ગાંઠ

આખરે ધીરજ નું સ્વપ્ન સાચું થયું. એક અનાથાશ્રમ માં ઉછરેલું બાળક આજે એક મહાનગરી માં વસવા આવી પહોંચ્યું. જીવન ના ૨૫ વર્ષો નો સંઘર્ષ ફળ્યો . પોતાની મુશ્કેલીઓ ને નિષ્ફળતાઓ નું કારણ દર્શાવનારાઓ માં એ નહીં . દરેક મુશ્કેલીઓ માં તક શોધતી દ્રષ્ટિ ધરાવનારાઓ માં નો એ એક.નિયતિ નો તો એકજ નિયમ: ‘હિંમતે મર્દા તો મદદે ખુદા’ અને આ નિયમ અનુસાર એણે દાખવેલી હિંમત ના ફળ સ્વરૂપ આજે એ એક મોટાશહેર ની મોટી ઓફિસ માં નોકરી મેળવી ચુક્યો. અજાણ્યા શહેર માં ફાવટ આવતા સમય તો લાગે. ધીરે ધીરે એ નવા વાતાવરણ અનુસાર ઢળવા લાગ્યો. ભાડે રાખેલું આ મકાન બહુ સુવિધાજનક તો ના હતું. પણ સુવિધા અસુવિધા ના નિર્ણયો તો વ્યક્તિ ગત ભૂતકાળ પર આધાર રાખે. અનાથાશ્રમ માં ઉછરેલ વ્યક્તિ માટે તો પોતાનું એક અંગત સ્થળજ ખુશી માટે પર્યાપ્ત! એક નાનકડો ઓરડોજ એનું શયન ખન્ડ , બેઠક ખંડ ને જમવાનો ખંડ પણ. પાછળ તરફ જાતેજ ભોજન બનાવી શકે એ માટે નાનકડું રસોડું.મહાનગરીઓ માં રોજ ને રોજ બહાર જમવાનું ક્યાં પોષાય? નવું જીવન અને નવી શૈલી થી એ ખુબજ સંતુષ્ટ હતો. ફક્ત એકજ સમસ્યા હતી અને એનું નામ મીના’દેવી.’

આ’ દેવી’ શબ્દ એમના નામ જોડે અચૂક ઉચ્ચારવો જોઈએ એ નિયમ એમણે જાતેજ બનાવ્યો હતો. મીના’દેવી’ ના કપરા સ્વભાવ થી આખી શેરી પરિચિત પણ હતી ને હેરાન પણ! આધેડ વય ની એ સ્ત્રી ધીરજ ના મકાન ના ઉપર ના માળ પર ભાડુત તરીકે રહેતી. આખો દિવસ બધા નીજ સાથે કજિયો કરવા ના બહાના શોધતી. એક દિવસ એવો પસાર ના થતો કે મીના’દેવી ‘ કોઈ ની જોડે લડ્યા ના હોય કે શેરી માં એમનો ઘાટો કોઈ એ સાંભળ્યો ના હોય . વ્યક્તિ નો સ્વભાવ એના જીવન અનુભવો જ ગઢે . જીવન અનુભવો સુખમય તો એની મીઠાશ સ્વભાવ માં ઉતરે.પણ જો જીવને આપેલ અનુભવો જ કડવા હોય તો સ્વભાવ માં એ કડવાહટ ભળ્યા વિના નાંજ રહે. મીના’દેવી’ના આ ગુસ્સા ને ચીઢ નું કારણ પણ જીવન ના કેટલાક કડવા બનાવોજ હતા. લગ્ન ના થોડાજ વર્ષો માં જાણ થઇ કે એ કદી માં નહીં બની શકે. એટલું ઓછું ના હતું કે પતિ પણ એમને છોડી પરદેશ કમાવા ઉપડી પડ્યા અને એ ગયા તે ગયાંજ. ત્યાંજ કોઈ વિદેશી જોડે લગ્ન કરી સીધીજ એ દેશ ની નાગરિકતા હાથ લાગી . પાછું દેશ પરત થવાનો કોઈ પ્રશ્નજ નહીં .માનવસ્વભાવ ની સૌથી મોટી નબળાઈ એજ કે જયારે પોતે સુખી ના હોય તો અન્ય નું સુખ જરાય ના પચે. બસ પોતાના જીવન ના દુઃખો નો બદલો એ અન્યો ના સુખ સાથે લેવા લાગ્યા. નકામી લડાઈઓ, તિરસ્કાર, ગુસ્સો, ચિઢયાપણું થી ધીરે ધીરે ગણ્યાગાંઠયા સંબંધો એ પણ સાથ છોડી દીધો. ના કોઈ એમને મળવા આવતું ના એ કોઈ ને મળવા જતા. શેરી માં પણ એ બધા ની નબળાઈઓ પર જ પ્રહાર કરતા. કોઈ સંગીત ઊંચા અવાજે સાંભળે અથવા મૉટે થી વાત કરે કે એની ઉપર ત્રાડ પાડે . સાંજે ફળીયા માં રમતા બાળકો નો દડો ભૂલ થી એમની બારી ઉપર અથડાય કે બસ ના પૂછો વાત. કોઈ એમની જોડે જીભાજોડી કરવા ની હિમ્મત જ ના કરે. ઉંમર જેમ વધતી જાય માનવ જીવન માં પ્રેમ ની ઉણપ અસહ્ય બનતી જાય. પોતાની આ અસહ્ય વેદના ને હળવી કરવા નો આ ઊંધો જ માંર્ગ એમણે અપનાવ્યો હતો!

ધીરજ સ્વભાવે ખુબજ શાંત. કોઈ ને કોઈ પણ પ્રકાર ની તકલીફ એના તરફ થી ના પહોંચે એની એ સંપૂર્ણ કાળજી દાખવતો. મીના’દેવી’ ને એની સાથે કજિયો કરવા કારણ જ ના મળતું. તેથી એના થી એ વધુ ચિઢાવા લાગ્યા. શું કરે કે એ દુઃખી થાય? કઈ રીતે એને ઉકસાવવું? કઈ રીતે એની શાંતી ભંગ કરવી ? અને એક નવોજ ઉપાય એમને સુજ્યો. સવારે જયારે પણ ધીરજ ઓફિસ જવા નીકળે કે એ ઉપર થી પાણી ની બાલ્દી ઉંધી કરે. સમય ની પકડ એવી કે શિકાર ભાગી શકેજ નહીં . શરૂઆત માં ધીરજ ને લાગ્યું કે આકસ્મિક હશે ,સંજોગ હશે, ભૂલ હશે.પણ ભૂલ જયારે વારંવાર પુનરાવર્તિત થાય ત્યારે એ ઈચ્છા માંજ પરિણમે. અને મીના’દેવી’ ની આ ઈચ્છા હવે એના રોજિંદા જીવન માં શાંતિભગ્ન બની રહી હતી. રોજ આ રીતે પલાણવું મીના’દેવી’નો જીવનક્રમ કઈ રીતે હોઈ શકે? એમની એ ગંદી ટેવ નો જવાબ આપવો હવે જરૂરી હતો. હવે આ અપમાન નાજ સહેવાય. હવે આ ક્રૂર સ્વભાવ ના ચલાવી લેવાય. કોઈ એ તો પહેલ કરવીજ રહી. તો પોતેજ કેમ નહીં ?

પણ આ આડકતરા સ્વભાવ ને કેમ સીધો કરવો? પોતાના સંસ્કાર વડીલો ઉપર અવાજ ઊંચો કરવાની, જીભાજોડી કરવાની કે સમાન સ્તરે ઉતરવાની કદી પરવાનગી ના આપે. હવે એકજ માર્ગ એને યોગ્ય લાગ્યો. પોલીસ કાર્યવાહી. ફકત એની સાથેજ નહીં શેરી ના અન્યકોઈ સભ્ય જોડે પણ જો કઈ પણ અકારણ કજિયો કર્યો કે સીધીજ પોલીસ માં જાણ કરવી. અભદ્ર અને અસંસ્કારી વ્યવહાર ને હવે એ સંપૂર્ણ શિક્ષિત અને કાયદાકીય ઉત્તર આપવા માનસિક રીતે પૂરો તૈયાર હતો અને એના આ નિર્ણય માં શેરી ના બધાજ લોકો એનો સાથ આપશે એનો એને પૂરે પૂરો વિશ્વાસ હતો.

એક દિવસ,બે દિવસ અને ત્રણ દિવસ પણ પસાર થઈ ગયા. ધીરજ રાહજ જોતો રહ્યો. પરંતુ મીના’દેવી’ તરફ થી એક પણ બાલદી આ ત્રણ દિવસ માં ઉંધી ના વળી. શેરી માં પણ ના કોઈ ની જોડે લડાઈ ના કજિયો. આ ત્રણ દિવસ માં કોઈએ એક પણ અપશબ્દ સાંભળ્યો નહીં . બાળકો નો દડો બારી સાથે ઠોકાય તો પણ કોઈ પણ પ્રકાર ની પ્રતિક્રિયાજ નહીં . આખા ફળીયા માં જાણે શાંતિ નો ઉત્સવ ઉજવાય રહ્યો. લોકો વ્યંગ માં કહેવા લાગ્યા :
” લાગે છે મીના’દેવી’ સુધરી ગયા”
પણ ધીરજ ને તો દાળ માં કંઈક કાળું લાગ્યું. આ શાંતિ એને વાવાઝોડું આવવા પહેલાની શાંતિ જેવી લાગી. મીના’દેવી’ નું દિમાગ કંઈક નવીજ ખીચડી બનાવી રહ્યું હશે. નહીંતર માનવસ્વભાવ આમ રાતોરાત બદલવાથી તો રહ્યું!

પણ કારણ જે કઈ પણ હોય આ શાંતિ નો ઉત્સવ એ પંણ ઉજવી રહ્યો. થોડા દિવસ માટેજ ખરું પણ મન અને મગજ બંને જરા રાહત તો પામ્યું.

ચોથે દિવસે સવારે એ ઓફિસે જવા નીકળ્યો. આજે તો ફુવારો વરસસેજ . એ હિંમત થી આગળ વધ્યો કે એના અચરજ વચ્ચે આજે પંણ સૂકો દિવસ. મન માં મોટો હાશકારો થયો અને ખુશી થી એના પગલાં કામ પર જવા ઉપડ્યા .એણે એક નજર પાછળ ફેરવી . મીના’દેવી’ની કોઈ ઝલક જ નહીં . એ ફરી ને આગળ વધવા ગયો કે પગ થંભી ગયા. એની નજર ફરી મીના’દેવી’ના માળ ઉપર તકાય.કોઈ આહટ નહીં . ખબર નહીં કેમ એના પગ મીના’દેવી’ ના માળ તરફ દોરાયા. પોતાના વર્તન થી પોતેજ અચરજ પામતો એ પગથિયાં ચઢવા લાગ્યો. આ કેવી ભાવના ? કંઈક અયોગ્ય બનાવ ની આ કેવી આગાહી મન કરી રહ્યું? આમ ત્રણ દિવસ થી કોઈ વ્યક્તિ કઈ રીતે અદ્રશ્ય થઈ જાય? ના કોઈ શબ્દ ના કોઈ ……પંણ એને શું પડી? કેમ નહીં પડી? એ માનવ ખરો ને? મનોમંથન ની સાથે એના પગ પણ ગતિ પકડી રહ્યા. અને થોડાજ સમય માં પગથીયાઓ ચઢી એ મીના’દેવી’ના બારણે આવી ઉભો રહ્યો.બારણે ટકોરા માર્યા. પણ બારણું ખોલાય પછી શું કરવું? એ દાદર ઉતરવા ભાગ્યો. પણ બારણું ના ખુલ્યું . એ ફરી બારણાં સામે આવી ઉભો રહ્યો.
” મીના’દેવી'”
એણે ઊંચા અવાજે સાદ પાડી . કોઈ ઉત્તર નહીં . વધુ જોર એણે બારણું ખટખટાવ્યું. પંણ વ્યર્થ. બારણું બહુ જૂનું હતું. આખા શરીર નું બળ બારણાં ને હડસેલવા માં એણે લગાવી દીધું. બીજા ત્રીજા પ્રયત્ન માં જ બારણું અંદર તરફ ધસ્યું ને એ સીધોજ મીના’દેવી’ના ઘર માં પ્રવેશ્યો.
ઓરડો તદ્દન શાંત હતો. એની દ્રષ્ટિ મીના’દેવી’ને શોધી રહી.પણ એમનું ક્યાંય નામોનિશાન નહીં .

“મીના’દેવી’…..”

એણે ફરી વ્યર્થ પ્રયત્ન કર્યો. કોઈ ઉત્તર નહીં . આખો ઓરડો અસ્તવ્યસ્ત હતો. ઘણા દિવસ થી ઘર ની સાફસફાઈ થઇ ના હતી. ધૂળ ના જાળાં એની સાબિતી આપી રહ્યા હતા. પાછળ ની તરફ એક નાનકડું રસોડું હતું. એ સાચવી ને ત્યાં પહોંચ્યો.પણ એમના કોઈજ અણસાર નહીં . તદ્દન પાછળ ના ભાગ માં એક નાનકડું સ્નાનાલય જ તપાસવાનું બાકી રહ્યું. વિચિત્ર લાગણી એને ઘેરી વળી પણ માનવતાખાતર આગળ વધવુંજ રહ્યું. આગળ વધતાજ પગ સાથે કંઈક ઠોકાયું ને એ સીધો જમીન ઉપર પછડાયો.

“મીના’દેવી’….????”

મીના’દેવી ‘રસોડા માં બેભાન પડ્યા હતા. શીઘ્ર ઉઠી એ તેમને જગાવી રહ્યો. પણ એમના શરીરે કોઈ પ્રતિક્રિયા ના આપી. પાસે ના નળ માંથી ખોબો પાણી લઇ એમના ચ્હેરા ઉપર છાંટી જોયું પણ એ પણ નકામું.

હવે શું કરે?એમના નાક આગળ હાથ ધર્યો . સદભાગ્યે શ્વાસ હજી ચાલુ હતો. એમને બંને હાથે ઊંચકી ગોદ માં ઉઠાવી એ સંભાળી ને દાદર ઉતર્યો. ફળીયા ના નાકે ઉભેલા એક તરુણ ને ટેક્ષી લઇ આવવા મોકલ્યો.ટેક્ષી આવતાજ એ મીના’દેવી’ને લઇ સીધો હોસ્પિટલ પહોંચ્યો.

ડોક્ટર અને નર્સ મીના’ દેવી’ની સંભાળ લઇ રહ્યા . ડોક્ટરે તરતજ ગ્લુકોઝ ની બોટલ ચઢાવા નો આદેશ આપ્યો. ધીરજ ને દવા ની લાંબી યાદી આપી તત્કાલ બધી જ દવાઓ લઇ આવવા કહ્યું. એ દોડ્યો..એકજ શ્વાસે ….દવા ની સાથે સાથે એ થોડા ફળ, બિસ્કિટ, જ્યુસ ના પેકેટ પણ ખરીદી લાવ્યો. એ પરત થયો એટલે મીના’દેવી’પણ હોશ માં આવી ગયા હતા. એના જીવ માં જીવ આવ્યો. ડોક્ટર મીના’દેવી ‘ ને સમજાવી રહ્યા હતા.

” હવે આ ઉંમરે જરા આરામ પણ કરવું. ને ભોજન પર તો ખાસ ધ્યાન આપવું.”

મીના’દેવી’ની નજર દવા હાથ માં પકડી ઉભેલા ધીરજ ઉપર પડી. શરમ થી એમનો ચ્હેરો રડમસ થઇ રહ્યો. એની સાથે આંખ મેળવવાની હિમ્મત ખૂટતા એમણે ડોકું નીચે ઝુકાવી નાખ્યું.

પોતાની પાછળ આવી ઉભેલ ધીરજ ને જોતાજ ડોક્ટરે એના ખભા ઉપર હાથ મુક્યો:
” ડોન્ટ વારી માઇ બોઈ. તારી માં બિલકુલ ઠીક છે હવે. પણ એમના ભોજન ને આરામ નું ખ્યાલ રાખજે. શરીર માં લોહી ની કમી છે. શી ઇઝ એનમિક . ”

મીના’દેવી’ તરફ ફરી એ હસ્યાં :
” આપના દીકરા સાથે ઘર જઈ શકો છો. દવા સમયસર લેજો અને સંપૂર્ણ આરામ અનિવાર્ય”

ડોક્ટર જતા રહ્યા. બંને માંથી કોઈ એક શબ્દ પણ ના બોલ્યું. ” ના એ મારી માં નથી” ધીરજ કેમ ના બોલ્યો? “ના હું એની માં નથી” મીના’દેવી’ કેમ ના બોલ્યા?

કુદરત જાણે સંબંધ ની કોઈ ગાંઠ બાંધી રહી હતી. એક બાળક વિનાની માં ને એક માં વિનાનું બાળક આ ગાંઠ ના બે છેડા બની એકબીજા જોડે જાણ્યે અજાણ્યે વીંટળાઈ રહ્યા હતા! આ ગાંઠ બંધાતી જોઈ તો બંને રહ્યા હતા પણ એને બંધાતી રોકવાની પહેલ જાણે કોઈ ને ના કરવી હતી!

ઘરે પહોંચ્તાજ ધીરજે એમને પલંગ ઉપર સુવડાવ્યા. થોડા બિસ્કિટ ને એક ગ્લાસ જ્યુસ પીવા આપ્યું. દવા ઓ ટેબલ ઉપર ગોઠવી ને કઈ દવા ક્યારે લેવી એની માહિતી પાછળ લખી આપી. બંને વચ્ચે ની શાંતિ અકબંધ હતી.

ત્યાંજ ધીરજ નો મોબાઈલ રણક્યો.
” નો આમ ટેકિંગ એ લિવ, ફેમિલી ઈમરજંસી”

મીના’દેવી ‘ફક્ત પાંચ ધોરણ સુધીજ ભણ્યા હતા. અંગ્રેજી ભલે ના આવડતું પણ ‘ ફેમિલી’ કોને કહેવાય એટલું તો જરૂર સમજતા.

કોલ કાપી ને ધીરજ એ ઓરડા ની સાફસફાઈ આરંભી. ધૂળ ના જાળ હટાવી જાડૂ ફેરવી , પોતું કર્યું. અનાથાશ્રમ માં ઉછરેલ બાળક બહું જ જલ્દી સ્વનીર્ભરતા શીખી જાય.આ બધા કાર્યો ની તો એને ટેવ પડી ચૂકી હતી. મીના’ દેવી’ એક પણ શબ્દ ઉચ્ચાર્યા વિના ફક્ત પથારી પર થી બધુજ ચુપચાપ નિહાળી રહ્યા હતા. પાછળ રસોડામાં માં જઈ ધીરજે બે ત્રણ દિવસ ના ભેગા થયેલા વાસણો ધોઈ મૂકી દીધા. થોડી શાકભાજીઓ પડી હતી એમાંથી થોડું ‘વેજીટેબલ સૂપ ‘ કરી નાખ્યું. મીના’દેવી’ના આખા ઘર નો જાણે નક્શોજ બદલાય ગયો. સ્વચ્છ , સુંદર અને વ્યવસ્થિત . ઓફિસ માંથી લીધેલી લિવ નો એણે પૂરો સદુપયોગ કર્યો.

બધુજ કામ આટોપી એ મીના’દેવી’ની રજા લેવા ગયો.આટલા કલાક પછી આખરે મૌન તુટયુંજ.
” તો હું જાઉ ?”

મીના’દેવી’પાસે શબ્દો જ ના હોઈ એમ એમણે માથું ધૂંણાવ્યું.

” દવા સમયસર લેજો”

બીજીવાર પંણ એમણે માથુજ ધૂંણાવ્યું.
” તો હું જાઉં??”

પોતાનો પ્રશ્ન એણે પુનરાવર્તિત કર્યો. જાણે એનો કોઈ અન્યજ ઉત્તર ની અપેક્ષા હોઈ! પંણ આ વખતે પણ એમણે ડોકું હલાવી હામી ભરી. કોઈ ઉત્તર મળવાની આશ છોડી એ પગથિયાં તરફ દોરાયો. પગ પંણ જાણે ઉપડવા ઈચ્છતા ના હતા!

” હવે પાછો નહીં આવીશ?”

આ જ શબ્દો ની રાહ જોતો હોય એમ એ શીઘ્ર પાછળ વળ્યો . આંસુઓ માં ભીંજાયેલ મીના’દેવી’ એણે પહેલીવાર જોયા. આંસુઓ નહીં આંસુઓ નું પૂર હતું એ જેમાં વર્ષો થી સંગ્રહિત ઈર્ષ્યા,ક્રોધ, ચીઢ, અહંકાર,દંભ , તિરસ્કાર એકજ સાથે એકજ ક્ષણ માં ઓઘળી ગયા!

આ ઘટના બનવા ને તો હવે બે મહિના પણ થવા આવ્યા. અને બદલાયેલા સમય ની સાથે આ શેરી માં હવે ઘણું બધું બદલાયું છે. મીના’દેવી’હવે મીના’ દેવી’ના રહેતા બધાના મીના’બા’બની ગયા છે. હવે કજિયા ની જગ્યા એ ફળીયા માં ઠઠ્ઠા મશ્કરીઓ ગુંજે છે. જોર થી ગીતો વગાડતા તરુણો ને ક્યારેક એમનું ગમતું ગીત વગાડવા પણ મીના’બા’ માંગણી કરે છે. બારી પર જો ભૂલ થી દડો ઠોકાય તો એમને પ્રેમ થી દડો પરત કરવા એ અચૂક જાય છે. કોઈ મૉટે થી વાત કરે તો પોતે પંણ ચર્ચા માં જરૂર થી ભાગ લે છે.ક્યારેક સંબંધીઓ ને ફોન કરે છે તો ક્યારેક સંબંધીઓ મળવા પણ આવી જાય છે.

ફક્ત મીના’બા’ નુજ નહીં ધીરજ નું જીવન પંણ ઘણું બદલાયું છે. એનું પોતાનું રસોડું તો જાણે બંધજ પડ્યું છે. સવારે મીના’બા’ એને ગરમાગરમ નાસ્તા ની સાથે ઓફિસે લઇ જવા જમવા નો ડબ્બો પણ આપી જાય છે. રાત્રી નું ભોજન તો એ મીના’બા’ ની જોડેજ કરે છે. રવિવારે એ મીના’બા’ ના ઘર ની સાફસફાઈ કરી નાખે ને એમને માટે આખા અઠવાડિયા માટે નું બજાર ખરીદી આવે છે. ક્યારેક જાહેર રજા ના દિવસે બંને ક્યાંક ફરવા પણ નીકળી પડે છે.

કુદરતે બાંધેલી આ ગાંઠ થી જે સંબંધ રચાયો છે એની કોઈ વ્યાખ્યા તો ના આપી શકાય પણ એટલું જરૂર કહી શકાય કે જો લાગણી ના હોય તો આપણાં પણ પારકા ને જો લાગણી હોય તો પારકા પણ આપણાં !!!

લેખક :- મરિયમ ધુપલી

ટીપ્પણી