હનુમાનજી ‘વાંદરો’ નથી ! હનુમાન દાદા વિષે વાંચવા જેવું સત્ય !!!!

રામાયણમાં ‘વાનર’ શબ્દ છે એનું આપણે કરી નાંખ્યું, ‘વાંદરો’. ‘वा नर’ એટલે કે ‘નર અથવા’ (અન્ય કોઈ). આ જાતિની વર્તણૂંક એટલી ચંચળ હોય છે કે આપણને એના નર હોવા અંગે શંકા જાય. ‘વાનર’ એટલે વાંદરો નહિ. પૃથ્વી પર અનેક માનવ જાતિઓ વસવાટ કરે છે, જેમાં વાનરની સાથે ‘સર્પ’, ‘નાગ’ વગેરે જાતિનો પણ સમાવેશ થાય છે. ઈંદ્રપ્રસ્થ વસાવવા માટે પાંડવોને ખાંડવવન બાળવાની જરુર જણાઈ ત્યારે ત્યાં નાગ જાતિની વસતી રહેતી હતી. અનેક વાર સૂચના આપવા છતાં નાગ લોકોએ વસાહત ખાલી ન કરી આપી ત્યારે કૃષ્ણે તમામ વન બાળીને નાગ જાતિનો સફાયો કર્યો છે. આપણે જાણીએ છીએ કે ત્યારથી નાગ લોકો પાંડવો પર વેર વાળવા તત્પર રહ્યા છે અને અભિમન્યુના દીકરા પરીક્ષિતને માર્યો ત્યારે તેઓનું વેર શાંત થયું છે.

ખરેખર તો હનુમાન બુદ્ધિમતામ વરિષ્ઠમ છે. આપણાં પૂર્વજ વાંદરા હતા એ કલ્પના બોગસ સાબિત થઈ છે. ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ ખોટો સાબિત થઈ ચૂક્યો છે. વળી અંગ્રેજોએ આપેલી વિકાસની કલ્પના કે વિકાસ સીધી લીટીમાં ‘ફ્રોમ બોટમ ટુ ટોપ’ થાય છે એ વાત પણ બહુ મોટો ભ્રમ છે. આપણે પ્રથમ જંગલી હતા અને હવે સુધર્યા છીએ એવું નથી પરંતુ સૃષ્ટિની ગતિ ચક્રાકાર છે અર્થાત ક્યારેક સંસ્કૃતિનો સુવર્ણકાળ હોય છે તો ક્યારેક એનો અધ:પતિત કાળ પણ આવે છે. આવું હોય ત્યારે સમસ્ત માનવ જાતિને વાંદરાની અનુગામી અને હનુમાનને વાંદરો ચીતરીને આપણે તેઓનો અક્ષમ્ય અપરાધ કરી રહ્યા છીએ. મને એ વાતનો આનંદ છે કે મારા ઘર પાસે ભીડભંજનમારુતિનું મંદિર છે જેમાં હનુમાનજી માનવચહેરાવાળા છે.

હનુમાનજીને આપણે પવનપુત્ર કહીએ છીએ. તેઓ રુદ્ર અવતાર તરીકે પણ જાણીતા છે. કોઈ વાંદરો ગમે તેટલો વિકાસ કરી લે એ માણસ નથી બની શકતો. વાયુપુત્ર જેવા દેવ બનવાનો તો સવાલ જ પેદા નથી થતો. આ બાબતની સ્પષ્ટતા આપણા ધર્મગુરુઓ કરતા નથી તેથી અમેરિકા-ઈંગલેંડમાં ભણતા આપણા બાળકોને ખુબ તકલીફ પડે છે. ‘મંકી ગોડ’ કહીને હનુમાનજીનું તેમજ ‘એલીફંટ ગોડ’ કહીને ગણેશજીનું અપમાન કરીને વિધર્મીઓ ડગલે ને પગલે હિંદુઓની લાગણીઓ દુભાવી રહ્યા છે ત્યારે આ મુદ્દે બૌદ્ધિક સ્પષ્ટતા થઈ જાય એ ઘણું જરુરી છે. કોઈ ક્રાંતિકારી ધર્મગુરુએ હનુમાનજીની એવી મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવી જોઈએ કે જેને જોઈને લાગે કે ‘આ હનુમાનજી ખરેખર ‘બુદ્ધિમતામ વરિષ્ઠમ’ છે.’

Gujaratijoks hanuman

બુદ્ધિમતામ વરિષ્ઠમ

લંકા પર હુમલો કરવાનું નક્કી થઈ ચૂક્યું છે. છેલ્લી ઘડીની તૈયારીઓ ચાલે છે. રહસ્યમયી યોજનાઓને આકાર આપવા બન્ને પક્ષો તલપાપડ થઈ રહ્યા છે. ત્યારે શત્રુપક્ષમાંથી કોઈ દૂત કે સૈનિક નહિ પણ ખુદ રાવણનો ભાઈ વિરોધી પક્ષને મળવા આવી રહ્યો છે. શા માટે? ટોચની ઉત્તેજના સર્જાઈ છે. એને રસ્તામાં જ મારી નાંખવો કે એ શું કરે છે એ જોવું? વિભીષણ આવીને કહે છે કે પોતે રામના પક્ષમાં જોડાવા આવ્યો છે. છેલ્લી ઘડીએ કોણ એની વાત પર વિશ્વાસ કરે? અત્યાર સુધી રાવણના પક્ષે શા માટે રહ્યો? ભાઈનો પક્ષ છોડવામાં શું સ્વાર્થ છે એનો? શત્રુપક્ષની ગુપ્ત બાબતો જાણવા પણ એ આવી શક્યો હોઈ શકે! વિભીષણ દગો નહિ દે એની શું ખાતરી? એવું પણ બને કે ઉતાવળમાં આગંતુકને મારી નાંખવામાં આવે તો શત્રુપક્ષની નબળાઈઓ જાણવાની રહી જાય. શું કરવું? રામ નિશ્ચિંત હતા. કારણ બુદ્ધિમતામ વરિષ્ઠમ તેઓની સેવામાં હાજર હતા.

રામના પક્ષે અનેક મતો વિભીષણનાં આગમનથી ઉપસ્થિત થયા હતા. કોઈ એક ભૂલ થઈ કે ખેલ ખલાસ. ગણતરીઓ ખોટી પડે તો વિશ્વભરમાં જામેલી પ્રતિષ્ઠા પળભરમાં ખતમ થઈ જાય. રામે હનુમાનજીને યાદ કર્યા છે. “હનુમાન, આવ અને વિભીષણને જો. કહે, આપણે શું કરવું?” હનુમાનજી ફેસ રિડિંગમાં એક્સપર્ટ હતા. હૃદયના ભાવો ચહેરા પર તેમજ આંખોમાં દેખાયા વિના રહેતા નથી. કોઈ લાખ ચાલાકી કરે ચહેરાના ભાવોને છુપાવાની, એ ભલભલાંની આંખમાં ધૂળ નાંખી શકે પરંતુ હનુમાનજી આગળ એની ચાલાકી ચાલી શકે નહિ, એવું રામ જાણતા હતા. પછીનો ઈતિહાસ આપણે જાણીએ છીએ. કોઈ કહે, કે “એમાં શું? હનુમાનજી લંકામાં ગયા હતા અને વિભીષણના ઘરે તુલસીક્યારો તેમજ ધાર્મિક ચિહ્નો જોયા હતા.” થોડું વિચારો: ભારત પાકીસ્તાન પર ચડાઈ કરવાનું હોય ત્યારે પાકીસ્તાનનો કોઈ હિંદુ મંદિરનો પુજારી છેલ્લી ઘડીએ ભારતની મદદે આવે તો ભારતીય સેના અધિકારી એની વાત પર વિશ્વાસ કરી લે? તો પછી રાજાના ભાઈ પર વિશ્વાસનો તો કોઈ પ્રશ્ન જ નથી.

એ જ રીતે વનવાસ પૂર્ણ થતાં રામ પોતાનાં આગમનનાં સમાચાર ભરતને આપવા હનુમાનને મોકલે છે. જેથી ભરતના ચહેરા પર ગમા-અણગમાનાં ભાવ વાંચીને અયોધ્યા જવું કે પાછા ફરી જવું એ રામ નક્કી કરી શકે. રામ હનુમાનને બોલાવે ત્યારે, ‘હે પ્રાજ્ઞ’, ‘હે ધીર’, ‘હે વીર’, ‘હે રાજનીતિનિપુણ’ વગેરે સંબોધન કરે છે. હનુમાન માનસશાસ્ત્ર, રાજનીતિ, સાહિત્ય, તત્વજ્ઞાન વગેરે શાસ્ત્રોના જ્ઞાતા તેમજ અગિયારમાં વ્યાકરણકાર હતા. વાલીને માર્યા બાદ સુગ્રીવને ગાદી મળે છે ત્યારે અંગદ રાજ્યના ભાગલા પાડવાનું નક્કી કરે છે ત્યારે હનુમાનની અક્કલ તેમજ મુત્સદ્દીગીરીથી અંગદ માની જાય છે એટલું જ નહિ પણ રાજ્યનો એકનિષ્ઠ સેવક બનીને જીવનપર્યંત કાર્ય કરે છે. આ બાબતો હનુમાનજીને બુદ્ધિમતામ વરિષ્ઠમ સાબિત કરે છે. આપણે વાંદરાને વાંદરો રહેવા દઈએ અને હનુમાનજીને વિશ્વમાં સાચી પ્રતિષ્ઠા અપાવવા કટિબદ્ધ થઈએ.

સૌજન્ય : કલ્પેસ સોની

ટીપ્પણી