ગુજરાતી થાળી પર લખાયેલો જોરદાર લેખ….એકવાર વાંચજો…શેર કરવાનું મન થઇ જશે !!!

ગુજરાતીઓ એટલે ‘દાળ-ભાતીયા’! શું આપણો મુખ્ય ખોરાક દાળ-ભાત છે? કદાચ એવો કટાક્ષ છે કે આપણે દાળ-ભાત જેવા ઢીલા નમાલા કે અરસિક છીએ. આપણી ‘અનલિમિટેડ ગુજરાતી થાળી’નાં દર્શન જેમણે કર્યા હોય એ આવો અધાધુન જુઠ્ઠો અપપ્રચાર કરવાનીભૂલ ન કરે, સાહેબ! દેશ-વિદેશમાં ઉપલબ્ધ ગુજરાતી થાળી કહેશે આપણે શું અને કેવું અને કેટલું જમીએ છીએ.

‘પુરોહિત’, ‘સાસુમા’, ‘ચેતના’ ‘દાદીમા’ ‘પકવાન’ કે ‘અતિથી’ જેવા અનેક રસપ્રદ નામો સાથે માત્ર ગુજરાતમાં જ નહીં, દેશના-વિદેશમાં સ્વાદના વૈવિધ્યની છડી પોકારતી ‘ગુજરાતી થાળી’ એટલે આકાશમાં એક-બીજાથી અડકીને ગોઠવેલ નભોમંડળનાં ગ્રહો! જર્મન-સિલ્વર કે સ્ટીલની ચળકતી મોટી થાળીમાં ગોઠવેલ બે મોટી અને સાત નાની ચકચકિત વાડકી, બે ચમચીઓ અને બે ગ્લાસ.

‘ગુજરાતી થાળી’ એટલે મિનિ અન્નકૂટ, ભાવતાં ભોજનનો રસથાળ. આ થાળી ખાવાની ન હોય, માણવાની હોય. દેશી ઘીથી નીતરતાં ફૂલકાં, ફૂલેલી પૂરી, મોણવાળી ઘઉં અને બાજરાની ભાખરીઓ, તૂરદાળ અને કઢી, બે મિષ્ટાન, બે ફરસાણ, બે કઠોળ અને ત્રણ શાક, ત્રણ જાતની ચટણી, સલાડ, પાપડ, છાશ, સંભારો, અથાણાં, તળેલ મરચાં અને છેલ્લે ભાત અથવા ખીચડીમાં ચમચો ભરીને દેશી ઘીની ધાર! બધું એક જ થાળીમાં! એ ખાધા પછી ફાટ-ફાટ થતું તુંબડા જેવું પેટ લઇ, વરિયાળી ચાવતા-ચાવતા બહાર આવતા ગુજરાતીને ‘દાળ-ભાતીયો’ કેમ કહેવાય! હા, સાત્વિક ‘ગુજરાતી થાળી’માં પનીરપસંદ અને ચાઈનીસ સમોસાં અને બંગાળી કે રાજસ્થાની મિઠાઈઓ ક્યારે પેસી ગઈ એ ખબર ન પડી.પેસી ગઈ છે.

જો કે આવી જાહોજલાલી રોજ ન હોય! આમારું એક સંબંધી કુટુંબ વરસે એક વાર દિવાળીમાં ‘ચેતના’માં ગુજરાતી થાળી જમવા જતું. મને યાદ છે કે અમે પણ અમારી પહેલી મેરેજ એનિવર્સરી પર ‘પુરોહિત’માં ‘ગુજરાતી થાળી’ માણવાનો પ્લાન બે મહિના અગાઉથી બનાવ્યો’તો. ઈચ્છા તો બહુ થાય પણ વારેવારે થોડું જવાય? નાના-મોટા ગૃપમાં ‘ગુજરાતી થાળી’ની ટ્રીટ ચાલ્યા જ રાખતી હોય છે. અમારા સ્ટાફમાંથી કોઈનું પણ રિટાયરમેન્ટ ‘ગુજરાતી થાળી’ માણીને જ ઉજવાતું, ખબર નહીં કેમ! બહારથી પધારેલા મહેમાનને એક દિવસ ‘ગુજરાતી થાળી’ જમાડવાનો તો જાણે પ્રોટોકોલ જ થઇ ગયો છે. કોઈ હિલ સ્ટેશન કે ટૂરિસ્ટ સ્પોટમાં ‘ગુજરાતી થાળી’ નું બોર્ડ વાંચીએ એટલે જાને ભગવાન મળ્યા! બાકી, આપણે ચાલુ દિવસે તો એક વેંત જેવડી થાળી અને એક વાટકી હોય. ચમચી હોય તો હોય અથવા આંગળીઓ જ આપણી ચમચી! જમવામાં રોજ નવું શું બનાવવું એની ગાતાગમ ન પડે. રોટલી-દાળ-ભાત- શાક-છાશ અથવા ભાખરી-શાક, ખીચડી-કઢી કે હાંડવો-મુઠીયા જેવા નાસ્તો હોય એટલે ભયોભયો!

ગુજરાતી થાળી પીરસતી રેસ્ટોરાંનો માહોલ રમૂજી હોય છે. ‘ભીડ’ તો જાણે આવી જગ્યાઓનો મુદ્રાલેખ હોય છે. બધાં ટેબલો ભરેલાં જ હોય. જેમના નામની હાકલ પડે એ ટોળું અંદર ધસે. તમે ખુરશી પર ગોઠવાતા હો ત્યારે ટિપિકલ વાસ આવતા ભીના કપડાથી ટેબલ સાફ થતું હોય, ચારે તરફ ઉઠબેસ ચાલતી જ હોય અને થાળી-વાટકીઓનાં અવાજ અને મોટેથી હસતા કે ગપાટા મારતા લોકોનો કોલાહલનું ફ્યુઝન એટલે હિન્દી સિનેમાનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક. તમે હજી બેસો ન બેસો ત્યાં તો પીરસવાનો ‘એટેક’ શરુ થઇ જાય! પળવારમાં થાળીમાં આઈટમોની ધક્કામૂક્કી શરૂ! મોટી તકલીફ જો કોઈ હોય તો વાડકીઓની સાઇઝ. ત્રણ આંગળી માંડ અંદર જાય. ‘ભૂકંપ કે પૂર આવે એ પહેલા ઝટ્ટ જામી લ્યો’ જેવો માહોલ હોય. પીરસનારના યુનિફોર્મ સામે ધ્યાન પડી જાય તો કદાચ  જમવું ન ભાવે.

પીરસનારાઓ આઇટમના નામ બોલતા જાય અને ‘નાખતા’ જાય. તમે કોઈ ચીજની ના પાડો એ પહેલાં તો પીરસાઈ જાય. તમે રોટલીનો બીજો કોળિયો મોમાં મૂકતા હો ત્યાં ચીપિયામાં રોટલી પકડીને પીરસનાર હાજર! તમે લીલવાની કચોરીને બટકું ન ભર્યું હોય ત્યાં ગરમ કચોરી લઈને હાજર! બાસુંદીનાં બે ચમચા પીધા હોય ત્યાં કમંડળ ધરીને વેઈટર તમારું ધ્યાન ભંગ કરે. જમવાનું પૂરું ન કરો ત્યાં સુધી કોઈ એક પીરસણિયો તો માથા ઉપર ઉભો જ હોય. જાણે પીરસણિયાની પરેડ! આવી ખડેપગે સર્વિસ તો બ્રિટીશ એયર્વેઝ એક્ઝીક્યુટીવ ક્લાસમાં પણ ન મળે, બોલો! ગુજરાતી થાળી પીરસતા વેઇટરોને એવા ટ્રેઈન કર્યા હોય કે નિરાંતે જમવા આવેલ માણસ પંદરમી મિનિટે ઓડકાર ખાઈને ઉભો થઇ જ જાય.

મને તો કોઈવાર એવો ગુસ્સો આવે કે રોટલી પીરસનારને કહી દઉં કે, ‘ભાઈ,  જમવામાં ઉતાવળ કરાવીશ તો રોટલી પકડવાનો ચિપીયો ખેંચી લઈશ!’ જે હોય તે, મને ચન્દ્રમા જેવી ‘ગુજરાતી થાળી’ પર અભિમાન છે.

લેખક – અનુપમ બુચ

ટીપ્પણી