ગુજરાતનાં લોકો માટે ‘ગોવા’ છે આ શહેરો, વિદેશીઓ પણ મનભરીને માણે છે ‘મોજ’…તમને ખબર હતી ?

ડીસેમ્બર મહીનો એટલે યંગસ્ટર્સ માટે મજાનો મહિનો. ડીસેમ્બરમાં લગ્નનો માહોલ હોય, સાથે જ મહિનાનાં માંડ 15 દિવસ પત્યા હોય ત્યાં યુવાનો ન્યુ યર સેલિબ્રેશન માટે ડેસ્ટિનેશન શોધવા લાગી જતા હોય છે. ન્યુ યરની પાર્ટી ક્યાં કરીશુ? ક્યાં જઈશું? વગેરે તૈયારીમાં લાગી જતા હોય છે. પણ આપણા ગુજરાતમાં પણ 31 ડીસેમ્બરનાં સેલિબ્રેશન માટે બે હોટ ફેવરીટ સ્થળો છે. જ્યાં માત્ર ગુજરાતનાં લોકો જ નહીં પણ વિદેશનાં લોકો પણ ડીસેમ્બરનાં છેલ્લા 15 દિવસ ધામા નાંખે છે, જેથી હોટેલ પણ મહામુસીબતે મળે છે. ગુજરાતનાં એટલે કે ગુજરાતને અડીને આવેલા આ બે કેન્દ્રશાસિત સ્થળો છે દીવ અને દમણ.

ગુજરાતમાં સૌરાષ્ટ્રનાં લોકો માટે ગોવા એટલે દીવ અને અને દક્ષિણ ગુજરાતનાં લોકો માટે ગોવા એટલે દમણ. વેકેશનનાં સમયગાળામાં અને ખાસ કરીને ડીસેમ્બર મહિનામાં અહીં ભારે ભીડ જોવા મળે છે. જો કે તહેવારોમાં પણ આ સ્થળો પર ખચોખચ માનવમેદની ઉમટી પડે છે. પણ ડીસેમ્બરમાં ખાસ કરીને અહીં વિદેશી લોકો મોટા પ્રમાણમાં આવે છે. જેથી હોટલો અને ગેસ્ટ હાઉસ મળવા પણ મુશ્કેલ થાય છે. નવા વર્ષની ઉજવણી માટે વિદેશીઓ અહીં 15 દિવસ પહેલા જ પહોંચી જતા હોય છે. કેન્દ્ર શાસિત હોવાથી અહીં ગુજરાત રાજ્યનાં કોઈ કાયદા-કાનૂન લાગતા નથી.

દીવ અને દમણ વચ્ચે 635 કિલોમીટર જેટલું અંતર છે. બંન્ને સ્થળો પોતાની અલગ ઓળખ ધરાવે છે, પોર્ટુગીઝોથી આઝાદી મળી તે બાદ દીવ-દમણને કેન્દ્ર શાસિત પ્રદેશમાં સમાવી લેવામાં આવ્યા. દીવ અને દમણ પર્યટકો માટે આગવુ મહત્વ ધરાવે છે. દીવ અને દમણનાં મોટાભાગનાં જોવાલાયક સ્થળો પોર્ટુગીઝ સમયમાં બનાવવમાં આવ્યા છે. જેથી આ સ્થળો પર્યટકો માટે ઐતિહાસિક સ્થળો તરીકે પણ ખ્યાતી પામ્યા છે. ત્રણ તરફથી સમુદ્રથી ઘેરાયેલા દીવ અને દમણને કુદરત તરફથી ભવ્ય સમુદ્રીતટો ભેટ સ્વરૂપે મળ્યા છે. જે પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

દીવ અને દમણનાં ઈતિહાસ પર નજર કરીએ તો અહીંનો ઈતિહાસ લગભગ 2000 વર્ષ જૂનો છે. દીવનો સંદર્ભ તો મહાભારતમાં પણ મળે છે, 14 વર્ષનાં વનવાસમાં થોડા દિવસો માટે પાંડવો અહીં રોકાયા હતા. ઈતિહાસ પ્રમાણે આ બંન્ને ક્ષેત્રો ચૌડા રાજપૂતોનાં હિસ્સામાં હતા. વધાલાઓઓ બાદ અહીં મુસ્લિમલોકોએ 200 વર્ષ સુધી શાસન કર્યું હતું. બાદમાં પોર્ટુગીઝવાસીઓએ 1534માં આ સ્થળો પર કબ્જો કરી અંદાજે 450 વર્ષ સુધી શાસન કર્યું. અને ત્યાર બાદ બ્રિટિશ લોકોને બહાર કરી ગુજરાતનાં લોકોએ કબ્જો જમાવી લીધો. હાલ આ સૌથી નાના કેન્દ્ર શાસિત પ્રદેશોમાના બે છે.

