ગુરુદેવ ગાંઠીયા – રાજકોટ ની આ જનેતા ને સો સો સલામ !!

આજે આપણે એવી માની વાત કરવી છે જેણે પતિના મૃત્યુ બાદ ગાંઠિયાની રેકડી શરૂ કરી સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપ્યું છે. પતિના અવસાનના 15 દિવસે જ ગાંઠિયાની રેકડી શરૂ કરી દીધી હતી.

રાજકોટના રીટાબેન પતિના મૃત્યુ બાદ મમ્મી-પપ્પાની જવાબદારી હોંશેહોંશે નિભાવે છે

રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર આવેલા ધરમનગરમાં રહેતા રીટાબેન મેટવાણીયાના પતિ પ્રવીણભાઇ પુરણદાસ મેટવાણીયા 7 વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હતા. પતિના અવસાનના 22 દિવસ બાદ સંતાનોની સ્કૂલ-કોલેજ શરૂ થતી હતી. સંતાનોની ફી ભરવાનો પ્રશ્ન સજાર્યો. આથી પતિના અવસાન બાદ 15માં દિવસે જ રીટાબેને પરિવારજનો પાસેથી આર્થિક મદદની અપેક્ષા રાખ્યા વગર ગાંઠિયાની રેકડી શરૂ કરી દીધી. રીટાબેન પર સંતાનોની જવાબદારી આવી પડી અને આજે તેઓ મમ્મી-પપ્પાની જવાબદારી હોંશે હોંશે નિભાવી રહ્યા છે.

👉 રીટાબેનને સંતાનમાં એક દીકરો અને બે દીકરી છે
રીટાબેનને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. જેમાં ગાંઠિયાની રેકડીમાંથી આવક મેળવી મોટી દીકરીને ઉચ્ચ શિક્ષણ આપી લગ્ન કર્યા. તો બીજી દીકરી રાજવીએ બીએસસી પૂરું કર્યું છે. તે પ્રોફેસર બનવા માંગે છે. જ્યારે દીકરા લાલાએ 11માં ધોરણની પરીક્ષા આપી છે.

👉 દીકરી રાજવી શું કહે છે પોતાની મા વિશે
રીટાબેનની બીજા નંબરની દીકરી રાજવીએ જણાવ્યું હતું કે, મા રોજ સવારે ચાર વાગે ઉઠી ગાંઠિયાનો લોટ, સંભારો, દાળ-ભાત, શાક-રોટલી તૈયાર કરે છે. માના આ કાર્યમાં ભાઇ પણ શક્ય તેટલી મદદ કરે છે. મા બપોરે બે વાગે ગાંઠિયાની રેકડી પરથી ઘરે પરત ફરે છે. ત્યારબાદ જ રસોઇ બનાવી અમને ખવડાવે છે.

👉 રીટાબેન અન્ય લોકોને સાક્ષર બનવાની આપે છે શિખ
રીટાબેન પોતે સાક્ષર હોવાથી તેમને પોતાના જીવનમાં ખૂબ ફાયદો પહોંચ્યો છે. તેથી તે સૌ કોઈને સાક્ષર બનવાની શિખ આપે છે. બીજી તરફ રાજવી પોતાની માતાને સમાજમાં ઉચ્ચ સ્થાન આપવા માટે એક સ્વપ્ન પણ ધરાવે છે. જેથી તે સમાજમાં પોતાનું યોગદાન પણ આપી શકે અને જે આર્થિક ઉપાર્જન થાય તેનાથી તે પોતાની માતાને આ કાળી મજૂરીમાંથી નિવૃતિ અપાવી શકે.

પોસ્ટ સાભાર – વસીમ લાંડા

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!