વિદેશી કંપનીઓને ભારે પડ્યો ગુજ્જુ પટેલ, વિદેશમાં ચાલે છે પાઠ

- Advertisement -

9167_nir--00સાયકલ પર થેલો ભરાવીને સવાર પડતા જ એક યુવાન ઘરે ઘરે ડિટર્જનટ પાવડર વેચવા નીકળી પડે છે. ગામડાં અને શહેરમાં ‘કપડાં ધોવાની ભુક્કી’ તરીકે ઓળખાતા ડિટર્જન્ટ પાવડરની ભારે માંગ હતી કારણ કે તેની ક્વોલિટી ખૂબ સારી અને ઉત્તમ હતી. બસ આ જ ઓળખ આજે વિશ્વ સમક્ષ એક મોટી કંપની અને થેલો લઈને વેચવા જતો યુવાન આજે દેશના ટોપ બિઝનેસમેનમાં નામ ધરાવે છે. સાઈકલ પર ડિટર્જન્ટ વેચનાર આજે દેશના ખૂણે ખૂણે પોતાની બ્રાન્ડ મોકલી રહ્યો છે, પોતાની આલિશાન ઓફિસમાં બેઠાં બેઠાં. આ ‘ડિટર્જન્ટ કિંગ’ એટલે ગુજરાતી ઉદ્યોગપતિ કરશનભાઈ પટેલ.

કરશનભાઈ પટેલ સામાન્ય પટેલ પરિવારમાં થયો હતો. ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં રૂપપુર ગામ તેમનું મૂળ વતન. કેમિકલનો સારો અનુભવ હોવાના કારણે કરશનભાઈનો જીવ હંમેશા નોકરી કરતા કંઈક નવું કરવામાં રહેતો. શરૂઆતમાં તેમણે રાજ્ય સરકારમાં જિયોલોજી એન્ડ માઇનિંગ ડિપાર્ટમેન્ટમાં લેબ ટેક્નિશિયન તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. પરંતુ બાદમાં પોતાનો ખુદનો વ્યવસાય કરવાના ઈરાદા સાથે જ તેમણે સરકારી નોકરીને અલવિદા કહી દીધું અને સર્જાયો ઈતિહાસ. આજે આ ઈતિહાસ દેશ અને દુનિયામાં ‘નિરમા’ ના નામે ઓળખાય છે.

એ વખતે ડિટર્જન્ટ પાવડર સાધારણ સાબુની સરખામણીએ ખાસ્સા મોંઘા હતા. ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે આ પાવડરનો ઉપયોગ કરવો ગજા બહારની વાત હતી. કરસનભાઈના મગજ ઉપર સસ્તો ડિટર્જન્ટ પાઉડર બનાવવાની વાત છવાઈ ગઈ. શરૂઆતમાં ઘણા પ્રયત્નો બાદ તેમણે પીળો પાવડર બનાવ્યો. આ પાવડરને તેમણે જાતે જ વિવિધ જગ્યાએ જઈને વેચ્યો. શરૂઆતમાં તેમણે લોકોને પાવડર વાપરવા માટે આપ્યો. સાથે તેના પરિણામો જણાવવા કહ્યું. મહેનત રંગ લાવી. પરિણામ સારા આવ્યા. બસ આ પરિણામોને ધ્યાનમાં રાખીને જ કરશનભાઈએ માર્કેટમાં ઉતરવા માટેની રણનીતી બનાવી લીધી.

એકલા હાથે ડિટર્જન્ટ પાઉડરનો બિઝનેસ શરૂ કર્યો અને ભારતીય ગૃહિણીઓની કપડાં ધોવાની પ્રણાલી જ બદલી નાખી. ઉચ્ચ ગુણવત્તા અને ઓછી કિંમતથી મલ્ટિનેશનલ કંપનીઓને માત આપનાર કરસનભાઈએ કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ્સ જેવાં ક્ષેત્રોમાં વૈવિધ્યકરણ કરીને તેમના વ્યવસાયને વિસ્તાર્યો છે. તેમણે પોતાની પુત્રી નિરુપમાના નામ પરથી ‘નિરમા’ ડિટર્જન્ટ પાઉડર બનાવ્યો. આ પાવડર અન્ય બ્રાન્ડેડ કંપનીઓ કરતા ચાર ગણો સસ્તો વેચવા લાગ્યા. ત્યારબાદ ‘નિરમા’ના નામથી આ કંપની લિસ્ટેડ પણ થઈ. બસ ત્યારથી સફળતાની સીડી પકડીને કરશનભાઈ આજે સાબુ અને ડિટર્જન્ટ માર્કેટમાં કિંગ થઈને બેઠા છે.

ભલભલી મલ્ટીનેશનલ કંપનીઓ પણ તેમની આગવી કોઠાસૂઝ આગળ વામણી પૂરવાર થઈ છે. કરશનભાઈની કોઠાસૂઝ દેશમાં જ નહીં વિશ્વની ટોપ ગણાતી યુનિવર્સિટીમાં પહોંચી છે. પ્રતિષ્ઠિત બિઝનેસ સ્કૂલ હાવર્ડના વિદ્યાર્થીઓએ કેસ સ્ટડીની માફક નિરમા લૉન્ચિંગનો અભ્યાસ કર્યો છે. વિશ્વભરના માર્કેટિંગ ગુરૂઓએ કરસન-કરિશ્માનો દાખલો આપતા વિદ્યાર્થીઓને માસ પ્રોડક્ટ અને બ્રાન્ડ લૉન્ચિંગના પાઠ ભણાવ્યા છે.

આજે એક લાખ મેટ્રિક ટન કરતા પણ વધુ બાથ સોપ બનાવી નિરમાને જબરદસ્ત નફાવાળી બીજી સૌથી મોટી કંપની બનાવી દીધી છે. નિરમાનો દાવો છે કે 40 કરોડ કરતા પણ વધારે ભારતીયો નિરમાના ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. કરશનભાઈ કહે બિઝનેશનો મંત્ર સમજાવતા કહે છે કે ‘તાકાતવર હરીફની દેખાતી તાકાતથી ડરો નહીં બસ તેમની ડૂબતી નસ પકડી લો અને તેને જ તમારૂં હથિયાર બનાવી લો. હરીફ જ્યારે પોતાનો બચાવ કરે ત્યારે તમારી જીતનો અવસર મનાવો અને જ્યારે સામો વાર કરે ત્યારે માનવુ કે જીતની શરૂઆત થઈ ચુકી છે’ બસ આ મંત્રના જોરે આજે નિરમા કંપની દેશ અને દુનિયામાં સ્થાન પામી છે. વર્ષ 2005માં ફોર્બ્સે બહાર પાડેલી વિશ્વની બિઝનેસમેનની યાદીમાં કરશનભાઈનો સમાવેશ થયો હતો. હેપ્પી બર્થ ડે કરશનભાઈ…..

 

ટીપ્પણી