દસ ટચુકડી વાર્તાઓ ફક્ત ત્રણ મિનીટ લાગશે વાંચતા પણ જે વાત સમજવા મળશે તે જીવનભર કામ લાગશે…

૧. લાલ બત્તી થઇ જવા છતાં ચાલી આવેલી એક્ટિવાને પોલીસે દંડો બતાવી ઊભી રખાવી.
“દેખાતું નથી સિગ્નલ બંધ થઇ ગયું છે! તમારો ફોટો પાડવો પડશે; ઇ-મેમો તમારી ઘરે આવી જશે.” ખાખી વર્દીવાળાએ કહ્યું અને ફોટો ખેંચવા પોતાનો મોબાઈલ કાઢ્યો.
“એક મિનિટ…” કોઈ પોતાનો ફોટો પાડી રહ્યું છે એ જોઈ તૃપ્તિએ સ્કાર્ફ હટાવ્યો, લટકાળો પોઝ આપ્યો અને આંગળીઓ વડે અંગ્રેજી મૂળાક્ષર “v”નો સિમ્બોલ દર્શાવ્યો!

૨. મોહિત પોતાના મિત્ર સોહમને કહી રહ્યો હતો, “યાર, આ ગાડી ખરીદી તો લીધી પણ બહુ જામતી નથી.”
સોહમે કહ્યું, “હોઈ કાંઈ, કેટલી જબરજસ્ત છે!”

આ વાતને અમુક દિવસો વીત્યા અને મોહિતનો દરેક મિત્ર મોહિતને કહેવા લાગ્યો, “મોહિત, તારી ગાડી તો સુપર્બ છે…”

ધીમે-ધીમે મોહિતને ગાડી ગમવા લાગી.
ફરી, મોહિત અને સોહમ ભેગા થયા. મોહિતે કહ્યું, “યાર, મારી ગાડી ચકાચક છે હોં!”

સોહમ મલકાયો. તે મનમાં બબડ્યો, ‘મેં જ બધા મિત્રોને તારી ગાડીના વખાણ કરવાનુંકહ્યું હતું! જાત અનુભવ છે, દોસ્ત! આપણી કોલેજની ક્લાસમેટ સરિતા મને પહેલાં ન્હોતી ગમતી પણ પછી બધા છોકરા કહેતા રહેતા કે ‘સરિતા તો ફટકો છે, સરિતા તો માલ છે!’ અને પછી….”

૩. આજે અગિયારસના દિવસે પ્રકાશ વીસમા વર્ષમાં પ્રવેશ્યો. સંયુક્ત કુટુંબમાં રહેતા તેના કાકા દર અગિયારસે નકોરડા ઉપવાસ કરતા. જન્મદિવસની ઉજવણી માટે આવેલ કેક, આઈસ્ક્રીમ, ખમણ, શ્રીખંડ અને દરેક ચટાકેદાર વસ્તુ જોઈ તેમણે કહ્યું, “મારા ભાગનું રાખી દેજો, કાલે ‘ચાખી’ લઈશ!”
આ સાંભળી પ્રકાશને ચમકારો થયો કે અગિયારસના દિવસે તન જ ઉપવાસી રાખવાનું હોય કે મન પણ?

૪. સોસાયટીની બહાર નીકળતી પ્યાલા-બયણીવાળીના ચહેરા પર સ્મિત હતું. તે બબડી, “બેવકૂફ શેઠાણી! તકલાદી વાસણ સામે સારા એવા કપડા મળી ગયા!” તો બંગલા નંબર ૨૧માં રહેતા સરોજબેન પણ ખુશ હતા. તેઓ બબડ્યા, “આ ડફોળ નવી લાગે છે, નહિતર આટલા અમથા જર્જરિત કપડા સામે આવા વાસણ તો ન જ આપે!”
૫. દીપકની મમ્મી, બહેન અને પત્ની ત્રણેય ફિગર કોન્સીયસ છે. તેઓ ભાખરી નથી ખાતા કારણ કે તેમાં મોણ વધારે આવે! પણ, દીપક ભાખરીનો શોખીન છે. તેના માટે ઘરમાં દરરોજ ભાખરી બને છે. જોકે, આજે ભાખરી અને રોટલી બંને વધ્યા છે! ગરમા(ગરવા)માં રહેલી ભાખરી અને રોટલી હાથમાં લઈ દીપક ઘરની બહાર ઊભો રહ્યો.
આપણા દેશમાં રખડતા ઢોરનું બહુ મોટું સુખ છે, આપણે અન્નદાન કરવા દૂર સુધી જવું પડતું નથી!
દીપકે બહુ રાહ ન જોવી પડી, થોડી જ વારમાં એક રખડતી ગાય આવી પહોંચી. દીપકે તેને ભાખરી ધરી, ગાયે તે સૂંઘી અને મોઢું ફેરવી ચાલી ગઈ. દીપકને લાગ્યું કે ગાય ભૂખી નહીં હોય! થોડીવાર પછી બીજી ગાય આવી. દીપકે ભાખરી ધરી, ગાયે તે સૂંઘી અને મોઢું ફેરવી લીધું! દીપકને આશ્ચર્ય થયું. તેણે તે જ ગાયને રોટલી ધરી… દીપકના આશ્ચર્ય વચ્ચે ગાય રોટલી ખાઈ ગઈ!

‘ફિગર કોન્સીયસ!’ મનમાં બબડી દીપક ઘરમાં ચાલ્યો ગયો…

૬. પોતાની પત્ની અને બે બાળકોને મોટર સાઈકલ પર બેસાડી ફરવા નીકળેલા રસિકની આંખો ભગવાધારી સાધુ સાથે મળી. તેને તરત જ વિચાર આવ્યો, “કેટલો સુખી છે આ! રોજરોજના કકળાટથી છુટકારો અને પરમ શાંતિ…” બરાબર ત્યારે ભગવાધારી વિચારતો હતો, “કેટલો સુખી છે આ! રોજરોજની એકલતામાંથી છુટકારો અને સ્ત્રીનો સુંવાળોસંગ…”
૭. પહેલી એપ્રિલની રાત્રે મેહુલે મિત્રોને પાર્ટી આપી. બધા જાણતા હતા કે મેહુલ આજે બાપ બન્યો છે…
એક મિત્રએ ટીખળ કરતાં કહ્યું, “નર્સે મેહુલને કહ્યું હશે કે ‘આપ બાપ બન્યા છો’ ત્યારે ભાઈ સાહેબને એપ્રિલફૂલ બન્યા જેવું લાગ્યું હશે!” અને બધા હસવા લાગ્યા.
“મારી અઠ્યાવીસ વર્ષની જિંદગીમાં હું ક્યારેય એપ્રિલફૂલ બન્યો નથી!” મેહુલે ગર્વ કરતા કહ્યું.
‘પણ, આજે બન્યો છે બેટમજી! બાપ તું નહીં પણ…” મનમાં બોલાયેલું વાક્ય પૂરું કર્યા વગર જ સોહમ આઈસ્ક્રીમ ખાવા લાગ્યો!

૮. છેલ્લા ત્રણ મહિનામાં પિયરમાં ત્રણ મરણ થયા હતા; ઉમરલાયક દાદા, અક્સ્માતે પપ્પા અને ગોઝારી નદીએ ભત્રીજાનો ભોગ લીધો હતો!

હમણાં જ ભત્રીજાનું પાણીઢોળ પતાવી પાછી ફરેલી વનિતાને હર્ષે હરખથી પૂછ્યું, “મમ્મા, આવતા મહિને પાછું મામા ઘરે જવાનું ને?”
વનિતાને પથારીવશ મમ્મી યાદ આવી ગયા; પ્રથમવાર તેને હર્ષનો મામા ઘરે જવાનો હરખ ખૂંચ્યો!

૯. રાત્રે લાઈટ ચાલી જતા છવાઈ ગયેલા અંધકારમાં પાંચ વર્ષની દામિનીએ પૂછ્યું, “મમ્મા, અંધારામાં શેતાન આવે?” અને હેતાલીના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું ;
પોતે આઠ વર્ષની હતી ત્યારે રાત્રિના અંધકારમાં મામાએ કરેલું વહાલ…

૧૦. “અહીંયા દલિતો – સવર્ણો વચ્ચે જે જાતિવાદ છે, તેનો ક્યારેય ઉકેલ આવવાનો નથી. બેટર એ જ છે કે આપણે ફોરેન ચાલ્યા જઈએ. ત્યાં દરેક માણસને સામાન હકો તો મળે છે!” અચલ કાયમ આવું જ કહેતો અને વિદેશગમન માટે જરૂરી પરીક્ષાઓ આપ્યા કરતો.
છેવટે, તેણે જરૂરી ‘બેન્ડ’ મેળવ્યા અને તેની મનની ઇચ્છા પૂરી થઇ. તે વિદેશમાં સ્થાયી થયો તેને હમણાં એક વર્ષ પૂરું થશે.

આજના પ્રતિષ્ઠિત ગુજરાતી અખબારમાં તેનો ફોટો પ્રથમ પાને છપાયો છે. અન્ય દેશના લોકો પોતાના દેશવાસીઓની નોકરી છીનવી રહ્યા છે એમ કહી એક ધોળિયાએ તેની હત્યા કરી નાખી છે!

લેખક : હાર્દિક કનેરિયા

આપને કઈ વાર્તા વધુ પસંદ આવી કોમેન્ટમાં જણાવો, દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી