સિક્કાની બીજી બાજુ… – બાળકોનું રીઝલ્ટ આવવાનું છે ત્યારે દરેક પેરેન્ટ્સ વાંચો અને સમજો…

સિક્કાની બીજી બાજુ…..

પરીક્ષા ખંડમાં અત્યારે ધોરણ દસનું ગણિતનું પેપર પૂરું થવામાં છે…
“ગણિતના પેપરમાં મારી ગણતરી પ્રમાણે સાઈઠ માર્ક્સ તો આવી જશે.. બાકી જો ઇજી હોત તો એંસી બહાર બંદા હોત..! આજે તો બંદાની ફૂસ સાથે હવા કાઢી નાખી છે, આ પેપરે.. બાકીના પેપરમાં હવે માર્ક્સ કવર કરી લઈશ.. આ બધું તો હું મને સમજાવી શકું છું.. પણ મારા પપ્પાને કોણ…?? પપ્પાની નજરમાં આવા માર્ક્સ પણ ફેઈલ થશે મારી સાથે… પપ્પાનું ગણિત હંમેશ મારા માર્ક્સ માટે જુદું જ રહ્યું છે. પપ્પાનું ગણિત તો મારી મમ્મી પણ નથી સમજી શકી.. મને કેમ સમજાય?”
આવું વિચારતો પરીક્ષાર્થી શક્તિને કાન પાછળની એક પ્રસ્વેદ બૂંદ પણ દાહક લાગી..!! શક્તિને અઘરાં પેપર અંતે અશક્તિ લાગવા માંડી..

ડર કરતા ડરનો વિચાર વધારે વિકરાળ બની શક્તિ સમક્ષ ઉભો હતો..
પેપર પતે પછી હવે ઘરે જ નથી જવું.. પપ્પાની દુનિયામાંથી ભાગી જવું છે.. દૂર..દૂર… શું આ દુનિયામાં ઓછાં માર્ક્સ સાથે પાસ થવું ગૂનો છે? શું ઓછાં માર્ક્સવાળા વિદ્યાર્થીઓને પોતાના ઘરે શ્વાસ લેવાની પણ મનાઈ હશે? જયાં કોઈ ગણતરી જ ન હોઈ.. જયાં પરિણામ જ ન હોઈ.. હોંશિયાર કે ઠોઠ જેવાં વિશેષણોથી અજાણ દુનિયા હોઈ.. કોઈ સાથે તૂલના ન હોઈ.. એવી દુનિયામાં દોટ મૂકીને ભાગી જવું છે…!! પપ્પા તમારો આ શક્તિ ઉપરની તીર જેવી વાતોથી વિંધાયને ભીષ્મ જેમ બાણશય્યા પર એક વર્ષથી સૂતો છે.. ભીષ્મ પાસે તો ઇરછા મૃત્યુંનું વરદાન પણ હતું… પણ મારી પાસે..?? ઘરે પપ્પા દરવાજે જ ઉભા હશે.. નથી જવું.. નીકળી પડું હું દૂ…ર…!! દૂ…ર….!!
આ સમયે દસેક વર્ષનું ભિક્ષુક બાળક શક્તિને ઇજાજત વિના જ વિચાર ભંગ કરીને ખાવાનું માગ્યું.. એટલે શક્તિએ પાંચનો સિક્કો ખિસ્સામાંથી લઈને બાળકને આપ્યો.. એ સમયે નજર સિક્કા પર પડી.. ત્યાં સિંહની આકૃતિમાં પણ શક્તિને તેનાં પપ્પાની ગર્જના સંભળાણી.. તેથી શક્તિએ સિક્કો બીજી તરફ ફેરવીને ભિક્ષુક બાળકના હાથમાં આપ્યો.. પપ્પા મને તો ખીજાય છે.. કયાંક આ બાળકને ન ખી..જા..ય..!! સિક્કાની બીજી બાજુ… હા સિક્કાની બીજી બાજુ… અને શક્તિના દિમાગમાં એક નવો વિચાર જબુક્યો.. મારા ઘરે મારા પપ્પાની બીજી બાજુ એટલે આઈસ્ક્રીમ જેવી મારી મમ્મી…!! મમ્મીનું ગણિત સાવ સરળ.. અને અલગ પણ.. ભલેને મને ઓછાં માર્ક્સ સાથે પપ્પા મને સ્વિકારે… પરંતુ મારી મમ્મીને મારા ચહેરાં સાથે જ નિસ્બત છે.. મારો ઉદાસ ચહેરો, તો હું નાપાસ.. અને મારો હસતો ચહેરો તો હું ડિસ્ટિંગસન સાથે પાસ..!
પપ્પાની દુનિયામાં નથી રહેવું મારે…. પરંતુ….
મમ્મીની દુનિયા છોડવી છે કોને?

આત્મ સંપ્રજ્ઞ
દૂર પેલી શાળાનો બેલ ટન… ટન… ટન… એમ પ્રત્યેક બાળકોને સુણાવીને એના ગજવામાં “રજા પડી” એવી ચોકલેટ સરકાવી રહ્યો હતો. સમગ્ર વર્ગખંડોમાં ‘ગાયત્રી મંત્રનું’ ઉચ્ચારણ થઇ રહ્યું હતું. ખૂબ દિવ્ય વાતાવરણ સર્જાય રહ્યું હતું.. અને મંત્રના નાદમાં બાળકોનો ઉત્સાહ પણ જણાઈ રહ્યો હતો. આ ટાણે ઘરેથી રમવા નીકળી પડેલો રમતિયાળ પવન શાળામાંથી છૂટતા વિદ્યાર્થીઓની જૂલ્ફોને લહેરાવવાની લુફ્ત લૂંટતો હતો. શાળા પાસેના મંદિરની ધજા પણ બાળારાજાને “કાલે વહેલાં વહેલાં શાળામાં આવજો… અને સાહેબે આપેલું હોમવર્ક પૂરું કરીને લાવજો..” એમ કહી ને ફરફરી રહી હતી… આવી મીઠડી શાળામાં જવાનું કોને ન ગમે? અરે..!! મોટેરાઓ ને પણ બાળક બનવાનું આ શાળા આમંત્રણ આપીને બાળક બનવા માટે લલચાવે છે… આજે સવારે પ્રાર્થનામાં ગવાયેલું એક બાળગીત બાળકો ખભે દફતર રાખીને મિત્રો સાથે ગાન કરતા હતાં.. “રોજ નિશાળે જઈએ; અમે રોજ નિશાળે જઈએ… ગાતાં-રમતાં અક્ષરો સાથે ઓળખાણ કરી લઈએ.. અમે રોજ નિશાળે જઈએ…!!”
તો પેલો સુનીલ કહે તમે બધાં સાંભળો મારું પણ એક બાળગીત… “લે શીંગની ચીકી… લે દાળિયાની ચીકી.. એ.. હે…. હાલોને રમીએ ઘીચી-પીચી ઘીચી-પીચી…!!” તો સાતમાં ધોરણનો હેમાંગ કહે હું બોલું પછી જોરથી બોલજો બધાં… “આપણી ટોળી…. જિંદાબાદ…. જિંદાબાદ… આપણી શાળા જિંદાબાદ….!!”
આ શાળામા સમીરની લહેરખડી જેવો સુમિત ખબર નહી કેમ? પરંતુ આજે શાળા છૂટી છતાં પણ શાળામાં જ થંભી ગયો હતો.. સુમિતની અલ્લડતા આજે શાળાના દરવાજે તેની રાહ જોઈને ઉભી રહી છે. સુમિતને આજે બધાં જાય પછી તેનાં સાહેબને કંઈક કહેવું હતું; માટે તે ઉભો હતો. કંઈ ખોવાયું નથી છતાં કંપાસ ખોલીને શોધખોળનો ડોળ કરતો હતો. તેનાં મિત્રોએ કહ્યું : “હાલ, સુમલા.. તારે ઘરે નથી આવવું? જલ્દી ચાલ.. રમવા જવાનું છે…!!” અને સુમિત મિત્રોની સામે જોયા વિના જ કહ્યું કે : “તમે બધાં જાઓ, હું હમણાં જ આવું..!” સુમિત સાહેબને મળીને આવશે તેમ તેનાં મિત્રોને કહેતો નથી…
બાળકો શાળામાંથી છૂટીને ઘરે આવો એટલે ઘર વાતો કરવા લાગે અને પેલી શાળા ઉભી રહે છે ‘સૂનમૂન…’ અને ભૂલકાઓ જયારે શાળા ભણી દોટ મૂકે ત્યારે ઘર શાહરુખની અદામાં કહે કે : “કભી અલવિદા ના કહેના….!!”
સુમિતને જે સાહેબ સાથે વાત કરવી હતી તે સાહેબને એકલાં મળવું હતું.. માટે તે સાહેબના એકાંતની રાહ જોતો હતો. થોડીવારે સાહેબનું એકાંત જોઈને તે સાહેબની પાસે ગયો.. અને પોતાની આંખો ઢાળીને બોલ્યો : “સ…ર…! હવારે તમે બધાંને વર્ગમાં પુસેલું કે જેને ચાર પાઠના સવાલ જવાબ પાકા કર્યા હોઈ એને ઇનામ..!!! મેં હવારે તમારી પાંહે ખોટું બોલીને આ ઇનામ લીધું હતું.. મારે તો ત્રણ પાઠ જ પાકા થયાં છે. ચોથા પાઠમાં થોડી ભૂલ પડે છે.. તમે આપેલું આ ઇનામ પાસુ રાખો.. કાલે હું ચોથો પાઠ પાકો કરું પછી મને ઇનામ આપજો.. મારાથી ભૂલ થઇ ગઈ છે…!!”
સાહેબને આ સુમિત “આત્મસંપ્રજ્ઞ” લાગ્યો.. આત્મસંપ્રજ્ઞ એટલે પોતાની જાતને જાણનારો.. ખરેખર નાનકડા ભૂલકાંઓની આ બાબત જ તેને મહાન બનાવે છે. બાળકો પોતાની જાતને છેતરતા નથી.. જયારે મોટકડાંઓ પોતાની જાતને રોજ રોજ છેતરી લે છે… એટલે સ્તો…!! બાળકોને ઈશ્વરનું સ્વરૂપ કહે છે..!!
આ બાળકોના ઈશ્વરને પામવા માટે બાળક બનવું પડે.. સાહેબે સુમિતની વાત સાંભળીને આવી વાતોનું મનમાં પૂર ઉમટ્યું.. વાહ.. શું આ બાળકની જિંદાદિલી છે.. આફરીન..

સાહેબ આવા વિચારો સાથે સુમિતનો વાસો પસવારવા લાગ્યા.. સુમિતને કહીને સાંત્વનાના શબ્દો ઓછાં પડેત.. માટે સાહેબે પહેલાં સાંત્વન સ્વરૂપ હેતાળ હાથે વાસો પસવાર્યો. સાહેબની લાગણીઓમાં સુમિત આજે તરબતર થવાનો હતો.. અને બોલ્યા: “વાહ…!! આ ઇનામ હવે તારું.. હા, પાઠ પાક્કો કરવાનું નહી, પરંતુ સત્ય કહેવાનું.. અને કાલે ચોથો પાઠ પાક્કો કરીને આવજે એટલે ફરીથી ઇનામ આપીશ.. અને હા હસતો રહે.. હસતો ચહેરો રાખવા માટે કોઈ ટેક્ષ ભરવાનો નથી.. માટે હસતો હસતો તારા ઘરે જા હવે..!!” મદમસ્ત બનેલી હવા આ દ્રશ્ય નિહાળીને થોડીવાર માટે થંભી જ ગઈ…

“બાળકના હોઠે મુસ્કાનઉગે છે, મને લાગે કે જાણે ભગવાન ઉગે છે…!!”
પોતાના મનનો ભાર હળવો થતા સુમિત સાહેબની આંખોમાં આંખો મિલાવી રહ્યો હતો… અને ધીરે રહીને સાહેબની સામે મલકાયો.. અને સાથે સાથે સાહેબ પણ મલક્યા…!

સૂકા પાંદડાનો નાચવાનો અવાજ આવી રહ્યો હતો… તો નટખટ પવન પણ સુમિતના ગળાની આસપાસ થયેલા પ્રસ્વેદને સૂકવી રહ્યો હતો…

દૂર દૂર ક્ષિતિજે સૂર્યાસ્તની વેળા થતી જણાતી હતી.. છતાં સાહેબને આજે સુમિતના દિલમાં સૂર્યોદય થતો જણાઈ રહ્યો હતો…!!!

“મસ્તીસા….!!”
વીચારું છું કે……
“દરેક બાળકોને તેનાં બાળપણાં સાથે મારા ઘરે જમવા માટે બોલાવું..
અને….
પછી જમવામા અમૃત ભેળવી દવ…!!”

લેખન :નરેન્દ્ર જોષી…

અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો, અને દરરોજ અવનવી માહિતી વાંચતા રહો અમારા પેજ પર.

ટીપ્પણી