“ગર્વથી કહો હું ભારતીય છું” – દરેક ભારતીયે આજે વાંચવું રહ્યું !

મહાન સરણાઈવાદક ઉસ્તાદ બિસ્મિલ્લાખાનને અમેરિકાએ નાગરિત્વ ઓફર કર્યું હતું. ભારતમાં જેટલી સુવિધા મળે છે એનાથી વધારે આપવાની લાલચ આપી.
ત્યારે બિસ્મિલ્લાખાને કહ્યું કે જે ગંગા નદીના કિનારે બેસીને હું રિયાઝ કરું છું એ ભાગીરથી અમેરિકામાં ક્યાંથી લાવશો ?
હમ ઉસ દેશ કે વાશી હૈ જિસ દેશમેં ગંગા બેહતી હૈ

આખી દુનિયામાં ચાઇના પછી સૌથી વધુ ચોખા અને ઘઉં ભારતમાં ઉગે છે.
એક ગામથી બીજે ગામ જવા માટે બસ અને ટ્રેનની જેટલી સગવડ હિન્દુસ્તાનમાં છે એટલી કદાચ દુનિયાના કોઈ દેશમાં નથી.
દુનિયાના તમામ દેશની સરખામણીએ સૌથી વધુ નૌકરી ભારતીય રેલવે આપે છે.

આખા વિશ્વમાં સૌથી વધુ સોનું ભારતમાં વપરાય છે. સમગ્ર પૃથ્વીનું ૧૧% જેટલું સોનું તો ભારતીય નારી આગળ જ છે. કોણ કહે છે ભારત ગરીબ દેશ છે ?

સ્વિટ્ઝર્લૅન્ડ ૨૬ મે વિજ્ઞાન દિવસ તરીકે ઉજવે છે કારણ કે એ દિવસે અબ્દુલ કલામ સાહેબ સ્વિટ્ઝર્લૅન્ડ ગયા હતા.
એજ દેશના પાટનગર જિનિવામાં યુ.એન.ના મુખ્ય બિલ્ડિંગની બહાર એકજ વ્યક્તિની પ્રતિમા રાખેલી છે અને એ પ્રતિમા મોહનદાસ કરમચંદ ગાંધીની છે.

બીજા વિશ્વયુદ્ધ વખતે લોકોને મદદરૂપ થવા માટે સૌથી વધુ સૈનિકો ભારતે મોકલ્યા હતા.

બાર ગઉએ બોલી બદલાય એ પ્રમાણે સૌથી વધુ ભાષા ભારતમાં બોલાય છે. અંગ્રેજી આપણી રાષ્ટ્રીય કે માતૃભાષા નથી છતાં પણ અમેરિકા બાદ સૌથી વધુ અંગ્રેજી બોલનારા લોકો ભારતમાં છે.

જ્ઞાતિ-ધર્મ, ભાષા, પહેરવેશ, ખાણી-પીણી, તહેવારો, વગેરેમાં આટલી વિવિધતા તમને ભારત સિવાય દુનિયાના ક્યાં દેશમાં જોવા મળે છે ?

દરેક ધર્મ અને સંપ્રદાયને જેટલું માન-સન્માન હિન્દુસ્તાને આપ્યું છે એટલું કોઈ રાષ્ટ્રએ આપ્યું નથી.
હું તો ત્યાં સુધી કહીશ કે જો પાકિસ્તાન પણ મિત્રતા માટે હાથ લંબાવે તો હિન્દુસ્તાન એને બમણા ઉમળકાથી ભેટવા તૈયાર જ છે. ભારતીય લોકો ક્યારેય કોઈની સાથે દુશ્મની ઇચ્છતા નથી.
એનો મતલબ એવો નથી કે આપણે લડવા માટે સક્ષમ નથી. ૧૯૬૫, ૧૯૭૧ અને કારગિલ વખતે જે ખુમારીથી ભારત યુદ્ધ જીત્યું છે એટલી ભવ્યતાથી ભાગ્યેજ કોઈ દેશ યુદ્ધ જીત્યું હશે.

અવકાશમાં ઈસરોની ઉપલબ્ધીઓથી કોણ અજાણ છે ?
કલા અને સાહિત્યના ક્ષેત્રમાં તો ભારતના પ્રદાનની વાત લખવા બેસીએ તો દિવસો ટૂંકા પડે.
સૌથી વધુ મૂવી પણ ભારતમાં બને છે. રાજ કપૂર, અમિતાભ બચ્ચનથી શરુ કરીને આમિર ખાન જેવી કક્ષાના અભિનેતાઓ ભાગ્યે જ કોઈ દેશે આપ્યા હશે.

રમત-ગમતની વાત કરીએ તો અત્યારે ક્રિકેટમાં ત્રણેય ફોરમેટમાં ભારતનો જેટલો દબદબો છે એટલો કોઈ દેશનો નથી. કબડ્ડીના તમામ વિશ્વકપ ભારતના નામે છે.
હોકીમાં હવે મેજર ધ્યાનચંદ વખતે હતો એવો રુઆબ નથી છતાં પણ નેધરલૅન્ડ, ઑસ્ટ્રેલિયા જેવી ધુરંધર ટીમોને હંફાવી તો દઈએ જ છીએ. બેડમિંટન, ચેસ જેવી રમતોમાં પણ આપણા ખેલાડીઓ ઉમદા પ્રદર્શન કરી રહ્યા છે.

અમરીતસરના સુવર્ણ મંદિરમાં દરરોજ એક લાખ જેટલા લોકોને જમાડવામાં આવે છે. વીરપુર જલારામ મંદિરમાં પણ વર્ષોથી અન્નક્ષેત્ર ચાલે છે. એ સિવાય દરેક ગામમાં અન્નક્ષેત્ર અને પાણી-પરબ તો હોય જ છે. અરે મનુષ્યને છોડો ! પ્રાણી અને પક્ષીના ભોજનની પણ આપણે દરરોજ ચિંતા કરીએ છીએ.
આટલી હમદર્દી તમને ભારત સિવાય કયાં દેશમાં જોવા મળે ?

એવા ઘણા રાષ્ટ્રો છે જે ભારતીય લોકોના કારણે જ ટક્યા છે. અમેરિકામાંથી પટેલો નીકળી જાય એટલે દેશને બહુ મોટું નુકસાન થાય.
ઈસ્ટ આફ્રિકા ખંડ રઘુવંશી અને ઇસ્માઇલી લોકોના લીધે જ ચાલે છે.

ગૂગલ કંપનીમાં ઉચ્ચ હોદ્દા ઉપર સુંદર પીચાઈ, નિકેશ અરોરા જેવા ૭ ભારતીય લોકો બેઠા છે જેનું ગૂગલની પ્રગતિમાં ઘણું મોટું યોગદાન છે.
કહેવાનો મતલબ ! દુનિયાના ઘણા દેશો અને ઘણી મોટી કંપનીઓ પણ ભારત ઉપર નિર્ભર છે.

ઉપર જે જે વાત કરી એ તમામ ઉપલબ્ધીઓ આઝાદી પછીની છે. કોણ કહે છે છેલ્લા ૭૦ વર્ષમાં ભારતે કઈ પ્રગતિ કરી નથી ?
“સોને કી ચીડિયા” વખતના હિન્દુસ્તાન વિષે તો હજી કઈ લખ્યું જ નથી. બાકી, આપણા ભવ્ય ભૂતકાળ વિશે લખવા બેસીએ તો ૨૦૧૮નો સ્વતંત્રતા દિવસ આવી જાય તો પણ વાતો ખૂટે નહિ.
પોસ્ટ લાંબી થઇ જાય એટલે હજી ઘણા ક્ષેત્રો વિશે તો લખ્યું જ નથી.

હું સ્વીકારું છું કે આપણા દેશમાં ઘણી ખામીઓ પણ છે જેને સુધારવાની જરૂર છે. એમાંથી ઘણી ખામીઓ વિશે ધ્યાન દોરવાનો મેં ભૂતકાળમાં પ્રયત્ન પણ કરેલો છે. માણસો પણ બધા સરખા નથી.
પરંતુ આજે એ બધી ખામીઓને યાદ કરવાનો દિવસ નથી. આજે તો બસ રાષ્ટ્રભક્તિના રંગમાં રંગાઈને, વિશ્વકક્ષાએ ભારતના યોગદાનને યાદ કરીને એક હિન્દુસ્તાની હોવાનું ગૌરવ લઈએ.

આજે આપણે આઝાદીનો આનંદ માણી શકીઅે છીએ એના માટે જે સપૂતોએ પ્રાણની આહુતિ આપી છે એ દિવ્યઆત્માઓને પ્રણામ ! એમના વગર આઝાદ ભારતનું સ્વપ્ન જોવું પણ શક્ય નથી.

ભારતમાતાકી જય

લેખક ~ મૌલિક જગદીશ ત્રિવેદી

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

ટીપ્પણી