બે હજાર ડોલરથી કરી કંપનીની શરૂઆત, આજે 2.6 અબજ ડોલર થી પણ વધુનો માલિક…..

ગૌરવવંતા ગુજરાતનાં લોકો દેશ સહિત વિદેશમાં પણ મોટા પ્રમાણમાં સ્થાયી થયા છે. દુનિયાનાં કોઈ પણ ખૂણે જાવ તમને એકાદ ગુજરાતી તો જોવા મળે જ. બિઝનેસ, ખેતી કે પછી અન્ય કોઈ પણ ક્ષેત્ર હોય ત્યાં તમને ગુજરાતી જોવા મળશે. ગુજરાતનાં લોકોએ ભારત સહિત વિદેશમાં પણ પોતાનું સામ્રાજ્ય જમાવી દીધું છે, એટલે કે બિઝનેસ કે અન્ય વ્યવસાયમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. ગુજરાતી પ્રજાએ ભારત સહિત વિદેશમાં પણ પોતાના કૌશલ્ય અને સામર્થ્યથી ગુજરાતની ખુશ્બુ ફેલાવી છે. પોતાની શુઝબૂઝ અને આવડતથી વિદેશમાં સ્થાયી થઈને પોતાનો અલગ રસ્તો બનાવી અનેક ગુજરાતીઓ ચમકી રહ્યાં છે. આવા જ એક ધનિક ગુજરાતી વ્યક્તિ છે ભરત દેસાઈ, જેઓ અનેકવાર ફોર્બ્સની યાદીમાં ચમકી ચુક્યાં છે. 2000 યુએસ ડોલર સાથે કંપની શરૂ કરનાર આ ગુજરાતી આજે 2.6 બિલિયન યુએસ ડોલરની સંપતી ધરાવે છે.

મૂળ ગુજરાતનાં વલસાડનાં ભરત દેસાઈનો પરિવાર સાથે વર્ષો પહેલા આફ્રિકામાં સ્થાયી થયો હતો. વર્ષ 1953માં ભરતભાઈનો જન્મ કેન્યામાં જ થયો હતો. ત્યારબાદ તેઓ અમેરિકામાં સ્થાયી થયા. ભરતભાઈએ ભારત આવીને આઈઆઈટીમાંથી આઈટીની ડિગ્રી મેળવી હતી અને યુનિવર્સિટી ઓફ મચિગનમાંથી ફાયનાન્સમાં એમબીએની ડિગ્રી મેળવી હતી. આઈટીમાં સ્નાતકની ડિગ્રી મેળવ્યાં બાદ જ તેઓ અમેરિકામાં સ્થાયી થયા હતા. 1976માં ભરતભાઈ યુએસમાં પ્રોગ્રામર તરીકે તાતા કન્સલટન્સી સર્વિસીઝમાં જોડાયાં.

તાતા ક્ન્સલટન્સીમાં ચાર વર્ષ નોકરી કર્યાં બાદ પોતાની રીતે કંઈક કરી છુટવાનાં વિચાર સાથે તેઓએ પત્ની નિરજા શેઠી સાથે 1980માં સિન્ટેલ સોફ્ટવેર કંપનીની સ્થાપના કરી. દેસાઇએ 1980માં જ્યારે કંપનીની સ્થાપના કરી ત્યારે તેમની પાસે 2000 ડોલર હતા. ત્યાર બાદનાં 10 વર્ષમાં પણ તેમને કોઈ બેન્ક દ્વારા સહાય મળી ન હતી. હાલમાં આઈટી અને આઉટસોર્સિંગ માટે જાણીતી કંપની સિન્ટેલની વર્ષ 1980માં સ્થાપના બાદ 1997માં કંપનીને જાહેરમાં ફેરવી દેવામાં આવી. વર્ષ 1992માં ભારતમાં મુંબઈ ખાતે પહેલી શાખાની સ્થાપના કર્યાં બાદ હાલમાં હૈદરાબાદ, ચૈન્નાઈ, પુના સહિતનાં મોટા શહેરોમાં પોતાની શાખાઓ ધરાવે છે. મુંબઈમાં જ સિન્ટેલ કંપનીમાં 4000 કરતા વધારે કર્મચારીઓ છે. સિન્ટેલ કંપની દુનિયામાં 30થી વધારે ઓફિસો ધરાવે છે. જ્યારે કંપનીમાં 24,500થી પણ વધારે કર્મચારીઓ છે.

ભરત દેસાઈએ વર્ષ 2009માં કંપનીનું ચીફ એક્ઝિક્યુટીવ પદ છોડ્યું હતુ, જ્યારે ચેરમેન તરીકે તેઓ કાયમ રહ્યાં છે. જ્યારે તેમની પત્ની નિરજા શેઠી કંપનીનાં વાઈસ પ્રેસિડેન્ટ અને કો-ફાઉન્ડર છે. ભારત સહિત દક્ષિણ ગુજરાતનું નામ વિદેશમાં રોશન કરનાર આ ગુજરાતીની કંપનીએ છેલ્લા ત્રીસેક વર્ષમાં આઈટી ક્ષેત્રે આર્થિક વિકાસની મોટી હરણફાળ ભરી છે. થોડા ડોલર ખિસ્સામાં લઈને અમેરિકામાં સ્થાયી થયેલા ભરત દેસાઈ આજે અઢળક સંપતીના માલિક છે. ભરત દેસાઈની નેટ વર્થ 2.6 બિલિયન યુએસ ડોલર છે. આ સંપતિ સાથે તેઓ ફોર્બ્સની ટોપ 400 લોકોની યાદીમાં 268માં નંબરે આવે છે. 2015ની ટેકનોલોજીમાં સૌથી ધનિક લોકોની યાદીમાં તેઓ 82માં નંબરે આવે છે. જ્યારે 2015નાં દુનિયાનાં અબજોપતિ લોકોની યાદીમાં તેઓ (2.6 યુએસ ડોલર) સંપતિ સાથે તેઓ 714માં નંબર પર આવે છે.

ફોર્બ્સ દ્વારા 2011માં જાહેર કરવામાં આવેલી 400 ધનિકોની યાદીમાં ભારતીય મૂળનાં અમેરિકન ભરત દેસાઈ 239માં સ્થાને હતા. જ્યારે 2010માં તેમણે ૨૫૨મુ (નેટ વર્થ 1.6 બિલિયન ડોલર) સ્થાન પ્રાપ્ત કર્યું હતું. એટલું જ નહીં, ફોર્બ્સ દ્વારા ભરત દેસાઇને ‘એઇટ સેલ્ફ મેડ સ્ટાર્સ વુ હેવ બિલ્ટ ટિડી એમ્પાયર્સ ઇન અન એરેય ઓફ ઇન્ડસ્ટ્રીઝ’થી નવાઝ્યા હતા. દેસાઇ કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે અને તેમાં બોર્ડ મેમ્બર પણ છે. જેમાં હાવર્ડ યુનિવર્સિટીની જ્હોન એફ કેન્નેડી સ્કૂલ ઓફ ગવર્નમેન્ટ, સ્ટૂડન્ટ ઇન ફ્રી એન્ટરપ્રાઇઝ (એસઆઇએફઇ) અને સ્ટેફન એમ રોઝ સ્કૂલ ઓફ બિઝિનિસ, યુનિવર્સિટી ઓફ મિચિગનનો સમાવેશ થાય છે.

સૌજન્ય : દિવ્યભાસ્કર

આવી જ વધુ રસપ્રદ માહિતી દરરોજ મેળવવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી