: તમે પણ આ વાર્તાઓ તમારી આસપાસ જોઈ જ હશે આજે વાંચો અને અનુભવો…


પાનના ગલ્લે ઉભેલ નવરીબજારે સીટી મારી. તેણે તેની છેડતી કરતા કહ્યું, “એ માલ ક્યાં જાય છે?”
“આ હલકટને કંઈ કામધંધો નથી અને બધાની છેડતી કરે છે!” મનમાં બબડી પુરુષે ચાલતી પકડી.
દૂર જઈ રહેલા એ પુરુષને જોઈ, છોકરીએ સિગારેટનો ધુમાડો બહાર કાઢ્યો અને ફ્લાઈંગ કિસ આપી!

૨.

“બાયલાવેડા અને મર્દાનગીમાં શો ફરક હોય?” સાત વર્ષના પૌત્રએ દાદાને પૂછ્યું.
“અન્યાય કે ખોટું થતું જોઇ આંખ આડા કાન કરે તેને બાયલો કહેવાય અને તે અન્યાય સામે અવાજ ઉઠાવે તે મરદ!” દાદાએ ટટ્ટાર થઈને જવાબ આપ્યો.
આ વાત થયાના થોડા દિવસો પછી દાદા-દીકરો ક્યાંક જઈ રહ્યા હતા. તેમણે જોયું કે રસ્તા પર કોઈ બદમાશ એક ગરીબને દબડાવી રહ્યો છે. દાદાએ વચ્ચે પડ્યા વગર ચાલતી પકડી. પૌત્રએ તેમની સામે જોયું એટલે દાદાએ કહ્યું, “બેટા, આવા સંજોગોમાં વ્યવહારુ બની જવું જોઈએ!”

૩.

છાપું વાંચી રહેલા મહેશને તેના દીકરાએ પૂછ્યું, “પપ્પા, ન્યુટનની ગતિનો ત્રીજો નિયમ શું છે?” અને મહેશનું ધ્યાન એક ન્યુઝ પર ગયું. તેમાં લખ્યું હતું : “પડોશમાં રહેતી સ્ત્રી સાથે લફરું કરનાર પતિ સામે બદલો લેવા પત્નીએ તે જ સ્ત્રીના પતિ સાથે લફરું કર્યું…”

૪.

આજની જનરેશનને વાંચતા કરવા શું કરવું જોઈએ એ વિષય પર “વાંચે બાળકો” નામના વ્હોટ્સએપ ગ્રુપમાં ચર્ચા ચાલી રહી હતી. બગીચાના એક બાંકડા પર બેસેલી પારગીએ પોતાનો ઈનપુટ લખી સેન્ડ બટન દબાવ્યું અને તેની દીકરીએ કહ્યું, “મમ્મા, મને ફોન જોઈએ છે.” પારગીએ તેને પોતાનો ફોન આપ્યો અને તે ગેમ રમવા લાગી. ફોન વગર નવરી પડી ગયેલી પારગીએ સામે નજર માંડી. ત્યાં બાંકડા પર એક ત્રીસેક વર્ષનો યુવાન ચોપડી વાંચતો બેઠો હતો. તે યુવાનની બાજુમાં બેઠેલા તેના સાત વર્ષના દીકરાના હાથમાં પણ પુસ્તક હતું.

૫.

પ્રભાત પછી સવાર અને સવાર પછી બપોર થવા આવી… ગઈકાલ રાત્રે મોડે સુધી જાગેલો વરદાન હજુ ય ઊંઘમાં હતો. તેને સ્વપ્નમાં શુકન-અપશુકન પર વ્યાખ્યાન આપતા મહાપુરુષ દેખાયા. તેઓ કહેતા હતા, “જો ઉઠતાવેંત કોયલનો ટહુકો સાંભળવા મળે તો તે બહુ મોટું શુકન કહેવાય. તેનાથી શુભસમાચાર મળે છે.” અને વરદાનને તેની દીકરીનો અવાજ સંભળાયો, “પપ્પા, કેમ હજુ સુધી સૂઈ રહ્યા છો? તબિયત તો ઠીક છે ને?”

૬.

“વસુધૈવ કુટુંબકમ્” વિષય પર પ્રવચન આપતા વ્યક્તિએ કહ્યું, “આપણે પહેલા દુનિયા, પછી દેશ, પછી સમાજ, પછી કુટુંબ અને પછી પોતાનો વિચાર કરવો જોઈએ.”
સાંજે મંદિરમાં દીવાબત્તી કરતા તેમણે ભગવાન સમક્ષ પ્રાર્થના કરી : “હે ભગવાન, મારા કુટુંબ-પરિવાર, સમાજ, દેશ, દુનિયાની રક્ષા કરજે.”

૭.

“મમ્મા, જંગલમાં રહેતા આદિવાસી કેવા હોય?” પાંચ વર્ષના દીકરાએ કાર્ટૂન જોતા જોતા પૂછ્યું.
“બેટા, એ લોકો બહુ ઓછા વિકસિત હોય, આપણી જેમ કલ્ચર્ડ ન હોય અને જંગલી જીવન જીવતા હોય…”
“હમ્મ…” દીકરો ફરી કાર્ટૂન જોવા લાગ્યો.
થોડીવાર પછી મમ્મી છાપું વાંચવા લાગી. તેમાં એક સર્વે છપાયો હતો : “જંગલમાં રહેતા આદિવાસીઓમાં થતા બળાત્કાર અને સ્ત્રીભ્રુણહત્યાનો આંકડો શૂન્યની નજીક છે.”

૮.

“દાન કરવું તો એવી રીતે કરવું કે જમણા હાથે આપો તો ડાબા હાથને પણ ખબર ન પડે! એમ તો હું ય વર્ષે દા’ડે પાંચ લાખ રૂપિયાનો ધર્માદો કરું છું, વીસ ગરીબ બાળકોને ભણાવું છું, બાર વિધવા બહેનોને સીધું પહોંચાડું છું, પણ આજસુધી કોઈને ખબર પડવા દીધી નથી.” જયારે પણ ટોળામાં બેઠા હોય ત્યારે મનુભાઈ શેઠ ‘દાન તો ગોપનીય જ હોવું જોઈએ’ એ વિષય પર બોલ્યા વગર રહી શકતા નહીં.

૯.

ઈ-મેમો ભરવા ગયેલા પંકજે એક કોન્સ્ટેબલને જોયો. તે બ્રેડનું મોટું પેકેટ અને દૂધની થેલી લઈ આવ્યો હતો. બહાર રખડતા કૂતરાઓને તેણે બુચકાર્યા અને બધું ખવડાવી દીધું.
“વાહ…” પંકજ મનોમન બબડ્યો.
એવામાં એક ગરીબ માણસ કોન્સ્ટેબલ પાસે આવ્યો અને પેકેટ આપી કહેવા લાગ્યો, “સાહેબ આટલી જ વ્યવસ્થા થઇ છે. મુજ ગરીબથી વધારે થઇ શકે એમ નથી.”
“એમ નહીં ચાલે… અમે કંઈ ધર્મશાળા ખોલીને નથી બેઠા કે તું આપે એટલું લઇ લઈએ. માંગ્યા એટલા જમા કરાવ… પછી જ કામ થશે.” કોન્સ્ટેબલે કડક અવાજે કહ્યું.
“ગાયને દોહી કૂતરાને પાઈ દેવું તે આનું નામ…” પંકજ મનોમન બબડ્યો.

૧૦.

સંતાનો સાથે કેવી રીતે વર્તવું એ વિષય પર સ્પીચ આપી સ્પીકર ઘરે આવ્યા.
દીકરાએ ધ્રૂજતા હાથે પરિણામપત્રક બતાવ્યું.
“ખાલી બ્યાંસી ટકા?” દીકરાના ગાલ પર જોરદાર તમાચો પડ્યો.

લેખક : હાર્દિક કનેરિયા

દરરોજ આવી નાની નાની સમજવા જેવી વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ-  જલ્સા કરોને જેંતીલાલ 

ટીપ્પણી