આંધ્રપ્રદેશની આ પ્રખ્યાત વાનગી… “હૈદરાબાદી મિર્ચી કા સાલન” ચટાકો ખાવા વાળા માટે ખાસ..

હૈદરાબાદી મિર્ચી કા સાલન

આજે આપના માટે લઈને આવ્યા છે આંધ્રપ્રદેશની આ પ્રખ્યાત વાનગી…
તીખું અને ચટાકેદાર શાક ખાવાની ઈચ્છા હોય તો આજે જ બનાવો લીલા મરચાંની આ ખાસ વાનગી…

વ્યક્તિ : ૪

સમય :
તૈયારી માટે : ૧૦ મિનિટ
વાનગી માટે : ૩૦ મિનિટ

સામગ્રી :

વાટવાનો મસાલો
૪ ટે.સ્પૂ. મગફળીના બિયાં (સીંગદાણા)
૩ ટે.સ્પૂ. તલ
૨ ટે.સ્પૂ. સુકા કોપરાનું બુરું
૧ ટી.સ્પૂ. ખસખસ
૧ ઇંચ આદું
૩-૫ નંગ લસણની કળી
૧/૨ ટી.સ્પૂ. ગરમ મસાલો
૧/૨ ટી.સ્પૂ. હળદર
૧/૨ ટી.સ્પૂ. ધાણાજીરું
૧ ટે.સ્પૂ. કાશ્મીરી લાલ મરચું પાવડર
૫ નંગ મેથીના દાણા
૧ કપ પાણી વાટવા માટે (આશરે)

શાક માટે

૭ નંગ મોળા લીલાં મરચાં
૫ ટે.સ્પૂ. તેલ
૧ ટી.સ્પૂ. જીરું
૫-૭ નંગ મીઠાં લીમડાનાં પાન
૧ નંગ ડુંગળી
૨ ટી.સ્પૂ. આમલી
૧ ટી.સ્પૂ. ખાંડ/ગોળ
મીઠું સ્વાદ મુજબ
૨ ટે.સ્પૂ. લીલાં ધાણા
૨ કપ પાણી (આશરે)

રીત :

૧) સૌ પ્રથમ લીલાં મરચાંને ધોઈને કોરા કરીને વચ્ચેથી ચીરો મૂકીને બીજ કાઢી લો. ડુંગળીને એકદમ ઝીણી સમારી લો. ૨ ટી.સ્પૂ. આમલીને ગરમ પાણીમાં ૧૦ મિનિટ પલાળી રાખો. તેને મસળીને આમલીનું પાણી ગાળી લો.

૨) હવે સીંગદાણા, તલ, કોપરાનું છીણ અને ખસખસને વારાફરતી ઉમેરતા જાઓ અને ગુલાબી શેકી લો. શેકેલા મસાલાને ઠંડો થવા દો. તેમાં આદું, લસણ, મેથીદાણા, લાલ મરચું, હળદર, ગરમ મસાલો અને ૧ કપ પાણી (આશરે) ઉમેરીને એકદમ ઝીણું વાટી લો.

૩) હવે એક કઢાઈમાં તેલ ગરમ મૂકીને ધીમા તાપે લીલાં મરચાંને તળી લો. ત્યારબાદ તેજ કઢાઈમાં વધેલું તેલ ગરમ કરી તેમાં જીરું અને મીઠાં લીમડાનાં પાનનો વઘાર કરીને ડુંગળી ઉમેરો. ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં વાટેલી પેસ્ટ, આમલીનું પાણી, ખાંડ/ગોળ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીને ૫ મિનિટ સાંતળી લો.

૪) ત્યારબાદ તેમાં ૧૧/૨ કપ પાણી ઉમેરીને ૧૫-૨૦ મિનિટ મધ્યમ આંચ પર સહેજ તેલ છુટું પડે ત્યાં સુધી ઉકળવા દો. ત્યારબાદ તેમાં તળેલાં લીલાં મરચાં ઉમેરીને ૫ મિનિટ ધીમી મધ્યમ આંચ પર ઉકળવા દો.
૫) એક બાઉલમાં કાઢીને લીલાં ધાણા વડે સજાવીને ગરમાગરમ પરોઠા કે ભાત સાથે પીરસો.

નોંધ :

★ મીઠું જરૂર કરતાં થોડુંક ઓછું નાખવું કારણ કે ૨૫-૩૦ મિનિટ ધીમા તાપે ઉકાળવાથી પાણી ઓછું થઈ જશે.
★ ખટાશ માટે આમલીના બદલે ૧/૪ કપ ખાટું દહીં કે ૧ ટે. સ્પૂ. લીંબુનો રસ પણ ઉમેરી શકાય.
★ વઘારમાં રાઇ અને કલોંજી પણ ઉમેરી શકાય.
★વાટવાના મસાલામાં ૧/૨ નંગ ડુંગળી તેલમાં સાંતળીને ઉમેરી શકાય.

રસોઈની રાણી – ભૂમિ પંડ્યા – આણંદ

આપ સૌ ને મારી આ વાનગી કેવી લાગી ? અચૂક જણાવજો !!

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block