ચમત્કાર – દરેક કોલેજ જતા સંતાનોને ખાસ વંચાવજો આ વાર્તા…

ચમત્કાર

“અલ્યા,મારા પપ્પા તો બહુ જ ચીંગુસ.. કોઈ પણ ખર્ચ માટે પૈસા માંગીએ એટલે એમનું કરકસર વિશે લાંબુલચ ભાષણ શરૂ થઇ જાય. તેઓ નાના હતા ત્યારે કઈ રીતે પૈસા વાપરતા એ બધી વાતો તો હવે હું ય શબ્દે શબ્દ બોલી શકું એટલી વાર એમણે મને કહી હશે”હર્ષ પોતાના પપ્પા પ્રત્યેનો અસંતોષ વિનય અને સાહિલ સામે ઠાલવી રહ્યો હતો. વિનય અને સાહિલની પરિસ્થિતિ કંઈ વધારે સારી નહોતી પરંતુ તે બન્ને ઘરમાં બધું જોતા અને સમજતા. પોતાના પપ્પા દિવસરાત કેટલી મહેનત કરે છે ત્યારે બે છેડા ભેગા થાય છે તેવું તે જાણતા! જે કંઈ સગવડ મળે તેમાં ખુશ રહેવું એવું તે શીખ્યા હતા.

હર્ષની મોટી બહેન કૃતિકા ઓછા પૈસે ભણીને સારા ગુણ લાવી હતી. જોકે સોફ્ટવેર એન્જિનિયર કૃતિકાનો ભાઈ (હર્ષ) પાસિંગ માર્ક્સથી જ સંતુષ્ટ રહેતો!! કૃતિકાના લગ્ન બે વર્ષ પહેલા જ ભાવેશ સાથે થયા હતા. ભાવેશ આર્થિક રીતે મધ્યમ કહી શકાય તેવા પરિવારનો, પણ સંસ્કારી દીકરો હતો. બન્નેની મુલાકાત એ જ કંપનીમાં થઇ હતી જ્યાં તેઓ નોકરી કરતા. એક-બે વર્ષ સાથે રહ્યા બાદ પાંગરેલો પ્રેમ સાદગીભર્યા લગ્નમાં પરિણમ્યો. મહેશભાઈ ચોક્કસપણે કૃતિકાની જવાબદારીમાંથી મુક્ત થયા હતા પરંતુ તેમને હર્ષની ચિંતા રહેતી.

હર્ષ નાનપણથી જ જીદ્દી હતો, પોતાને ગમતી વસ્તુ મેળવવા માટે તે હઠે ચડતો અને જે તે વસ્તુ મેળવીને જ જંપતો. મહેશભાઈ તેને ખુબ સમજાવતા કે જીદના પરિણામ સારા નથી હોતા પણ હર્ષ એ સાંભળ્યું ન સાંભળ્યું કરતો. વળી એકનો એક દીકરો હોવાથી શોભાબહેન હર્ષને ખૂબ જ લાડ લડાવતા, પરંતુ દરેક વસ્તુની એક મર્યાદા હોય છે તે તેઓ વીસરી ગયા હતા. જેમ જેમ હર્ષ મોટો થતો હતો તેમ તેની જીદ વધતી જતી હતી.

મહેશભાઈ સ્વભાવે સીધાસાદા અને સરળ માણસ હતા, જીંદગીમાં કંઈ ખોટું કરેલું નહી ને નીતિથી જીવવામાં માનનારા. મહિને જે અઠ્ઠાવીસ-ત્રીસ હજાર મળતા એમાં પ્રભુકૃપા માનીને સાદાઈ અને ખુશીથી જીવતા.
હર્ષને એન્જિનિયરીંગનું છેલ્લું વર્ષ ચાલતું હતું. સવારે શિરામણમાં તેણે વાત મૂકી, “પપ્પા… ત્રણ-ચાર દિવસમાં ચાળીસેક હજારની વ્યવસ્થા કરી રાખજો, ફી ભરવાની છે.”

“પણ બેટા, ફી તો હરહંમેશ તેંત્રીસ હજાર પાંચસો હોય છેને?!!!”
“હા, પણ મેં મિત્રો સાથે આબુ જવાનો કાર્યક્રમ બનાવ્યો છે તો થોડાક ખણખણિયા જોઇશે.”
“દીકરા, આપણે આવા ખોટા શોખ ન કરીએ તો ન ચાલે?? અમે તો ફરવાનું મન થાય ત્યારે કાંકરિયામાં આંટો મારી આવતા.” બને તેટલા મૃદુ અવાજે મહેશભાઈએ કહ્યું.
“એ તો તમારી વખતે જતા હશે કાંકરિયા. મારા બધા મિત્રો તો છેક દિલ્હી સુધી ફરી આવ્યા છે અને હું અમદાવાદની બહાર પણ નથી નીકળ્યો.”

“જો બેટા, અત્યારે તો તારી ફીના પણ માંડ-માંડ થાય છે! તું સમજે તો સારું બાપલિયા.”

“એ હું કંઈ ન જાણું. મારે ત્રણ-ચાર દિવસમાં પૈસા જોઇશે. મારો મૂડ ખરાબ કરી નાખ્યો.” નાસ્તાને હડસેલો મારી હર્ષ ઊભો થયો ને પોતાના રૂમમાં ભરાઈ ગયો.
મહેશભાઈની તગતગતી આંખોને હર્ષના મમ્મી જોઈ રહ્યા. તેમની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી હતી. પતિની લાચારી તેમનાથી જોઈ ન શકાતી અને દીકરા પ્રત્યેનો પ્રેમ તેમને વ્યથિત બનાવી મુકતો.


આ વાતને બે-ત્રણ દિવસ થયા હશે ને સૂતેલા હર્ષની ઊંઘમાં અવાજથી ખલેલ પડી. રૂમની બહાર ધીમા સાદે થતો ગણગણાટ તેણે સાંભળ્યો. અવાજ ન થાય તેમ બારણાનો નોબ ઘુમાવી અધૂકડું બારણું ખોલીને તેણે બહાર જોયું. દૂરના કૂટુંબી વિમલભાઈને હર્ષના પપ્પા વિનવી રહ્યા હતા. ખૂબ ધીમેથી બોલાયેલ એકેએક શબ્દમાં હર્ષને લાચારી મહેસુસ થઈ, “તમે હવે થોડાક મહિના ખમી જાવ. મારો હર્ષ થોડા સમયમાં જ કોઈ નોકરી શોધી લેશે. હું બહુ જલ્દી તમારા પૈસા વ્યાજસહિત ચૂકવી આપીશ. બે લાખ રૂપિયાની વ્યવસ્થા તાત્કાલિક થાય એમ નથી. તમે થોડું સમજો.”

“જુઓ મહેશભાઈ, મારે રૂપિયાની જરૂર ન હોત તો આમ અર્ધી રાતે ઉઘરાણી કરવા ન આવત. વળી, તમારા પિતાજીએ મારા પિતાજીને ભૂતકાળમાં મદદ કરેલી એટલે હું તમારી શરમ ભરું છું. અત્યારે તો જઉં છું પણ જેમ બને તેમ જલ્દી વ્યવસ્થા કરી દેજો.” વિમલભાઈના અવાજમાં કડકાઈ હતી.
એમના ગયા પછી હર્ષની હાજરીથી અજાણ મહેશભાઈએ હર્ષના મમ્મીને કહ્યું, “જોજે, હર્ષને આ વાતની ખબર ના પડે. ખોટી ઉપાધિ કરશે તો તેના અભ્યાસ પર અસર પડશે.” પપ્પાની લાગણી હર્ષે મહેસૂસ કરી.
તેની હાલત ખરાબ થઇ ગઈ. અણગમતું પણ વરવું સત્ય જોઈ-સાંભળીને તેની આંખોમાં આંસુ આવી ગયા. ઓશિકામાં મ્હોં રાખી તે ધ્રુસકે-ધ્રુસકે રડ્યો. અત્યાર સુધી કરેલી ખોટી જીદ માટે તેને પસ્તાવો પણ થયો. તેને વધારે દુઃખ તો એ બાબતનું હતું કે પપ્પાને ઓળખવામાં પોતે થાપ ખાધી હતી.

આખી રાત હર્ષને ઊંઘ ન આવી, તેણે કંઇક નિર્ણય કર્યો. બીજા દિવસે સવારે મહેશભાઈએ ચાળીસ હજાર આપ્યા ત્યારે તે ગણીને સાડા છ હજાર પાછા આપતા હર્ષે કહ્યું, “તમે ફી માટે આપ્યા છે તેનું ઋણ પણ ક્યારેય હું અદા નહીં કરી શકુ! આઈ લવ યૂ પપ્પા.” હર્ષના ગળે ડૂમો બાઝ્યો.
હર્ષના આવા વર્તનથી મહેશભાઈને ખૂબ આશ્ચર્ય થયું. હર્ષમાં આવેલો બદલાવ તેમને મન કોઈ ચમત્કાર જ હતો. તેઓ અને શોભાબહેન મનોમન ખુશી અનુભવી રહ્યા.

લેખક : હાર્દિક ક્યાડા

દરરોજ અવનવી વાર્તાઓ વાચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી