ગુજરાતનાં આ આઠ મ્યુઝિયમો : દેશ-વિદેશનાં પ્રવાસીઓ અહીં માણે છે ભવ્ય વારસો…તમે ગયા છો ?

ભારતમાં મ્યુઝિયમોની સંખ્યાની દ્રષ્ટ્રિએ ગુજરાતનો બીજો નંબર આવે છે. ગુજરાતમાં નાના-મોટા થઈને આશરે 26 જેટલા મ્યુઝિયમો કાર્યરત છે. ગુજરાતના સંગ્રહાલયો તેના ગૌરવપૂર્ણ વારસા અને ઐતિહાસિક પરંપરાની ભવ્યતાને વાચા આપે છે. ગુજરાતે છેલ્લા ઘણા વર્ષોમાં અનોખી પ્રગતિની કેડી કંડારી છે, જેનાં ફળ સ્વરૂપે દેશ-વિદેશમાંથી હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ગુજરાત તરફ ખેંચાઈ આવે છે.

ગુજરાતમાં આવતા પ્રવાસીઓ ગુજરાતની પરંપરા, સંસ્કૃતિ અને પરંપરાગત જીવનશૈલીથી પ્રભાવિત થાય છે અને ગુજરાતના આ જ મ્યુઝિયમોએ જાળવી રાખેલા વારસો તેમાં ચાર ચાંદ લગાવે છે. દિવ્યભાસ્કર ડોટ કોમ આ નિમિતે ગુજરાતના કેટલાક મ્યુઝિયમો અંગેની આછેરી માહિતી આપી રહ્યું છે.

માનવ સંસ્કૃતિનું મ્યુઝિયમ

ભારતીય સંસ્કૃતિ દર્શન નામે પ્રખ્યાત માનવ સંસ્કૃતિના પૂર્ણ દરજ્જોને તાદ્રશ્ય કરતુ આ મ્યુઝિયમ ભૂજ ખાતે આવેલું છે. કચ્છની ગ્રામીણ સંસ્કૃતિના 4500થી વધુ નમૂના દર્શાવતા મ્યુઝિયમમાં સંસ્કૃતિ કળાના પુસ્તકો, અને અન્ય સમાગ્રી ઉપલબ્ધ છે. કુલ મુખ્ય પાંચ વિભાગોમાં વહેચાયેલું છે. મધ્યખંડમાં સાહિત્ય ચિત્ર વિભાગમાં અલભ્ય સાહિત્યનો ખજાનો છે. ખૂબ જ કલાત્મક ચર્મકામ, સંગીતકળાના વાદ્યોના નમૂના ખૂબ જ આકર્ષક અને ભવ્ય રીતે રજૂ કરાયેલા છે. જે તે સમયની કિંમતી ચીજ વસ્તુઓ, ઉપરાંત સોનું-ચલણી નાણું વગેરેને સુરક્ષિત રીતે સંગ્રહવા માટે કોઠારનું નિર્માણ અને તેની બનાવટ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

પતંગ મ્યુઝિયમ

‘પતંગ ઉત્સવ’ ગુજરાતની આગવી ઓળખે છે. વિશ્વ ફલક પર પતંગના શોખને ઉત્સવમાં પરિવર્તિત કરી વિશ્વભરમાં ફેલાયેલા પતંગ રસિયાઓ ગુજરાતના મહેમાન બની ચુક્યા છે. પતંગ સંસ્કૃતિને ઉજાગર કરતુ પતંગ મ્યુઝિયમ પતંગનો એક હજાર વર્ષ જૂનો ઈતિહાસ દર્શાવે છે. પાલડી ખાતે આવેલું આ મ્યુઝિયમ 26મી ફેબ્રુઆરી 1986ના રોજ ભાનુ શાહ દ્વારા બનાવાયું હતું. પતંગના વિવિધ નમુના અને ઐતિહાસિક દસ્તાવેજો સાથે તેની પ્રતિકૃતિઓ જોવા માટે દેશ-વિદેશમાંથી પતંગ રસિયાઓ અહીં આવે છે.

કેલિકો ટેક્ષટાઈલ મ્યુઝિયમ

ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ તેની સદીઓ પુરાણી હાથ-શાળ, વણાટ કામ માટે જગમશહૂર છે. કોટન કાપડના ઉત્પાદનમાં ભારતનું મોખરાનું સ્થાન રહી ચુકેલ અમદાવાદમાં કેલિકો ટેક્ષટાઈલ મ્યુઝિયમ આવેલું છે. જેમાં હાથશાળ, વણાટકામ ઉપરાંત કાપડના કલરકામ સાથે કોટન, રેશન અને સૂવર્ણ પર થયેલી કળા-કારીગરીનાં ઉત્તમ નમૂનાઓનો સંગ્રહ છે. સત્તરમી સદીનાં હાથશાળની કારીગરીને પ્રતિબિંબિત કરતું લાકડાના નક્શીકામની સજાવટવાળું આ મ્યુઝિયમ તેની આગવી ગોઠવણી અને નમૂનાની રજૂઆતોમાં વિખ્યાત બનેલું છે.

કચ્‍છ મ્‍યુઝિયમ

ગુજરાતનું સૌથી પુરાણું મ્‍યુઝિયમ છે. ઇ.સ. ૧૮૭૭માં નિર્માણ પામેલું આ મ્‍યુઝિયમ ફર્ગ્‍યુસન મ્‍યુઝિયમ નામે પ્રચલિત છે. બ્રિટીશ હકુમત સમયે સર જેમ્‍સ ફર્ગ્‍યુસને આ મ્‍યુઝિયમની વ્‍યવસ્‍થા કરી હતી. આ મ્‍યુઝિયમમાં સોના-ચાંદીના ઘરેણાંના નમૂના, ડિઝાઇન, શાળકામ, યુદ્ધ શસ્‍ત્રોના નમૂના, પુરાતત્‍વીય ઇતિહાસના નમૂના, પ્રાણીના અવશેષો અને અન્‍ય સાધનસામગ્રી ઉપરાંત વહાણ-વ્‍યવહાર સાથે જોડાયેલ સંસ્‍કૃતિ અને સભ્‍યતાની રજૂઆત અહીં કરવામાં આવી છે.

મ્યુઝિયમમાં 10મી સદિનાં કેરા, પુનારા, કોટાય અને કંથકોટ જેવાં મંદિરોના તુટી પડેલા કલાત્મક અવશેષોનો સંગ્રહ થયેલો છે. તેમજ અનેક પાળિયા અને કબરના પથ્થરો પણ અહિ છે. તેમાના એક પથ્થર પર પોતાના બચ્ચા અને ડુક્કરને સ્તનપાન કરાવતી ગાયનું ચિત્ર રસપ્રદ છે. જૂના સિક્કાઓના વિભાગમાં કચ્છનું ચલણ, ભારતના અન્ય દેશોના ચલણ તેમજ વિદેશી ચલણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. કચ્છના મહારાવે કોરીની ચલણી નોટો બહાર પાડી હતી, પરંતુ બ્રિટીશ સરકારે કોરીની નોટને ચલણી નાણામાં લેવાની પરવાનગી આપી નહોતી. સુવર્ણ અને ચાંદીમાં સોનાનું મુગુટ અને અન્ય કલાત્મક આભુષણો જોવા મળે છે.

મ્યુઝિયમના કાષ્ટ વિભાગમાં મૂકાયેલી સાત સુંઢ ધરાવતા હાથીની પ્રતિમા ઐતિહાસિક મહત્વ ધરાવે છે, જેની છાપ વાળી પોસ્ટની ટિકીટો મ્યુઝિયમને ૧૦૦ વર્ષ પુરા થયાની સાથે ૧૯૭૮માં બહાર પાડવામાં આવી હતી.

વોટસન મ્યુઝિયમ

વોટસન મ્યુઝિયમ રાજકોટના જ્યુબેલી ગાર્ડનમાં આવેલું છે. રાણી વિક્ટોરીય સ્મારક સંસ્થા દ્વારા આ સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે. કર્નલ જ્હોન વોટસન 1889 માટે કાઠિયાવાડમાં રાજકીય એજન્સીના એજન્ટ હતા. ભારત માનવ ઈતિહાસ અને સંસ્કૃતિનો આ મ્યુઝિયમમાં સમાવેશ કરાયો છે. મ્યુઝિયમમાં શિલ્પકૃતિઓ, 13મી સદીની કોતરણીઓ, મંદિરોની પ્રતિમા તેમજ પૌરાણિક વસ્તુઓ લોકોના પ્રદર્શન માટે મુકાઈ છે.

વડોદરા મ્યુઝિયમ

ઇ.સ.1894માં આ મ્યુઝિયમ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના આદેશ પર બનીને તૈયાર થયું હતું. પિક્ચર ગેલેરી બનાવવાની શરૂઆત 1908માં થઇ હતી અને તેનું કાર્ય 1914માં પૂર્ણ થયું હતું. જો કે આ મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી ઇ.સ.1921માં આમ જનતા માટે ખુલ્લાં મૂકવામાં આવ્યા હતાં. આ સંગ્રહાલયમાં ઇજીપ્તની મમી અને બ્લૂ વહેલનું હાડપિંજર સૌથી જોવાલાયક નજરાણાઓમાં એક છે. આ સિવાય કળા-શિલ્પ સ્થાપત્યના બેનમૂન અને આકર્ષક નમૂનાનો સંગ્રહ અહીં જોવા મળે છે. ઈતિહાસ, ભૂસ્તરશાસ્ત્ર અને જુદી જુદી માનવ સંસ્કુતિના સ્વરૂપને આલેખતુ આ ભવ્ય મ્યુઝિયમ ગાયકવાડી, યુરોપીય અને મુઘલ સામ્રાજ્યના અમૂલ્ય નમૂનાને રજૂ કરે છે.

ગાંધી સ્મારક સંગ્રહાલય

રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીની જન્મભૂમિ તેમજ કર્મભૂમિ ગુજરાત પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તેમાં અમદાવાદ ખાતે 1951માં સ્થપાયેલુ ગાંધી સ્મારક સંગ્રહાલય મુખ્ય છે. 1963માં નવા સ્વરૂપે નવા અલાયદા સ્થળે બનાવવામાં આવ્યું. આ સંગ્રહાલયમાં ગાંધીજીની રોજિંદી ક્રિયાઓમાં વપરાશમાં આવતી ચીજવસ્તુઓને પ્રદર્શન માટે મુકી છે. ઉપરાંત સંગ્રહાલયમાં રજૂ કરાયેલા ચિત્રો આબેહૂબ વાસ્તવિક ઘટનાઓની અનુભૂતિ કરાવે છે. અહીં પુસ્તકો, ઉપરાંત ગાંધીજીના લખાણોની હસ્તપત્રો, ગાંધીજીએ કરેલા પત્રવ્યવહારોની નકલો, ફોટોગ્રાફ્સ ઉપરાંત આશ્રમવાસીઓ સાથેના ચિત્રો જેવી ચીજવસ્તુઓ ભારતીય સ્વાતંત્ર ઈતિહાસની અનુભૂતિ કરાવે છે. ખાસ તો ગાંધીજીનો ચરખો અને તેમણે વાપરેલું ટેબલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.

સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક

સાબરમતી નદી કિનારે શાહીબાગ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક આવેલું છે. ભારતની આઝાદીનાં જંગમાં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો ફાળો અને તેમની નેતાગીરીનાં સંસ્મરણો આ મ્યુઝિયમમાં જળવાયેલા છે. તેમના જીવન કાર્યોની નોંધનો સંપૂર્ણ ઈતિહાસ આ મ્યુઝિયમમાં સાચવવવામાં આવેલો છે. અગાઉ રાજભવન તરીકે ઓળખાતી આ ઈમારત તેની ભવ્યતા અને સ્થાપત્ય કળામાં બેનમૂન છે.

સૌજન્ય : દિવ્ય ભાસ્કર

ટીપ્પણી