સંઘ પ્રદેશ દીવની વાત કરીએ તો દીવમાં નાગવા બીચ, દીવ કિલ્લો, મ્યુઝિયમ, નાયડા ગુફા, ચર્ચ જેવા મુખ્ય આકર્ષણનાં કેન્દ્રો છે. દીવના દરિયાકાંઠે બોટિંગ અને પેરાગ્લાઇડિંગની સુવિધા છે. નાગવા બીચ નજીક પ્રાઈવેટ મ્યુઝિયમ પણ તમને જોવું ગમે તેવું છે. ભરતીના સમયે દરિયા કિનારે આવેલું શંકર ભગવાનનું ગુફામાં આવેલું ગંગેશ્વર મંદિર રોમાચંક છે. કહેવાય છે કે દીવ જેટલો ટુરિસ્ટ ફ્રેન્ડલી દરિયાકિનારો બીજો એક પણ નથી. દરિયામાં ૫૦-૧૦૦ મીટર અંદર જાવ ત્યાં સુધી પાણી માંડ કેડ કે ખભાસમાણાં જ પહોંચે એ વૈભવ બહુ ઓછા બીચમાં જોવા મળે છે. પોટર્ગીઝ કાળનાં ચર્ચ અને તેની બાંધકામની શૈલી જોવાલાયક છે. દીવમાં સૌથી વધુ પ્રખ્યાત કિલ્લો છે. ત્યાં એક દીવાદાંડી આવેલી છે, તેના પર ચડીને દૂર સુધી સમુદ્રનાં દર્શન કરી શકાય છે. ગુજરાતનું કહેવાતું દીવ આપણે ત્યાં ફરવા કરતા ‘પીવા’ માટે વધુ પ્રખ્યાત છે.

જ્યારે દમણમાં દેવકા બીચ, જામ્પોર બીચ, મોટી દમણ, દમણગંગા નદી, કલેક્ટર ઓફિસ, ચર્ચ જેવા જોવાલાયક સ્થળોને પર્યટકો માણે છે. મોટી દમણમાં ચર્ચ એ અદ્દભુત જોવાલાયક સ્થળે છે, આ ચર્ચમાં લાકડામાં અત્યંત સુંદર કારીગરી કરવામાં આવી છે. ચર્ચની દિવાલો પર પેઈન્ટીંગ ખૂબ જ આકર્ષક છે. નાની દમણનો કિલ્લો જોવા માટે લોકોમાં આતુરતા રહે છે. દેવકા બીચ પાસે બે પોર્ટુગીઝ ચર્ચ આવેલાં છે. જે પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

મુખ્ય આકર્ષણ

દમણગંગા નદી: દમણગંગા નદી 72 વર્ગ કિલોમીટર ક્ષેત્રફળ વાળા કેન્દ્ર શાસિત પ્રદેશને બે ભાગમાં વહેંચે છે, નાનું દમણ અને મોટું દમણ. હોટલ અને રેસ્ટોરન્ટ નાની દમણમાં સ્થિત છે જ્યારે પ્રશાસનિક ભવન અને ચર્ચ મોટા દમણમાં આવેલા છે. મોટા દમણમાં દમણગંગા ટૂરિસ્ટ કોમ્પલેક્ષ પણ છે. આ કોમ્પલેક્ષમાં કાફે, કોટેજ અને ઝરણાંઓ છે.

મોટું દમણ: મોટા દમણમાં અનેક ચર્ચ આવેલા છે. અહીંનુ પ્રખ્યાત ચર્ચ છે કૈથેડ્રલ બોલ જેસૂ. આ કૈથેડ્રલમાં લાકડાની બહુ જ સુંદર કારીગરી કરવામાં આવી છે. આ ચર્ચની દિવાલો પર દોરવામાં આવેલા ચિત્રો પણ બહુ જ આકર્ષક છે.

સત્ય સાગર ઉદ્યાન: સત્ય સાગર ઉદ્યાન પણ અહીંના મુખ્ય આકર્ષણમાંનું એક છે. આ બગીચામાં સાંજના સમયે ફરવાની એક અલગ જ મજા છે. આ બગીચામાં જ રેસ્ટોરન્ટ અને બારની વ્યવસ્થા પણ છે.

નાનું દમણ: સંત જેરોમ કિલ્લો નાના દમણમાં 1614થી 1627ની વચ્ચે બન્યો હતો. આ કિલ્લાના નિર્માણ મુગલ આક્રમણોથી સુરક્ષા મેળવવા માટે કરાયું હતું. આ કિલ્લામાં ત્રણ બુરજ છે. આ કિલ્લાની સામે નદી વહે છે જેનો નજારો ઘણો આકર્ષક છે.

દેવિકા બીચ: આ બીચ દમણથી 5 કિલોમીટર ઉત્તરમાં આવેલો છે. આ બીચ પર પર્યટકોની સુવિધા માટે રેસ્ટોરન્ટ, બાર અને હોટલની વ્યવસ્થા છે. આ બીચમાં નહાવા માટે નથી જઈ શકાતું કારણ તેનો કિનારો બહુ જ પથરાળ છે, જે તમને ઈજા પહોંચાડી શકાય છે. અહીં હજી પણ બે પોર્ટુગિઝ ચર્ચ છે.

જેમપોરે બીચ: આ બીચ નાના દમણની દક્ષિણમાં આવેલું છે. આ એક પ્રખ્યાત પિકનિક સ્પોટ પણ છે. અહીંથી સમુદ્ર બહુ જ સુંદર દેખાય છે.

ભોજન: અહીંની રેસ્ટોરન્ટના શેફ કહે છે કે તમે જે ભોજન માંગશો તે તમને મળી જશે. સેન્ડી રિસોર્ટમાં પણ ખાવા પીવાની સારી સગવડ છે. હોટલ મિરામર્સ સી ફૂડ અને દક્ષિણ ભારતીય ભોજન માટે પ્રસિદ્ધ છે. જજીરા ઉદય રેસ્ટોરન્ટ પણ તેના સીફૂડ માટે પ્રખ્યાત છે.

મિત્રો, શું તમે ક્યારેય અહી ફરવા ગયા છો ? તો કોમેન્ટ માં અચૂક જણાવજો..!!

સૌજન્ય : દિવ્ય ભાસ્કર

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block