ગાંડી ગીર ની મોજ……… શું તમે આ રીતે જોયું છે? ગીર જુનાગઢને??

ગીર!…… હા મને ગમતાં ઘણાં બધાં સ્થળો માંથી ટોપ ફાઈવ માં. એવું લાગ્યા કરે કે ગીર જાઉં તો પાછો આવુજ નહીં. હું ઘણી વાર એવું કહ્યા કરતો હોઉં છું કે હું કયારેક જો પાલનપુરમાં ના મળું તો મને ગીર માં ગોતજો.

નિલેશ ભાઈ એ ગીર માં રીબર્થ એડવેન્ચર ની કેમ્પસાઈટ ઉભી કરી ને અમારૂ સગપણ ગીર જોડે ગોઠવાણું. ગજકેશરી ના ગઢ માં. ભોળિયા નાથ ના વસવાટ સોમનાથ મહાદેવ થી બત્રીસ કિલોમીટર જ દૂર બોરવાવ ગામ. ગામ ની છેલ્લી બાઉન્ડ્રી વટાવો ને થુમર ફાર્મ આવે. વાડ કરી એટલે વાડી. બાકી તો હાવજ નો કાયમી વસવાટ. (હાવજ એટલે સિંહ) તમે રાત્રે સૂતા હોવ અહીં ઘરે તો તમને વધારે તો ક્યાંક દૂર મંદિર ના સ્પીકર માં ગવાતા ભજન કા તો બાંગ સંભળાય. પણ આપણી ગીર વાળી રીબર્થ ની વાડીએ તો બહાર પાણી નાં કુંડે ક્ષીરસાગર નો ધણી પોતે ગરાજતો બરકતો સંભળાય. ( ગીતા માં કહ્યું છે ને પ્રભુ એ કે ,”પશુઓ માં હું સિંહ છું”) એટલે….

આ વખતે ગીર જવાનાં પ્લાન માં બહું અડચણો થઈ પણ આખરે અમારી ગાડી ગીર ની કેડીઓ પર પોહચી ખરા. ગયા માર્ચ મહિના માં પહેલી વાર ઝંખના, દિગેશ , નીલમ અને પ્રતિક આવેલાં પણ એમને સિંહ દર્શન થયાં નહતાં. આંખો એક જગ્યાએ જોઈ અવાજ બીજી જગ્યાએ સંભળ્યો , ને આખો સિંહ તો દેવળીયા માજ જોવાં મળેલો. પણ જંગલ ના રાજા નો રુઆબ , એનો મોભો તો તમે એને ગાઢ જંગલ માં ખુલ્લાં માં વિહાર કરતો જુઓ તોજ મન ભરાય. જો કે એમને તમે કેટલીય વાર જોઈલો મન તો નજ ભરાય . મોભોજ એવો છે ને ભાઈ ગજકેશરી નો. એટલે અમે આ વખતે સફારી બુક કરાવી. નિલેશભાઈ ના કહેવાથી અને એમની સલાહે માર્ચ મહિના નો અધુરો રહી ગયેલો સિંહદર્શન નો ઉમળકો આ વખતે છ સિંહણ ને એક સિંહ જોયાં એટલે પૂરો થયો.

સફારી પતાવી ને કેમ્પસાઈટ પર પહોંચતા અંધારું થઈ ગયું હતું. એટલે બધાની ફાટતી હતી કેમકે , જે ગીર આખો દિવસ શાંત ને સૌમ્ય ભાસે. રાત પડતાંજ એ શાંતિ , એ ભેંકાર કાચા કાળજા ના હોય એમને ચમકદીવડા કરાવે એવી બિહામણી બની જાય છે. દિગેશે ગાડી કેડીએ થી અંદર ની તરફ જેવી વાળી…… ત્યાંતો કાળજું ફાડી નાખે એવી ખૂંનસ ભરેલી આંખો સાથે સિંહ જેવીજ હાઈટ બોડી નો એક “સિંહદીપડો” રસ્તાની વચ્ચે બેઠેલો હતો ( એવો દીપડો કે જે સિંહ જેટલી જ શરીર રચના ધરાવે છે.) એ એનો રોજનો સમય ત્યાં થી ડિનર પર નીકળવાનો. લાઈટ પડી ને એ ઉઠ્યો અને બિલકુલ જાણે કોઈ યોધ્ધો કોઈને ડરાવીને એના માર્ગે ચાલ્યો જતો હોય એમ અમારા સામે ખીજાઈ ને લાલ આંખ કરીને ઝાડી માં અદ્રશ્ય થયો. ઓલા છ સિંહણ અને એક સિંહ જોયા એ વાતો તો જાણે ક્યાંય ભુલાઇજ ગઈ. દીપડા એ બધા ના મનમાં એવો ડર પ્રસરાવી દીધો. જે સિંહ જોવાનો ઉમળકો હતો એ સફારી કર્યા પછી એવો હતો કે જો દીપડો સામે ના આવ્યો હોત તો અમે આખી રાત ઊંઘી જ ન શક્યા હોત. કેમકે એ ત્રણ કલાક ની સફારી બધા ના મગજ પર હાવી થઈ ગઈ હતી, ને એટલે જ દીપડા ને મોકલીને જાણે ગીર ના રાજાએ અમારા મન ને સ્થિર કરી દીધાં હોય એવું લાગ્યું. કેમ્પસાઈટ પર પહોંચી ને મસ્ત ઓળો અને બાજરી ના રોટલા તૈયાર હતાં, પણ અમારાં પેટ અને મન તો આટલું બધું જોઈનેજ ભરાઇ ગયા હતા. તોય થોડું થોડું બધા જમ્યા. બધા થાક્યાં હતા અને શિયાળા ની ગુલાબી ઠંડી એ ઊંઘ ને વધારે હવા આપી. બધા ગયા ટેન્ટ માં , ને આપડે તો એઝ ઓલવેઝ ધાબેજ સૂવાનું. ચાર પથારી ધાબે લાગી ગઇ. અને ત્યાર પછી વાતો કરતાં કરતાં બધાની આંખો ઘેરાઈ…. પણ હું તો ગીર જાઉં એટલે ઊંઘ ઘરે મૂકીને જાઉં છું, દિગેશ ને કીધું હોટસ્પોટ ચાલુ કર તો મારે નેટ નથી આવતું. બે દિવસ થઈ અપડેટ નતી જોઈ , તો થઈ કે લાવ જોઈ જોઈ લઉં કોઈના મેસેજ કે કઈ હોય તો.

હજુ તો હું દિગેશ ને એટલું કહી ને બેઠો થયો ફોન લેવા ને, મને થયું કે લાવ કુંડ પર ટોર્ચ મારીને જોઉં…. જેવી ટોર્ચ ની લાઈટ પડી…….. એક કેસરી ચામડી વાળું જનાવર વાડ પાસે ઊભેલું જોયું. ને એ તરતજ દિગેશ ને કીધું ” એલ્યા ઉઠ જો સિંહ ઉભો.” દિગેશ ના નસીબ માં પણ સિંહ ના પાછળ ના પગજ જોવાનું લખ્યું હતું કદાચ. એ ઉઠીને ટોર્ચ એ તરફ કરીને જોવે એ પહેલાં રાજા એ વાડીએ થી રજા લીધી. પણ જતા જતાંય જાણે કેહતા ગયા કે ” અલ્યાં એય હવે નિરાંતે હુઈ જાઓ , હું અહીંયાંજ છું. દીપડા થી બીસો માં…..” (ધાબે સુતા બધા ને બીક લાગતી હતી, ને ટેન્ટ માં સુવા વાળા નેય ડર હતો કે દીપડો વાડી માં ગરી જશે તો )

પણ રિબર્થ ની કેમ્પસાઈટ માં હોવ તો ચિંતા મૂકી દેવાની હોય , ત્યાં તમને કઈ મુશ્કેલી નજ પડે. વાડી ના ફરતે વાડ એ રીતે કરેલી છે કે કોઈ જનાવર અંદર આવી ન શકે. આપણે જંગલ ના રાજા ના સાનિધ્ય માં હોઈએ તો બીક શાની બાપ…
ખાલી એટલી કાળજી લેવાની કે એનું સ્વમાન જળવાઈ રહે. એ રાજા છે અને એના સામ્રાજ્ય ના એકેય જીવ ને નુકસાન થાય એવું આપણે ના કરીએ.

************ થોડું બાણેજ વિશે*************

બાણેજ માં મગર એ માછલીઓ ના કરેલાં શિકાર ના વિડિઓ મારી પાસે નથી કેમકે એ ક્ષણે મારી શિવજી જોડે મિટિંગ ચાલુ હતી. તો એ મોકો હું ચુક્યો છું, પણ થેન્ક્સ ટુ જૈમિન કે એને વિડિઓ ઉતાર્યો અને મને એ એકદમ રોમાંચક ઘટના જોવા મળી. અને બીજું એ કે બાણેજ વીશે એટલુંજ કહેવાનું કે તરસ્યા થાઓ અને ગીર માં નીર ના મળે તો બાણેજ જજો. જ્યારે આખું ગીર સૂકા વાઘા ઓઢી લે છે ત્યારે બાણેજ એક માત્ર એવી જગ્યા છે તમને મસ્ત પાણી ભરેલા ઝરણાં જોવા મળી જશે. અને જ્યાં સદાશિવ નિવાસ કરતા હોય એના સાનિધ્ય માં જાઓ એટલે આત્મા ની તરસ પણ છીપાઈ જાય છે. બાણેજ માં આવેલું બાણ ગાંગેશ્વર મહાદેવ નું મંદિર પાંડવો ના ધનુર્ધારી અર્જુન દ્વારા સ્થપાયા ની માન્યતા છે. પણ ત્યા રહેવાની મંજૂરી નથી નહીંતો, ગીર માં ને એમાંય ખાસ કરીને બાણેજ માજ ઝૂંપડું બાંધી દઉં એવું મન થાય.

******તલાલા ની કેસર કેમ ભુલાય*****

કેસર કેરી ના ગઢ ગણાતા તાલાલા માં જ્યાં નજર ફેરવો ત્યાં તમને કેસર કેરી ની વિશાળ વાડીઓ જોવા મળશે, આપણી #રીબર્થ ની વાડી માં પણ કેસર કેરી નું ઉપવન છે. અમે શિયાળા માં ગયા એટલે કેરી ખાવાની ઈચ્છા મન માજ રહી જશે એ ખબર હતી. પણ નસીબ તો જુઓ સાહેબ. ખબર નહિ ગીર નો ધણી અમારા પર કેટલો ખુશ હતો આ વખતે, કે અમારી કલ્પના ને વાસ્તવિકતા બનાવી અમારી ઈચ્છા ને જાણી લઇ કેસર કેરી નો,ટેસડો પડી જાય એવો , અમૃત જેવો , ગજકેશરી ના કેસ જેવો કેસરી કેસરી રસ બીજા દિવસે બપોર ના ભાણા માં પીરસાયો. બધા વિચારતાં જ રહી ગયા કે સિઝન તો પુરી થઈ ગઈ છે તો આ રસ એસેન્સ વાળો તો નહીં હોય ને… પણ આતો બિલકુલ તાજો હમણાંજ ઝાડ પર થી તૂટી ને મિક્સચર થઈને વાડકીઓ માં આવ્યો હોય એવું લાગ્યું. બીજું શું જોઈએ…. ત્યાં પછી રમેશ ભાઈ એ કીધું કે આપણે કેરીના રસ ને અલગ પદ્ધતિ થી બગડે નહીં અને ઓરિજિનલ સ્વાદ જળવાઈ રહે એ રીતે સંગ્રહ કરીએ છીએ. અને પછી આપણી કેમ્પસાઈટ પર આવવા વાળા મહેમાનો ને આપીએ છીએ.

હવે કહેવાને તો બહુ બધું છે હજું, પણ મને લાગે છે કે મારે એના માટે આ કેરી જેવા મીઠાં અનુભવો ને કેસર કેરી ની જેમ સંગ્રહ કરવા એક બૂક લખવી પડશે… એટલે વધુ તમે જાતે જઈને ગીર માં વિહરો એટલે તમને સમજાઈ જશે.

“અગમ, અગોચર , અલખ ધણી ની ખોજમાં રેવું રે,
મોજ માં રેવું મોજ માં રેવું મોજ માં રેવું રે………”

લેખક : મૌલિક પઢીયાર

ખુબ સુંદર વર્ણન, શેર કરો તમારા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી