તમે પણ આવી વાતો તમારી આસપાસ ક્યાંકને ક્યાંક જોઈ જ હશે…

૧. અખબારના પહેલાં પાને સમાચાર છપાયા : ફલાણી અભિનેત્રીનું અકાળે મૃત્યુ થતા આખો દેશ શોકમાં…
અજય પોતે પણ તે અભિનેત્રીનો ગાંડો ફેન હતો. તે તેની અંતિમ યાત્રામાં ગયો. ત્યાં ઘણા લોકો રડી રહ્યા હતા ; એક પુરુષ તો જાણે પોતાની સગી મા ગુજરી ગઈ હોય તેમ ધ્રૂસકે ને ધ્રૂસકે રડી રહ્યો હતો… 

અજયને તેના પ્રત્યે કરુણા જાગી, તેણે બીજી વ્યક્તિને પૂછ્યું, “પેલા ભાઈ કોણ છે જે આટલું બધું રડે છે?”
“હીરોઈનનો મેક-અપ મેન છે!” જવાબ મળ્યો.

અજયને યાદ આવ્યું કે અભિનેત્રીનો મેક-અપનો ખર્ચ મહિને પચીસ લાખ રૂપિયા હતો!

૨. શહેરના રસ્તા પર ચાલવા નીકળેલી સંગીતાના કાનમાં ઇયરફોન હતા. રેડિયો પર ગીત વાગી રહ્યું હતું, “યે મુંબઈ શહેર હાદસો કા શહેર હૈ….યહાં જિંદગી હાદસો કા સફર હૈ…” ત્યાં અચાનક એક રખડતી ગાય રસ્તા પર દોડી અને એક્ટિવા ચાલકે તેનાથી બચવા ગાડી સંગીતા બાજુ વાળી! સંગીતા કૂદીને ફૂટપાથ પર ચડી ગઈ અને માંડ માંડ બચી શકી. બાદમાં, તે ફરી ચાલવા લાગી… આગળ જતા શબ્દો સંભળાયા, “યહાં રોજ રોજ હર મોડ મોડ પે હોતા હૈ કોઈ ના કોઈ હાદસા…” અને જાણે ગીત થોભી ગયું! 

બીજા દિવસના સમાચારપત્રમાં હતું : શહેરના ભરચક એરિયામાં એકસોવીસની સ્પીડે કાર હંકારતા, પૈસાદાર બાપના નબીરાએ એક છોકરીને અડફેટે લીધી ; છોકરીનું ઘટનાસ્થળ પર જ મોત…

૩. દસ વર્ષ પહેલાંની વાત છે….

દસમામાં ભણતા રચિતને રિયા ખૂબ ગમતી. તે તેની સાથે લગ્ન કરવા ઇચ્છતો હતો.
રિયાના ઘરની સામે એક મંદિર હતું; રિયાની ઝલક મેળવવા રચિત મંદિરની પાળીએ બેસતો. ઘરની બહાર નીકળતી રિયાને જોઈ તેના શરીરમાં અદ્ભુત રોમાંચ ઊઠતો. રિયા તેની સામે જોઈ, કોઈપણ જાતનો પ્રતિભાવ આપ્યા વગર અંદર ચાલી જતી.
ધીમે-ધીમે રચિતે રિયાના ભાઈ નવનીત સાથે ઘરોબો કેળવ્યો. સમય વીતવા લાગ્યો ગયો અને નવનીત-રચિત ખાસ મિત્રો બની ગયા.
આજના દિવસે…
નવનીત તથા રચિતના ઘરે માંડવા રોપાયા છે. જીગરજાન મિત્રો જીજા-સાળો બનવાના છે.
મેહુલ સાથે લગ્ન કરી વિદેશમાં સ્થાયી થયેલી રિયા બે દિવસ પહેલાં જ ભારત છે ; પોતાના એકમાત્ર ભાઈના લગ્નમાં તે હાજરી ન આપે એવું કેવી રીતે બને!

૪. આજના અખબારમાં પ્રથમ પાને સમાચાર હતા, “સગીર યુવતીએ લગાવેલ દુષ્કર્મના આરોપસર ઢોંગી બ્રહ્મસાગર કસ્ટડીમાં લેવાયા!”
લગભગ એક મહિના પહેલાંતેમના પ્રવચનમાં જવાનું થયું હતું. તેઓ કહેતા હતા, “આશા ન રાખો તો ય કર્મનું ફળ મળ્યા વગર રહેતું નથી.”

૫. એક નેતા ભાષણ કરી રહ્યા હતા, “અમે એવા રાજ્યનું નિર્માણ કરીશું જેમાં એક પણ વ્યક્તિ ભીખ નહીં માંગતી હોય.”
તે નેતા મુખ્યમંત્રી બન્યા છે અને આજે રાજ્યમાં એક પણ ભિખારી નથી રહ્યો ; દરેક ભિખારીને પકડીને પડોશી રાજ્યમાં છોડી દેવામાં આવ્યો છે!

૬. પ્રકાશ વિદ્યાર્થી હતો ત્યારે તેને લાગતું કે શિક્ષકો લૂંટ ચલાવે છે પણ કોલેજમાં આવી તેણે ટ્યુશન શરૂ કર્યા ત્યારથીતેને લાગવા લાગ્યું કે લોકોને પોતાના સંતાનો સાવ મફતમાં ભણાવવા છે…
કોલેજ પૂરી કરી તે નોકરીએ લાગ્યો અને તેને લાગ્યું કે બોસને ઓછો પગાર આપી એમ્પ્લોયઇ પાસે વધારે કામ કરાવવું છે પણ જ્યારથી તેણે પોતાની કંપની ખોલી છે ત્યારથી તેને લાગવા લાગ્યું છે કે એમ્પ્લોઇને વધારે પગાર લઈ ઓછું કામ કરવું છે!

૭. ગામડાંના એક ‘ખેડૂત’ને દીકરીનું દહેજ આપવા પૈસા ઓછા પડ્યા.
‘દારૂ’ના એક વેપારીને મોજશોખ કરવા પૈસા ઓછા પડ્યા!
ખેડૂતે સબંધીઓ પાસેથી ‘પંદર લાખ’ ઉછીના લીધા.
વેપારીએ બેંકો પાસેથી નવહજાર કરોડ ઉછીના લીધા!
ખેડૂતની ગણતરી ઉલટી પડી, તે સમયસર દેવું ન ચૂકવી શક્યો અને તેણે આપઘાત કરી લીધો.
વેપારીની તો દેવું ચૂકવવાની કોઈ ગણતરી જ ન હતી, તે દેશ છોડીને ભાગી ગયો.

‘ગુનેગાર’ ખેડૂતના ઘરમાં શોકસભા યોજાઈ!

‘બિચારા’ વેપારીના ઘરમાં શોખસભા (પાર્ટી) યોજાઈ!

૮. સવારે દેરાસરમાં ગયેલા જૈન શ્રાવકને મહારાજ સાહેબે કહ્યું, “મહાવીર સ્વામીએ આપેલા પાંચ મહાવ્રતમાંથી કોઈ એકને પાળવાનો નિયમ લો.”

“મહારાજ સાહેબ, હું અચૌર્ય મહાવ્રતનું દ્રઢતાથી પાલન કરીશ.”
એ જ સાંજે હિસાબનું સરવૈયું તપાસતા શ્રાવકે મુનીમને કહ્યું, “સરકારમાં આટલો બધો ટેક્સ ભરીને શો ફાયદો? ગ્રાહક ન માંગે ત્યાં સુધી બીલ બનાવવાનું બંધ કરો!”

૯. હમણાં ત્રણ-ચાર દિવસથી શેરીમાં રહેતા કૂતરાંને શરદી થઈ ગઈ હતી. તે સતત ગળું ખોંખાર્યા કરતો અને ક્યારેક ઊલટી પણ કરતો…

“રીહાન, એનીમલ હેલ્પલાઈનમાં ફોન કર જોઈએ…. આની કંઈ સારવાર થાય તો કરાવીએ!” ધર્મપ્રિય, દયાવાન જીતેશભાઈએ અઢાર વર્ષના દીકરાને કહ્યું.

“એ તો જયારે બે ઋતુ ભેગી થાય ત્યારે કૂતરાંને શરદી-ઉધરસ થઈ જાય… તેને બોઈલ કરેલું ઈંડું ખવડાવો, ઘણી રાહત થઈ જશે!” ફોન પર જવાબ મળ્યો.
“ના રે… ઈંડું કોણ ખવડાવે!” લસણ-ડુંગળી પણ ન ખાવાની ગુરુની વાતને ચુસ્તતાથી વળગી રહેતા જીતેશભાઈ આ વાત કેવી રીતે માને?

સાંજે જીતેશભાઈ ઘરના મંદિરમાં પૂજા કરવા બેઠા અને રીહાને લારી પરથી ઈંડું લાવી કૂતરાંને ખવડાવી દીધું. મંદિરમાં બિરાજેલા પથ્થરના ભગવાન જીતેશભાઈ સામે હસતા રહ્યા અને કૂતરાંની અંદર બિરાજેલા ભગવાન રીહાનને આશીર્વાદ આપતા રહ્યા!

૧૦. સવારે ગાડી હંકારતા જતા મોહનલાલ ફૂટપાથ પર બેઠેલા ગરીબને જોઈ દરરોજ બબડતા, “આ તે કેવી ‘જાનવર’ જેવી જિંદગી! ન તો રહેવા માટે ઘર છે, ન તો સૂવા માટે પલંગ!”
અને રાત્રે… ફૂટપાથ પર રહેતા ગરીબના નસકોરાંના અવાજથી રાતની ભેંકાર શાંતિનો ભંગ થતો જયારે મોહનલાલ…

લેખક : હાર્દિક કનેરિયા

તમને આ ૧૦ માંથી કઈ વાર્તા વધુ પસંદ આવી કોમેન્ટમાં જરૂર જણાવજો, અને દરરોજ આવી અનેક અવનવી વાર્તાઓવાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી