શું તમને જાણ હતી આ વિષે? શેર કરો આ ઉપયોગી માહિતી અને મદદગાર થાવ દરેક સ્ત્રીને….

છેલ્લાં ૧૦ વર્ષથી ભારતમાં સ્ત્રીઓ જે કૅન્સરનો સૌથી વધુ ભોગ બની રહી હતી એ છે સર્વાઇકલ કૅન્સર. પરંતુ છેલ્લાં ૧૦ વર્ષમાં સતત જેમાં વધારો થઈ રહ્યો છે એવું બ્રેસ્ટ-કૅન્સર એટલે કે સ્તન-કૅન્સર આજની તારીખે ભારતીય સ્ત્રીઓમાં જ નહીં, સમગ્ર દુનિયાની સ્ત્રીઓમાં જોવા મળતું સૌથી સામાન્ય કૅન્સર બની ગયું છે.

આ રોગ મોટા ભાગે પચાસ વર્ષથી ઉપરની સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે, પરંતુ હકીકત એ છે કે આ રોગ કોઈ પણ ઉંમરે થઈ શકે છે. આજે ૨૮-૩૦ વર્ષની યુવાન સ્ત્રીઓ આ રોગ સાથે લડી રહી છે. તમે એક સ્ત્રી છો એ જ એક મોટું રિસ્ક ફૅક્ટર છે બ્રેસ્ટ-કૅન્સર થવા માટે. જોકે એનો અર્થ એવો નથી કે પુરુષોને આ તકલીફ થતી નથી. ૧ ટકા પુરુષોમાં પણ આ તકલીફ જોવા મળે છે. આ ઉપરાંત તમારી વધતી ઉંમર પણ બ્રેસ્ટ-કૅન્સર માટેનું એક રિસ્ક ફૅક્ટર છે. જો તમારા પરિવારમાં કોઈને આ રોગ થયો હોય તો વંશાનુગત આ રોગ આવવાનું રિસ્ક તમારામાં આપોઆપ વધી શકે છે. ખાસ કરીને તમારી માતાને કે બહેનને જો આ રોગ થયો હોય તો તમને પણ એ થવાની શક્યતા ત્રણગણી વધી જાય છે.

જલદી નિદાનની જરૂરિયાત

બીજાં કૅન્સરની જેમ આમાં પણ એક જ નિયમ છે કે જો આ કૅન્સરને જલદી ઓળખી શકાય તો એનો ઇલાજ વધુ બહેતર સ્વરૂપે થઈ શકે છે. એક આંકડા મુજબ જો વ્યક્તિને પહેલા સ્ટેજનું બ્રેસ્ટ-કૅન્સર હોય તો ૯૫-૯૯ ટકા શક્યતા છે કે પૂરી રીતે કૅન્સરમુક્ત બની પોતાનું જીવન જીવી શકે છે. પરંતુ આ જ શક્યતા જો સ્ટેજ ૪નું કૅન્સર હોય તો ૫-૨૦ ટકા જેટલી ઘટી જાય છે. વળી જો કૅન્સર બ્રેસ્ટમાંથી કોઈ બીજા અંગમાં ફેલાઈ ગયું તો દરદીને બચાવી શકવાની શક્યતા ખૂબ ઘટી જાય છે. એનો અર્થ એ થયો કે એનું નિદાન જેટલું જલદી થઈ શકે એટલું વધુ સારું. મહત્વની વાત એ છે કે બ્રેસ્ટ શરીરના બહારી સ્તરનો એક ભાગ છે અને એમાં થતું કૅન્સર શરીરના ઉપરના ભાગ પર છે, જેને જોઈ કે મેહસૂસ કરી શકાય છે. એ અંદરના કોઈ ભાગમાં ઊંડાણમાં નથી. આથી જો થોડી જાગૃતિ કેળવીએ તો આ કૅન્સરની શરૂઆતમાં જ એને જાણી શકાય છે અને એનો યોગ્ય ઇલાજ કરી એનાથી મુક્તિ મેળવી શકાય છે.

ક્લિનિકલ ચેકઅપ

બ્રેસ્ટ-કૅન્સરને ઓળખવા માટે ત્રણ રીતો મહત્વની છે; જેમાં સેલ્ફ-એક્ઝામિનેશન, ક્લિનિકલ ચેકઅપ અને મેમોગ્રાફી આ ત્રણ વસ્તુ આવે છે. ક્લિનિકલ ચેકઅપ અને મેમોગ્રાફી વિશે જણાવતાં ફોર્ટિસ હૉસ્પિટલ, મુલુંડના હેડ ઑફ સર્જિકલ ઑન્કોલૉજી ડૉ. અનિલ હેરુર કહે છે, ‘મોટા ભાગે ક્લિનિકલ ચેકઅપમાં બ્રેસ્ટ-એક્સપર્ટ દ્વારા જો શરીરમાં કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો સામે આવી શકે છે. આ ચેકઅપ મોટા ભાગે જ્યારે સ્ત્રીને કોઈ પ્રકારની શંકા જાય કે કોઈ તકલીફ ઊઠે ત્યારે લોકો કરાવતા હોય છે, પરંતુ હકીકત એ છે કે આ ચેકઅપ રેગ્યુલર ચેકઅપની જેમ ૨૫ વર્ષની ઉંમર પછી દર ત્રણ વર્ષે અને ૩૫ વર્ષની ઉંમર પછી દર વર્ષે કરાવવું જરૂરી છે, જેને લીધે બ્રેસ્ટ-કૅન્સરને શરૂઆતી પ્રક્રિયામાં જ પકડી શકાય અને સમયસર ઇલાજ શરૂ કરી શકાય. આ સિવાય જ્યાં સુધી મૅમોગ્રાફીનો સવાલ છે, ક્લિનિકલ ચેકઅપમાં જરૂર લાગે ત્યારે આ ટેસ્ટ કરાવવામાં આવે છે જે લગભગ ૯૦ ટકા કૅન્સરની ગાંઠને ઓળખી શકે છે. આ એક સારી કક્ષાની ટેસ્ટ છે. સામાન્ય રીતે જો કોઈ ચિહ્ન ન હોય અને ફક્ત જાગૃતિ ખાતર કરાવવાની હોય તો આ ટેસ્ટ પચાસ વર્ષની ઉંમર પછી જ કરાવવી જોઈએ એવું આંતરરાષ્ટ્રીય હેલ્થ ગાઇડલાઇન્સમાં માનવામાં આવ્યું છે. પચાસ વર્ષની ઉંમરથી લઈને ૬૫ વર્ષની ઉંમર સુધી સ્ત્રીએ દર વર્ષે મૅમોગ્રાફી કરાવવી જ જોઈએ, કારણ કે આ એ ઉંમર છે જ્યારે બ્રેસ્ટ-કૅન્સર થવાનું રિસ્ક સૌથી વધુ રહે છે.’

સેલ્ફ-એક્ઝામિનેશન

બ્રેસ્ટ સેલ્ફ-એક્ઝામિનેશન એક અસરકારક ટેãક્નક છે જેના દ્વારા બ્રેસ્ટ-કૅન્સરનું વહેલું નિદાન શક્ય બને છે. જે જોઈ શકાય છે કે વીસ ટકા કેસમાં ફક્ત સેલ્ફ-એક્ઝામિનેશન દ્વારા બ્રેસ્ટ-કૅન્સરને પકડી શકાય છે. દરેક સ્ત્રીએ જાતે આ જાગૃતિ કેળવવી જોઈએ અને પોતાના માટે, પોતાની હેલ્થ માટે આ એક્ઝામિનેશન કરવું જ જોઈએ. આ સેલ્ફ- એક્ઝામિનેશન માટે શું ધ્યાન રાખવું જોઈએ એ સમજાવતાં હિન્દુજા હૉસ્પિટલ અને રિસર્ચ સેન્ટર, ખારનાં કન્સલ્ટન્ટ બ્રેસ્ટ-સર્જ્યન ડૉ. રુચા કૌશિક કહે છે, ‘પ્રમાણિત ગાઇડલાઇન્સ અનુસાર દરેક સ્ત્રીએ દર મહિને સેલ્ફ-એક્ઝામિનેશન કરવું જ જોઈએ. ખાસ કરીને માસિક આવ્યા પછીના અઠવાડિયા કે દસ દિવસમાં આ સેલ્ફ-એક્ઝામિનેશન કરવાનો યોગ્ય સમય છે. એનું કારણ એ છે કે માસિક આવ્યાના થોડા દિવસ પહેલાંથી બ્રેસ્ટમાં અમુક ફેરફાર આવે છે. બને કે બ્રેસ્ટ સખત થાય કે એમાં અમુક ગાંઠ જેવું લાગે, પરંતુ માસિક પછી એ જતું રહે છે. માસિકને કારણે થતા બ્રેસ્ટના ફેરફાર સ્ત્રીના બ્રેસ્ટ ચેકઅપ વખતે કોઈ ખોટા અનુસંધાન ન આપે એ માટે માસિક પછીના અઠવાડિયામાં જ ચેક કરવું વધારે યોગ્ય સમય છે. વળી દર મહિને એક જ સમયે જેમ કે માસિક પછીના સાતમા કે દસમા દિવસે એમ નક્કી કરીએ તો વગર ભૂલ્યે દર મહિને આ જ સમયે ચેક કરવું વધુ યોગ્ય ગણાશે.’

કરવું શું?

૧. એક ફુલસાઇઝ અરીસા સામે કપડાં વગર ખુલ્લી છાતીએ ઊભાં રહો. હાથ એકદમ રિલૅક્સ રાખો. જો તમે ઊભાં ન રહો શકતાં હો તો બેસીને પણ આ એક્ઝામિનેશન થઈ શકે છે.

૨. બ્રેસ્ટને બન્ને બાજુ ફેરવીને એકબીજા સાથે સરખાવો. કોઈ પણ ફેરફાર જેમ કે બ્રેસ્ટની સાઇઝમાં, આકારમાં, ઉપરની સ્કિનના રંગ કે ટેક્સચરમાં આવ્યો હોય તો એ નોંધો. જો બ્રેસ્ટનો કોઈ ભાગ રેડ થઈ ગયો હોય, કોઈ જગ્યાએ ખાડો આવ્યો હોય, ક્યાંયથી કોઈ ભાગ સંકોચાઈ ગયો હોય કે કોઈ જાતનું ખેંચાણ અનુભવાતું હોય તો એ નોંધો.

૩. બ્રેસ્ટમાં નિપલમાં કોઈ પ્રકારનો બદલાવ આવ્યો હોય જેમ કે બન્ને નિપલની દિશા જુદી-જુદી હોય, જેમ કે એક સીધી હોય અને એક થોડી ત્રાંસી લાગે અથવા એક બાજુ તરફ ખેંચાયેલી લાગે. બીજું એ કે નિપલની ત્વચામાં કોઈ ફેરફાર આવ્યો હોય તો એ ચકાસો.

૪. કોઈ વાર એમનેમ સમજ ન પડે તો બન્ને હાથ ઉપર સીધા કરો અને જુઓ કે બન્ને બ્રેસ્ટ અને નિપલ એક જ દિશા તરફ ઊંચકાય છે કે બન્નેમાં કોઈ ફરક દેખાય છે. આ પોઝિશનમાં કોઈ ફરક હશે તો એ તરત જ સામે આવશે.

૫. કમર પર હાથ રાખો અને નીચેની તરફ ઝૂકો. બ્રેસ્ટ જ્યારે નીચે તરફ જાય ત્યારે એ બન્નેના આકારમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં એ ચકાસો.

૬. નિપલમાંથી થતો ડિસ્ચાર્જ બ્રેસ્ટ-કૅન્સરની ચોક્કસ ઓળખ આપી શકે છે. ખાસ કરીને જ્યારે આ ડિસ્ચાર્જ રેડ કે બ્લૅક કલરનો હોય ત્યારે. ડિસ્ચાર્જ ચકાસવા માટે નિપલને દબાવો નહીં, પરંતુ કપડા પર આવેલા ડિસ્ચાર્જ પરથી એના રંગને ઓળખો. એમનેમ પણ જો નિપલમાંથી કોઈ ડિસ્ચાર્જ થતો હોય તો ડૉક્ટરને બતાવવું જરૂરી છે.

૭. બ્રેસ્ટની ડાબી-જમણી ઉપરની અને ડાબી-જમણી નીચેની બાજુઓને હાથની હથેળી વડે દબાવીને ચકાસો. આંગળી વડે દબાવો નહીં, કારણ કે આંગળીથી કદાચ પ્રૉપર ન પણ સમજાય એવું બને.

૮. આટલું પતે એટલે બેડ પર સૂઈ જાઓ અને બગલને પણ હથેળી વડે ચકાસો. બગલમાં કોઈ ગાંઠ છે કે કડક કશું લાગે છે એ સમજો.

સૌજન્ય : મિડ-ડે

શેર કરો આ માહિતી તમારી સ્ત્રી મિત્રો કે બેહનો કે પત્ની અને દરેક સ્ત્રી સાથે અને તેમને જાગૃત કરો. લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી