1960થી 2017 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની રસપ્રદ તવારીખ

ગુજરાત વિધાનસભાની આ વખતની ચૂંટણી અગાઉની ચૂંટણીઓ કરતા ઘણી રીતે અલગ પડે છે. મુખ્ય બે પક્ષો ઉપરાંત ‘આપ’ અને શિવસેનાએ પણ પોતાની પુરી તાકાતથી આ જંગમાં ઝૂકાવવાનું એલાન કરતા તેમ જ પાટીદાર સમાજના આંદોલનકર્તાઓ,ઓબીસી અને દલિત નેતાઓ પણ પોત પોતાની રીતે ‘સક્રિય’ થતા આ ચૂંટણી ઘણી રસાકસીભરી રહેશે તેવું અત્યારે લાગી રહ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ઇતિહાસ જોઈએ તો ગુજરાતની જનતાએ અત્યાર સુધીમાં કોંગ્રેસ અને ભાજપને ઘણો લાંબો સમય સુધી સત્તા સાંભળવાનો મોકો આપેલો છે.

તારીખ 1લી મે,1960ના રોજ અગાઉના બોમ્બે રાજ્યનું વિભાજન થઈને ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. આ સમયે અગાઉની મુંબઇ વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોની વિધાનસભા અસ્તિત્વમાં હતી. તે સમયે ગુજરાતની રાજધાની તરીકે અમદાવાદને પસંદ કરવામાં આવ્યું હતું અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના બિલ્ડિંગમાં વિધાનસભાનું કામકાજ શરૂ કરવામાં આવ્યું. ત્યાર બાદ,1971માં રાજધાનીનું ગાંધીનગર ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું. 1960થી લઈને 1985 સુધીમાં ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ સત્તાના કેન્દ્રસ્થાને રહ્યો હતો. ત્યાર પછી 1990થી 2017 સુધી ભાજપ સત્તાસ્થાને રહ્યો છે.

1960માં પ્રથમ વિધાનસભા અસ્તિત્વમાં આવ્યા બાદ  1962માં બીજી વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. 154 બેઠકો માટે યોજાયેલી આ ચૂંટણીમાં પણ કોંગ્રેસનો દબદબો રહ્યો હતો. કોંગ્રેસને 113 બેઠકો મળી, જ્યારે સ્વતંત્ર પાર્ટીને 26 અને પ્રજા સમાજવાદી પાર્ટીને 7 સીટ મળી હતી. આ ચૂંટણીમાં કુલ 519 ઉમેદવારો મેદાનમાં હતા. આ ચૂંટણીનું અન્ય એક રીતે મહત્વ એ છે કે તે સમયમાં હજી આધુનિકતા અને મહિલા સમાનતા જેવી કોઈ ચળવળ ન હોવા છતાં કુલ 19 મહિલા ઉમેદવારોમાંથી 11 મહિલાઓ ચૂંટાઈ આવી હતી અને ધારાસભ્ય બની હતી.

1967માં ત્રીજી વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણી કુલ 168 બેઠકો માટે યોજાઈ હતી,જેમાંથી 93 બેઠકો મેળવીને કોંગ્રેસે જીતની હેટ્રિક કરી હતી. 1972માં થયેલી ચોથી વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસે 140 બેઠકો જીતીને સત્તા કાયમ રાખી હતી. 1975માં પાંચમી વિધાનસભાની મધ્યવર્તી ચૂંટણી કરવામાં આવી હતી, જેમાં પણ કોંગ્રેસે 75 બેઠકો જીતી લીધી હતી.

છઠ્ઠી અને સાતમી વિધાનસભાની ચૂંટણીઓમાં પણ ગુજરાતની જનતા ઉપર કોંગ્રેસની પક્કડ કાયમ રહી હતી. 1980માં છઠ્ઠી વિધાનસભાની યોજાયેલ ચૂંટણીમાં કોંગ્રેસે 141 બેઠકો મેળવી હતી અને 1985ની સાતમી વિધાનસભાની ચૂંટણીમાં 149 બેઠકો સાથે કોંગ્રેસે સત્તા જાળવી રાખી હતી. આ સમયે ગુજરાતમાં અનામત વિરોધી આંદોલને રાજકીય પરિસ્થિતિ અને સમીકરણો ફેરવી નાખ્યા હતા. આ સમય સામાજિક રીતે પણ ઘણો કટોકટીભર્યો હતો,કારણ કે સમાજ જાણે સવર્ણો અને પછાત લોકો,એમ બે ભાગમાં વહેંચાઈ ગયો હતો,ખાસ કરીને ગામડાઓમાં તેની અસર વધુ જોવા મળતી હતી. આમ છતાં, આ સમયે માધવસિંહ સોલંકીની ખામ થિયરી એકદમ સફળ નીવડી અને 1985ની ચૂંટણીમાં કુલ 182 બેઠકોમાંથી 149 બેઠકો કોંગ્રેસે જીતી લીધી હતી. કોંગ્રેસને 55 ટકા જેટલા રેકોર્ડબ્રેક મતો મળ્યા હતા. ઓબીસી એક બહુ મહત્વની મતબેન્ક હોવાની વાત તે સમયથી રાજકીય પક્ષોને સમજાઈ.

1960ની સાલથી સતત ગુજરાતમાં સત્તાસ્થાને રહેલી કોંગ્રેસે 1990માં પહેલીવાર હારનો સ્વાદ ચાખવો પડ્યો. 1990માં આઠમી વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી, પરિવર્તનના ઉભા થયેલા વાતાવરણમાં ભાજપે 67 બેઠકો જીતીને સત્તા માટે દાવેદાર બની. સહયોગીના ટેકા દ્વારા ભાજપે પહેલીવાર ગુજરાતમાં સત્તા સંભાળી. આ જ સમયે ચીમનભાઈ પટેલે જનતાદળ ની સ્થાપના કરી. કોંગ્રેસને અત્યાર સુધીમાં મળેલા મતોમાં આ ચૂંટણીમાં સૌથી ઓછા મતો મળ્યા અને ફક્ત 33 બેઠકો મળી. કેશુભાઈ પટેલની આગેવાની હેઠળની ભાજપ અને ચીમનભાઈની આગેવાની હેઠળના જનતાદળની સંયુક્ત સરકાર બની.

આ દરમ્યાન ગુજરાતની પ્રજાનો વિશ્વાસ જીતી ચૂકેલ ભાજપે 1995ની નવમી ચૂંટણીમાં બે તૃતીયાંશ બહુમતી મેળવીને સરકાર બનાવી. કોંગ્રેસના મુસ્લિમો તરફના ઝુકાવની સામે ભાજપ દ્વારા અપનાવવામાં આવેલી હિન્દૂ રાષ્ટ્રવાદની થિયરીએ પણ આ ચૂંટણીના પરિણામો પર ઘણી અસર કરી હતી. અડવાણી દ્વારા સોમનાથથી અયોધ્યાની કાઢવામાં આવેલી રથયાત્રા ઉપરાંત ડો.પ્રવીણ તોગડીયા, સાધ્વી રુતમ્ભરા વિગેરે જેવા તેજાબી વક્તાઓએ આ લહેરને વેગ આપ્યો હતો. આ ચૂંટણીમાં પહેલીવાર ભાજપે સ્પષ્ટ બહુમતીનો સ્વાદ ચાખ્યો. ભાજપે આ ચૂંટણીમાં 121 બેઠકો મેળવી લીધી હતી. 1998માં ફરીવાર મધ્યવર્તી ચૂંટણી યોજાઈ,જેમાં પણ ભાજપનું વર્ચસ્વ રહ્યુ હતું.

આપ આ માહિતીસભર પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. આવી બીજી મહત્વની પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

નરેન્દ્ર મોદીના સીએમ બન્યા પછી 2002માં યોજાયેલ વિધાનસભા ઇલેક્શનમાં ભાજપે પૂર્ણ બહુમતી મેળવી લીધી હતી. નરેન્દ્ર મોદીએ આ સમગ્ર ચૂંટણીનો ભાર પોતાના ખભ્ભા પર લઈ લીધો હતો. નરેન્દ્ર મોદીની રાજકીય કારકિર્દી માટે આ ચૂંટણી નિર્ણાયક સાબિત થઈ હતી. ગુજરાતના રમખાણો અને હિન્દૂ-મુસ્લિમો વચ્ચે ઉભું થયેલું વૈમનસ્ય પણ હિન્દૂ મતોને સંગઠિત કરવામાં નિર્ણાયક સાબિત થયું હતું. આ ચૂંટણીમાં ભાજપને વિક્રમી 50 ટકા જેટલા મતો અને 127 બેઠકો મળી હતી.

2007 માં પણ 117 બેઠકો જીતીને ભાજપે સતા જાળવી રાખી હતી. જાતિવાદના સહારે લોકપ્રિયતા મેળવવાના બદલે પહેલીવાર વિકાસના નામે અને પ્રજાલક્ષી કાર્યો દ્વારા મત માંગવામાં આવ્યા હતા. આ ઉપરાંત, આ ચૂંટણીના પ્રચાર વખતે એક જાહેરસભામાં સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદીને ‘મોત ના સોદાગર’ તરીકે ઉલ્લેખ કરતા,આ એક વાક્યને પકડીને નરેન્દ્ર મોદીએ તેનો જબરદસ્ત ઉપયોગ કર્યો અને ઘણો ફાયદો મેળવ્યો. કેટલાક રાજકીય સમીક્ષકો એવું પણ માને છે કે આ ચૂંટણીમાં ભાજપને અને નરેન્દ્ર મોદીને 117 બેઠકો મળી તેમાં સોનિયા ગાંધીની આ ભૂલ અને નરેન્દ્ર મોદીએ તેનો જે ફાયદો ઉઠાવ્યો તે બાબતે પણ મહત્વનો રોલ ભજવ્યો હતો.

2012ની ચૂંટણીમાં પણ 182 બેઠકોમાંથી કોંગ્રેસની 61 બેઠકોની સામે 115 બેઠકો મેળવી લઈને ભાજપે ગુજરાતની પ્રજાનો વિશ્વાસ જીતી લીધો હતો. આ ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને ભાવિ વડાપ્રધાન તરીકે લોકો જોઈ રહયા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. પક્ષ દ્વારા અને નરેન્દ્ર મોદી દ્વારા પોતાની સતત અવગણના થઈ રહેલી હોવાની ફરિયાદો સાથે નારાજ કેશુભાઈ પટેલે પણ પાટીદારોના ટેકાના વિશ્વાસ સાથે પરિવર્તન પાર્ટી ના નામે આ જંગમાં ઝુકાવ્યું હતું. કોંગ્રેસનું ‘દશા બદલીએ,દેશને બદલીએ’ સૂત્ર પણ ઘણું લોકપ્રિય થયું હતું. આમ છતાં ભાજપનું પલડું જ ભારી રહ્યું હતું.

આમ,ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓનો ઇતિહાસ જોઈએ તો શરૂઆતના 30 વર્ષો સુધી લગાતાર ગુજરાતમાં સત્તાસ્થાને કોંગ્રેસ રહ્યા બાદ છેલ્લા 22 વર્ષોથી ભાજપે ગુજરાતની ગાદી જાળવી રાખી છે.

આવતા મહિનામાં યોજાનાર આગામી ચૂંટણીના પરિણામો વિશે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા જીતના અને વધુ બેઠકો જીતવાના દાવા કરવામાં આવી રહ્યા છે. ભાજપના આગેવાનો અને સમર્થકો દ્વારા ગત ચૂંટણી કરતા પણ આ વખતે વધુ બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરવામા આવે છે,જ્યારે તેમના વિરોધીઓ,ખાસ કરીને કોંગ્રેસ દ્વારા સરકારના નોટબંધી અને જીએસટી જેવા પગલાંઓ નિષ્ફળ ગયા હોવાનું જણાવી અને તેના કારણે જનતામાં રોષ ફેલાયો હોવાનું જણાવી આ ચૂંટણીમાં ભાજપની હાર થશે અને કોંગ્રેસ બહુમતી મેળવશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે,પરંતુ 18મી ડિસેમ્બરે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.

વલસાડ બેઠકનું અનોખું મહત્વ:

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ બાબતે અંધવિશ્વાસ કહી શકાય તે હદે એક માન્યતા ઘણા વર્ષોથી ચાલી આવે છે. દર ચૂંટણી વખતે વલસાડની  બેઠકના પરિણામો પર સૌની નજર રહેતી હોય છે. એવી માન્યતા છે કે વલસાડની બેઠક પર જે પક્ષ જીતે છે,તે પક્ષની સરકાર જ ગુજરાતમાં બને છે. આવી માન્યતા પાછળનું કારણ એ છે કે 1975 પછીની દરેક ચૂંટણીઓના પરિણામોથી એ વાત સાબિત થાય છે કે આ બેઠક પર જે પક્ષ જીતે છે તે પક્ષની જ ગુજરાતમાં સરકાર બને છે. આ માન્યતા આ વખતની ચૂંટણીમાં પણ સાચી પડે છે કે નહીં તે તો હવે 18 મી ડિસેમ્બરે ખબર પડી જશે.

-તુષાર રાજા

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

ટીપ્પણી