ફિલિપ પેટી: મેં વધતી ઉંમરને નામંજૂર કરી દીધી છે ! Real Life Story

ફ્રાન્સના આર્મી પાયલટ તથા લેખકના ઘરે એક બાળકનો જન્મ થાય છે. નામ એનું, ફિલિપ પેટી. બાળક ફિલિપને નાનપણથી જ હાથકરામતના જાદુ અને ખેલમાં ઈન્ટરેસ્ટ. એ ઘરની આજુબાજુ આવેલા સરકસના ખેલ જોવા ચુપચાપ જતો રહે. સર્કસના નટ કઈ રીતે દોઢ-બે ઈંચના દોરડા પર બખૂબી રીતે ચાલે છે એ જોયા કરે. એના પપ્પાને આ ન ગમે. પણ ફિલિપના મનમાં ભૂત વળગી ચૂકયું હતું.

ઘરની બાજુના બગીચામાં બે ઝાડ વચ્ચે દોરડાં બાંધી તેના ઉપર ચાલ્યો. પડ્યો-પછડાયો, ફરી ઉઠ્યો ને ચાલવા માંડ્યો. આ રીતે પ્રેક્ટીસની શરૂઆત થઇ. ૧૬ વર્ષનો થયો ત્યાં સુધીમાં તો ફિલિપ પેટીએ તંગ દોરડા પર બેલેન્સીંગ કરીને ચાલવામાં મહારથ હાંસિલ કરી લીધી હતી. ચાલવા ઉપરાંત પોતે દોરડાં ઉપર આગળ-પાછળ થાય, ગોથલીયા ખાય, દોરડાં પર વચ્ચે જઈને બેસી જાય અને જંપ પણ કરે!

અફ કોર્સ, નાનપણથી આવું ભૂત વળગ્યું એટલે એ ખેપાની જ હોવાનો. ફ્રાંસના કોઈ પણ સીટીમાં જઈને વચ્ચે બે થાંભલા પર દોરડાં બાંધીને પોતાનો કરતબ દેખાડવા માંડે. આપોઆપ લોકોને ગમે, એની સરાહના કરે. એ દરમ્યાન એક વખત ફિલિપનો ભેટો થાય છે સર્કસ ચલાવતા સમયના મહાન ટાઈટ રોપ વોકર એવા રુડોલ્ફ ઓમન્કોવ્સકી સાથે; ત્યાં(સત્તર-અઢારની ઉંમર)સુધી ફિલિપ ખેપાની તો હતો જ, હવે સાવ ધૂની બની ચૂકયો હતો. ઘરેથી પપ્પાએ ઠપકો આપ્યો હતો. વારાફરતી પાંચ સ્કૂલોમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો.

પણ રુડોલ્ફે એને તરાસ્યો, એની લગન જોઇને એમની રીતે શીખાડવાની શરૂઆત કરી. પાછો ફિલિપ ટાઈટ રોપ વોકિંગ ઉપરાંત યુનિ એટલે કે એક પૈડાવાળી સાઈકલ, જગલીંગ, જાદુગરી જેવાં તમામ કરતબો અચ્છી રીતે જાણતો. અને આ બધો સરંજામ સાથે લઈને જ ગુમતો!

આમ જિંદગી ચાલી રહી હતી ત્યારે એક દિવસ ફિલિપે ડેન્ટીસ્ટની કલીનીકમાં પડેલા મેગેઝીનમાં ન્યુ યોર્કમાં બંધાઈ રહેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વીન ટાવર વિષે વાંચ્યું. એના મગજમાં ભૂરકી ચડી, એક સ્વપન બંધાયું કે એક દિવસ હું આ બે ટાવર વચ્ચે દોરડું બાંધીને વોક કરીશ જ. અને પછી તો ખાતા-પિતા, ઉઠતા-જાગતા આ જ વિચાર એના મનમાં ઘૂમરાયા કરે. ચેન ન પડે. પોતાને જ એ વિષે વાત કરી કરીને તૈયાર કરે. અન્ય બીજા ચાર-પાંચ પોતા જેવા જ, સાહસિક મિત્રો શોધ્યા. અને શરૂઆત થઇ સિક્રેટ મિશનની. મિશન હતું:

૭મી ઓગસ્ટે વર્લ્ડ ટ્રેડ સેન્ટરનાં ટ્વીન ટાવરની અગાશીએ ૧૩૬૨ ફીટ ઉંચે, ૧૧૦ માળ ઉપર ફક્ત દોઢ-બે ઈંચ પહોળા દોરડા પર ગેરકાયદે ચાલવું! અને હા, કોઈ પણ જાતના સેફટી બેલ્ટ વગર. હાથમાં ૨૬ ફીટ લાંબી બેલેન્સ માટેની પાઈપ કે સ્ટીક હતી જેનું વજન ૨૫ કિલોગ્રામ હતું. અને જે દોરડા પર ચાલતો હતો એ દોરડાનું વજન હતું ૨૦૦ કિલોગ્રામ. હવે આમાંથી કશું પણ નીચે પડે તો નીચે જે પણ આવે એ ખલાસ થઇ જાય. પોતાના શરીરની તો શું હાલત થાય કોને ખબર?

કેમ કે આટલી ઊંચાઈએથી પડતો માણસ વચ્ચે-એટેકથી જ મરી જાય! પણ આવા પડવા-હારવાના વિચાર ફિલિપને કરવાના જ નહોતા. કોઈ કહે તો સાંભળવાનું પણ નહોતું. એને પદ્ધતિસર પ્લાન બનાવવાનો હતો, તથા મન અને મગજને મક્કમ અને મજબુત રાખવાનું હતું. અંતે પ્લાન મુજબ ફિલિપ એ દિવસે સફળતાપૂર્વક ટ્વીન ટાવર પર સવારે ૬ વાગ્યે સળંગ ૪૫ મિનીટ સુધી ૨૦૦ ફીટના અંતરે ચાલે છે. ચાર વખત એ વાયર ક્રોસ કરે છે. અને જે રીતે સર્કસમાં કે નાના શોમાં રોપ વોકર દર્શકોનું અભિવાદન કરે એ રીતે ઉપરથી અભિવાદન કરે છે!

એ હાય વાયર વોકને સ્વાભાવિક રીતે જ મીડિયા દ્વારા વિશાળ કવરેજ તથા જબ્બર પબ્લિક અપ્રીસીએશન મળ્યું. રાજ્યના એટર્નીએ આ ધૂની અને અશક્ય કહી શકાય એવી સિદ્ધી જોઇને એના પર લગાવેલા બધા જ ફોર્મર ચાર્જીસ ઘટાડી દીધા; એના બદલામાં ફિલિપને એક પબ્લિક પાર્કમાં બાળકો માટે ફ્રી ‘હાય વાયર વોક’ કરવા માટે કહેવામાં આવ્યું, જે ફીલીપે ખુશી ખુશી સ્વીકાર્યું.

પછી તો ઘણા માનઅકરામ મળ્યા; આજે ફિલિપ પેટી ૬૮ વર્ષના છે. આ રીતે કશા જ કારણ વગર, કોઈને બતાવવાની ઈચ્છા વિના, પોતાના સંતોષ માટે એક અશક્ય કહી શકાય એવું લક્ષ્ય પકડી લેવું; અને એને પાર પાડવું. આ પૃથ્વી પરના માનવીના જ વિચારો હોઈ શકે! અશક્ય એટલે કે અહીં મરવાની સંભાવના પૂરેપૂરી હતી અને ફિલિપ એ વાત અચ્છી રીતે જાણતો હતો છતાંય રિસ્ક લીધું. અને ત્યારે એની ઉંમર કેટલી હતી? ખાલી ૨૫ વર્ષ! આ કરવાથી ઈનર પીસ મળતી હતી અને મળે છે એને. પાછળ પાછળ નામ-દામ બધું જ મળ્યું.

આવું કરવાનું માણસને કેમ સુજે છે? એનો જવાબ એક જ છે: મજા! થ્રિલ. માણસને થ્રિલ જોઈએ છે, એ ચાહે મૃત્યુના ડરનો હોય કે જીવ સટોસટીના ખેલમાંથી જન્મેલો હોય. અને પછી એ કામ પાર પાડવા માટે પ્રચંડ પેસન જોઈએ. ફિલિપ કહે છે કે, હું પર્સનલી નથી માનતો કે કોઈ વ્યક્તિ મહાન શક્તિ સાથે જન્મે છે. કે એના હાથ સ્પેશિઅલ છે કે પગ વધારે મજબુત છે! હું માનું છું કે કોઈ પણ ક્ષેત્રમાં મહાન બનવું હોય તો એના માટે પેશન જોઈએ. તમે કોઈ બાબતે પેશનેટ છો, તમને કશુંક પાગલની માફક શીખવું છે; એની પાછળ રાત-દિવસ મંડી પડવા તૈયાર છો; તો એ તમે શીખી જ જવાના છો.

તમે જો વાયોલીયન દિવસના ૧૦ કલાક શીખો છો, રીયાઝ કરો છો તો તમારા આંગળાઓ આપોઆપ (વયોલીયન વાદનમાં) પારંગત થઇ જ જવાના છે! બીલીવ ઇન યોર સેલ્ફ. બીલીવ ઈન વોટ યુ લવ. અને ક્યારેય પોતાની પ્રોગ્રેસમાં વચ્ચે આવતા ‘નકાર’ ને ન સાંભળો. ઈવન, પોતાની અંદરથી આવતી ‘ના’ ને પણ નહિ. મને નફરત છે કે, જે ટીનએજ છોકરાઓ કોઈ પણ કામમાં જરાસરખા પ્રયત્ન પછી નિષ્ફળ જતા બોલી દે છે કે, ‘આ મારાથી નહિ થાય!’ તે હજુ નાના છે. પ્રયત્નો કર્યા પહેલા આશા છોડી દે છે. તમે જે પ્રયત્ન બે મિનીટ માટે કરતા હો એ બે હજાર મિનીટ માટે કરો, અને પછી એને છોડવાનો વિચાર જ નહિ આવે.

ટ્વીન ટાવર્સ વચ્ચેની વોક તથા જીતેલા એવોર્ડ્સને લઈને ફિલિપ પેટી ઉપર ૨૦૦૮માં ‘મેન ઓન વાયર’ નામની ડોકયુમેન્ટરી બની તથા ઓકટોબર, ૨૦૧૫માં ‘ધ વોક’ નામની મુવી રીલીઝ થઇ.(ડાયરેક્ટર: રોબર્ટ ઝેમેકીસ) બેઉ આલાતરીન-મસ્ટ વોચેબલ છે.

જિંદગી પણ તંગ દોરડા જેવી છે. જેના ઉપર ફૂંકાતા અને સુસવાટા મારતા પવન વચ્ચે સેફટી બેલ્ટ વિના ચાલવાનું છે. દ્રઢ વિશ્વાસ, એકાગ્રતા અને થોડું પાગલપન હશે તો ગમે તેટલી ઊંચાઈએ ચાલતા હશો, તમારા કદમો દોરડા પરથી નહિ ડગમગે!

આજે ૬૮ વર્ષે પણ કડેધડે છે એવા ફિલિપ પીટ કહે છે કે, મને રિટાયરમેન્ટનો કન્સેપ્ટ સમજાતો જ નથી. રિટાયરમેન્ટ એટલે શું તમારો સમય પૂરો? આજે ૬૬ વર્ષે મને મારી લીમીટ ખબર છે પણ મેન્ટલી હું સ્ટ્રોંગ છું. મેં મારામાં રહેલા બાળકને માર્યો નથી; વધતી ઉંમર મારા માટે અસ્તિત્વ ધરાવતી જ નથી, મેં એને નામંજૂર કરી દીધી છે…

પ્રત્યેક વિસામો ચાહે છે, આ મારી સફર થંભી જાયે,
સમજું છું સમયની દાનત ને હું એથી વધારે ચાલુ છું. –રુસ્વા મઝલૂમી

લેખક : પાર્થ દવે

આપ સૌ ને આ લેખ કેવો લાગ્યો ? કોમેન્ટ માં જણાવજો !!

ટીપ્પણી