જો તમને કોઈને તકલીફમાં જોઇને મજા આવતી હોય તો એકવાર તેની તકલીફ દુર કરીને જુઓ સૌથી વધુ મજા આવશે…

એક નગરમાં એક ગુરુનું આશ્રમ હતું. એક દિવસની વાત છે ગુરુ પોતાના એક શિષ્ય સાથે ભ્રમણ કરવા નીકળ્યા હતા. ગુરુ સાથે નીકળેલો શિષ્ય સાધન-સંપન્ન પરિવારનો હતો. ગુરુ-શિષ્યની જોડી એક ખેતર નજીક પહોંચ્યા તો તેમણે જોયું કે ખેતરમાં કામ કરી રહેલો ખેડૂત પોતાનું કામ પુર્ણ કરી ઘરે જવાની તૈયારી કરી રહ્યો હતો. આ દ્રશ્ય જોઈ શિષ્યએ તેના ગુરુને જણાવ્યું કે ચાલો ગુરુજી આ ખેડૂતના જૂતાં લઈ આપણે ઝાડ પાછળ છુપાઈ જઈએ. ખેડૂતને તેના જૂતાં નહીં મળે તો તે વ્યાકુળ થશે તે જોવાની મજા આવશે.
ગુરુએ આ વાત સાંભળી ગંભીરતાથી શિષ્યને કહ્યું કે કોઈ ગરીબ માણસ સાથે આ પ્રકારની મજાક કરવી યોગ્ય નથી. જો તારે મજા જ લેવી છે તો આ ખેડૂતના જૂતા નજીક થોડા સિક્કા રાખી દે, આ સિક્કાનો શું પ્રભાવ પડે છે તે આપણે જોઈએ. ગુરુ અને શિષ્ય બંને સિક્કા ત્યાં મુકી અને ઝાડ પાછળ છુપાઈ ગયા.
થોડી જ વારમાં તે ખેડૂત ઘરે જવા નીકળ્યો અને પોતાના જૂતાં પહેરવા ગયો ત્યારે તેણે જમીન પર પડેલા સિક્કા જોયા. સિક્કા હાથમાં ઉપાડી ખેડૂતે આસપાસ નજર દોડાવી પરંતુ કોઈ દેખાયું નહીં. થોડીવાર તેણે રાહ જોઈ અને પછી જમીન પર પડેલા સિક્કા હાથમાં રાખી ઉપરની તરફ હાથ જોડી અને તે બોલ્યો કે હે ઈશ્વર જે પણ વ્યક્તિએ આ મદદ કરી તેને લાખ લાખ ધન્યવાદ, જરૂરના સમયે મને મદદ મળી ગઈ. આજે મારી બીમાર પત્ની માટે દવા લઈ શકીશ અને ભુખ્યા બાળકોને ભોજન મળશે.આ શબ્દો સાંભળી શિષ્યની આંખ આંસુથી છલકાઈ ગઈ. આ જોઈ ગુરુએ શિષ્યને પુછ્યું, હવે બોલ તેને વધારે મજા શું કરવામાં આવી ? ખેડૂતને સિક્કા આપીને કે પછી તેના જૂતાં છુપાવવાથી તને મજા આવી હોત. શિષ્યને જીવનનું સૌથી મોટો ઉપદેશ મળી ગયો અને તેણે કહ્યું કે જે સુખ કોઈ વસ્તુ આપવામાં છે તે સુખ કોઈની વસ્તુ લેવામાં નથી….

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક પ્રેરક વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી