આ ગુજરાતીએ તમાકુનો વેપાર છોડી હર્બલ બીડી શોધી અને વિશ્વખ્યાત કરી

આજની પોઝિટિવ સ્ટોરી

નો ટોબેકો : નટવરભાઈ ભાવસારે તમાકુનો વેપાર છોડી હર્બલ નિર્દોષ બીડી શોધી અને વિશ્વખ્યાત કરી

આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ છે ત્યારે મારે મિત્રો સાથે નટવરભાઈ ભાવસારની તમાકુ સામેની જબરજસ્ત લડતની ગાથા વહેંચવી છે. હવે તો તેઓ હયાત નથી પણ તેમણે પોતાના જીવનનાં ઘણાં વર્ષો હર્બલ બીડીના સંશોધનમાં હોમી દીધાં હતાં. પત્નીનું વ્યસનને કારણે જ મૃત્યુ થતાં તેમને મોટો આઘાત લાગેલો.

એ પછી તેમણે લોકો તમાકુનું વ્યસન છોડે એ માટે પોતાની આખી જિંદગી આપી દીધી હતી. તેમણે હર્બલ નિર્દોષ બીડી શોધી હતી. આ બીડી આયુર્વેદિક હતી. તેમાં અજમો, તમાલપત્ર, જેઠીમધ, હળદર, લવિંગ વગેરે ઔષધિઓનો ઉપયોગ કરાયો હતો. હર્બલ બીડીના સંશોધન માટે અને મશીન દ્વારા તેનું મોટા પાયે ઉત્પાદન થઈ શકે તે માટે તેઓ ભારતનાં અનેક શહેરોમાં ફર્યા હતા. તજજ્ઞોને મળ્યા હતા.

ટીમરૂના પાનનો ઉપયોગ કરીને તેમણે બનાવેલી નિર્દોષ બીડી અને સિગારેટની વિશેષતા એ હતી કે જે વ્યક્તિ આ બીડી પીતી હોય તેનું તમાકુનું વ્યસન છૂટી જતું અને ઉલટાનું નિર્દોષ બીડી પીવાથી આરોગ્ય સુધરતું. તમાકુવાળી બીડી-સિગારેટથી તલપ વધે જ્યારે આનાથી તૃપ્તિ મળે. નિર્દોષ એક હર્બલ બીડી-સિગારેટ છે અને ધૂમ્રપાન (સ્મોકિંગ)નો નિર્દોષ ખ્યાલ છે. આ બીડીનું ધૂમ્રપાન એવું છે કે જે આરોગ્ય માટે નુકસાનકારક નથી, પરંતુ ફાયદાકારક છે.

પ્રસાદભાઈ ભાવસાર કહે છે કે અમારી બીડી-સિગારેટ ભારત ઉપરાંત અમેરિકા,યુ.કે. સહિત ઘણા દેશોમાં જાય છે. સમગ્ર વિશ્વમાં તેના અનેક બાંધેલા (બંધાણી નહીં) ગ્રાહકો છે. આશરે ૫૦ લાખ રૂપિયાનું તેનું ટર્ન ઓવર છે.

નટવરદાદાની વિદાય પછી તેમના દીકરાઓ ગૌતમભાઈ, જંયતિભાઈ, ગિરીશભાઈ અને મુકેશભાઈએ પિતાનો આ વિશિષ્ટ વેપાર વારસો આગળ ધપાવ્યો. એ પછી તેમના પુત્રો એટલે કે નટવરભાઈ ભાવસારના પૌત્રો સિદ્ધાર્થભાઈ, પ્રસાદભાઈ અને મંયકભાઈ પણ તેમાં જોડાયા છે.

ભારે પ્રયાસો પછી પણ આ હર્બલ બીડીનું યંત્ર દ્વારા ઉત્પાદન કરી શકાય તેવું શક્ય બન્યું નથી. નટવરદાદાના પૌત્રો હજી પ્રયાસ કરી રહ્યા છે. માત્ર હાથથી જ આ બીડી-સિગારેટ બનાવાય છે.

(કોઈને નિર્દોષ બીડી પીને તમાકુવાળી બીડી-સિગારેટમાંથી મુક્તિ મેળવવી હોય તો તમે ૦૭૯-૨૫૬૨૪૭૩૩ કે ૦૭૯-૨૫૬૨૦૫૩૭ પર સંપર્ક કરી શકો છો.)

(તસવીરઃ નટવરભાઈ ભાવસાર, અશોકકુમાર (દાદામુનિ) સાથે નટવરદાદા અને નિર્દોષ બીડી.)

સાભાર – રમેશ તન્ના

ટીપ્પણી