સપનાઓ જોવા જરૂરી છે, સપનાઓ તુટવા પણ જરૂરી છે પણ આ સપનાઓ જોવાનું બંધ ક્યારેય નહી કરવાનું…

સપનાઓ,

આપણે રોજ નિતનવા સપના જોઈએ છીએ અને રોજ જુના સપના ભૂલી જઈએ છીએ. કોઈ સપના આંખ બંધ કરતા જ ખુશી ની લહેરખી દોડાવી જાય છે, તો કોઈ સપનાઓ આંખમાંથી ઉંઘ અને જિંદગીમાંથી સુકુન છીનવી લે છે. પણ કોઈ ને કોઈ સપનું આપણી આસપાસ અવિરત રીતે રહે જ છે.

કોઈ એક સપનું કોઇપણ ઉમરે આપણું એવું હોય જ છે જેને સાકાર કરવા આપણે રાત દિવસ એક કરીએ છીએ.

ક્યારેક નવી સાઇકલ લેવાનું હોય તો ક્યારેક ક્લાસ માં ફર્સ્ટ આવવાનું, ક્યારેક પ્રિયતમ ને મન ની વાત કહેવાનું હોય તો ક્યારેક નવી કાર લેવાનું, પોતાનો બંગલો બનાવવાનું હોય તો ક્યારેક પોતાના પૌત્ર પૌત્રીઓને રમાડવાનું. પણ જિંદગીના દરેક તબક્કે સપના તો હોય જ છે.

પણ એક દિવસ આપણે જોયેલું સપનું તૂટી જાય તો??

જે સપનું સાકાર કરવા આપણે રાત દિવસ એક કરતા હોઈએ તે પૂરું ના થઇ શકે તો?

કોઈ તરુણ પૂરું વરસ ક્લાસ માં ફર્સ્ટ આવવા માટે મહેનત કરે અને તે ફર્સ્ટ ના આવી શકે અથવા કોઈ મુગ્ધા પોતાની દિલ ની લાગણીઓ તેના પ્રિય પાત્રને વ્યક્ત કરે અને તે ઇનકાર કરી દે તો?

કેટલી અઘરી મનોસ્થિતિ હોય તે…

તેનું પરિણામ એક જ આવે છે, હતાશા…
અને હતાશ થયેલું વ્યક્તિ શું કરી શકે તે તો આપણે બધા જાણીએ જ છીએ
આ સપનાઓ તૂટે ત્યારે રડીને, હતાશ થઈને બેસી રહેવાથી કે જિંદગી નો તિરસ્કાર કરી કોઈ વ્યસન માં સમર્પિત થવાથી તો કોઈ જ ઉકેલ આવી શકતો નથી. તેનાથીતો પરીસ્થિત વધુ ખરાબ જ બને છે.
તૂટી ગયેલા સપનાઓ ની કરચ આંખમાં ખૂંચતી રોકવાનો એક માત્ર ઉપાય છે નવા સપના જોવા…
આપણો પ્રોબ્લેમ એ છે કે જયારે આપણું કોઈ એક સપનું તૂટે ત્યારે આપણે સપના જોવાના જ બંધ કરી દઈએ છીએ. પણ ખરી રીતે જોઈએ તો તે જ માત્ર આપણને એક નવી આશા ની કિરણ દેખાડી શકે છે. બહુ જ અઘરું હોય છે જે વસ્તુ માટે દિવસ રાત મહેનત કરી હોય તેને ભૂલી ને કોઈ બીજી વસ્તુ મેળવવા ધ્યાન કેન્દ્રિત કરવું. પણ ક્યાંક થી તો શરૂઆત કરવાની જ હોય છે ને…
એટલે જયારે તમારું સપનું તૂટે અને ખબર પડી જાય કે હવે જે વસ્તુ માટે મહેનત કરી છે તે ક્યારેય મળવાની જ નથી ત્યારે સૌથી પહેલા દિલ ખોલી ને રડી લેવું. જેટલો અફસોસ વ્યક્ત કરવો હોય તે કરી લેવો, જેના પર આરોપ લગાવવા હોય તે લગાવી લેવા…

અને આ બધું જ થઇ ગયા પછી એક નવું સપનું જોવું, કંઇક એવું જે તમે દિલ થી ઈચ્છતા હોવ.
એક યુવાને એક છોકરી ને બહુ પ્રેમ કર્યો. તેના હ્રદયમાં પોતાના માટે લાગણીઓ જન્માવવાના બધા જ પ્રયત્ન કરી લીધા. તેનાથી શક્ય તેટલી બધી જ કોશિશ તેણે કરી લીધી. પણ સંજોગોવશાત તે છોકરી ને તે ના પામી શક્યો…
તેનું એક માત્ર સપનું આ છોકરી તેની ના જ થઇ શકી તો હવે શું?
આ છોકરી સિવાય તેને ડીઝાઈનર કાર નો પણ બહુ શોખ હતો. બુગાટી તેની ફેવરેટ કાર હતી.
બસ, તેણે પોતાના બધા જ એફર્ટ તે કાર ને હાસિલ કરવા માં લગાવી દીધા…

તેનું બીજું સપનું પૂરું થાય કે ના થાય, તે બુગાટી લઇ શકે કે નહી તે બીજા નમ્બર ની વાત છે પણ તે યુવાનની કાર ની ઘેલછાએ તેને હતાશામાં ગરકાવ થતા તો બચાવી જ લીધોને!
સપનાઓ જોવા જરૂરી છે,

સપનાઓ તુટવા પણ જરૂરી છે પણ આ સપનાઓ જોવાનું બંધ ક્યારેય નહી કરવાનું.
સપનાઓ નિશાની છે કે આપણે હજી જીવીએ છીએ.

લેખન : દર્શિતા જાની

દરરોજ આવી અનેક અવનવી અને પ્રેરણાદાયી વાતો વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી