નવરાત્રી ના પ્રથમ દિવસે શૈલપુત્રી ને પ્રણામ… સૌની ઈચ્છા પૂર્ણ થાય એવી પ્રાથના….

પ્રથમ વંદન શૈલ પુત્રી શક્તિને

નવદુર્ગાનાં નવ રૂપોમાંથી પ્રથમ રૂપ-શૈલપુત્રીનું છે. પર્વતરાજ હિમાલયનાં ખોળે જમ્યાં હોવાથી શૈલપુત્રીનામ પડ્યું. વૃષભવાહિની આ શક્તિનાં એક હાથમાં ત્રિશૂળ અને બીજા હાથમાં કમળ-પુષ્પ છે. તેઓ પોતાનાં પૂર્વ જન્મમાં પ્રજાપતિ દક્ષને ખોળે પ્રગટ થયાં ત્યારે એમનું નામ સતી હતું. તેઓ ભગવાન શિવનાં પત્ની હતાં.

એકવાર એમનાં પિતાએ મોટો યજ્ઞ કરાવ્યો. ત્યારે બધાં દેવ દેવીઓને નોતર્યા પણ કોઈ કારણસર દિકરી જમાઈને આમંત્રણ આપ્યું નહિં. આ વાતથી તેઓ બહુ દુ:ખી થયાં. પતિને મનની વ્યથા વ્યક્ત કરી. ભોળા મહાદેવે સ્વભાવગત અતિ-ઉદાર જવાબ આપ્યો કે પછી બધી જ વાતની જાણ હોવા છતાં વાતને ટૂંકાવવા કહ્યું, “હે દેવી, પ્રજાપતિ કોઈ જારણસર આપણાંથી નારાજ છે. આપણને નોતરું નથી આપ્યું તેથી તમારું પણ ત્યાં જવું યોગ્ય નથી.” પિતાને ત્યાં અવસર હોય અને દિકરીની હાજરી ન હોય; સાસરે બેઠી રહે ! મહાદેવનાં જવાબથી સંતોષ ન થયો અને સામસામા હઠાગ્રહ બાદ પતિની અનુમતિ લઈ તેઓ પ્રસંગમાં ગયા.

તેમને ત્યાં યોગ્ય આદર સત્કારનો અભાવ લાગ્યો. બહેનો અને મહેમાનોની વાતોમાં વ્યંગ અને ઉપહાસ સંભળાંયાં. ફ઼ક્ત માતાએ જ લાગણીવશ ઉમળકો વર્તાવ્યો. પોતાનાં પતિ વિરુધ્ધ પિતાનાં તિરસ્કાર અને અપમાનજનક ઉક્તિઓથી સતીનું મન ક્ષોભ અને ક્રોધથી દુ:ખી થઈ ગયું ! તેમણે પોતાનાં સ્વરુપને યજ્ઞાગ્નિમાં હોમી દીધું ! આ દુર્ઘટનાની જાણ થતાં શિવે પોતાના ગણો દ્વારા યજ્ઞનો ધ્વંશ કર્યો. જે જગ્યાએ શિવની અવગણના થતી હોય ત્યાં મંગલ કાર્ય ન થાય. જે યજ્ઞમાં કલ્યાણકારી શિવની વિશ્વ કલ્યાણની ભાવના ન હોય તે યજ્ઞ અસુરી યજ્ઞ બને ! આ પછી બ્રહ્મવિદ્યા યજ્ઞમાંથી ચાલી ગઈ જે હવે ઈચ્છાઓ પરિપૂર્ણ કરવા જ યજ્ઞ થવા લાગ્યા.

સતીનો બીજો જન્મ પર્વતરાજ હિમાલયનાં પુત્રી રૂપે થયો. તેઓ શૈલપુત્રી પાર્વતી, હેમવતીનાં નામે પણ ઓળખાયાં. આ જન્મે પણ તેમનો વિવાહ ભગવાન શિવ સાથે થયો. તેમનાં અર્ધાંગિની બન્યાં.
નવરાત્રિનાં પૂજનમાં નવદુર્ગામાં શૈલપુત્રીનું પૂજન પ્રથમ નોરતે થાય છે. તેમની ઉપાસનામાં યોગિઓ પોતાનાં મનને મૂળાધાર ચક્રમાં સ્થિર કરે છે. આધ્ય શક્તિ પાર્વતીનાં વિવિધ નવદુર્ગા સ્વરુપોમાંનાં આ પ્રથમ સ્વરુપને શત શત વંદન.
આ શક્તિનાં સ્મરણનો મંત્ર છે:

વંદે વાંછિત લાભાય ચંદ્રાર્ધકૃત શેખરાત |
વૃષા રુઢાં શૂલધરાં. શૈલપુત્રી યશસ્વિનીમ ||

– કુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’

આજના ગરબાઃ
* માડી તારુ કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો *
માડી તારુ કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો
જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો.
મંદિર સર્જાયુ ને ઘંટારવ ગાજ્યો
નભનો ચંદરવો મા એ આંખ્યુમાં આંજ્યો
દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો…

માડી તારુ કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.
માવડીની કોટમાં તારાના મોતી
જનનીની આંખ્યુંમાં પૂનમની જ્યોતિ
છડી રે પુકારી મા ની મોરલો ટ્હુક્યો
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો…

માડી તારુ કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.
નોરતાં ના રથનાં ઘૂઘરા રે બોલ્યા
અજવાળી રાતે મા એ અમરત ઢોળ્યાં
ગગન નો ગરબો મા ના ચરણોમાં ઝૂક્યો
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો…
માડી તારુ કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.
***

* કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં*

કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં
જોવા લોક ટોળે વળ્યાં રે
માડી તારા આવવાના એંધાણ થયાં
માડી તું જો પધાર, સજી સોળે શણગાર
આવી મારે રે દ્વાર, કરજે પાવન પગથાર
દીપે દરબાર, રેલે રંગની રસધાર
ગરબો ગોળ ગોળ ઘૂમતો, થાયે સાકાર
થાયે સાકાર, થાયે સાકાર
ચાચરના ચોક ચગ્યાં, દીવડીયા જ્યોત ઝગ્યાં
મનડાં હારોહાર હાલ્યાં રે
માડી તારા આવવાનાં એંધાણ થયાં
કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં
જોવા લોક ટોળે વળ્યાં રે
માડી તારા આવવાના એંધાણ થયાં
મા તું તેજનો અંબાર, મા તું ગુણનો ભંડાર
મા તું દર્શન દેશે તો થાશે આનંદ અપાર
ભવો ભવનો આધાર, દયા દાખવી દાતાર
કૃપા કરજે અમ રંક પર થોડી લગાર
થોડી લગાર, થોડી લગાર
સૂરજના તેજ તપ્યાં, ચંદ્રકિરણ હૈયે વસ્યાં
તારલિયા ટમ ટમ્યાં રે
માડી તારા આવવાનાં એંધાણ થયાં
કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં
જોવા લોક ટોળે વળ્યાં રે
માડી તારા આવવાના એંધાણ થયાં
તારો ડુંગરે આવાસ, બાણે બાણે તારો વાસ
તારા મંદિરિયે જોગણિયું રમે રૂડા રાસ
પરચો દેજે હે માત, કરજે સૌને સહાય
માડી હું છું તારો દાસ, તારા ગુણનો હું દાસ
ગુણનો હું દાસ, ગુણનો હું દાસ
માડી તારા નામ ઢળ્યાં, પરચાં તારા ખલકે ચડ્યાં
દર્શનથી પાવન થયાં રે
માડી તારા આવવાના એંધાણ થયાં
કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં
જોવા લોક ટોળે વળ્યાં રે
માડી તારા આવવાના એંધાણ થયાં
એક તારો આધાર, તારો દિવ્ય અવતાર
સહુ માનવ તણા માડી ભવ તું સુધાર
તારા ગુણલાં અપાર, તું છો સૌનો તારણહાર
કરીશ સૌનું કલ્યાણ માત સૌનો બેડો પાર
સૌનો બેડો પાર, સૌનો બેડો પાર
માડી તને અરજી કરું, ફુલડાં તારા ચરણે ધરું
નમી નમી પાય પડું રે
માડી તારા આવવાના એંધાણ થયાં
કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં
જોવા લોક ટોળે વળ્યાં રે
માડી તારા આવવાના એંધાણ થયાં
***

* માનો ગરબો રે રમે રાજને દરબાર *
માનો ગરબો રે, રમે રાજને દરબાર
રમતો ભમતો રે, આવ્યો કુંભારીને દ્વાર
એલી કુંભારીની નાર, તું તો સૂતી હોય તો જાગ
માને ગરબે રે, રૂડા કોડિયાં મેલાવ
માનો ગરબો રે, રમે રાજને દરબાર
રમતો ભમતો રે, આવ્યો સોનીડાને દ્વાર
એલી સોનીડાની નાર, તું તો સૂતી હોય તો જાગ
માને ગરબે રે, રૂડા જાળીયા મેલાવ
માનો ગરબો રે, રમે રાજને દરબાર
રમતો ભમતો રે, આવ્યો ઘાંચીડાને દ્વાર
એલી ઘાંચીડાની નાર, તું તો સૂતી હોય તો જાગ
માને ગરબે રે, રૂડા દિવેલીયા પુરાવ
માનો ગરબો રે, રમે રાજને દરબાર

દરરોજ નવરાત્રીના અલગ અલગ દિવસો ની માહિતી મેળવવા લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી