ગણેશચતુર્થી નીમિત્તે સંદેશ – સૌ એ વાંચવો જ રહ્યો !!!

આજે પડી છે સંસ્કૃતિ ઊંડી ખીણમાં,
ભુલાયો ધર્મ આજ દારૂ અફીણમાં,
થાય છે છેડતીઓ,અબળાના ઉપયોગ બેફામ,
નિડર બનીને પીતા સૌ નફ્ફટાઇના ભરીને જામ.
અણમોલ હતી અસ્મિતા અમારી,
દલાલી કરી એની અમે જ બનીને બજારી.
આ ભારત કે જેના સીમાડા હતાં ગઝની અને ગાંધાર,
નથી રહેતું હાથ આજે આ કાશ્મીર ને બન્યાં અમે નિરાધાર.
વિદેશીઓએ આવીને ફોલી નાખી છે આખી ભોમ,
રહી ગયાં અમે,નડી અમને અમારી નાત,જાત ને કોમ.
ભુલ્યાં અમે ભવ્યતા ને સંસ્કારનો હવે છાંટોયે રહ્યો નથી લેશ ;
હવે તું જ ઉગાર, બસ તારો આધાર હે ગૌરીનંદ ગણેશ !

ઉપરના કવિતમાં મે બને એટલી ભારતની દુર્દશાનો પરચો આપવાનો યત્ન કર્યો છે.આજે ગણેશચતુર્થી નિમિત્તે ભગવાન સર્વકાલ ગણેશને એજ નાનકડી પ્રાર્થના.

આજથી દસ દિવસ સુધી ગજાનન ગણેશના ઉત્સવમાં બધાં ગાંડા બનશે.એક અદમ્ય ઉત્સાહિત ભક્તિભાવપૂર્ણ વાતાવરણ બનશે.અને ગણેશ વિસર્જનના દિવસે ભારતની ભક્ત પ્રજા ગાંડી બનશે.ખરેખર આ એક ઉત્તમ ભાવના કહેવાય કે ભારતવર્ષની પ્રજા પોતાના પ્રભુને આટલો આદર આપે છે.બહુ સારી વાત છે.આવા ઉત્સવ જ માનવમાત્રના દુ:ખનો નાશ કરીને એને કિલ્લોલ કરતો કરે છે.પણ ગણેશઉત્સવ ઉજવતા થોડા વિચાર નાનકડી ઉદાસીના પણ આવે.જે અહીં પ્રસ્તુત છે –

– આજે એ ગણપતિની પૂજા થાય છે જેણે જગતની પ્રદક્ષિણાને તુચ્છ ગણીને માતા-પિતાની પ્રદક્ષિણાને સર્વોત્તમ ગણી હતી.અને આજે….? અરે ! પ્રદક્ષિણા કે સેવા તો દુરની વાત છે.વૃધ્ધાશ્રમમાં એ હતભાગીઓ છેલ્લા શ્વાસ લેતાં હોય અને સંતાનનું મોઢું જોવાની નાનકડી ઇચ્છા હોય તે છતાં એને મોઢું બતાવવા પણ નથી જતાં ! આ હદનો તિરસ્કાર કર્યો છે જન્મદાતાઓનો.મા-બાપ વૃધ્ધાશ્રમમાં સંતાનવિયોગે ઝુરતાં હોય અને પોતે ઘરમાં ગણેશજીની મૂર્તિ સ્થાપી એની ધામધુમથી પુજા કરે ! એ મૂર્તિ લાચાર છે બાકી એની મેળે ચાલીને ઘરમાંથી બહાર નીકળી જાય.એ ગણેશને ઘીમાં ઝબોળેલા મોદક ધરો પણ એ ક્યારેય રાજી ના થાય.એ મૂર્તિ તો રાહ જોતી હોય વિસર્જનના સમયની કે ક્યારે મને પધરાવે અને મારો આ ઘરથી છુટકારો થાય ! જે જગતનાથે માતા-પિતાને સર્વશ્રેષ્ઠ ગણ્યાં હોય એની જ પુજા કરનારાઓના માતા-પિતા વૃધ્ધાશ્રમમાં હોય એનાથી મોટી કરૂણતા બીજી હોય પણ શી !

– આ દિવસોમાં એ ગણપતિની પૂજા થાય છે જેણે વેદવ્યાસના મુખેથી વિજળીવેગે બોલાતા અનેકાર્થી સંસ્કૃત શ્લોકોના અર્થો પકડી,એને વ્યવસ્થિત માળખામાં ગોઠવી અને એકધારા લયમાં અઢાર પર્વનું વિશ્વના સૌથી વિશાળ મહાકાવ્ય “મહાભારત”નું સર્જન કરી નાખ્યું હતું.શી એની સંસ્કૃત પરની પકડ ! માટે જ તો ગણપતિને “બુધ્ધિમતામ્ વરિષ્ઠમ્ ” અર્થાત્ બુધ્ધિમાનોમાં શ્રેષ્ઠ કહ્યાં છે.વિશ્વના ફલક પર સંસ્કૃત ભાષાને સર્વશ્રેષ્ઠ બનાવવાનું વિશાળ કાર્ય ગણપતિએ કરેલું એમાં કોઇ બેમત નથી.અને આજે…..?ભારતના કરોડો હિન્દુઓ પૈકી કેટલાંને ગીતાનો એકાદ પણ શ્લોક યાદ છે ? બહુ બહુ તો એક યાદ હશે – “યદા યદા હિ ધર્મસ્ય” કે જેનો ઉપયોગ આજકાલ ટેલિવિઝન ક્ષેત્રે વ્યાપક પ્રમાણમાં થાય છે એટલે !

અને જેને યાદ હશે એમાંથી ૭૫ ટકા એવા પણ હશે જેમને એ શ્લોક લખતાં નહિ આવડતો હોય અને અર્થની તો નામમાત્ર ખબર નહિ હોય.મુસ્લીમભાઇઓને એના સંતાનો દસમાં ધોરણમાં નાપાસ થશે એ મંજુર છે પણ એને કુરાન-એ-શરીફની આયાતો ના આવડે અ કદાપિ મંજુર નથી ! અને આપણે…..? અરે દેવોને દુર્લભ એવી સંસ્કૃત ભાષાને સમુળગી જડ-મુળથી ઉખાડીને ઘા કરી દીધી છે ! આજે મોટાભાગના લોકોને સંસ્કૃતના કક્કાનો પ્રથમ અક્ષર માંડતા નથી આવડતું કે ના તો સંસ્કૃતનો સરખો ઉચ્ચાર કરતા આવડે છે.આમને આમ ચાલશે તો વીસેક વર્ષ પછીના સંતાનોને ખબર જ નહિ હોય કે ‘સંસ્કૃત’ નામની કોઇ ભાષા આ પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતી હતી ! આજે અંગ્રેજી ભાષાનું ચલણ વધ્યું છે અને એના વિના ચાલે એમ જ નથી પણ એનો મતલબ એ નથી કે તમે તમારી ‘મા’ સમાન ‘માતૃભાષા’ને ભુલી જાવ.

આજે દક્ષિણભારતમાંથી પ્રકટ થતા દુનિયાના છેલ્લા સંસ્કૃત સામાયિક ‘સુધર્મા’ના જેટલાં વાચકો છે એના કરતા તો ખીચોખીચ ભરાયેલી એસ.ટી.બસના પેસેન્જરોની સંખ્યા વધુ હોય ! આ મુર્તિમાના ગણેશજીને દુ:ખ તો થતું હશે કે મેં કરેલા પરિશ્રમનું હવે કોઇ મહત્વ નથી.

– આજે એ ગણેશની પૂજા થાય છે કે જેના પિતાએ તેનું મુળભુત મસ્તક કાપી તેની જગ્યાએ હાથીનું મસ્તક ‘જોઇન્ટ’ કરેલું.આજે આ જ વાતને આપણે ચમત્કાર સમજીએ છીએ.એની પાછળ વિજ્ઞાનનું કોઇ અસ્તિત્વ નથી એવું કહી આપણા જ ગૌરવની વિશ્વ સમક્ષ હાંસી ઉડાવીએ છીએ.પણ સત્ય તો એ છે કે આ ઘટનાઓ પાછળ રહેલાં અદ્ભુત વિજ્ઞાનને આપણે ભુલી ગયાં છીએ,આપણા પુરાણોમાં વર્ણવેલા આવા પ્રસંગો પાછળની ત્યારની બેજોડ ટેક્નોલોજીને આપણે નજરઅંદાજ કરી છે.

અને આપણા જ ધર્મગ્રંથોનો લાભ લઇ આજે અમેરીકા અને બ્રિટન જેવા દેશો વિશ્વવિજ્ઞાનના ક્ષેત્રે ટોચ સુધી પહોંચ્યા છે.ધુરંધર ભૌતિકશાસ્ત્રી કાર્લ સેગાને તો ત્યાં સુધી કહ્યું છે કે,મારી મોટા ભાગની શોધોનો શ્રેય હું ભારતીય ધર્મગ્રંથોને આપુ છું.અને એણે પોતાની થિયરીમાં અમુક પાનાં હિંદુગ્રંથો માટે પણ ફાળવ્યા છે.ભગવાન શિવે ગણપતિના ધડ પર હાથીનું મસ્તક ચડાવ્યું એની પાછળ પણ બાયોલોજીની કોઇ ટ્રીક હશે જેને આપણે નજરઅંદાજ કરી.

જોએ વારસો સાચવ્યો હોત તો ગૌરવથી કહી શકત કે,દુનિયાની બીજી સંસ્કૃતિઓ જ્યારે ઘોડિયામાં હતી ત્યારે અમારા પુર્વજએ જગતનું સૌથી પહેલું ‘મસ્તક’નું ટ્રાન્સપ્લાન્ટેશન કરેલું ! અને તો આજે ભગવાન શિવને તબીબીશાસ્ત્રના પિતામહ તરીકે દુનિયા આખી યાદ કરતી હોત ! પણ ના…..આપણે એ બધું તારવવાનું કામ અમેરીકા જેવા દેશોને સોપ્યું છે.તેઓ કરશે જે કરવું હશે તે !

આ ઉપરોક્ત વાતો ઉદાસીન છે એ સાથે આપણને જાગવાની તક પણ પૂરી પાડે છે.હજી સમય છે આપણી રોજબરોજની જીંદગીમાંથી એકાદ કલાક કાઢીને આ સત્યો પર નજર નાખવાનો અને આવનારી પેઢીને આ વાતોથી અવગત કરાવવાનો.

લેખક : કૌશલ બારડ

ઉપરોક્ત લેખ પર તમારા વિચારો પણ આવકાર્ય !!

ટીપ્પણી