દીકરી ને ગાય.? – અસ્ત્રી નો અવતાર પાલખી માં બેહી ને આઇવી હવે અરથી માં જ બાર નિકળાહે…

“દીકરી ને ગાય.??…

“હાઇલ હાઇલ મારો બાપો !! આમ કા હારુંકરશ મારી ગવરી… તને હાથ જોડું માં !! જા તારે ઠેકાણે જા બાપલીયા … મારી જબાન ની લાજ રાઇખ માવડી !! ”

આટલું બોલતાં તો રાઘવ ને આંહુડા આવી ગ્યા.. એ સમજી ગ્યોતો કે થોડા દિ પેલા બાજુ ના ગામે વેચેલી એની ગાય સીધી ધણ માંથી નવા માલિક ની ઘરે જવા ને બદલે આજે પણ ફરીથી આયાં એની મૂળ જગ્યાએ રાઘવના ફળિયે આવી ને પોતાને ખીલે ઊભી ગઈ …

અને રાઘવ પોતાના આંસુડાં લૂછીને ફરીથી બોલવા માંડ્યો, .. જા મારી ગૌરી , તારું હવે ઇ જ હાચુ ઠેકાણું સે માડી , જા , ઈમ હમજજે તારે ને મારે અન્નજળ પાણી ખૂટયા … બાપા !! જા હવે , હાઇલ હું જ મૂકી જાવ તને !! કહી ને રાઘવે પોતાની ગાય ને દોરી પણ ગાય જરાય હલી જ નહીં. રાઘવ બોલ્યો, ” તું આમ હાવ માને નહિ ઇ કેમ હાલશે? પંચ ની હામે રૂપિયા લીધા સે તારા !! ઇ ને મારે હું જવાબ દેવો ??”

અને રાઘવે ગાયના ‘ ડોક માં ડેરો’ નાખવા લાકડું લીધું ને દોરડું ભરાવવા મથવા લાઇગો.. એ જોઈ ગૌરી ભાંભરવા લાગી ને આ બધુંય બળતાં હૈયે જોતી ને ક્યારની ચુપચાપ ઊભેલી રાઘવની પત્ની હંસા બોલી, ” અલી ગૌરી !!, તારે જાવું જ પડસે, માડી , જી ને પોતાના પેટની જણી નું નો હમઝાણું ઇ તારું દુઃખ હું હમઝે?? ઇ હારુંકવ સુ .. જા બાપા જા તને હાથ જોડું ગાય માતા !! હું બધુંય હમઝુ સુ .. આ તારી જલમ ભોમકા સે , તને આય ની માયા સે .. પણ માડી , ગાયુ ને બાયું નો અવતાર જ ભૂંડો સે..” કહી હંસાથી તો ડૂસકું નીકળી ગ્યું,..એને આમ રોતી જોઈ રાઘવેય ઢીલો પડી ગ્યો..
“‘તયે હું કરવું ? કે લે ? સે આપડી પાહે રોકળા રૂપયા?? તી દઈ ને પાસી રાખી લઈ આને ? રૂપયા તો આ સોકરાના મંદવાડ માં વયા ગયા .. હવે આ ગૌરી ને પાસી રાખી લવ તો સોદો ફોક કરીયો કેવાય, ને મૂળ રૂપયા ને ઉપરથી પાસું ઉપરિયામણ !! ક્યાંથી લાવું કે મને ?? ”

“હા ,હા, ઇનાભાઈગ ! અમથું નથી કેવાણું “” દીકરી ને ગાય, દોરે ત્યાં ઝાય !!! “”” આપડી મંજુડી ને આ ગવરી !! બે ય અભાગીયું !! અને હંસા એ તો ઠુઠવો જ મુઈકો ..

એને જોઈ રાઘવ હવે ખિજાયો, … તમારે બાયુને તો બોલી નાખવું ને આંહુડા પાડવા સે.. અમારે આદમી ને કિંમનું કરવું ?? અમને ય બેનું દિકરીયું ની આઇખું ના પાણી જોઈને અમારા ય કાળજા ઊઠી જાય સે બાપ !! પણ , કી ને કે’વું? મરદ થઈ ને તમારી જેમ બેહી રેવાતું નથ ને !!”

આટલું બોલતાક ને રાઘવ ધબ્બ દઈ ને ઓસરીને ટેકે બેહી પઈડો.. ને તયે જ ડેલી નો દરવાજો ખુલ્લો જ હતો એમાં બાજુ ના ગામનો મગન , જેને રાઘવે ગાય વેચી’તી ઇ આઈવો અને ગૌરી ને આયા જોઈ બોલી ઊઠ્યો , ” મને ખબર્ય જ હતી કે પાસલા વખત ની જેમ આ ગાય આયા જ હઇશે !! ”

રાઘવ શરમનો માઇરો કાંઈ બોલી નહોતો સકતો અને હંસને રોતી જોઈ મગન પણ હમજીગ્યો !! અને ગાય હામે જોઈ ઇ બોઇલો, ” રાઘવ, હવે આ તારી ગાય તું જ રાખી લે , હંધાય ના જીવ દુઃખાળીને મારે હું કરવું ? ઉપરવારો મને માફ ના કરે !! રાખી લે તારી ગૌરી, મારા ભાઈગ માં આનું દૂધ નહિ હોય , હું કોઈ બીજી લઈ લઇસ !! ”

રાઘવ તો રાજી થઈ ગ્યો, પણ મગન ને અચકાતાં અચકાતાં કીધું કે ,” મગન ભાઈ , રૂપયા અટાણે રોકડા નથી !!” મગન એમ કહી ને વયોગ્યો કે ” થાય તે દિ દેજે બાપા !! રૂપયા ક્યાં ભાગી જાઈશ !!”
અને હંસા એ આંહુડા લુસતાં કીધું, ” મંજુ ના બાપુ, આપડી સોડી તૈન સાર વખત થી રોતી કકરતી જાય સે … ઈનું ય કાંઈ ક કરો ને !! હાહરે ગઈ તેદુની બિસાળી કોઈદી કોરી આઇખે ગઈ નથી, રૂપિયાના જ હગા સે, અને જમાઈમાં ય કોઈ ભલીવાર નથી મારી સોળી એક એક દાડો રોઇ રોઈને કાઢે સે, તમે ‘ દુનિયા હું કેહે’એવો વિસાર કરીયા કરશો તો ક્યાંક સોકરી ના નામનું નાવા નો જ વખત આવસે … મારી ગવરી ગાય જેવી મંજુડી !!! ” ત્યારે … ઊભો થઈ ને ગૌરીની કોટે વળગી ને પ્રેમ થી હાથ ફેરવતો રાઘવ બોઇલો, ” હારું, હારું, મને હવારે વેલો ઉઠાડઝે, ને તું યે તૈયાર થઈ જાજે, હું આપડા ગામના પંસ પાહે થાતો આવું, જોવ સુ કુણ આપડા ભેગું આવેશે …”

હસતાં હસતાં મોં એ આઇખું માં આવેલ આંહુડાલુઇ ને હંસા પોતાના કામે વળગી..ગૌરીએ પણ રણકાર કર્યો ને પોતાનો રાજીપો વ્યક્ત કર્યો.

…. બીજે દિ’ એ રાઘવને હંસા ગામ ના બેક આબરુદાર ને બોલી માં વજન પડે એવા કાકા અને ફુવા ને લઈ ને ગ્યા સીધા જ મંજુ ની ઘેર !!

વળતે રસ્તે મંજુ તો એની મા ને વળગી ને રોતી જાય ને કે’તી જાય , ” મુને તો ઇમ જ કે હવે તો ઇ ઘરેથી મારે અરથી ઉપર જ નિકળાહે !!
“” અસ્ત્રી નો અવતાર પાલખી માં બેહી ને આઇવી હવે અરથી માં જ બાર નિકળાહે’
ઘણી વખત મને મરવાના વિસાર આવી જતાતા પણ, મારા બાપુ ને મારી માડી યાદ આવતા ને હું કઠણ થઈ જાતી, માડી!!,…
પણ, મારા બાપુ જેવા હંધાય ના બાપુ હોય તો હાહરે દુઃખી થાતી કોઈ સોડી કુવે નો પડે કે વખ નો ઘોળે .. કા માડી ?? ” તયે રાઘવે ગાડે જોડેલા પોતાના કાળિયાને ધોડિયા બેઈને ડચકારતાં કીધું, ” દીકરી, હું તો મારી ફરઝભુઈલો’તો આ તારી માવડી આઇજે તારી સાયડીબઇની સે ., દીકરી ને વિદાય કયરી’તી એટલે અમે તારા માવતર થોડા મટી જાય સી ! , માબાપ ને જીવતેજીવ કોઈ દીકરી દુઃખી થઈ ને નસીબ ને રોતા ન બેહાય પણ રસ્તો કાઢી તો હંધુય હરખું થઈ જાય, ઇ આઇજે હમઝાણું..

“દીકરી હોય કે ગાય
એના નસીબ નું ખાય
એ ખુશ હોય તો જ
બાપ ને રાજીપો થાય”
…અને મંજુ પાસી એની માડી ના પાલવની છાંય માં મલકાઈ ઊઠી.

રાઘવ ને હંસા ની હારે ઘરે પ્રવેશતી મંજુ ને જોઈ ને ગૌરી ય માથું હલાવતી રાજીપો વ્યક્ત કરતી ‘તી ને એના ગળાની ઘંટડી રણકવા લાગી…

લેખક : દક્ષા રમેશ

આપના અમુલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં જરૂર આપજો, દરરોજ અવનવી વાર્તાઓવાંચવા માટે જોડાયેલા રહો અમારી સાથે…

ટીપ્પણી