“ફોર્બસ સાહેબ” – એક એવો બ્રીટીશર જેણે ભારત માટે કર્યું છે આટલું કામ…!!

જન્મ :- ૭ જુલાઈ ૧૮૨૧ (લંડન, બ્રિટન)

મૃત્યુ ૩૧ ઓગસ્ટ ૧૮૬૫ (પુણે, ભારત)

યોગદાન :- ગુજરાતમાં પ્રથમ જાહેર પુસ્તકાલય, પ્રથમ કન્યા શાળા, પ્રથમ સામયિક, પ્રથમ સમાચારપત્ર અને પ્રથમ સાહિત્યના સામયિકની શરૂઆત કરી હતી.

થોડુ વધારે પણ અગત્યનુ

તેમનો જન્મ લંડનમાં જુલાઇ ૧૮૨૧માં થયો હતો. તેમનું શાળાકીય શિક્ષણ ફિંચલે ખાતે થયું.

સ્કોટલેન્ડમાં જન્મેલાં ફાર્બસ (અંગ્રેજી નામ પ્રમાણે ફૉર્બ્સ પણ ગુજરાતી સાહિત્યવિદ્દોમાં ફાર્બસના નામે ઓળખાતા) કોલેજના અભ્યાસકાળ દરમ્યાન જ સર વિલ્યમ જોન્સનાં પુસ્તકોના અભ્યાસને કારણે ભારત પ્રત્યે આકર્ષાયા હતા. તેમણે સ્થપતિને ત્યાં તાલીમ મેળવી હતી પરંતુ તેઓ હેઇલબરી ખાતે કોલેજમાં જોડાયા અને સર ચાર્લ્સ ફાબર્સ વડે બોમ્બે સિવિલ સર્વિસ માટે ૧૮૪૦માં પસંદગી પામ્યા.

આથી તેઓ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સિવિલ સર્વિસમાં જોડાયા હતા અને ૧૮૪૩ના ડિસેમ્બરની ૩૦મી તારીખે તેમણે પહેલી વાર મુંબઈની ધરતી પર પગ મૂક્યો હતો. બ્રિટિશ ઇન્ડિયામાં આસિસ્ટન્ટ કલેક્ટર, પોલિટિકલ એજન્ટ, આસિસ્ટન્ટ જજ વગેરે પોસ્ટ પર રહીને અહેમદનગર, ખાનદેશ, અમદાવાદ, સુરત, કાઠીયાવાડ, બોમ્બે જેવી જગ્યાઓએ કામ કર્યું. વર્ષ ૧૮૬૨ માં નવી સ્થપાયેલી બોમ્બે હાઇકોર્ટના પ્રથમ છ જજીસમાં ફાર્બસ પસંદગી પામ્યા. તેઓના ભારતીય સંસ્કૃતિ અને ભાષા પ્રત્યેના લગાવ અને સંત જેવા ચારિત્રને કારણે જ તેઓ “beloved of the Judges of his time” (“તેમના સમયના જજીસમાંના અતિ પ્રિય”) નું બિરૂદ પામ્યા હતા. આ ઉપરાંત ૧૮૫૭ માં સ્થાપાયેલ યુનિવર્સિટી ઓફ બોમ્બેના પ્રથમ વાઇસ ચાન્સેલર તરીકે પણ તેઓ નિમણુંક પામ્યા હતા.

આજે પણ ફાર્બસની યાદમાં યુનિવર્સિટી ઓફ બોમ્બે દ્વારા કાયદાશાસ્ત્રની પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને “કિન્લોક ફૉર્બસ ગોલ્ડન મેડલ” થી સમ્માનિત કરાય છે. સિવિલ સેવામાં પ્રવૃત્ત ફાર્બસનો ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ ૧૮૪૬ ના નવેમ્બર માસથી પાંગર્યો. આસિસ્ટન્ટ જજ તરીકે અમદાવાદમાં આવ્યા બાદ આ સાહિત્યિક જીવડાએ ગુજરાતમાં લિટરેચર સોસાયટીની ગેરહાજરીની ખાસ નોંધ લીધી. સને ૧૮૪૮ માં ગુજરાતી કવિ દલપતરામ સાથે મુલાકાત થઇ જેમની પાસેથી ફાર્બસે ગુજરાતી ભાષા અને સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો. કવિ દલપતરામને તેમણે ગુજરાતી નાટક લખવા પ્રેર્યા જેના ફળસ્વરુપ લક્ષ્મી નાટક ૧૮૪૯ માં પ્રસિધ્ધ થયું.ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ માટે ૨૬ ડિસેમ્બર ૧૮૪૮ નો દિવસ સુવર્ણ અક્ષરોમાં લખાવો જોઈએ. આ દિવસે ફાર્બસે ગુજરાત વર્નાકયુલર સોસાયટી ની સ્થાપના અમદાવાદના જુના પ્રેમાભાઈ હૉલ ખાતે કરી કે જેણે ગુજરાતી ભાષાના સાહિત્યિક પુન:જીવનમાં મુખ્ય ફાળો આપ્યો. બરોડા સ્ટેટ અને બ્રિટિશ ઓફિસર્સ પાસેથી મેળવેલા રુપિયા ૯૬૦૧ થી શરૂઆત કરીને આ સોસાયટી દ્વારા તે સમયોમાં અમદાવાદમાં પ્રથમ પબ્લિક લાઈબ્રેરી, પ્રથમ છોકરીઓ માટેની સ્કૂલ, પ્રથમ ગુજરાતી પિરિયોડીકલ, પ્રથમ ગુજરાતી ન્યુઝપેપર (‘વર્તમાન’) અને પ્રથમ ગુજરાતી સાહિત્યિક મૅગેઝિન (‘બુદ્ધિપ્રકાશ’)ની શરૂઆત કરવામાં આવી. આ સોસાયટીની પ્રવૃતિઓ દ્વારા ગુજરાતી ભાષાના વિકાસને વેગ મળ્યો, એ સાથે ગુજરાતી ભાષા-સાહિત્યના વિદ્વાનો પ્રાપ્ત થયા, શિક્ષણને વેગ મળ્યો અને ત્યાર પછીની સામાજિક સુધારણાઓ માટે તે કારણભૂત બની. વર્ષ ૧૯૪૬ થી આ સોસાયટી ગુજરાત વિદ્યાસભાના નામથી કાર્યરત છે.

આ ઉપરાંત ફાર્બસે ૧૮૫૦ માં સુરત ખાતે એન્ડ્રુસ લાઈબ્રેરી અને ૧૮૬૫ માં મુંબઈ ખાતે ગુજરાતી સભાની શરૂઆત કરી. તે સમયના ઇડર સ્ટેટ ખાતે ૧૮૫૨ માં ૩૦૦ જેટલા કવિઓ માટે તેઓએ સ્વખર્ચે મુશાયરાનું આયોજન કર્યું. ફાર્બસના ખાસ મિત્ર કવિ દલપતરામે આ મુશાયરાને તેમના પુસ્તક ‘ફાર્બસવિલાસ’ માં વિગતે વર્ણવ્યો છે. ️ગુજરાતી સાહિત્ય માટેનું ફાર્બસનું અનન્ય તથા મહત્વનું પ્રદાન એટલે ‘રાસમાળા’ (Rās mālā)નું સંપાદન. ૮ મી સદી થી માંડીને બ્રિટિશર્સના આગમન સુધીનો ગુજરાતના રાજવંશો, ઐતિહાસિક પ્રસંગો અને ગુજરાતી લોક સાહિત્યોનો સંશોધાત્મક ઐતિહાસિક વર્ણનગ્રંથ બે વિભાગમાં ઘણી મહેનત સાથે ફાર્બસે તૈયાર કર્યો.

અનેક હસ્તપ્રતો, પુસ્તકો, અને સરકારી દસ્તાવેજોનો અભ્યાસ કર્યો, સાથે સાથે ઘણી જગ્યાઓએ પગપાળા પ્રવાસ કરીને જૈન દેરાસરોમાં સંગ્રહિત દુર્લભ હસ્તપ્રતો અને ગુજરાતનો ઈતિહાસ ગીતો-કથાઓમાં વર્ણવતા કવિઓ (brands)ની વ્યક્તિગત મુલાકાતો કરી માહિતી અને પુરાવાઓ એકત્ર કર્યા. ૩૧ ઑગસ્ટ ૧૮૬૫ ના દિવસે પૂના ખાતે ૪૪ વર્ષની નાની ઉંમરે ટુંકી માંદગી બાદ સંકેલાયેલું ફાર્બસનું જીવન ઘણાઓને માટે આઘાતસમ હતું. તેમના નજીકના મિત્ર કવિ દલપતરામે તેમની યાદમાં ‘ફાર્બસવિરહ’ નામે શોકગીત (elegy) લખ્યું. દલપતરામ નો ફાર્બસ પ્રેમ એટલે “ફાર્બસ વિરહ”. ફાર્બસ ગુજરાતી સભાના તે સમયના અધિકારી મંડળીના સભ્ય શ્રી વિશ્વનાથ નારાયણ મંડલિકે ફાર્બસને અંજલી આપતા કહ્યું હતું કે, “ગુજરાતના કવિઓ, વિદ્વાનો, અભ્યાસીઓ વગેરે માટે તો ફાર્બસ વિક્રમાદિત્ય કે રાજા ભોજ જેવા હતા.”

? સાહિત્ય સંસ્થાઓ :

ગુજરાત વર્નાકયુલર સોસાયટી (ગુજરાત વિદ્યાલય) :

આ સંસ્થાની સ્થાપના ૨૬ ડિસેમ્બર, ૧૮૪૮ના રોજ ફાર્બસ સાહેબે અમદાવાદમાં કરી હતી. ૪ એપ્રીલ, ૧૮૪૯ના રોજ આ સંસ્થા‍એ ‘વર્તમાન’ (અઠવાડિક) પ્રગટ કર્યું. ૧૫ મે, ૧૮૫૦ના રોજ ‘બુદ્ઘિપ્રકાશ’ (પખવાડિક) શરૂ કર્યું. આજે પણ ‘બુદ્ઘિપ્રકાશ’ (માસિક) પ્રગટ થાય છે. ઇ.સ. ૧૮૪૯માં ‘નેટિવ લાઇબ્રેરી’ની સ્થાપના કરવામાં આવી. અમદાવાદના ભદ્ર વિસ્તા્રમાં આવેલું આ પુસ્તાકાલય હિમાભાઇ ઇન્સ્ટિટયૂટ તરીકે પ્રખ્યાત છે. ‘ગુજરાત વર્નાકયુલર સોસાયટી’ નું પછી ‘ગુજરાત વિદ્યાસભા’માં રૂપાંતર થયું. આ સંસ્થાએ લગભગ એક હજાર પુસ્તુકોનું પ્રકાશન કરીને સાહિત્યિવિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે.

? ફાર્બસ વિરહ • દલપતરામ

મિત્રની દિલગીરી – મનહર છંદ

શાણા સુબા ફારબસે સ્વર્ગમાં કર્યો નિવાસ,
તેનો શોક તજી શાથકી સંતોષ વાળવો;
કવિતા જહાજનો તે ભાગી પડ્યો કૂવાથંભ,
ખરેખરો ખેદ તે તો કેમ કરી ટાળવો;
પંડિતોના પારેખની પ્રૌઢ પેઢી ભાગી પડી,
હવે કહો વ્યવહાર શી રીતે સંભાળવો;
દાખે દલપતરામ પામરનો પાળનાર,
મુંબઇમાં હતો તે લુંટાઇ ગયો માળવો.

ઇન્દ્રવિજય છંદ

તે મુજ મિત્ર ગયા તદનંતર, અંતર દુઃખ નિરંતર આવે;
જાતું રહ્યું સુખ તો શતજોજન, ભોજન ભાવ ભલે નવ ભાવે;
તેની છબી જ તરે નજરે, કદિ એક કલાક ન છેક છુપાવે;
કષ્ટ કથા દલપત કહે, કહું કોણ કને દુઃખ કોણ કપાવે;
તર્ક વિતર્ક કવિત્વતણો, કવિના દિલમાંહિ શિથિલ દેખાણો;
દેશતણી દરશાઇ દશા બુરિ, જ્યાં તહાં લક્ષ્મીવિનાશ જણાણો;
બુદ્ધિ ફરી બુદ્ધિમાન જનોની, ભલાજનનો પણ જીવ ભ્રમાણો;
દેખિ એવું દલપત કહે, નરફાર્બસ સ્વર્ગ ગયો મન જાણ્યો.

દોહરો

નિધ ન લોકો નિરખિયે, સદન સદન બહુ શોક;
સાહેબ ફાર્બસ સાથ ગઇ, લક્ષ્મી પણ પરલોક.

મનહર છંદ

સંધ્યા સમે વસુધા ને વ્યોમતણા સાંધાવિષે,
અવલોક્યો રાતો આભ ચઢીને અગાશિયે;
જાણે કે કિન્લાક સુબો જગત તજી જવાથી,
ભૂમિએ ભગવો ભેખ ઓઢ્યો છે ઉદાસિયે;
સૂર્ય શશિ સામસામા પશ્ચિમ પૂરવ પાસે,
તેના ઉપમા તો તેવા તર્કથી તપાસિયે;
જોગણી બની જરૂર જાણે દલપતરામ,
કાંધે ધરી કાવડ ધરણી ધાઇ કાશીયે.
વાલાના વિજોગવાળી વેદનાની વિગત તો,
જે જને જાણેલી હોય તેજ જન જાણશે;
પ્રસવની પીડા અપ્રસુતા તો પીછાણે નહિ,
પ્રસવની પીડા તો પ્રસુતા જ પીછાણશે.
ઘાયેલના ઘટતણી ઘાયેલ ઘણીક જાણે,
અવર તો એ વિષે અંદેશો ઉર આણશે;
દાદુરનું દુઃખ દેખી દાખે દલપતરામ,
હાડિયો તો હશી ખેલી ખેલ તે વખાણશે.

ઈંદ્રવિજય છંદ

ગામ ગરાસ ધરાધન ધામની, ખોટનું દુઃખ ખરૂં પણ ખોટું;
સંતતિહીન કુટુંબ કુસંપનું, છાતિતણું દુઃખ તે પણ છોટું;
ક્રોડરિપૂતણું કોણ ગણે, કદી ચોગણું આવી ચઢી દુઃખ ચોટ્યું;
મેં મનમાં અનુમાન કર્યું, દુઃખ મિત્રવિજોગનું સર્વથી મોટું.

દોહરો

પૂછો ચાહિ ચકોરને, પૂછો જળચર કાય;
કાંતો પૂછો કમળને, સ્નેહિ ગયે શું થાય ?

? પૂર્વાનુરાગ સ્મરણ

મનહર છંદ

કાવ્ય અલંકાર તણા ગ્રંથનો અભ્યાસ કરી,
જીવ જોડી રાખ્યો તો મેં કવિતાની જકમાં;
શોધતો હતો હું કોઇ શાણો સરદાર નર,
બોધતો હતો હું મહાનાથને મુલકમાં;
કોઇ દિલદાર ને ઉદાર દરબારમાં હું,
રહેવાનાં રૂચિ અતિ રાખતો ઇશકમાં;
દીલમાં વિચારતો હું હતો દલપત કહે,
ફારબસ તણું તેડું આવ્યું તેવી તકમાં;
ખાનપરે દ્વારે જ્યારે નદીને કિનારે સારે,
મેળો થયો મારે ચાંદા સૂરજના મે’લમાં;
ઇસ્વીસો અઢારે અડતાળીસની સાલ ત્યારે,
પ્યાર કીધો પ્યારે પરિપૂરણ પેહેલમાં;
પાસે રહ્યે પાંચ ગણો દૂર રહ્યે દશ ગણો,
થયો ઘણો ઘણો સ્નેહ સરસ સહેલમાં;
જેવો સ્નેહ કીધો તેવો અંત સુધી રાખી લીધો,
ફેરફાર નહિ કીધો મુખ કથન કહેલમાં.

સોરઠો

વચને પ્રીત વિવેક, એવા મિત્ર અનેક છે;
છાતીરંજન છેક, એકજ જડે અનેકમાં.
સર્વ વચન સચવાય, ત્યાં સુધી પ્રીતિ ટકે;
ચૂક પડે ચુંથાય, કાચી પ્રીતની રીત રે.

મનહર છંદ

લાડનો લડાવનાર દોસ્ત દીલદાર ગયો,
કોણ હવે મને લાડ કોડથી લડાવશે;
સુખ દુઃખવારનો પોકાર શુણનાર ગયો,
કોણ હવે સુખ કરી શોકને શમાવશે;
હિમતદાતાર હિમાયતુ હિતકારી ગયો,
કોણ હવે હૈયે મને હિંમત ધરાવશે;
કોણ દલપતરામ સાહેબ કિન્લાક વિના,
કોણ માઇડીઅર કહી મને બોલાવશે.
વિચારી વિચારીને વિસરી દૈયે વાત પણ,
વિસરતી નથી શું વિસારતાં વિસારીએ;
ધારી ધારી જોઇ ધારો ધારીએ ધીરજ પણ,
ધારતાં ધરાતી નથી ધીરજ શું ધારીએ;
ઠરવાનું ઠામ ગયું માટે કોઇ ઠામે મન,
ઠરતું નથી કીએ ઠેકાણે ઠરી ઠારીએ;
દોસ્તદાર ફારબસ વિના દલપત કહે,
કાળજાનું કષ્ટ કેની આગળ ઉચારીએ.

મિત્ર પ્રતિ પ્રીતિવાક્ય

સાદરાથી સ્વારીમાં સિધાવતા જ્યાં સાથે સાથે,
આવજો પછીથી એવું ભાવે મુખ ભાખતો;
આગળ સિધાવી આપ કરીને મુકામ સારે,
મારે કાજે સરસ મુકામ શોધી રાખતો;
પરલોક પંથે પણ પ્રથમથી પોતે ગયો,
એ પણ ગયો હશે શું એવું અભિલાખતો;
કહે દલપતરામ શોધીને સારો મુકામ,
રાખજે સંભારીને રખે વિસારી નાંખતો.
એક વર્ષ અંતરે છે આપણો જનમ પણ,
હું તને પીછાણતો નહીં કશી પીછાણથી;
નામ મારૂં સાંભળી મુકામ મોકલી મનુષ્ય,
વાલા તેં મને તેડાવી લીધો વઢવાણથી;
દેખાડી અપાર પ્યાર પદરથી દૈ પગાર,
પાસે રાખી પોતે મને પ્યારો ગણ્યો પ્રાણથી;
કહે દલપત સર્વ લાયક થી લાયક તું,
લાયકી તારી લખી શકાય ન લખાણથી.

ઇન્દ્રવિજય છંદ

જન્મ જૂદી જમિમાં ધરીને પણ, તું મુજ જન્મભૂતર્ફ તણાયો,
એક થયું મળીને મન આપણું, જીવ મળી વળી એક જણાયો;
પંડ જુદો પડવો ન ગમ્યો પ્રિય, અંતસમે ગુણ એજ ગણાયો,
દેહ રહે એક દેશ વિશે ગણી, તું મુજ દેશ વિષે દફણાયો.
તેં મુજને તન ને મન મેળવા, લાડ અધીકથી ખૂબ લડાવ્યો;
હેત ધરી મુજ હાથ ગ્રહી, નિજચારઠ ઉપર ચાહી ચઢાવ્યો;
ફેરવીયો પુરમાં પુર બાહાર, જાહેર જીવ શું જીવ જડાવ્યો;
આગળથી સુખ આપી અપૂરવ, રે પ્રિય પાછળ કેમ રડાવ્યો.
સાકરથી તન શાંતિ થતી નથી, શાંતિ કરી ન શકે જ નિશાકર;
પા કર ઝાલી પ્રીતિ રસ પ્રીતમ, કષ્ટ વિલોકી કૃપાળુ કૃપાકર;
ના કરતો કદી તું મુઝને દુઃખ, રે કરુણા રસના રતનાકર;
ઘા કરવો ન ઘટે ઘટ ભીતર, ઓ પ્રિય ફાર્બસ નેહનિધાકર.

મનહર છંદ

ઉતરે નહિ ઉતારી તારી માયા મોહકારી,
કારીગરી તેની ન્યારી નારી અને નરથી;
વિસરે નહિ વિસારિ, સારી સંભવે સંસારી,
ભારી છળભેદ ધારી, ધારીએ શું ધરથી;
પ્રથમ પમાડી પ્રીત, પ્રીતમ પ્રિયા સહિત,
હિત મટ્યું વિપરીત, રીતની અસરથી;
વાલીડા કિન્લાક વીર, વિરહે કીધો અધીર,
ધીરજનું છાંટ નીર, નીરખી નજરથી.

ધનાક્ષરી છંદ

પાઇ પાઇ પ્રેમપાન પ્રથમ તેં પુષ્ટ કર્યો,
પછી પીડા પમાડી વિજોગ પાન પાઇ પાઇ;
ધામ ધાઇ ભેટવાને આવતો હું તારે ધામ,
ધીમે રહી સામો ઉઠી આવતો તું ધાઇ ધાઇ;
ગાઇ ગાઇ ગીત તને રીઝવતો રૂડી રીતે,
ગુજારું છું દિવા હું હવે દુઃખ ગાઇ ગાઇ;
ભાઇ ભાઇ કહીને બોલાવતો તું ભાવ ધરી,
ભલો મિત્રતાનો ભાવ ભજાવ્યો તેં ભાઇ ભાઇ.

મનહર છંદ

જે જે જગા તારી જોડે જોતાં જીવ રાજી થતો,
તે તે જગા આજ અતિશે ઉદાશી આપે છે;
કાગળો કિન્લાક તારા દેખી દુઃખ દૂર થતું,
એજ કાગળો આ કાળે કાળજાને કાપે છે;
જે જે તારાં વચનોથી સર્વથા વ્યથા જતી તે,
વચનો વિચારતાં વ્યથા વિશેષ વ્યાપે છે;
દૈવની ઉલટી ગતિ દીઠી દલપત કહે,
જેથી સુખ શંતિ થતી તે સઉ સંતાપે છે.
જો તું જળ સ્વચ્છ રૂપે તો હું બનું મત્સ રૂપે,
જો તું ચંદ્ર હોય તો ચકોર થવા ચાહું છું;
જો તું હોય દીવા રૂપે તો ધરૂં પતંગ અંગ,
તું વસંત રૂપ હું કોકિલ ગુણ ગાઉં છું;
જો તું હોય હીરા રૂપે તો હું બનું હેમ રૂપે,
તું-સુરજ વિના હું કમળ કરમાઊં છું;
કેવે રૂપે થયો ને ક્યાં ગયો તેની ગમ નથી,
એથી ઓ કિન્લાક મિત્ર મનમાં મુંઝાઊં છું.

દોહરો

અજર જગતમાં જઇ રહ્યો, સુખમય જ્યાં સંસ્થાન;
જોતાં સજર જગતથકી, ગુમ થયો ગુણવાન.

નાગપાશપ્રબંધ – હરિગીત છંદ

ગુમ થૈ ગયો વિદવાન, કીધિ પક્કી પરમ અહિં નામના,
રે ભ્રાત ભલ જશ ભાગ ભરિ, કરિ કિમતવાચક કામના;
દુષ્કામ દુસ્તર તરિ તરત, ગત વાસમાં વિશ્રામના,
કિન્લાકકહિ જુદું અજર જગ રે, દોસ્ત દલપતરામના.

ઇંદ્રવિજય છંદ

કોણ હવે કરશે પ્રતિપાલન, સંકટના પડતાં શિર શાકા;
કોણ દિવાળી દિને દિલ પ્યારથી, મોકલશે ફુલ ખંડિ ફડાકા.
મિષ્ટ મિઠાઇ નવાઇની ચીજ, અને વળી ઉત્તમ અંચળતાકા,
મિત્ર હવે મુજ બાળકડાં, કહેશે જઇ કોણને સાહેબ કાકા.

મનહર છંદ

અતડા રહી અમલ કરે અન્ય અંગ્રેજો,
તુચ્છ ગણી તેઓતણી તજી રીત તેજ તેં;
ભાઇ તુલ્ય સર્વસુ સગાઇ તેં સવાઇ સાહી,
અરે ભાઇ અતિશે નવાઇ કરી એજ તેં;
ગુજરાતી ગુણીઓના ગુણની ગણના કીધી,
ભલા ગુણ ભાળી વાળી આપીયો અવેજ તેં;
કહે દલપતરામ નવે જુગે રાખ્યું નામ,
ઓ અલેકજાંડર કિન્લાક અંગરેજ તેં.

અરવિંદમુખી છંદ

બનવોજ અશક્ય બનાવ બને,
વરતાય નહીં વિધિ કૃત્યનિ વાત;
દિવમાંહિ દિવાકર દૂર વસે,
જળમાંહિ જુઓ જનમ્યું જળજાત;
કદી કાગળ પત્ર પિછાન નહીં,
ઉપજી કશી રીતથી પ્રીત અઘાત;
પ્રિય ક્યાં તુજને મુજ મિત્રપણું થવું,
ક્યાં ઇંગ્લાણ્ડને ક્યાં ગુજરાત.

મનહર છંદ

મુલક મુલકમાંથી ક્યાં જતો મેળાપ થાય,
ક્યાં રાણીનો કિરીટ ને કોહીનુર ક્યાંહિનો;
દેખો હાથીદાંત કોણ જાણે કિયા જંગલનો,
ચળકતો ચૂડો બન્યો બાઇયોની બાંહિનો.
અંતર અપાર પણ પ્યાર પરિપૂર્ણ થયો,
કુમુદિની ક્યાંની ને મયંક નભમાંહિનો;
દાખે દલપતરામ, દેખી લેજો દૈવ ગતિ,
ક્યાં કિન્લાક અંગરેજ ક્યાંહિં વિપ્ર આંહિનો.

સોરઠો

તલના તરૂને જેહ, સ્નેહ, તણો સંબંધ નહિ;
તલમાં ક્યાંથી તેહ, એ અકળિત ઇશ્વરકળા.

? સૌજન્ય : https://archive.org/stream/Farabasaviraha/farabasaviraha.txt

? લેખન અને સંકલન :- Vasim Landa The-Dust Of-Heaven ✍

ટીપ્પણી