એક સારી ટેવ આપણી જિંદગી સુધારી શકે છે

ટેવો આપણા જીવનમાં અગત્યનો ભાગ ભજવે છે. સારી ટેવો પડી હશે, તો તે આપણું જીવન સરળ અને સારું બનાવશે અને ખરાબ ટેવો પડી હશે, તો આપણું જીવન મુશ્કેલ બની જશે. બાળપણથી જ આ સારી અને ખરાબ ટેવો પડતી હોય છે. સારી અને ખરાબ ટેવો માટે જવાબદાર આપણો ઉછેર છે, આપણા મા-બાપ, ભાઈ-બહેન કે કુટુંબીજનો છે. બાળપણમાં જે ટેવો પડી હોય તે મોટી ઉંમરે દુર કરવી મુશ્કેલ બની જાય છે. આપણે નાના હોઈએ ત્યારે આપણા મા-બાપે હાથ ધોઈને જ જમવા બેસવાની ટેવ નહિ પાડી હોય તો મોટી ઉંમરે પણ તેવીજ ટેવ રહેશે. સિવાય કે તમે જાગૃત હોવ અને તે દુર કરો તો. બાળક જેમ જેમ મોટું થાય તેમ તેમ તેનો વિકાસ થાય છે. તે ભણે ગણે ત્યારે તેને સારા ખોટાની સમજ પડતી હોય છે. જયારે કોઈને સમજાય કે તેની અમુક ટેવો ખરાબ છે અને તે સુધારવા માટેની તેની તૈયારી હોય તો તે પ્રયત્નપૂર્વક સુધારી શકે છે.

કોઈ એક સારી ટેવ આપણને સારા વ્યક્તિ બનાવી શકે છે અને ખરાબ ટેવ ખરાબ વ્યક્તિ બનાવી શકે છે. સારી ટેવના લીધે તમે લોકપ્રિય થઇ શકો છો અને ખરાબ ટેવના લીધે અણગમતી વ્યક્તિ. વધારે સારી ટેવો તમને સફળતા તરફ લઇ જાય છે અને વધારે ખરાબ ટેવો અધોગતિ તરફ ધકેલે છે. સવારે વહેલાં ઉઠીને રોજ કસરત કરવાની ટેવથી આપણું શરીર તંદુરસ્ત રહે છે, મન પ્રફુલ્લિત રહે છે. પરિણામે આપણે આપણું કામ વધારે સારીરીતે કરી શકીએ છીએ.

એક યુવાન હતો. અમદાવાદમાં તે એક નાનકડા ફ્લેટમાં તેના મમ્મી-પપ્પા અને બને સાથે રહેતો હતો. તેના પપ્પા ખાનગી પેઢીમાં નોકરી કરતાં હતાં. આવક ઓછી હોવાથી માંડ ગુજરાન ચાલતું. ગ્રેજ્યુએટ થયા પછી તેણે નોકરી માટે બહુ પ્રયત્નો કર્યા પણ નોકરી મળતી ન હતી. આ યુવકની એક સારી ટેવ હતી. તે રોજ સવારે વહેલો છ વાગે ઉઠીને તેના ઘરની પાસે આવેલાં ગાર્ડનમાં ચાલવા અને એકસરસાઈઝ કરવા જતો હતો. નાનપણથી જ તેને આ ટેવ હતી.

એક દિવસ ગાર્ડનમાં તે ચાલતો હતો ત્યારે તેની પાછળ ચાલ્યા આવતાં બે કાકાઓની વાત તેના કાને પડી.

“સવારે કસરત કરવાની તો મઝા આવે છે પણ ઘેર જતાં જતાં તો ભૂખ લાગી જાય છે.”

“મને પણ બહુ ભૂખ લાગે છે. એમ થાય છે કે કોઈ બગીચાના ઝાંપે નાસ્તો લઈને ઉભું હોય તો કેવું સારું?”

બે કાકાઓની વાત સાંભળીને યુવાનને હસવું આવ્યું. તે સાથે એક બીજો વિચાર પણ આવ્યો. ‘ગાર્ડનના ઝાંપે હું જ નાસ્તાની લારી લઈને ઉભો રહું તો!’ બસ, તે પછી આખો દિવસ તે આના વિષે વિચારતો રહ્યો. તેણે પોતાનો આ વિચાર તેની મમ્મીને કર્યો. તેની બહેને તેને સૂપ અને પૌષ્ટિક નાસ્તાનો સુઝાવ આપ્યો. અને એક અઠવાડિયામાં તો તેણે સાઈકલ ઉપર થેલો અને થોડાંક ડોલચા લટકાવીને વહેલી સવારે છ વાગે ગાર્ડનના ઝાંપે પહોંચી ગયો. તેણે શરૂઆત ત્રણ જાતના સૂપ સાથે કરી હતી. પહેલા દિવસે તેણે નાનકડાં ડિસ્પોઝેબલ ગ્લાસમાં બધાંને મફતમાં સૂપ ટેસ્ટ કરાવ્યો.

કેટલાંક લોકોને સૂપ ભાવતાં તેની પાસેથી બીજો સૂપ ખરીદ્યો. પેલાં કાકાઓને પણ તેમનો સૂપ ભાવ્યો. કેટલાંક લોકોએ થોડાંક સૂચનો કર્યા. ગ્રાહકોએ જ તેની જાહેરાત કરી. તે દિવસે તેનો મોટાભાગનો સૂપ વેચાઈ ગયો. ત્યારબાદ તે નિયમિત સૂપ વેચવા જવા લાગ્યો. મહિનામાં તેનો ધંધો બરાબર ચાલવા લાગ્યો ત્યારે તેણે મિત્રો પાસેથી થોડાંક રૂપિયા ઉછીના લઈને એક લારી ખરીદી લીધી. હવે તે સુપની સાથે સાથે ઈડલી અને વડા સંભાર પણ રાખવા લાગ્યો. તે યુવાનને તેની મમ્મી અને બહેન મદદ કરવા લાગ્યાં.

ધીરે ધીરે તેનો ધંધો જામવા લાગ્યો. સવારે છ વાગ્યાથી નવ સાડા નવ વાગ્યા સુધી તે ધંધો કરતો. થોડાંક મહિનામાં તો તેણે તેના મિત્રોને તેમના રૂપિયા ચૂકવી દીધાં. એકાદ વર્ષમાં તેણે પોતાની બીજી લારી ખોલી. જે યુવાનને પાંચ દસ હજારની નોકરીના ફાંફાં હતાં, તે આજે દર મહીને વીસથી પચીસ હજાર રૂપિયા કમાતો થઇ ગયો છે, તે પણ પાર્ટ ટાઈમ બિઝનેસમાં.

આપ આ માહિતીસભર પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. આવી બીજી મહત્વની પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

 

 

આ બધું કેવીરીતે શક્ય બન્યું? એક સારી ટેવના કારણે. સામાન્ય લાગતી ઘણી સારી ટેવો આપણું જીવન બદલી શકે છે. નિયમિતતાની  ટેવ, સ્વચ્છતાની ટેવ, કામ કરવાની ટેવ, સાચું બોલવાની ટેવ વગરે નાની નાની ટેવો આપણા વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. સત્ય બોલવાની ટેવના લીધેજ ગાંધીજી સફળ અને મહાન નેતા બન્યા હતાં. સારી ટેવો ધરાવનાર વ્યક્તિ બધાંને ગમતી હોય છે. પોતાના ઘરથી લઈને બહારની દુનિયામાં લોકો આવી વ્યક્તિઓને આવકારે છે. કોઈ ઘરમાં નવી પરણીને આવેલી વહુ સુટેવોને લીધે જ બધાંની માનીતી બની જાય છે.

આમીર ખાનની ‘દંગલ’ ફિલ્મ તો બધાએ જોઈ જ હશે. જેમાં પહેલવાન મહાવીર ફોગટ તેની દીકરીઓને રોજ સવારે વહેલી ઉઠાડીને કસરત કરવા લઇ જાય છે. શરૂઆતમાં તો તેની દીકરીઓને તેના પિતાજીની વાત સમજાતી નથી કેમકે તેમને રોજ વહેલાં ઉઠીને કસરત કરવાની ટેવ પડી હોતી નથી. ધીરે ધીરે તેમને કસરત કરવાની મઝા આવવા લાગે છે. ત્યારબાદ તેમને કહેવું પડતું નથી. તે પછી મહાવીર ફોગટની દીકરીઓ કુસ્તીમાં નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે એવોર્ડ જીતે છે. તેમની આ સફળતાનો યશ તેમની કસરત કરવાની સારી આદતને અને તે આદત પડાવનાર મહાવીર ફોગટને આપી શકાય.

આપણે નાના હતાં ત્યારે આપણા મા-બાપ આપણને અમુક કામ કરવા માટે ટોકતાં હતાં. તે સમયે આપણને તેમની વાત સમજાતી ન હતી. અત્યારે ઘણીવાર અફસોસ થાય કે તે સમયે મા-બાપની વાત માનીને વાંચવાની ટેવ પાડી હોત તો સારું હતું. બાળપણમાં કેટલીક સારી ટેવો ન પાડી શક્યા તો કઈ નહિ, હજુપણ જિંદગી બાકી છે. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી આપણે બધુંજ કરી શકીએ તેમ છીએ. તો પછી આજથી જ શું કામ તેની શરૂઆત ન કરીએ? જાગ્યા ત્યાંથી સવાર.

કેટલીક કુટેવો મોટાં થયાં પછી પણ પડતી હોય છે. મોટી ઉંમરની વ્યક્તિઓમાં પણ સમજણનો અભાવ હોય છે. કુટેવો આળસના લીધે પણ પડતી હોય છે. જેમકે ઘર ગંદુ રાખવાની કુટેવ પડી હોય તો તે આળસનું જ પરિણામ છે. આળસુ વ્યક્તિને કશું કામ કરવું ગમતું નથી. જો આપણે આળસ છોડવા તૈયાર હોઈશું તો બધુંજ થઇ શકશે. તેના માટે આપણે આપણી જાતને તૈયાર કરવી પડશે.

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

-મનહર ઓઝા

 

 

ટીપ્પણી