ઘર નાનું છે? તો અજમાવો આ ટીપ્સ અને બનાવી દો ઘરને સોહામણું…

તમારા ઘરમાં જગ્યા ઓછી છે અથવા ઘર નાનું લાગે છે તો તેનો અર્થ એમ નથી કે તમે તમારી સ્ટાઈલ સ્ટેટમેન્ટ સાથે સમજોતો કરીલો અને ઘરમાં સામાન્ય ઇન્ટીરીયર રાખી મન મારીને જીવો. જો તમે ક્રિએટીવીટી દર્શાવી શકતા હોવ, જેનાથી તમારા ઘરમાં સ્પેસ પણ રહે અને સ્ટાઈલિશ પણ લાગે તો તમારે આવું અવશ્ય કરવું જોઈએ. તમે સ્માર્ટલી નિર્ણય લઈને ઘર સજાવશો તો તમારું ઘર ભલે નાનું હશે, પરંતુ દરેક જગ્યાનો ઉપયોગ સમજી વિચારીને કરવામાં આવે તો ઘરનો આખો લુક બદલાઈ જશે.  

ઓછી સ્પેસને કેવી રીતે ઉપયોગમાં લેવી તેની અમુક ટ્રિક્સ અને ટીપ્સ આ પ્રમાણે છે. જાણી લો તમે પણ….

 

ફર્નીચર

 

કોઈ પણ ઘર કે રુમને સ્પેશિયસ બનાવવા માટે તમારે ફર્નીચરને અન્ય રીતે ઉપયોગ થઈ શકે તેવું વિચારવું જોઈએ. એક જ ફર્નીચરનો ઉપયોગ અન્ય રીતે થઈ શકે તેવા ફર્નીચરની પસંદગી કરો. પાછું તમે એમ ન વિચારી લેતા કે ફોલ્ડિંગ ચેર લઈ લીધી તો બસ થઈ ગયું કામ. ના, તમે જો આવું વિચારો છો તદ્દન ખોટું વિચારો છો. સૌથી પહેલા તો ઘરમાં વધારાનો ભંગાર જમા ન કરો. દર અઠવાડિયે ઘરમાંથી જો કોઈ ભંગાર કે એવી વસ્તુ જમા થઈ હોય જેનો તમે ક્યારેય વપરાશ નથી કરવાનાં તો તેનો નિકાલ કરો. આમે ઘર નાનું છે અને તેમાંય વળી ઘરમાં કેટલી વસ્તુઓ જમા કરીને રાખશો. દર દિવાળીએ ઘર સાફ કરીએ ત્યારે એવું વિચારીએ છીએ કે આ વખતે તો બધી નક્કામી અને ફાજલ પડેલ સામાનને કાઢી નાખીશું, પણ ના એવું તો આપણાથી થતું જ નથી અને પાછી તે જ વસ્તુઓને સાફ કરીને માળીયામાં ચઢાવી દેતા હોઈએ છીએ અને પછી બુમો પાડવી છે કે ઘરમાં વસ્તુ મૂકવાની જગ્યા જ નથી. તો પેહલા આવી વસ્તુઓનો નિકાલ કરો અને પછી જુઓ ઘરમાં જાતે જ જગ્યા થઈ જશે.

ફર્નીચર લેવામાં થોડી સ્માર્ટનેસ બતાવો. જેમ કે સામાન્ય ખુરશી કે ટેબલ કરતા રોલિંગ ખુરશી અને ટેબલ લો. જેથી જરુર પડે તે પ્રમાણે ઉપયોગ કરી શકાય. પલંગ પણ એવો લો જેમાં એક્સ્ટ્રા સ્પેસ હોય, એટલે તેમાં વધારાનો સામાન મૂકી શકાય અને રુમમાં વધારાની જગ્યા પણ ન રોકાય. દરેક ફર્નીચરનું વિવિધ રુપે વપરાશ થઈ શકે છે અને આવા ફર્નીચર પાછળ પૈસા ખરચવા એ જ સમજદારી છે.

સરસામાન

ઘરમાં પડદા એક જ કલરનાં હોવા જોઈએ અથવા ટેક્સચર વાળા હોવા જોઈએ. તેમાં પણ હાલમાં શીર મટીરીયલનાં પડદા ખુબ જ ચાલી રહ્યા છે અને આ મટીરીયલનાં પડદાને સાચવવા પણ સહેલા છે. એવાં પડદા ન લગાવો જેમાં મોટી ડિઝાઈન્સ કે પેટર્ન્સ હોય, તેનાથી રુમ વધારે નાનો લાગતો હોય છે. તમે નોરમલ પડદા સાથે શીર કર્ટન પણ લગાવી શકો છો. બેડ પર ત્રણ કે તેથી વધારે તકીયા ન રાખવા, તેનાથી જગ્યા રોકાય છે. જો તમને રુમમાં કામળો પાથરવાનો શોખ હોય તો એટલું ધ્યાન રાખજો તે બેથી વધારે કલર કોન્ટ્રાસ્ટમાં ન હોય અને મોટી પ્રિન્ટ વાળો ન હોય, તેનાથી રુમનો ઓવરઓલ લુક નાનો દેખાતો હોય છે.

વૉલ કલર અને લાઈટ્સ

ઘરની દિવાલો પર કલર સમજી વિચારીને કરાવો. શક્ય હોય એટલા નેચરલ કલર્સ સિલેક્ટ કરો, જેમ કે સફેદ, ઓફ વ્હાઈટ, ક્રિમ કે પછી પર્લ જેવા કલર કરાવી શકો છો. જો તમને અર્થિ શેડ્સ (માટીનાં શેડ્સ જેવા) ગમતા હોય તો તમે તે પણ કરાવી શકો છો. ઘરમાં તમે કેવા પ્રકારની લાઈટ્સ લગાવડાવો છો તે પણ મહત્વ ધરાવે છે. દિવસ દરમિયાન તડકાને કારણે સફેદ કે લાઈટ કલરની દિવાલો બ્રાઈટનેસમાં વધારો કરે  છે, જેથી તમે ઘરમાં કોઈ લાઈટ્સ ચાલુ રાખવાની જરૂર જ નહીં પડે. સાંજનાં કે રાતનાં સમયે પણ એક ટ્યૂબલાઈટ તમારા ઘરમાં અજવાળો તો કરશે જ પણ તેને કારણે રુમ પણ મોટો દેખાય છે.

સીડી

 


ઘરમાં સીડી હોય તો તેનો આ રીતે પણ યૂઝ કરી શકાય છે. સીડીની અંદર સ્ટોરેજ બનાવી શકાય છે. આ સ્ટાઈલ જાપાનમાં ૧૮ મી સદી કે તેનાથી પહેલા શોધાઈ હતી. હાલમાં પણ જાપાન અને વિશ્વભરમાં આ રીતનાં દાદરા લોકોનાં ઘરમાં જોવા મળશે.

બાથરૂમ

બાથરુમમાં પણ લાઈટ કલર જ કરાવો, જેથી ત્યાં નેચરલ લાઈટથી લુક મોટો લાગે. દિવાલો ઉપર  નાના-નાના શેલ્ફ મૂકો જેથી શેમ્પૂ, સાબુ અન્ય અનિવાર્ય વસ્તુઓ ત્યાં મૂકી શકાય. આ સિવાય બેસિનની નીચે પણ જગ્યા હોય છે, ફોટોમાં દર્શાવેલ છે એ પ્રમાણે જગ્યાનો ઉપયોગ કરી શકો છો.

શૅન્ડલિઅર (ઝુમ્મર)

જો તમને ઝુમ્મર પસંદ હોય તો રૂમની સાઈઝના માપમાં લગાવી શકો છો. રૂમ નાનો અને ઝુમ્મર મોટો હશે તો બહુ ખરાબ દેખાશે, એટલે શૅન્ડલિઅરની માપ વિચારીને લગાવવું.

અરીસો

 વાસ્તુ મુજબ કહેવાય છે કે અરીસો જેટલો હળવો અને મોટો હોય છે તેટલો ફાયદાકારી હોય છે. જો તમે તમારા ઘરના બારણાની સામે ગોલ અરીસો લગાવો છો તો તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. તેનાથી ઘરની આર્થિક પરેશાની પણ દૂર થાય છે. બેડરૂમના બારણાની સામે દર્પણ અરીસો લગાવું જ્યાં લાભપ્રદ હોય છે, જ્યારે મુખ્ય દ્વારની સામે અરીસો લગાવવાની ભૂલ ન કરવી તેનાથી હાનિ થાય છે.

મિત્રો, આ અમુક ટીપ્સ જો તમને ગમી હોય તો અન્ય સાથે શેર જરૂર કરજો.

લેખક – જ્યોતિ નૈનાણી

ટીપ્પણી