પ્યાલી નાનીને ફૈડકો મોટો

જશોદાનો દુલારો હોંઠ અડાડી વાંસળીના ઝીણા છીદ્રમાં ઉચ્છવાસની હળવી ફૂંક મારે ને મીઠા સૂર રેલાય અદ્દલ એમ જ નાનકડી પ્યાલીની કોર ઉપર અડાડેલ હોંઠ વચ્ચેથી શ્વાસની હળવી ફૂંક ખેંચો ને આકંઠ સ્વાદ રેલાય! મોંમાં ચા ‘છંટાય’ ને જીભ, તાળવું, ગલોફાં જેનાથી ભીજાય એને ચાની ‘ઘૂંટડી’ કહેવાય! કાનુડાની વાંસળીના સૂર પાછળ ગોપીઓ ઘેલી થતી ને બહુ બહુ તો ગોકુળિયું ગામ. આ તો ચાની ‘ઘૂંટડી’, દુનિયા આખી ઘેલી થાય.

કો’ક મને શબ્દકોષમાંથી ‘ઘૂંટડી’થી નાનકડો (diminutive) શબ્દ હોય તો શોધી આપોને….!

ચાની ‘ઈવડીક’ પ્યાલીને એક આંગળી અને અંગૂઠા વચ્ચે પકડીને ‘ઘૂંટડી’ ભરવી પણ એક આર્ટ છે. પ્યાલીમાંથી વરાળ નીકળતી હોય ત્યારે દાજ્યા વિના સિપ લેતાં લેતાં ભાવક આજુબાજુ નજર ઘૂમાવતાં એવો ઊભો હોય કે એમ થાય કે જાણે કુતુબ મિનાર ન ઊભો હોય! કે પછી કેમ જાણે ન્યુ યોર્કના શેર બજારની રીંગ માં ઉભો હોય એવો રૂઆબ! પ્યાલીમાં એક ઘૂંટડે ફેંસલો થઇ જાય એટલી જ ચા હોય છતાં ઓછામાં ઓછી સત્તર ‘ઘૂંટડી’ સૂધી લિજ્જત લંબાવવા ચાની ચુસ્કી મારનારાની કલાને દાદ દેવી પડે. એના કરતાં ઊંધું, કોઈ વડીલબંધુ મોટા પ્યાલામાંથી ચા રકાબીમાં કાઢીને ઓસરી સૂધી સંભળાય એવા સબડકા ભરે કે છ ઘૂંટડામાં ચા ખલ્લાસ!

હવે તો સબડકા ગયા ને ‘સિપ’ આવ્યા!

ઘરમાં પીવાતી ચાને નરી સ્તબ્ધતા સાથે નિસ્બત પણ લારી-કિટલીની ચાનો તો ‘લાખ-લાખની ‘વાતું’ હારે નાતો. પ્યાલી ભલે ગમે તેટલી નાની હોય પણ વાતો મોટી મોટી થાય. ગામડાનો ચોરો, શહેરની પોળો કે ઠેરઠેર ધમધમતી ચાની કિટલીઓ એટલે ગાળથી જ્ઞાન સુધી ઉછળતો મહાસાગર. ‘સ્ટોર્મ ઇન અ ટી કપ’? અહીં દસ મિનિટમાં સાત દસકાના રાજકારણના ધજાગરા ઊડે ને સંસદ ભવનને સમૂળગું હલબલાવી નાખે. ગાલિબને કબરમાંથી બેઠા કરે ને રસ્તામાં પડેલા ખાડા-ખબડા અને ભૂવા પર બે-બે કટકા ગાળો ભાંડે. માવા મસળે ને ‘છૂટ્ટા’ની ભેજાંમારી કરી છૂટ્ટા પડે.

તમને આ પ્યાલીની તાકાતનો અંદાઝ નથી, સાહેબ! આ તો શક્તિનો ભંડાર ને સ્વાદનો સંચાર! કોઈ કહે ‘ડાંડો’ કોઈ કહે ‘કઢો’ તો કોઈ કહે ‘કટિંગ’. બોદરભાઈના ટોપિયામાં ફીણ ફૂંફાડા મારતું હોય ને નારંગી રંગ છલકાતો હોય ત્યારે એમાં સાણસી વચ્ચે દબાવીને કૂચો કરેલ રસીલું આદુ પડે એટલે ‘વાઘ-બકરી’ મઘમઘે. બોદર હથેળી ઊપર ચાનું ટપકું મૂકી ચાખે પછી વાત જામે.

સમયના વહાણાં વાયાં ને શું શું બદલાયું? કાળુભાઈ ને બદલે એનો દીકરો આવી ગયો, બેસવા માટે ‘મૂંઢા’ને બદલે ઊંધાં મૂકેલાં, ટોચાવાળાં ઓયલનાં પીપડાં, અને ચા પીવા માટે ચોટીલાથી આવતા ચિનાઈ માટીના પ્યાલા-રકાબીને બદલે નાનકડી કાચ, પ્લાસ્ટિક કે કાગળની પ્યાલી આવી! ઘણી જગ્યાએ લારી અને કિટલી હતી એવીને એવી જ ઉભી હોય છે. એ ક્યાં જવાની? કળયુગ જાય કે કલ્કિયુગ આવે, ચાની તલપ હતી અને રહેવાનીને!.

હવે તો એક એવું દ્રશ્ય જોવા મળે તો મારી આંખો ઠરે. એકાદ કિટલી કે લારી પર ભાનુ કે કાન્તા ચા ઊકાળતી હોય અને પતરાના પીપડાં કે પ્લાસ્ટિકના મેલાં સ્ટૂલ ઊપર બેસીને નાનકડી પ્યાલીઓમાંથી ચાની ‘ઘૂંટડી’ ભરતી કેતકી, પિન્કી, શ્રેયા, રોઝી અને ટ્વિન્કલની ટોળી હસાહસ કરતી હોય!

– અનુપમ બૂચ

ટીપ્પણી