Google નો અદભૂત સકસેસ મંત્ર: કરોડો લોકોને મફત સેવા આપીને અબજોની કમાણી

અગાઉ ટીવી પર સીલીંગ ફેનની એક જાહેરાત આવતી હતી,જેમાં એવું બતાવવામાં આવ્યું હતું કે,આ કંપનીના પંખા એટલા બધા પ્રસિધ્ધ છે કે તેના વિષે ન જાણનાર વ્યક્તિ મૂર્ખ અને હાંસીપાત્ર બને છે. આ તો એક જાહેરાત હતી એટલે તેમાં અતિશયોક્તિ હોય તેમાં નવાઈ નથી પરંતુ આ વાત ‘ગૂગલ’ ને એકદમ લાગુ પડે છે. ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેને ‘ગૂગલ’ વિષે જાણકારી ન હોય. દુનિયાની કોઈ પણ વસ્તુ કે બાબત માટે કાઈ પણ જાણકારી જોઈતી હોય તો ફક્ત એક સર્ચ કરો અને જાદુઈ લાકડીની જેમ તરત જ તેના રીઝલ્ટના હજ્જારો-લાખ્ખો વિકલ્પો હાજર થઇ જાય છે. ‘ગૂગલ’ સાથે જ સંલગ્ન એવા ‘યુ ટ્યુબ’,’જી મેઈલ’,’એન્ડ્રોઈડ’ અને ગૂગલ અર્થ’ ને પણ ધ્યાનમાં લઈએ તો ‘ગૂગલ’નો આપણે દરેક લોકો કોઈને કોઈ રીતે દરરોજ ઉપયોગ કરતાં હોઈએ જ છીએ.

તારીખ 4 સપ્ટેમ્બર,1998ના સ્ટેનફોર્ડ યુનીવર્સીટીના પી.એચ.ડી.ના બે વિદ્યાર્થીઓ લેરી પેજ અને સર્ગેઈ બ્રિન દ્વારા ‘ગૂગલ’ની શરૂઆત કરવામાં આવી હતી. વિશ્વમાં જ્ઞાનને સર્વત્ર અને વ્યવસ્થિત રીતે ઉપલબ્ધ કરાવવાના હેતુ સાથે શરુ કરાયેલ અમેરિકાના કેલીફોર્નીયામાં હેડકવાર્ટર ધરાવતી આ કંપની આજે ઈન્ટરનેટ સંબધિત સેવાઓ અને ઉત્પાદનોમાં વિશ્વની અગ્રણી કંપની બની ગયેલ છે. જેમાં મુખ્યત્વે સોફ્ટવેર,હાર્ડવેર,સર્ચ,ઓનલાઈન એડ.ટેકનોલોજીસ,કલાઉડ કોમ્પ્યુટીંગનો સમાવેશ થાય છે.

આ કંપનીનું ડોમિન રજીસ્ટર કરતી વખતે તેનું નામ ‘Google’ નામ રાખવામાં આવ્યું, જે હકીકતમાં ‘Googol’ શબ્દનો ખોટો સ્પેલિંગ છે,જેનો અર્થ થાય છે એવી સંખ્યા જેમાં 1 ની પાછળ 100 ઝીરો ઉમેરવામાં આવે. આ ‘Googol’ નામ પહેલા બુક થઇ ગયું હોવાથી નાછૂટકે ‘Google’ નામ આપવું પડ્યું. ‘ગૂગલ’ હોમપેજ પર જોવા મળતું ‘ગૂગલ ડૂડલ’ પણ ખુબ લોકપ્રિય છે. કોઈ ખાસ વ્યક્તિ, દિવસ અથવા તહેવારની યાદમાં આ ખાસ લોગો મુકવામાં આવે છે. ડૂડલ માટે પણ ગૂગલમાં એક ખાસ ટીમ બનાવવામાં આવી છે.

2004માં એપ્રિલ ફૂલ ના દિવસે એટલે કે તારીખ પહેલી એપ્રિલના રોજ Gmail ની શરૂઆત કરવામાં આવી. સૌથી વધુ સ્ટોરેજ અને સૌથી વધુ ઝડપે મેલ મોકલવાની ક્ષમતાના કારણે Gmail તરત જ લોકપ્રિય થઇ ગયું. શરૂઆતમાં Gmail એકાઉન્ટ શરુ કરવાં માટે ઇન્વીટેશન મળવું જરૂરી હતું. ત્યાર બાદ એકદમ લોકપ્રિય થઇ જતાં આ સેવા બધા માટે મુક્ત કરી દેવામાં આવી.. 2004માં જ ગૂગલે ડીજીટલ મેપિંગ ની બહુ જાણીતી કંપની કીહોલ ને હસ્તગત કરી લીધી. અને 2005માં ગૂગલ મેપ અને ગૂગલ અર્થ જેવી એપ્લીકેશન્સ લોન્ચ કરી. થોડી જ ક્ષણોમાં આખી દુનિયાનું માપ લઇ શકાય એવી ક્ષમતા આ એપ્લીકેશન્સ ધરાવે છે.

2000ની સાલમાં ગૂગલે એડવર્લ્ડ ની શરૂઆત કરી. આ એક સેલ્ફ સર્વિસ પ્રોગ્રામ છે, જેની મદદથી કોઈ પણ વ્યક્તિ ઓનલાઈન કેમ્પૈન ચલાવી શકે છે. આ સર્વિસનો હજ્જારો કંપનીઓએ લાભ લીધો છે.2005ની આપણે સૌ જાણીએ છીએ કે આજે સ્માર્ટફોનના 80 ટકા માર્કેટ પર કબજો જમાવનાર એન્ડ્રોઈડ પ્લેટફોર્મ એ ગૂગલ ની પ્રોડક્ટ છે. એન્ડ્રોઈડ પ્લેટફોર્મ શરુ કરતાં પહેલા ગૂગલ દ્વારા Gphone લોન્ચ કરવાનું નક્કી કરાયું હતું અને તે માટે અનેક રિસર્ચ પણ કરાયા હતાં. અંતે તેના બદલે એન્ડ્રોઈડ પ્લેટફોર્મ લોન્ચ કરવાંનું નક્કી કરાયું. 2006માં ગૂગલે ઓનલાઈન વિડીયો શેરીંગ સાઈટ ‘યુ ટ્યુબ’ ખરીદી લીધી. દુનિયાભરની લાખ્ખો ચેનલો પર આવતા કાર્યક્રમો તેના પર અપલોડ થતા રહે છે. જેણે દુનિયાને વધુ નજીક લાવી દીધી.

ગૂગલનું સર્ચ એન્જીન 100 મીલીયન ગીગા બાઈટનું છે. આપણને એટલો ડેટા આપણી પાસે સેવ કરવો હોય તો કમ સે કમ એક ટેરા બાઈટની એક લાખ ડ્રાઈવની જરૂર પડે. સ્ટ્રીટ વ્યૂ મેપ માટે ગૂગલે 80 લાખ 46 હજાર કિલોમીટરના રસ્તા જેટલા ફોટોગ્રાફ લીધા હતાં.

ગૂગલ પર પ્રતિ સેકંડ 60000 થી પણ વધુ સર્ચ કરવામાં આવે છે. દુનિયાભરમાં લાખ્ખો કરોડો લોકો મફતમાં દરરોજ ગૂગલ પર સર્ચ કરતાં હોવા છતાં તેની રોજની કરોડોની આવક કેવી રીતે થતી હશે તે સવાલ ઘણાને થતો હોય છે. ગૂગલ પોતાની જુદી જુદી પ્રોડક્ટ્સ અને જાહેરાત મારફત દર સેકન્ડે લગભગ 700 ડોલરની કમાણી કરે છે. એટલે કે તમારી આંખ પલકારો મારે ત્યાં સુધીમાં તો ગૂગલે 50000 રૂપિયા કમાઈ લીધા હોય છે. આપણા દેશને ગૌરવ અપાવનાર બાબત એ છે કે ગૂગલના હાલના CEO સુંદર પિચાઈ ભારતીય છે.

તેમને ગૂગલ દ્વારા કેટલો પગાર ચુકવવામાં આવે છે તે તમે જાણો છો? તેમનો વાર્ષિક પગાર છે રૂપિયા 335 કરોડ. આ ઉપરાંત, તેમને ગૂગલના 142 મિલિયન ડોલર્સના શેર્સ અને ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટ ના 173 મિલિયન ડોલર્સના શેર્સ આપવામાં આવેલ છે. ગૂગલનું હોમપેજ આપણે જયારે જોઈએ છીએ ત્યારે આપણને એ સવાલ થાય છે કે આવી જાયન્ટ કંપની અને તે પણ કોમ્પ્યુટરને લગતી કંપની,તેમ છતાં તેનું હોમપેજ આટલું બધું સિમ્પલ કેમ છે? તેનું કારણ એ છે કે શરૂઆતના સમયમાં કંપનીના સ્થાપકોને HTML વિષે એટલું બધું જ્ઞાન નહિ હોવાથી આવું સિમ્પલ હોમપેજ બન્યું હતું. જે ત્યાર પછી પણ યથાવત જ રાખવામાં આવ્યું .શરૂઆતમાં તો તેમાં ‘સબમિટ’બટન પણ નહોતું, ‘રીટર્ન’ કી ને હીટ કરીને ટેગ ને સર્ચ કરવામાં આવતા હતાં.

ઘણા લોકોથી ગૂગલ સર્ચ કરતી વખતે ભૂલથી સ્પેલિંગ ખોટો ટાઈપ થઇ જતો હોય છે, આ વાત ને ધ્યાનમાં રાખીને ગૂગલ દ્વારા ‘Googlr.com’, Gooogle.com જેવા ભળતા સ્પેલિંગ વાળા ડોમિન પણ ખરીદી લેવામાં આવ્યા છે. ઉપરાંત, તમે 466453.com પર સર્ચ કરશો તો પણ તમે ગૂગલના હોમપેજ પર પહોંચી જશો, કારણકે,જો તમારી પાસે સાદો મોબાઈલ હોય કે પછી તમારા મોબાઈલમાં ટાઈપ કરતી વખતે ભૂલથી આલ્ફાબેટસ ની જગ્યાએ નંબર્સ સિલેક્ટ થઇ ગયા હોય તો તમે google ટાઈપ કરવાં જશો તો 466453 નંબર ટાઈપ થશે. આ કારણથી ગૂગલે www.466453.com ડોમિન પણ ખરીદી લીધેલ છે.

આપણે એમ માનીએ છીએ કે આપણા જેવા કરોડો માણસોને ગૂગલ દ્વારા સાવ મફતમાં કેવી અદભૂત સગવડતા મળે છે, પરંતુ હકીકતમાં તે આપણો ભ્રમ છે. આપણે જે સેવા મફતમાં વાપરીએ છીએ તેના દ્વારા જ ગૂગલ અબજો ડોલર્સ કમાય છે. ગૂગલનો ઉપયોગ કરતાં આપણા જેવા કરોડો લોકોનો ડેટા દુનિયાભરની કંપનીઓને વેંચીને તથા આ કંપનીઓની જાહેરાતો દ્વારા ગૂગલ પોતાનું આ અબજો ડોલર્સનું સામ્રાજ્ય ચલાવી રહેલ છે.

લેખક : તુષાર રાજા

આ લેખ આપ સૌને કેવો લાગ્યો ? અચૂક કેજો !!

ટીપ્પણી