સોનુ ખરીદવાની ટીપ્સ ફટાફટ જાણી લો

- Advertisement -

વહી ગયેલી નવરાત્રીના પગની ઝાંઝરનો ધીમો પડી રહેલો રણકાર હજી સમ્યો નથી. ત્યારે બારણે ટકોરા દઈને ઉભેલી દીવાળીના ફટાકડાનો શોર ધીમેધીમે કાને પડી રહ્યો છે. ભારતીય સંસ્કૃતિમાં સૌથી અગત્યનો એવો દિવાળીનો તહેવાર બારણે આવીને ઉભો છે ત્યારે બજાર લોકોના ટોળાઓથી ઉભરાવા લાગ્યા છે. એમાંય મહિલાઓ માટે સોનું કે દાગીના ખરીદવાનો આ એક વિશેષ અવસર હોય છે આ દિવાળી. આખા વરસ દરમ્યાન ખૂણેખચકે સંતાડીને સંગ્રહી રાખેલી અને મૂંઝાઈને પડેલી લક્ષ્મી હવે બહાર આવશે. એમાંય ધનતેરસનો દિવસ તો સોનાની ખરીદી માટે વિશેષ મનાય છે. તો ચાલો આજે જાણીએ કે આ દિવાળીએ સોનાની ખરીદીમાં કઈ કાળજી રાખીશું ?

સોનાની ગુણવત્તા :
સૌ પ્રથમ તો સોનાની શુદ્ધતાની વાત કરીએ. ગુજરાતીમાં કહેવત છે, કે ‘પીળું એટલું સોનું ના હોય’ એમ આપણે પણ સોનું ખરીદતાં પહેલા તેની ગુણવત્તાની ખાતરી કરી લેવી જોઈએ.
સોનાના ઘણા પ્રકાર છે જેમકે,
24 કેરેટ- 99.9
23 કેરેટ- 95.8
22 કેરેટ- 91.6
21 કેરેટ- 87.5
18 કેરેટ- 75.0
17 કેરેટ- 70.8
14 કેરેટ- 58.5
9 કેરેટ- 37.5

હવે એ સમજીએ કે સોનાની આ ગુણવત્તા નક્કી કેવી રીતે થાય છે.
1. 1 કેરેટ ગોલ્ડનો મતલબ થાય છે 1/24 ટકા સોનું. જો તમારા આભૂષણ 22 કેરેટ છે તો 22ને 24 સાથે ભાગવામાં આવે છે અને 100 સાથે ગુણાકાર કરવામાં આવે છે. (22 / 24) x 100 = 91.66 એટલે કે આભૂષણમાં ઉપયોગ કરવામાં આવેલ સોનાની શુદ્ધતા 91.66 ટકા છે. મતલબ 24 કેરેટ સોનાના ભાવ 27,000 રૂપિયા છે તો તમે બજારમાં 22 કેરેટ સોનું ખરીદવા જશો તો સોનાનો ભાવ (27000 / 24) x 22 = 24750 થશે. જ્યારે જ્વેલર તમને 22 કેરેટસોનું રૂ. 27,000માં જ આપશે. એટલે કે તમે 22 કેરેટ સોનું 24 કેરેટ સોનાના ભાવ પર ખરીદી રહ્યા છો.

2. એવી જ રીતે 18 કેરેટ ગોલ્ડની કિંમત પણ નક્કી થાય છે. (27000 / 24) x 18 = 20250 જ્યારે આ જ સોનું ઓફર સાથે વેચીને જ્વેલર્સ તમારી સાથે ફ્રોડકરે છે.

સોનું ખરીદવાની વિવિધ રીત :
(૧) સોનીની માસિક બચત યોજના
(૨) સોના આધારિત ગોલ્ડ ફંડ્સ
(૩) ગોલ્ડ ફ્યુચર્સ
(૪) ઇગોલ્ડ
(૫) જ્વેલર કે બેન્ક પાસેથી નકદ સ્વરૂપે સોનું ખરીદવું

પણ આ બધામાં ભારતીય મહિલાઓને પરંપરાગત ચાલી આવતી ફીઝીકલ સોનું ખરીદવાની રીત વધુ માફક આવે છે, અને એ છે જ્વેલર કે બેંન્ક પાસેથી સોનું ખરીદવાની રીત. ભારતીય લોકજીવનમાં સોનાના આભુષણ એ હમેશા એક સ્ટેટસનું પ્રતિક મનાય છે. એટલે સોનાની ખરીદીનો મોટો વિકલ્પ આભુષણ ખરીદવાનો છે. પરંતુ અભુષણના સ્વરૂપમાં સોનું ખરીદવાનો એક ગેરલાભ એ છે કે તેને વેચતી વખતે કે સોનામાં પરિવર્તિત કરતી વખતે તેનું મુલ્ય તૂટે છે. અને તેની કિંમતમાં ૧૫ થી ૧૮ ટકા નુકસાન જવાની શક્યતા રહે છે. એમ છતાં મહિલાઓ દાગીના અંગે ઓઢવાની ખુશીમાં આ ૧૫ થી ૧૮ ટકાનું નુકસાન હસતા હસતા વહોરી લે. છે. એ સિવાય જે લોકો માત્ર રોકાણ માટે કે ભવિષ્યમાં નફો મેળવવાની ગણતરીથી સોનું ખરીદે છે તે લોકો સોનાના સિક્કા કે લગડી લેવાનું વધુ પસંદ કરે છે. કારણકે તેમાં શુધ્ધતા બાબતે કોઈ શંકા રહેતી નથી અને વેચતી વખતે કોઈ જાતની કાપકૂપ પણ થતી નથી. અને પૂરું વળતર મળે છે.

સોનું ખરીદવું ક્યાંથી ?
વસ્તુ જેટલી મોઘી તેની ખરીદીમાં ચિંતા પણ એટલી જ મોટી. સોના જેવી મૂલ્યવાન વસ્તુમાં છેતરવાનો ભય હમેશા મનમાં રહેતો હોય છે. તો સોનુ ખરીદવું કેવી રીતે, જેથી છેતરાવાનો ભય રહે નહિ. તો નકદ સોનું લેવાના બજારમાં બે રસ્તા છે. એક છે બેન્ક. કેટલીક બેન્કો સોનાના બિસ્કીટ, કે સિક્કા સ્વરૂપે સોનું વેચે છે. જેની શુધ્ધતા બાબતે કોઈ શંકા રહેતી નથી. પણ આ સોનાની ખરીદી બજારભાવ કરતાં મોઘી હોઈ શકે છે. અને ખરીદીનો બીજો રસ્તો છે સોની પાસેથી ખરીદી. જે પરંપરાથી ચાલી આવતી સામાન્ય રીત છે. અહીં કોઈ વાર છેતરી જવાનો દર રહે છે. પણ જો તમે સોનાની ગુણવત્તાના વિવિધ પ્રકાર, ગ્રાહકનો હક, ટેક્સવાળા બિલનો આગ્રહ વગેરેથી વાકેફ હશો છેતરવાના ચાન્સ નહીવત રહેશે.

ઉપસંહાર :
સોનું સદીઓથી ભારતીય લોકજીવનમાં મોભાનું પ્રતિક મનાય છે. સમાજમાં સોનાને લઈને ઘણી કહેવતો પણ પ્રચલિત છે જેમકે, સોનું સોનીનું થાય, સોનાને લાગે નહિ કાટ, સોના જેવું શુદ્ધ, સોનાની પરખ તો અગ્નિમાં જ થાય વગેરે….. તો આ દિવાળીએ સોના ખરીદી બાબતે ઉપરની બાબતો ધ્યાનમાં રાખીએ બિન્દાસ ખરીદીનો આનંદ લઈએ . . .

ટીપ્પણી