ગાંધીજીના જન્મદિવસ નિમિતે…અહિંસાની સાથે સાથે ધર્મની રક્ષા માટે કરાતી હિંસા પણ પરમ ધર્મ છે.:મહાભારત

- Advertisement -

ગાંધીની કાવડ

વર્ષ ૧૯૪૭નાં શરૂઆતનાં દિવસોની વાત છે. ત્યારે હજી ભારત આઝાદ થયું નહોતું. પણ ભાગલા લગભગ નક્કી હતાં અને અંગ્રેજોનાં ગયા પછી થનારી સત્તાની ભાગબટાઈ અંગે ની રાજકીય ગતિવિધિઓમાં તેજી હતી. ભારતના સર્વપ્રથમ સેનાધ્યક્ષ જનરલ અને બાદમાં ફિલ્ડ માર્શલ કરિઅપ્પા તે સમયે રોયલ ઇન્ડિયન આર્મીમાં મેજર જનરલનાં પદે હતાં. તે સમયે તેઓ લંડનમાં ઈમ્પીરીયલ ડીફેન્સ કોલેજમાં કોર્સ કરી રહ્યા હતાં. ત્યાંથી તેમણે એક વિધાન કર્યું, “નેહરુ અને જિન્હાએ મળીને આ મડાગાંઠનો કેમેય કરીને ઉકેલ લાવવો જોઈએ જેથી દેશનાં ભાગલા ન થાય, અને કોઈપણ કાળે ભારતીય સેનાનાં ભાગલાતો નિવારવા જ જોઈએ.

જનરલ કરિઅપ્પાનાં આ વિધાન પર ગાંધીજીએ ‘હરીજન’માં તેમની અઠવાડિક કોલમમાં તીખી પ્રતિક્રિયા આપતા લખ્યુંકે, “એક સૈનિકે રાજકારણની બાબતોમાં માથું મારવું ન જોઈએ.” લંડનથી પાછા ફર્યા બાદ જનરલ કરીઅપ્પાએ ગાંધીજીની મુલાકાતનો સમય માગ્યો, તે સમયે ‘બાપુ’ દિલ્હીમાં હરીજનવાસમાં ઝુંપડીમાં નિવાસ કરતા હતા. ગાંધીજીની કુટીરનાં દરવાજે પહોંચીને, આપણા સૈનિકે પોતાના લશ્કરી જૂતા બહાર કાઢીને અંદર પ્રવેશ કર્યો. દક્ષીણ આફ્રિકામાં બોઅર યુદ્ધ દરમિયાન ગાંધીજી પોતે પણ સેનામાં ફરજ બજાવી ચુક્યા હતાં અને સૈન્ય વિષે પુરતી માહિતી ધરાવતા હતા. તેમણે જનરલને કહ્યું કે આ બુટ તેમના યુનિફોર્મનો હિસ્સો છે. અને તેમના માટે તેને કાઢી નાખવા એ યોગ્ય નથી. સામે એક સૈનિકને છાજે તેવી નમ્રતાપૂર્વક જનરલે જવાબ આપ્યોકે ભારતીય સાંસ્કુતિ અનુસાર દેવો, મહાત્માઓ અને સંતોની સમક્ષ જૂતાં પહેરી શકાય નહિ.

થોડીક મૃદુ વાતચીત પછી જનરલ કરિઅપ્પા મુદ્દા પર આવી ગયા. તેઓ ગાંધીજીને પ્રશ્ન પૂછે છે. જનરલ ઉવાચ્ય : “જો હું મારા સૈનિકોને અહિંસાનાં પાઠ ભણાવું તો, આ દેશની રક્ષા કરવાની મારી ફરજ બજાવવામાં હું ચુકી જાઉ છું અને આ કારણે તેમની દેશના શ્રેષ્ઠ સૈનિકો બનવાની ક્ષમતા વિષે પણ પ્રશ્ન ઉભો થાય છે. મહાત્મા, હું આપને એક નાનાં બાળકની જેમ મારું માર્ગદર્શન કરવા અને મને જ્ઞાન આપવા વિનંતી કરું છું. મહેરબાની કરીને મને જણાવો કે સૈનિકોને તેમનો મૂળભૂત સૈનિક ધર્મ અને તેમની યુદ્ધલક્ષી તાલીમ આ ચીજોનાં મહત્વને ઘટાડ્યા વગર કઈ રીતે હું અહિંસાનું ધ્યોતન કરી શકું?”

ગાંધીજી ઉવાચ્ય : સૈનિકોને તેમની મૂળભૂત ફરજ પ્રત્યે વેગળા કર્યા સિવાય અહિંસાના માર્ગે વાળવા માટેની ચોક્કસ રૂપરેખા તમે મારી પાસે માગી રહ્યા છો. આ પ્રશ્ન નાં જવાબ અંગે હું પણ અંધારામાં છું. તેનો ઉત્તર હું તમને, એક દિવસ શોધીને આપીશ.

અહિંસાનાં પ્રથમ પ્રચારકનો, સ્વતંત્ર ભારતનાં પ્રથમ સૈનિકને, આ એક પ્રમાણિક ઉત્તર હતો.

અહિંસા વડે ભારતની રક્ષા કેમ કરવી તેનો જવાબ ગાંધીજી પાસે પણ ન હતો. ઉપરોક્ત બનાવ ડીસેમ્બર 1947નો છે. પછીનાં જ મહીને ગાંધીજીની હત્યા થઇ. એક તરફ ગાંધીજી રક્ષા માટે અહિંસાનો પ્રયોગ કેમ કરવો તેમ શોધી રહ્યા હતા, બીજી તરફ કાશ્મીરમાં પાકિસ્તાની ઘુસણખોરી સામે ભારતીય સેનાનાં ઉપયોગની તરફેણમાં તેમણે પરવાનગી આપી. ૧૯૪૭માં આઝાદી બાદ તુર્ત જ પાકિસ્તાને કાશ્મીર ખીણ કબજે કરવાના હેતુથી આપણી પર હુમલો કરી દીધો. સેનાની કાશ્મીર કમાનના નવનિયુક્ત કમાન્ડર બ્રિગેડીયર એલ.પી. સેને શ્રીનગર માટે ઉડાન ભરતા પહેલાં ગાંધીજીનાં આશીર્વાદ લીધેલા.
ખાદીના કપડા ધારણ કર્યા માત્રથી ગાંધીવાદી કહેવાયેલા ‘ગાંધીની કાવડ’ ધારી જગમોહનોએ સિફતપૂર્વક ગાંધીજીના નામનો પોતાના નીજી લાભ માટે દુરુપયોગ કર્યો. ગાંધીજીએ એક વાત હમેશા દ્રઢતા પૂર્વક કહી છે, “ કાયરતા કરતા હિંસા બહેતર છે.”

અહિંસા પરમો ધર્મ: ધર્મ હિંસા તથીવ ચ. (અહિંસાની સાથે સાથે ધર્મની રક્ષા માટે કરાતી હિંસા પણ પરમ ધર્મ છે.:મહાભારત)

તા.ક. આ બનાવની નોંધ ગાંધીજીનાં તે સમયનાં ખાનગી સચિવ પ્યારેલાલનાં પુસ્તક મહાત્મા ગાંધી : ધ લાસ્ટ ફેઝમાં મળી આવે છે.

– મનન ભટ્ટ.

શેર કરો આ માહિતી તમારા મિત્રો સાથે, લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી