ગુજરાતી લગ્નો : લાગણી પર હાવી રીતિ રિવાજો!

- Advertisement -

મેરેલીન મનરોનું એક બહુ જાણીતું ક્વોટ છે, ‘લગ્ન પહેલા સ્ત્રીએ પુરુષને પોતાનો રાખવા સેક્સ કરવું પડે છે, અને લગ્ન પછી એટલીસ્ટ સેક્સની જરૂરિયાત પૂરી કરવા માટે પણ પોતાની સાથે રાખવા ફાંફા પડે છે!’ વેલ, એવું કહેવાય છે કે કોઈ વિષય પર બોલતા કે લખતા પહેલા એના વિશેનો અનુભવ હોવો જોઈએ, દાખલા તરીકે બંજી જમ્પિંગ વિશે એ વ્યક્તિ વધુ સારું લખી કે બોલી શકે જેણે બંજી જમ્પિંગ કરેલું હોય! બાકી પછી કોઈ સંન્યાસી બાબા સંસાર અને સંભોગ થી લઇ પત્નીને કેમ કાબુમાં રાખવી વગેરે વિષયો પર અનુભવ ન હોવા છતાં જેમ પોતાના ‘એક્સપર્ટ’ વ્યુ આપે, અને છતાં હજારો માણસોની ભીડ એને સાંભળવા એકઠી થાય એવો ઘાટ સર્જાય! અહીં આજે લગ્નની,અને એ પણ ગુજરાતી લગ્નોની વાત કરવી છે, સો આપણે અહી એઝ એ ‘સ્ટુપિડ કોમન મેન’ તરીકે એક ગુજરાતી લગ્નની વાતો કરીશું!

સૌથી પહેલા થેલેસેમિયા કે એચ.આઈ.વી ટેસ્ટના બદલે જન્માક્ષર અને કુંડલીઓ સરખાવવામાં આવે એ ગુજરાતી લગ્ન! આપણા ગુજરાતીઓમાં લવ મેરેજ હવે ‘એલિયન’ રહ્યા નથી, સો મોટે ભાગે ૧૯-૨૨ વર્ષના ગાળામાં યંગસ્ટર્સ લાઈફ પાર્ટનરની પસંદગી મોટે ભાગે જાતે જ કરતા થયા છે પરિણામે એક નવો જ આયામ અસ્તિત્વ માં આવ્યો છે ‘અરેન્જડ લવ મેરેજ’.ચેતન ભગત કહે છે એમ, આપણે ત્યાં બે વ્યક્તિ એ એકબીજાને ગમાડવા કરતા એકબીજાના ફેમિલીઝને ગમાડવા વધુ મહત્વના છે, દરેક વાતમાં ગણતરી કરવી એ આપણા ગુજરાતી લોહીમાં છે (શેર બજાર થી પ્રોપર્ટીમાં રોકાણ સુધી અને મ્યુચ્યુઅલ ફંડથી પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સુધી)

નખશિખ ગુજરાતી માટીનો હોય કે એન.આર.આઈ ગુજરાતી, અહિયાં રિવાજોથી દરેક ગુજરાતીને બહુ જ પ્રેમ!, મેડિકલ કે એન્જીનીયરીંગ ભણતો એકદમ રાપચિક જુવાનીયો હોય કે નુડલ સ્ટ્રીપ ટોપ પહેરતી છોકરી, પણ લગ્નની વાત આવે ત્યારે ૪૬ ડિગ્રી ગરમીમાં પણ શેરવાની અને પાનેતર અનિવાર્ય છે! ચાલો, ગુજરાતી લગ્નોની નેસેસિટીઝ અને કેટલીક આયરનીઝ ૨૦-૨૦ ક્રિકેટની સુપર ઓવરની જેમ ફટાફટ જોઈ લઈએ!

શિયાળાની ઠંડી સમજાય પણ ધોમધખતા તાપ અને વરસતા વરસાદમાં પણ એ જ જુના ઘીસાપીટા ‘આજ મેરે યાર કી શાદી હૈ’ ની ટ્યુન પર નાચવાનું સાહસ અને સહનશક્તિ ક્યાંથી આવતા હશે? પાર્ટીપ્લોટમાં લગ્નની આગલી સાંજે રખાતા સંગીત કાર્યક્રમમાં એ જ સનેડો અને ‘કાલા કૌઆ કાટ ખાયેગા’ પર જ કેમ ડાન્સ થતો હશે? પૂરી લાઈફ માં જેણે ક્યારેય મેકઅપ ના કર્યો હોય એને પણ ફેસિયલ થી લઈ મેનીક્યોર-પેડીક્યોર અને વિચિત્ર લાગતા હેવી મેકઅપ કેમ કરવા કેમ જરૂરી જણાતા હશે? જરા વિચારો તો ખ્યાલ આવે કે એ બ્રાઈડ કે બીજી છોકરીઓ બાકીના ૩૬૪ દિવસ વિધાઉટ મેકઅપ વધુ નેચરલ અને ખુબસુરત લગતી હશે! પહેરામણી જેવા ખિસ્સું હળવું કરી નાખતા રીતિરીવાજો કેમ અનિવાર્યની યાદીમાં આવતા હશે? એ ના થાય તો લગ્નમાં કે વર-વધુની આફ્ટર લાઈફમાં કયો ફર્ક પડવાનો હતો?

લગ્નમાં કે પછીના રિશેપ્શન વખતે એ જ ચિલાચાલુ ડિનર સેટ, કબાટ, વાસણો જ કેમ અપાતા હશે? તો વળી હાઈફાઈ લગ્નોમાં ‘અમે તો રાજી-ખુશીથી જે મળે એ લઇ લઈશું’ ના નામે ટીવી-ફ્રિજ થી લઇ કાર સુધીની ગિફ્ટ્સ આપી સંપત્તિના શક્તિ પ્રદર્શનો થતા રહે છે!
દરેક ગુજરાતીને પોતાના લગ્ન મેરેજ રજીસ્ટ્રાર પાસે રજીસ્ટર કરાવવા જરૂરી છે એ ખબર હોવા છતાં કેમ તસ્દી લેવી ગમતી નહિ હોય?
પાર્ટીપ્લોટના બદલે જ્ઞાતિની વાડી કે પછી મેનુમાં ૪ ફરસાણ, ૪ સ્વીટ અને ૨ ડેઝર્ટના બદલે થોડું સિમ્પલ મેનુ રાખી જે પૈસા બચે એ બ્રાઈડ-ગ્રૂમના ફ્યુચર માટે કેમ સેવ નહિ કરાતા હોય? કે પછી આટલું તો કરવું જ પડ, ફક્ત દબાણે જ આ બધું કરવું પડતુ હોય છે?

સગાઇ થી લગ્ન અને સપ્તપદી થી વાયા કન્યાદાન અને મંગળફેરાથી છેક જાન વિદાય સુધી મોટેરાઓ કેમ પોતાના ઈગો ઇસ્યુઝ લાવતા હશે? અમુક વિધિ તો કરવી જ પડે, આટલા વાગ્યે આ થઇ જ જવું જોઈએ, ભાઈ પ્રેમ કરતી વખતે આ બધું કંઈ વિચારેલું પણ ખરું?

લગ્ન વખતે એક અનઓફિશિયલ વર્ચ્યુઅલ મેરેજ બ્યુરો ખોલી નાખતી ‘ફિક્સર’ આન્ટીઓ જોઈ છે? જેને પૂરી જ્ઞાતિમાં કોણ પરણવા લાયક છે, કોણ કેટલું ભણેલું છે થી લઇ કોનું ક્યાં ‘અફેર’ ચાલે છે એની રજેરજ ની માહિતી હોય છે!
હંમેશા એકદમ શાંત રહેતા ગુજરાતી છોકરા-છોકરી જયારે લગ્ન કરે અને સડનલી ફીઝીકલ રિલેશન બાંધવાના આવે એના બદલે મેરેજ કાઉન્સેલિંગની જરૂર કેમ કોઈને નહિ લાગતી હોય? કે પછી ખૂણામાં દોસ્તો સાથે મેરેજ પાન થી લઇ જુદું જુદી ફેન્ટસીઓ ની ચર્ચા કરી ગલગલિયા કરી લેવા પૂરતા ગણાતા હશે?

લગ્નનાં આલ્બમમાં મહેંદીથી લઇ લગ્ન સુધીના દરેક ફોટોગ્રાફ્સ એકદમ ટિપીકલ રીતે જ કેમ પાડવામાં આવતા હશે? જાણે આમાં પણ કોઈ સ્ટીરીઓ ટાઈપ અસેમ્બલી લાઈન પ્રોડક્શન! આજકાલ પાછું ‘પ્રિ-વેડિંગ’ નું પણ ખરું નીકળું છે, જોકે એમાં આ લખનાર ને કંઈ ખોટું નથી લાગતું, એ બહાને પણ બ્રાઇડ અને ગ્રુમ એકબીજાની નજીક જ આવે છે!

પંગતનું સ્થાન બુફેએ, વાડીનું સ્થાન પાર્ટી પ્લોટએ, રેકોર્ડેડ મ્યુઝીકના બદલે પ્રોફેસનલ સિંગર્સને બોલાવાય છે, પણ સમહાઉ હંમેશા એવું લાગે કે લગ્ન એ આપણે ત્યાં એક યાદગાર પ્રસંગના બદલે શો-ઓફ અને સંપતિનો દેખાડો બધું હોય છે! બુફેમાં સ્વીટ આરોગી જતા મહેમાનો પાછળથી ટીકાઓ કરે, અને જેના લગ્ન થઇ રહ્યા હોય એ વડીલોની કઠપુતળી હોય એવું સતત લાગ્યા રાખે! જગ્યાઓ બદલે, માહૌલ એ જ! ‘ગ્રૂમ’ની હાલત લગ્ન પછી ભરવા પડતા હેવી EMI થી ‘બ્રુમ’ જેવી થઇ જતી હોય છે! ચાલુ ચીલામાં જ ચાલવું કે પોતાનો અલગ રાહ બનાવવો, ચોઈસ ઇઝ યોર્સ!

આવતા બુધવારે આપણે બુફે અને પંગત જમણવાર વિષે વિગતે અને એકદમ હળવાશ થી ચર્ચા કરીશું, સારું મુહુર્ત જોઇને! કેવી રીતે પંગત જમણવાર થતા? પતરાળા કેવા હતા? શું છે બુફેનાં તુત? ફક્ત સોશિયલ પ્રેશર અને શો ઓફ છે કે પછી બુફે ડિનરની પણ સારી બાજુઓ છે? ભારે ભારે સાડીઓ, બેકલેસ ચોલી અને બ્લેઝર પહેરેલા ગુજરાતી યંગસ્ટર્સની ચર્ચા કરીશું, પાર્ટીપ્લોટને જીવિત કરીશું આવતા બુધવારે યંગિસ્તાનમાં!

પાઈડ પાઈપર:

અંતરમાં ઉમટેલા વ્હાલના વંટોળને, હું નાડાછડીથી કાં બાંધુ?

આખા તે આયખાના મઘમઘતા કંચવાને, પારકી તે ગાંઠથી કાં ગાંઠું

પીઠી તું ચોળ પછી, પહેલા તું બોલ, આ રાતા તે રંગમાં શું ભરવું?

સાતમે પાતાળ સાવ રેશમમાં વીતેલા, સપનાનું મારે શું કરવું? – નયનેશ જાની

ટીપ્પણી