બાળકોને લંચ બૉક્સમાં આપવા માટે ખાસ બનાવો આ વાનગી – ગળ્યા પૂડલા !!

બાળકોને લંચ બૉક્સમાં આપવા માટે ખાસ બનાવો આ વાનગી…જો પરીવાર સાથે દિવાળી ઉજવવાની તૈયારી કરતાં હો તો, એક વાર ભેગા મળીને બાળપણની મીઠી યાદોને પણ તાજી કરી લેજો… આ ગળ્યા પૂડલાની મીઠાશ સાથે….

વ્યક્તિ : ૪
સમય :
પૂર્વ તૈયારી માટે : ૧ કલાક
વાનગી માટે : ૨૦ મિનિટ

સામગ્રી :

૧ કપ ઘઉંનો ઝીણો લોટ
૪-૫ ટે.સ્પૂ. ખાંડ
૧ કપ પાણી
૫-૭ નંગ કાળા મરી
૧/૨ ટી.સ્પૂ. વરીયાળી
૩-૪ નંગ ઈલાયચી
૧ ટે.સ્પૂ. ઘી
૧/૧૬ ટી.સ્પૂ. / ૧ ચપટી ખાવાનો સોડા
તેલ/ઘી શેકવા માટે
દળેલી ખાંડ-કાજુ-બદામ સજાવટ માટે

રીત :

૧) સૌ પ્રથમ ઘઉંના લોટને ચાળી લો. તેમાં આખા મરી ઉમેરો. એક વાસણમાં હુંફાળું ગરમ પાણી લઈને તેમાં ખાંડ ઓગાળી લો.
૨) હવે લોટમાં ધીમેધીમે ખાંડવાળું પાણી ઉમેરો અને હલાવતાં રહો.લોટમાં ગાંઠા ના રહે તેમ ખીરું બનાવી લો. ખીરાને ઢાંકીને ૧ કલાક મૂકી રાખો.
૩) એક નોનસ્ટિક તવાને ધીમી આંચ પર ગરમ થવા મુકો. ત્યાં સુધીમાં ખીરામાં વરીયાળી અને ઇલાયચીનો પાવડર ઉમેરો. ખીરામાં ચપટી ખાવાનો સોડા ઉમેરો અને ઉપરથી ૧ ટે.સ્પૂ. ગરમ ઘી ઉમેરીને બરાબર હલાવી લો.
૪) નોનસ્ટિક તવો ગરમ થાય એટલે તેના પર એક નાની ચમચી તેલ લગાડો. તેનાં ઉપર પાણીના છાંટા નાખીને કપડા વડે તવો સાફ કરી દો.
૫) હવે તવા ઉપર ખીરું ફેલાવી દો અને ઉપર થોડુંક તેલ ઉમેરો. પૂડલાને એક તરફથી શેકાવા દો પછી પલટીને ઉપરથી ઘી લગાડી બીજી તરફ શેકાવા દો. બંને તરફ સોનેરી લાલ રંગનો થાય ત્યાં સુધી પૂડલાને શેકી લો.
૬) પૂડલાને તવા પરથી ઉતારીને થાળીમાં મુકો. મધ્યમ કદનાં આશરે ૮ નંગ પૂડલા તૈયાર થશે. જાળીદાર પૂડલાને દળેલી ખાંડ, કાજુ અને બદામની કતરણ વડે સજાવીને ગરમાગરમ પીરસો…

નોંધ :

* શક્ય હોય ત્યાં સુધી નોનસ્ટિક તવાનો જ ઉપયોગ કરવો.
* લંચ બૉક્સમાં આપવા માટે પૂડલાને ઉતારીને તરત જ ઍલ્યુમિનિયમ ફૉઇલમાં પેક કરી લેવા.
* પૂડલાના ખીરામાં સ્વાદ મુજબ વધારે ઓછી ખાંડ ઉમેરી શકાય અને ખાંડના બદલે ગોળ પણ ઉમેરી શકાય. ઉપરથી દળેલી ખાંડના બદલે મધ પણ લગાડી શકાય.
* એકલા ઘી કે તેલમાં પણ પૂડલા શેકી શકાય પરંતુ એક તરફ તેલ લગાડવાથી પૂડલો ઉતારવામાં સરળતા રહેશે અને બીજી તરફ ઘી લગાડવાથી પૂડલાનો સ્વાદ વધી જશે.
* ગળ્યા પૂડલા દૂધપાક, ખીર, બાસુંદી કે રબડી સાથે પીરસી શકાય. તે સિવાય તાજી મલાઈમાં સરખા ભાગે ખાંડ ઉમેરી તેમાં ડ્રાયફ્રૂટ્સની ઝીણી કતરણ અથવા ફ્રેશ ફ્રૂટ્સ ઉમેરીને મિશ્રણ તૈયાર કરી લો. આ મિશ્રણને પૂડલા પર લગાડીને રોલ વાળીને પીરસો. ખાવામાં આ મલાઈ પૂડલા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રસોઈની રાણી : ભૂમિ પંડ્યા – આણંદ

બોલો, કેવી લાગી મારી વાનગી અને ફોટો ગ્રાફ્સ ? ખાસ તમારા સૌ માટે પાડ્યા છે..શેર કરજો !!

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block