ગુલઝાર અને નસીરુદ્દીન શાહનો મિર્ઝા ગાલિબના શૂટિંગ દરમ્યાનનો પ્રેરણાદાયી જીવનપ્રસંગ – અચૂક વાંચો…મોજ આવશે

- Advertisement -

જોઈતી વસ્તુ મેળવવા માટે જતું કરવાની તૈયારી રાખવી જોઈએ
ઊંચા ગજાના ગીતકાર અને ફિલ્મસર્જક ગુલઝારે ‘મિર્ઝા ગાલિબ’ ટીવી સિરિયલ બનાવી હતી, જેમાં ઉમદા અભિનેતા નસીરુદ્દીન શાહે ગાલિબનું પાત્ર ભજવ્યું હતું. આ વાતની બધાને ખબર હોય, પણ નસીરુદ્દીન શાહને એ રોલ કઈ રીતે મળ્યો એ વિશે ભાગ્યે જ કોઈને ખબર હશે.
ગુલઝારે મિર્ઝા ગાલિબ પર ટીવી સિરિયલ બનાવી એના વર્ષો પહેલા ગાલિબ પર ફિલ્મ બનાવવાનું વિચાર્યું હતું. એ ફિલ્મમાં ગાલિબના રોલ માટે તેમણે વિખ્યાત અભિનેતા સંજીવકુમાર પર પસંદગી ઉતારી હતી. એ વખતે નસીરુદ્દીન શાહનું નામ અભિનેતા તરીકે બહુ મોટું નહોતું થયું, પરંતુ તેમને જ્યારે ખબર પડી કે ગુલઝાર ગાલિબ પર ફિલ્મ બનાવી રહ્યા છે અને એમા ગાલિબનું પાત્ર સંજીવકુમારને આપવાના છે ત્યારે તેમણે ગુલઝારને એક પત્ર લખ્યો. એ પત્રમાં તેમણે કહ્યું કે ગાલિબનારોલ માટે સંજીવકુમાર ફિટ નથી. વળી તેમનું ઉર્દૂ ભાષા પર પ્રભુત્વ પણ નથી. એટલે આ રોલ મને આપો. હું આ રોલ બહુ સારી રીતે ભજવી શકીશ.

જોગાનુજોગ એ ફિલ્મનો પ્રોજેક્ટ અટકી પડ્યો. અને ગુલઝાર એ ફિલ્મ હાથ ધરે એ પહેલા સંજીવકુમારનું અકાળ મૃત્યુ થયું. ગુલઝારે પછી એ ફિલ્મ બનાવવાનું માંડી વાળ્યું. એને બદલે તેમણે દૂરદર્શન પર ‘મિર્ઝા ગાલિબ’ સિરિયલ બનાવવાનું નક્કી કર્યું. તેમને યાદ આવ્યું કે નસીરુદ્દીન શાહે ગાલિબના રોલ માટે પત્ર લખ્યો હતો. જો કે ગુલઝારે આ સિરિયલ બનાવવાનું નક્કી કર્યું એ વખતે નસીરુદ્દીન બહુ સફળ અભિનેતા બની ચૂક્યા હતા અને તેઓ ઊંચી ફી લેતા થઈ ગયા હતા. ફિલ્મના પ્રોડ્યુસર જુદા હતા અને ટીવી સિરિયલના પ્રોડ્યુસર જુદા હતા અને સિરિયલ માટે ફિલ્મની જેમ મોટું બજેટ નહોતું. એટલે નસીરુદ્દીન શાહ જેવા અભિનેતાને તેમની માર્કેટ પ્રાઈસ પ્રમાણે ફી આપી શકવાનું શક્ય નહોતું. વળી હવે તેઓ ટીવી સિરિયલ માટે હા પાડશે કે કેમ અને હા પાડે તો તેમની ફી પરવડશે કે કેમ એ સવાલ હતો. નસીરુદ્દીન ફીને મુદ્દે બાંધછોડ નહોતા કરતા એવું પણ ગુલઝારે સાંભળ્યું હતું, પરંતુ નસીરુદ્દીને પત્ર લખીને સામેથી ગાલિબનો રોલ કરવાની ઈચ્છા બતાવી હતી એટલે ગુલઝારે તેમને મળવાનું નક્કી કર્યું.
ગુલઝાર નસીરુદ્દીન શાહને મળ્યા અને કહ્યું કે હું ગાલિબ પર દૂરદર્શન માટે સિરિયલ બનાવવાનું વિચારી રહ્યો છું. તમે ગાલિબના રોલ માટે ઈચ્છા બતાવી હતી એટલે પહેલો વિચાર તમારા નામનો આવ્યો. નસીરુદ્દીને કહ્યું કે ગાલિબના રોલ માટે હું જ સૌથી ફિટ છું એવું હું ત્યારે પણ માનતો હતો અને અત્યારે પણ માનું છું. આ રોલ તો હું જ કરીશ. ગુલઝારે અચકાતા અચકાતા કહ્યું, પણ આ સિરિયલ માટે તમારી માર્કેટ પ્રાઈસ પ્રમાણે અમે બહુ ઊંચી રકમ નહીં આપી શકીએ. નસીરુદ્દીને કહ્યું, ‘એની ફિકર ન કરો. પૈસાને લીધે વાત નહીં અટકે. આ રોલ મારે જ કરવો છે.’
અને ગુલઝારે કાબિલે દાદ સિરિયલ બનાવી, જેમાં નસીરુદ્દીન શાહે અદ્ભુત અભિનય કર્યો. આ કિસ્સામાંથી બે બોધ મળે છે: માણસને કોઈ પણ વસ્તુ માટે પેશન હોય તો એ તેને મળે જ છે. અને પોતાને જોઈતું હોય એ મેળવવા માટે માણસે રૂપિયા-આના-પાઈનો હિસાબ ન કરવો જોઈએ. જોઈતી વસ્તુ મેળવવા જતું કરવાની તૈયારી રાખવી જોઈએ.
Read such more stories on cocktailzindagi.com
કોકટેલ ઝિંદગી મેગેઝિન ઘરબેઠા મેળવવા માટે અહીં ઓર્ડર કરોઃ http://www.dealdil.com/search&search=cocktail%20zindagi
લેખકઃ આશુ પટેલ

ટીપ્પણી