જમતા પહેલા હાથ જરૂર ધોવાની આદત રાખો, નહિ તો આ બીમારીઓ ફ્રીમાં આવશે

ચેપી રોગોની બાબતમાં એક નાનકડી ભૂલ પણ રોગોના ફેલાવા માટે પૂરતી ગણાય છે ને એ ચેપ અટકાવવા માટે દિવસમાં અમુક ચોક્કસ કામો કરતાં પહેલાં અને પછી હાથ ધોવાની આદત પાડવી ખૂબ જ અનિવાર્ય છે. વાઇરલ કે બૅક્ટેરિયલ ઇન્ફેક્શનો એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી ફેલાય છે એમાં હવાનો તો ફાળો છે જ, પણ સાથે આપણા હાથની ગંદકી પણ ઘણે અંશે કારણભૂત ગણાય છે. શેકહૅન્ડ કરવાથી પણ અનેક પ્રકારના વાઇરસ અને બૅક્ટેરિયલ ચેપો ફેલાય છે. આ માટે નિયમિત હાથ ધોવાની આદત પાડવી જરૂરી છે.

હાથ ધોવાની આદત

જમતાં પહેલાં, ટૉઇલેટમાંથી બહાર આવ્યા પછી, જાહેર જગ્યાઓએ ફરીને ઘરે આવ્યા પછી, રસ્તામાં કંઈ પણ ખાતાં પહેલાં વીસ સેકન્ડ માટે સાબુ ચોળીને હાથ ધોવા જરૂરી છે. કોઈ પણ પ્રકારનો સાબુ વાપરી શકાય, હાથ ધોવા માટેનો સાબુ ઍન્ટિ-બૅક્ટેરિયલ જ હોવો જરૂરી નથી. જોકે સાબુને બદલે લિક્વિડ-વૉશ હોય તો વધુ સારું. વીસ સેકન્ડ સુધી સાબુ હાથ પર રાખવાનો આગ્રહ રાખવો નહીં, પરંતુ બે આંગળીઓ વચ્ચેના ખૂણેખૂણા અને કાંડાને પણ સાબુ વડે સાફ કરવા માટે આટલો સમય તો લાગે જ છે. ચોખ્ખા પાણીથી ધોયા પછી એને સ્વચ્છ ટોવેલથી કોરા કરવા પણ એટલા જ જરૂરી છે.

સૌથી મોટો ફાયદો પેટના કૃમિમાં થાય છે. નાનાં બાળકોને ટૉઇલેટમાં નાના સફેદ કૃમિ પડવાની તકલીફ હોય છે એ અસ્વચ્છતાને કારણે જ પેદા થઈ હોય છે. જો બાળકને ટૉઇલેટમાંથી બહાર આવીને તેમ જ જમતાં પહેલાં બરાબર હાથ ધોવાની આદત પાડવામાં આવી હોય તો કૃમિથી બચી શકાય છે.

  • શરદી અને ફ્લુ બન્ને ચીજો વાઇરસના ફેલાવાને કારણે થાય છે. શરદીને કારણે છીંક ખાતી વખતે વાઇરસ હવામાં ફેલાય છે. આવા સમયે મોં આડો હાથ રાખવાથી એ હવામાં ફેલાતા અટકે છે, પણ હાથમાં આવીને ચોંટે છે. શરદી કે ફ્લુ હોય એવી વ્યક્તિ સાથે શેકહૅન્ડ કરવાથી કે એ જે ચીજને અડી હોય એને અડીને પછી પોતાના નાકે લગાવવાથી ફ્લુ સરળતાથી ફેલાય છે. ફ્લુ અટકાવવા માટે જ્યારે પણ બહારથી ઘરમાં આવીએ ત્યારે પહેલાં હાથ ધોવા જરૂરી છે.

  • પાચનતંત્રની ગરબડોનું કારણ બૅક્ટેરિયાનો ફેલાવો હોય છે. ખાસ કરીને ટૉઇલેટથી બહાર નીકળ્યા પછી હાથ બરાબર સાફ કરવાની આદત ન હોય ને એ જ હાથે પછી ખાવાનું ખાવામાં આવે તો કેટલાક ઈ-કૉલી અને એચ. પાઇલોરી જેવા પેટમાં ગરબડ પેદા કરે એવા બૅક્ટેરિયા પાચનતંત્રને ખોરવી નાખે છે. એને કારણે ડાયેરિયા, ડિસેન્ટ્રી જેવી તકલીફો થાય છે.
  • કન્જક્ટિવાઇટિસની તકલીફમાં આંખમાંથી નીકળતું પાણી ચેપી હોય છે. કન્જક્ટિવાઇટિસનો રોગચાળો ચાલતો હોય તો દિવસમાં ચારથી પાંચ વાર હાથ ધોવાની આદત પાડવી.
  • હૅન્ડ, ફૂટ ઍન્ડ માઉથ રોગમાં વાઇરસને કારણે હાથ-પગ અને ચહેરા પર ફોડલીઓ ફૂટી નીકળે છે. આ વાઇરસ પણ રોગી સાથે શેકહૅન્ડ કરવાને કારણે ફેલાય છે.
  • આમ તો ટીબીનાં જંતુઓ ખાંસી કે છીંકમાં નીકળતા પ્રવાહી વાટે ફેલાતાં હોય છે, પરંતુ એ પ્રવાહી જો હાથે લાગ્યું હોય કે એના છાંટા ઊડ્યા હોય એવી જગ્યાઓએ હાથ લગાવવામાં આવે તો એનાથી પણ બીજાઓમાં ફેલાય છે.

    લેખન.સંકલન : તૃપ્તિ ત્રિવેદી 

 આરોગ્યને લગતી માહિતી મેળવવા માટે લાઇક કરો   અમારું પેજ 

 

ટીપ્પણી