ગુરુમંત્ર – જીવન ને જીવવાનો-માણવાનો !!

‘બસ યાર બહુ થયું, ઘણું સહન કર્યું, હવે નથી થતું, સાલી જિંદગી ખતમ થઇ ગઈ. ‘ આજકાલ આવી વાતો કરવા વાળા ઘણાં ‘ ખેરખાંઓ ‘ આપણી આસપાસ મળી જશે. કારણ પૂછો તો ? નોકરી નથી મળતી, પ્રેમિકા છોડીને ચાલી ગઈ, રીઝલ્ટ ખરાબ આવ્યું, દેવું વધી ગયું…..વગેરે વગેરે.

જરા સરખાં તડકામાં શું આવ્યાં કે જિંદગી વિશે આટલું બધું વિચારી લીધું, પણ ક્યારેય એવો વિચાર આવ્યો કે આવડી મોટી, જટિલ અને કિંમતી દુનિયામાં આપણે આવ્યાં શા માટે છીએ ? બસ આમ ગુમનામીમાં જીવીને ગુમનામ જ મરી જવા માટે ?

ના, હું નથી માનતો. મારો કે તમારો ભગવાન એવડો મૂરખ તો ન જ હોય કે આવી ખોટી માથાકૂટ કરે ! આપણે આ દુનિયામાં આવ્યા છીએ, કઈંક એવું કરવા માટે કે જે આપણાં સિવાય કોઈ ન કરી શકે, આ જગત ને કઈંક એવું આપવા માટે કે જેના માટે એ આપણને આપણાં ગયા પછી પણ યાદ કરે. શું કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે, બસ એટલું જ આપણે શોધવાનું છે. બધું જ હાથ પર મળતું હોત, તો ભગવાનની જરૂર જ શું હોત ?

ગૂઢ રહસ્યોથી ભરેલી આ દુનિયામાં બધા સવાલોના જવાબ પાઠ્યપુસ્તકોમાં કે ‘ ગૂગલ અંકલ ‘ પર નથી મળતા. એ તો આપણે જાતે શોધવા પડે છે, ક્યારેક પસીનો રેડીને તો ક્યારેક લોહી રેડીને ! આનું નામ જ જિંદગી.

જે આ જવાબો શોધી લે છે એ જ સફળ કહેવાય છે. હારેલાં લોકો માટે આ દુનિયામાં કોઈ જ જગ્યા નથી, અને જો તમે હજુ હયાત છો તો તમે હાર્યા નથી. સહાનુભૂતિ માટે નહીં, આત્મસમ્માન માટે જીવો. હાર અને નિષ્ફળતા વચ્ચે ખૂબ જ પાંખી ભેદરેખા છે. જે એને ઓળખીને મહેનત (મજૂરી નહીં) કર્યે રાખે છે, એ જ ‘ મુકદ્દર કા સિકંદર’ કહેવાય છે.

માનવમગજ ખૂબ જ શક્તિશાળી છે. એ ધારે તે કરી શકે છે. બસ માત્ર પ્રબળ ઈચ્છા શક્તિ હોવી જોઈએ. આ વાતનો જીવતો-જાગતો દાખલો જોઈતો હોય, તો આપણી સ્પેશિયલ ફોર્સીસના જવાનોને જોઈ લેજો. એ જાંબાઝોની સખત ટ્રેનિંગ વખતે ઘણીવાર શરીર જવાબ દઈ દે છે, હાર માનવા પ્રેરાય છે. છતાં પણ તેઓ પોતાની પ્રબળ માનસિક શક્તિના જોરે વટથી એ કપરો સમય પાર કરી જાય છે.

તેમને ટ્રેનિંગ દરમિયાન એક જ બ્રહ્મસૂત્ર શીખવવામાં આવે છે ‘ નેવર સે ડાઈ ‘ – ગમે તે થાય, હાર ન માનો, છેવટ સુધી સંઘર્ષ કરો. નથી લાગતું કે આ સૂત્ર આપણે પણ પોતાના માટે અપનાવવું જોઈએ ?યાદ રાખજો, સફળતા નામની નવવધૂને અત્તરની મહેકતી ખૂશ્બુને બદલે મહેનતના પસીનાની ‘ સુવાસ ‘ વધુ પસંદ છે.

લેખક : પ્રતીક. ડી. ગોસ્વામી

આપ સૌ ને આ વિચારો કેવા લાગ્યા ? અચૂક જણાવજો !

ટીપ્પણી