દરરોજ જમવામાં શું બનાવવું? આજે બનાવો રાજસ્થાની ગટ્ટા કરી….

- Advertisement -

રાજસ્થાની ગટ્ટા કરી
(Rajsthani Gatta Curry)

વ્યક્તિ : ૪
સમય : 30 મિનિટ

સામગ્રી :

ગટ્ટા બનાવવા માટે :

૧ કપ ચણાનો લોટ
૧ ટે.સ્પૂ. લીલાં ધાણા (ઝીણા સમારેલા)
૨ નંગ લીલાં મરચાં (ઝીણા સમારેલા)
૧/૪ ઇંચ આદું (છીણેલું)
૧/૨ ટી.સ્પૂ. લાલ મરચું
૧/૨ ટી.સ્પૂ. ધાણાજીરૂં
૧/૪ ટી.સ્પૂ. હળદર
૧/૪ ટી.સ્પૂ. મીઠું / સ્વાદ અનુસાર
૧/૪ ટી.સ્પૂ. ગરમ મસાલો
૧/૧૬ ટી.સ્પૂ. હીંગ
૧/૪ ટી.સ્પૂ. જીરૂં
૧/૪ ટી.સ્પૂ. અજમો
૧ ટી.સ્પૂ. ખાવાનો સોડા
૨ ટે.સ્પૂ. તેલ
૩-૪ ટે.સ્પૂ. પાણી
ગટ્ટા બાફવા માટે :
૪ કપ પાણી
૧/૨ ટી.સ્પૂ. તેલ
૧ ટી.સ્પૂ. મીઠું

વાટવાનો મસાલો :

૩ નંગ મધ્યમ કદનાં ટામેટાં
૨ નંગ લીલા મરચાં
૧ ઇંચ આદુંનો ટુકડો
કરી માટે :
૩ ટે.સ્પૂ. તેલ
૧/૨ ટી.સ્પૂ. જીરૂં
૧/૮ ટી.સ્પૂ. હીંગ
૧ ટી.સ્પૂ. કાશ્મીરી લાલ મરચું
૧/૪ ટી.સ્પૂ. હળદર
૧/૨ ટી.સ્પૂ. ધાણાજીરૂં
૧/૨ ટી.સ્પૂ. ગરમ મસાલો
૧/૨ કપ તાજું મોળું દહીં
૧ કપ ગટ્ટા ઉકાળેલું પાણી
મીઠું સ્વાદનુસાર
૩ ટે.સ્પૂ. લીલાં ધાણા

રીત :

૧) એક વાસણમાં ગટ્ટા બનાવવા માટેની સામગ્રી ભેગી કરી લો. તેમાં તેલનું મોવણ ઉમેરીને બરાબર મસળી લો. ત્યારબાદ તેમાં એક એક ટે.સ્પૂ. પાણી ઉમેરતાં જાઓ અને નરમ લોટ બાંધી લો.
૨) લોટને ભીનું કપડું ઢાંકીને ૧૦-૧૫ મિનિટ મૂકી રાખો. ત્યારબાદ તેનાં ચાર સરખા ભાગ કરીને આશરે ૨ સેમી જાડાઈનાં વાટા/રોલ બનાવી લો. રોલ વાળો ત્યાં સુધી એક તપેલીમાં તેલ અને મીઠું ઉમેરીને પાણી ઉકળવા મુકો. પાણી બરાબર ઉકળે એટલે તેમાં ગટ્ટાનાં રોલ ઉમેરો અને મધ્યમ આંચ પર ઢાંકયા વગર ૧૦-૧૨ મિનિટ ઉકળવા દો.
૩) ગટ્ટા બફાય ત્યાં સુધી ટામેટાં, લીલાં મરચાં અને આદુંને મિક્સરમાં વાટી પેસ્ટ બનાવી લો.
૪) બાફેલા ગટ્ટાના રોલને ઝારી વડે પાણી નિતારીને એક થાળીમાં કાઢી લો. રોલ સહેજ ઠંડા પડે એટલે તેના ૧/૨ ઇંચના ટુકડા કરી લો.
૫) એક કઢાઈમાં વઘાર માટે તેલ ગરમ કરવા મુકો. તેમાં જીરૂં અને હીંગનો વઘાર કરીને વાટેલી પેસ્ટ ઉમેરી દો. પેસ્ટને તેલ છુટું પડે ત્યાં સુધી સાંતળી લો. ત્યારબાદ તેમાં લાલ મરચું, ધાણાજીરૂં, હળદર અને ગરમ મસાલો ઉમેરીને એક મિનિટ સાંતળીને બાફેલા ગટ્ટાના ટુકડા અને દહીં ઉમેરો. તેમાં ૧ કપ ગટ્ટા બાફેલું પાણી ઉમેરો અને બરાબર હલાવી લો. તેમાં સ્વાદમુજબ મીઠું ઉમેરો અને મધ્યમ આંચ પર ૩-૫ મિનિટ ઉકળવા દો. કરી સહેજ જાડી થાય એટલે ગેસ બંધ કરી દો.
૫) તૈયાર છે એકદમ મજેદાર એવી રાજસ્થાની ગટ્ટા કરી… બાઉલમાં કાઢીને લીલાં ધાણા વડે સજાવીને ગરમ ગરમ રોટી સાથે પીરસો…

નોંધ :

★ ગટ્ટાની કરી બનાવવા માટે તેમાં વાટવાના મસાલામાં ૫-૭ કળી લસણ ઉમેરી શકાય.
★ ગટ્ટાનો લોટ બાંધતી વખતે હાથમાં ચોંટે તો થોડું તેલ ઉપરથી ઉમેરીને લોટ ભેગો કરવો.
★ ગટ્ટાના રોલ અંદરથી બરાબર ચઢી જાય તે માટે મધ્યમ જાડાઈનાં જ બનાવવા અગર તો તેમાં કાંટા વડે કાણાં પાડી લેવા.
★ દહીં મોળું હોય તેવું જ ઉપયોગમાં લેવું.
★ ગટ્ટા ઉકાળેલું પાણી લોટ બાંધવા માટે ઉપયોગમાં લઇ શકાય.

ભૂમિ પંડ્યા – આણંદ

ખુબ જ ટેસ્ટી વાનગી જાણવા મળી હું તો આજે જ ટ્રાય કરવાની છુ, અને તમે ?? શેર કરો તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી