રમ દીપાવ્યો. અલગ અલગ પક્ષના કુલ ડઝનેક મહાનુભાવો પધાર્યા હતા.

પ્રજાજનોનો મૂલ્યવાન સમય ન વેડફાય એની કાળજી(!!) લઇને કાર્યક્રમ રંગેચંગે શરૂ થયો. સૌ પ્રથમ ત્રણ બાળાઓએ સુમધુર કંઠે પ્રાર્થના ગાઈને કાર્યક્રમને જીવંત બનાવ્યો. પછી સ્થાનિક નેતાઓએ સર્વે મહેમાનોનું પુષ્પગુચ્છથી અભિવાદન કર્યું. આ પ્રસંગે દેશભરમાં એમના બફાટ માટે પ્રખ્યાત એવા “જરીવાલ”ને પણ આમંત્રણ મળ્યું હતું. કોઈ અણઘડ કારીગરે પેકીંગ કર્યું હોય એમ એમના ચહેરા પર ટોપીને માથે મફલર વીંટાયેલું રહેતું. કામ થોડું, લવારી ઝાઝી: તેમના વર્તનમાં આ સૂત્ર હંમેશા સાર્થક થતું જોઈ શકાય.તેમના સ્થાને બિરાજેલા તેઓ એક હોઠ ત્રાંસો રાખીને કારણ વગર વારેઘડીએ સ્મિત આપતા હતા.
થોડા સમયના વિરામ બાદ બે-ત્રણ પ્રભાવશાળી નેતાઓએ પ્રવચન આપ્યું. આયોજકોને ડર હતો કે “જરીવાલજી”ને જો બોલવાની તક નહીં મળે તો એમનું મર્કટ મન આમાં પણ ભ્રષ્ટાચાર શોધશે અને દેશ ગજવશે. એટલે દેશશાંતિ અર્થે તેમના નામની પ્રવચન માટે ઉદઘોષણા થઇ.

“જરીવાલજી”નું નામ બોલાતા જ પૂરું મેદાન તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું. આવું સન્માન તો અગાઉ બોલી ગયેલા એકપણ નેતાને નહોતું મળ્યું. માઇક પાસે પહોંચીને તેમણે બન્ને હાથ હવામાં ફેલાવી અમદાવાદની જનતાનું અભિવાદન સ્વીકાર્યું. તાળી ક્યારે બંધ થાય અને ક્યારે પોતે પરાણે ગોખેલું કેટલુંક હળહળતું સત્ય(તેમના મતે!) બોલે એની રાહ તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ આવતી હતી. ત્રણેક મિનિટ સુધી તો તેઓ તાળીઓની ઝીંક ઝીલતા બનાવટી સ્મિત સાથે ઉભા રહ્યા પરંતુ પાંચ મિનિટ પછી પણ તાળીઓ ચાલુ જ રહેતા અમદાવાદની પ્રજાનું સન્માન તેઓ સાનમાં સમજી ગયા. આંખોમાં ઝળઝળિયાં સાથે ફક્ત “આભાર” બોલી છાનામાના પોતાના સ્થાને જઈ બેઠક ગ્રહણ કરી.
અમદાવાદની જનતાના આ સન્માન(!!)થી તેમને ઊંડે ઠેસ વાગી. જોકે આ સન્માન જરૂરી હતું. સાદાઈમાં જીવનારા એ માણસને આજે મુલાયમ કુશનવાળા ગાદલામાં પણ ઊંઘ નહોતી આવવાની એ નક્કી હતું.

લેખક : હાર્દિક ક્યાડા

દરરોજ આવી અનેક નાની નાની વર્તાઓ વાંચો ફકત અમારા પેજ પર.

ટીપ્પણી