‘ગ્રેટ ગોલ્ડન એરા’ ઓલ ટાઈમ ક્લાસિક ફિલ્મ: ગાઈડ ! Informative Article

‘ટાઇમ’ મેગેઝીને જેને ભારતીય સિનેમાની શ્રેષ્ઠ પાંચ ફિલ્મોમાંની એક ગણાવી હતી તે દેવ આનંદની બેસ્ટ ફિલ્મ ‘ગાઈડ’ બોલીવુડની એક માઈલસ્ટોન ફિલ્મ છે. જો તમને ક્લાસિક ફિલ્મોનો શોખ હોય અને તમે આ ફિલ્મ હજુ ના જોઈ હોય તો અચૂક જોવી જોઈએ. દેવ આનંદે પ્રોડ્યુસ કરેલ આ ફિલ્મના ડાયરેક્ટર હતાં વિજય આનંદ. આર કે નારાયણની પ્રખ્યાત નોવેલ ‘ધ ગાઈડ’ પરથી બનાવવામાં આવેલ આ ફિલ્મને દેવ આનંદ અને વહીદા રહેમાનની બેમિસાલ અદાકારી,સચીન દેવ બર્મનનું સંગીત અને તેમનાં સહિત મહમ્મદ રફી,લતા મંગેશકર,કિશોર કુમાર,મન્ના ડેએ ગાયેલ ખુબસુરત ગીતોએ ઓલ ટાઇમ ક્લાસિક ફિલ્મ બનાવી દીધી, એટલું જ નહિ,આ સુપરહિટ ફિલ્મને અનેક એવોર્ડ્સ અને સન્માન પણ મળ્યા..

ફિલ્મમાં હીરો રાજુ (દેવ આનંદ) એક ગાઈડ હોય છે, જે પ્રવાસીઓને ઐતિહાસિક સ્થળો બતાવીને પોતાનું ગુજરાન ચલાવતો હોય છે. એક પુરાતત્વવિદ માર્કો (કિશોર શાહુ) તેની યુવાન પત્ની રોઝી (વહીદા રહેમાન) સાથે ત્યાં કોઈ ગુફાઓમાં અભ્યાસ માટે આવે છે. બંનેની ઉંમરમાં ઘણો તફાવત હોય છે. તેઓ પોતાના ગાઈડ તરીકે રાજુને રાખે છે. માર્કો પોતાના કામમાં જ વ્યસ્ત રહેતો હોવાથી
રોઝી રાજુ સાથે જુદા જુદા સ્થળો જોવા જતી હોય છે.

રોઝીને નૃત્યનો ખૂબ જ શોખ હોય છે જે તેના પતિને બિલકુલ પસંદ નથી હોતું.દરમ્યાન પતિ-પત્નીમાં ઝગડો થતા બંને અલગ થાય છે અને રોઝીને રાજુ પોતાના કુટુંબ અને સમાજનો વિરોધ હોવા છતાં પોતાને ત્યાં આશરો આપે છે અને તેને નૃત્ય માટે પ્રોત્સાહન આપીને મશહૂર સ્ટાર બનવામાં મદદ કરે છે.દરમ્યાન રોઝી સાથે છેતરપીંડી કરવાના આરોપસર રાજુ જેલમાં જાય છે.જેલમાંથી છૂટીને અકસ્માતે સાધુ બની જાય છે અને સ્વામી તરીકે પણ તેને બહુ માન સન્માન મળે છે. દરમ્યાન, ગામમાં દુષ્કાળ પડતા વરસાદ માટે રાજુ 12 દિવસના ઉપવાસ કરે છે. ગામમાં વરસાદ તો આવે છે પણ રાજુનું મૃત્યુ થાય છે.

‘ગાઈડ’ ફિલ્મ અંગ્રેજીમાં પણ બનાવવામાં આવી હતી. જેના લેખક હતાં નોબેલ પર્લ બક અને ડાયરેક્ટર હતાં ટેડ ડેનિયલવ્સકી.

ફિલ્મનું યાદગાર ગીત ‘આજ ફિર જીને કી તમન્ના હૈ’નું શૂટિંગ ચિતોડગઢના સુપ્રસિદ્ધ પેલેસમાં કરવામાં આવ્યું હતું. હાલમાં સંજય લીલા ભણસાલીની ચર્ચાસ્પદ બનેલ ફિલ્મ ‘પદમાવતી’ જેના ઉપરથી બનાવવામાં આવેલ હોવાનું કહેવાય છે, તે રાણી પદમાવતીનો તે મહેલ હતો.એવી વાયકા છે કે અલ્લાઉદ્દીન ખીલજી ચિતોડગઢ પર ચડાઈ કરે છે ને પછી સમાધાનની શરતમાં એક વાર રાણી પદમાવતીને જોવાનો આગ્રહ રાખે છે.આથી તેને એક અરીસા દવારા પદ્માવતીના દર્શન કરાવવામાં આવે છે. તેના પરથી પ્રેરણા લઈને આ ગીતમાં પણ અરીસાનો બખૂબી ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ ફિલ્મનું અન્ય એક અદભૂત ગીત ‘મોસે છલ કિયે જાયે હાય રે હાય હાય સૈયા બેઈમાન’ના મ્યુઝીકમાં જે તબલા સંભળાય છે, તે પંડિત શિવકુમાર શર્માએ વગાડ્યા હતાં.પંડિત શિવ કુમાર શર્માને સંતૂરમાં મહારત હાંસલ કરવી હોવાથી તબલા વગાડવાનું છોડી દીધું હતું,આર ડી બર્મને તેમને આ ગીત માટે તબલા વગાડવા માટે આગ્રહ કરીને મનાવી લીધા હતાં.આ ફિલ્મ પછી પંડિતજીએ બીજી કોઈ ફિલ્મમાં તબલા વગાડ્યા નહોતા.

આ ફિલ્મના નિર્માણ દરમ્યાન સંગીતકાર એસ ડી બર્મન ખુબ બીમાર પડી ગયા હતાં અને એવું લાગતું હતું કે તેઓને સ્વસ્થ થતા ઘણો સમય લાગશે,આમ છતાં દેવ આનંદે બીજાં કોઈ સંગીત નિર્દેશક લેવાના બદલે પોતાના ફેવરીટ બર્મનદાના સ્વસ્થ થવાની રાહ જોઈ. બર્મનદાએ ત્યાર બાદ બાકીનું કામ પૂરું કર્યું. બર્મનદાએ પોતાની કારકિર્દીનું શ્રેષ્ઠ સંગીત આ ફિલ્મમાં આપ્યું હતું. આ ફિલ્મના ગીતો માટે દેવ આનંદ અને વિજય આનંદે સૌપ્રથમ ગીતકાર તરીકે હસરત જયપુરીની પસંદગી કરી હતી.તેમણે એક ગીત પણ તૈયાર કર્યું હતું ‘દિન ઢલ જાયે હાયે રાત ના આયે’ પરંતુ વિજય આનંદને આ ગીતનું મુખડું પસંદ નહિ આવતા નારાજ થઈને હસરત જયપુરીજીએ ફિલ્મ છોડી દીધી .ત્યાર બાદ દેવ આનંદ અને વિજય આનંદે શૈલેન્દ્રજીનો સંપર્ક કર્યો. પોતે આ ફિલ્મ માટે તેઓ સેકંડ ચોઈસ છે એવી જાણ થતા શૈલેન્દ્રજી નારાજ થઇ ગયા હતાં અને બહુ મોટી રકમની માંગણી કરી, જેનો દેવ આનંદે સ્વીકાર કર્યો. આ જ સમયે શૈલેન્દ્રજીએ ‘ગાતા રહે મેરા દિલ’ ગીતનું મુખડું સંભાળવી બંનેને ખુશ કરી દીધા હતાં. જો કે,અન્ય ગીતમાં જે મુખડા માટે વિવાદ થયો હતો તે મુખડું શૈલેન્દ્રજીએ યથાવત રાખ્યું હતું.

ફિલ્મના અન્ય એક યાદગાર ગીત ‘વહા કોન હૈ તેરા મુસાફિર જાયેગા કહાં’ માં એસ ડી બર્મને પોતાની અગાઉની એક બંગાળી ગીતની ટયુનનો ઉપયોગ કર્યો હતો.

આ ફિલ્મમાં નૃત્યો ખુબ મહત્વનું અંગ હોવાથી શરૂઆતમાં ફિલ્મની હિરોઈન તરીકે વૈજંતી માલાનું નામ નક્કી હતું, પરંતુ અંતે વહીદા રહેમાનને લવાનું નક્કી કરાયું.વહીદાજીએ આ ફિલ્મમાં અદભૂત નૃત્યો ઉપરાંત એક બેબસ પત્ની,સ્ટેજ પરફોર્મર,પ્રેમિકા વિગેરે તમામ ભૂમિકામાં જાન રેડી દીધી હતી.

વહીદા રહેમાન માટે થઈને દેવ આનંદને પોતાના મોટાભાઈ ચેતન આનંદ, જેઓ ‘નવકેતન ફિલ્મ્સ’ના કો-ફાઉન્ડર પણ હતાં,તેમની સાથે પણ બોલાચાલી થઇ ગયેલ હતી.ચેતન આનંદ આ ફિલ્મમાં ફીમેલ લીડ રોલમાં તેમની ફેવરીટ ‘પ્રિયા રાજવંશ’ને લેવા માંગતા હતાં,પરંતુ દેવ આનંદ વહીદા રહેમાન માટે થઈને એકદમ મક્કમ હતાં. દેવ આનંદે પોતાની કેરિયર દરમ્યાન ઘણા નવોદિતોને ચાન્સ આપ્યો હતો.ઝીનત અમાન અને ટીના મુનીમ તેના જાણીતા ઉદાહરણ છે. આ ઉપરાંત,ગુરુ દત્ત (ફિલ્મ બાઝી),અમરજીત (હમ દોનો),કમ્પોસર જયદેવ (હમ દોનો) અને ગીતકાર સાહિર લુધિયાનવી સહિત અનેક લોકોને દેવ આનંદે પ્રથમ વાર ચાન્સ આપ્યો હતો. પરંતુ આ ફિલ્મના કાસ્ટિંગ માટે તેઓ કોઈ ચાન્સ લેવા નહોતા માંગતા.તેઓએ ચેતન આનંદને પણ કહી દીધું,કે તેમને આ સામે કોઈ વાંધો હોય તો તેઓ આ પ્રોજેક્ટમાંથી ખસી જઈ શકે છે.જો કે ત્યાર બાદ ચેતન આનંદે લોન્ચ કરેલ ફિલ્મ ‘સાહેબ બહાદુર’માં તેમણે પ્રિય રાજવંશ સાથે લીડ રોલ સ્વીકારીને તેમનું માન રાખી લીધું હતું.

ફિલ્મના ડાયરેક્ટર વિજય આનંદે પણ શરૂઆતમાં ફિલ્મની સ્ટોરી સાંભળીને આ ફિલ્મ કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. તેમને સ્ટોરી થોડી વિચિત્ર લાગી હતી અને તેઓને એવું લાગ્યું કે આ ફિલ્મથી વિદેશમાં ભારતની ઈમેજ ખરડાશે.દેવ આનંદે તેમને માંડ માંડ મનાવ્યા.લેખક આર કે નારાયણ પણ પોતાની નોવેલ પરથી બની રહેલ આ ફિલ્મ બાબતે થોડા નારાજ હતાં.પરંતુ ફિલ્મ માસ્ટરપીસ સાબિત થઇ અને નવકેતન ફિલ્મ્સની પણ સૌથી સફળ ફિલ્મ બની.

અત્યારના સફળ નિર્માતા નિર્દેશક કરન જોહરના પિતા યશ જોહર,જેમણે પછીથી ‘ધર્મા પ્રોડક્શન’ નામથી પોતાની કંપની શરુ કરી, તેઓ તે સમયે નવકેતન ફિલ્મ્સમાં પ્રોડક્શન કંટ્રોલર તરીકે કામ કરતાં હતાં.આ ફિલ્મમાં તેઓ આસીસ્ટન્ટ ડાયરેક્ટર હતાં.તેઓએ આ ફિલ્મમાં એક સરસ આઈડિયા આપી તે સમયે પોતાની કેલીબરનો પરિચય કરાવ્યો હતો. એક ગીતના શૂટિંગ વખતે આ ગીતમાં ‘રોહતાંગ પાસ’ સ્થળ બતાવવાનું હતું.પણ ત્યારે યુનિટ આ સ્થળથી ઘણે દૂર હતું. આથી યશ જોહરે ગીતમાં નજરે પડે તેવી રીતે એક બનાવટી માઈલસ્ટોન જેમાં રોહતાંગ પાસ-૦ KM ‘એવું દર્શાવીને મુશ્કેલી આસાન કરી દીધી હતી.

ફિલ્મનો ભવ્ય પ્રીમિયર યોજાયો, જેમાં લગભગ સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઉમટી પડી.ફિલ્મની અટપટી થીમ બધાને અજુગતી લાગી અને લગભગ કોઈને આ ફિલ્મ ગમી નહિ. ફિલ્મ પૂરી થયા પછી કોઈ ફિલ્મના ડાયરેક્ટર કે કલાકારોને મળવા કે અભિનંદન આપવા પણ ના આવ્યા. આથી વિજય આનંદને બહુ જ આઘાત લાગ્યો.જો કે થોડો સમય ફિલ્મને મધ્યમ પ્રતિસાદ મળ્યા પછી ધીમે ધીમે ફિલ્મના વખાણ થવા લાગતા હીટ જવા લાગી.ફિલ્મને ભારત તરફથી સતાવાર રીતે ઓસ્કાર માટે પણ મોકલવામાં આવી.એવોર્ડ ફંક્શનોમાં પણ આ ફિલ્મ છવાઈ ગઈ હતી.ફિલ્મફેર એવોર્ડ્સમાં ચાર સૌથી મહત્વના એવોર્ડ્સ જીતનારી આ પહેલી ફિલ્મ બની.જેમાં બેસ્ટ મુવી,બેસ્ટ ડાયરેક્ટર,બેસ્ટ એક્ટર મેલ,બેસ્ટ એક્ટર ફીમેલ.-આ ચારેય મહત્વના એવોર્ડ ‘ગાઈડ’ને મળ્યા હતાં.

લેખક – તુષાર રાજા

આપ સૌ ને આ લેખ કેવો લાગ્યો ? અચુક કહેજો !

ટીપ્પણી