તમારા બાળક ને સ્કુલ માં ફેન્સી ડ્રેસ કોન્ટેસ્ટ છે ? આ પોસ્ટ તમારા માટે બહુ ઉપયોગી રહેશે…

મળો આ બધાં બાળગોપાળોને!! એક તો આ ટબુકડા ટાબરીયાવ હોય જ રમકડા જેવાં ક્યુટ ક્યુટ અને એમાંય પાછા ફેન્સી ડ્રેસ કોન્ટેસ્ટમાં તૈયાર થાય. એટલે સોને પે સુહાગા. જાણો શું નિયમ હોય છે એમાં ભાગ લેવાનાં અને એમાં ભાગ લેતી વખતે શું ધ્યાન રખાય??

ફેન્સી ડ્રેસ કોન્ટેસ્ટ એટલે કે બાળવેશભૂષા હરિફાઇ એ ખરેખર તો બાળકોની હરિફાઇ છે જ નહિ. હકિકતમાં એ મમ્મીઓની જ સ્પર્ધા છે. કેમ કે મોટા ભાગની બાળવેશભૂષા સ્પર્ધા દસ વર્ષ સુધીનાં બાળકો માટે જ હોય છે. અને એ બાળકોને એક તો હરિફાઇ એટલે શું એ જ ખબર નથી હોતી. બીજું કે એમાં જે કેરેક્ટર્સ એમને બનાવ્યાં હોય છે એ કેરેક્ટર્સને પણ હજી એ બાળકો ઓળખતાં નથી હોતાં. ત્રીજુ એ લોકો જાતે તૈયાર થતાં નથી પણ મોટા ભાગે એમની મમ્મી કે ઘરનાં બીજા લોકો એને તૈયાર કરતાં હોય છે. એટલે બાળવેશભુષાનો સીધો ફાયદો બાળકોને થતો જ નથી.

એનાં માટે તો બસ આ એક રીતે ખાલી તૈયાર થવાં જેવું છે. અને કેટલાંક કિસ્સાઓમાં તો મમ્મી પરાણે એનાં છોકરાઓને રડાવી રડાવીને ભાગ લેવડાવતી હોય છે. હા, એ સાચું કે બાળકોને નાનપણથી જ આવી પ્રવૃતિઓમાં ઇન્વોલ્વ કરે તો બાળક નાનપણથી જ હોશીલું અને તરવરાટભર્યુ બને. પણ એ ક્યારે?? બાળકને એનો કાંઇ ફાયદો થાય ત્યારે. અત્યારની મોટાભાગની હરિફાઇઓમાં ફક્ત ઇનામો જીતવાં માટે જ ભાગ લેવાતો હોય છે. હરિફાઇમાં ભાગ લેવાથી બાળકને કાંઇ ફાયદો થાય છે કે નહિ એ ધ્યાનમાં લેવાતું જ નથી.

ઇનામો જીતવા એ પણ ખરાબ બાબત નથી પણ જો બાળકને આનાથી કોઇ માનસિક ફાયદો ન થતો હોય તો એનો કોઇ મતલબ જ નથી. આવી હરિફાઇઓમાં મોટા ભાગે જે ઇનામો અપાતાં હોય છે એ કમ્પાસ બોક્સ, સ્કુલ બેગ, લંચ બોક્સ, સ્કેચ પેન્સ ને એવું બધું તો બાળક પાસે પહેલેથી હોય જ છે. બસ ખાલી આવી વસ્તુઓ નવી મળી એનો આનંદ મળે. બૌધ્ધિક ફાયદો નહિ. હરિફાઇનો મતલબ જ એ હોય છે કે તમે તમારું ગ્નાન, તાકાત, કૌશલ્ય, કૌવત, બુધ્ધિચાતુર્ય – આ બધું બીજા કરતાં શ્રેષ્ઠ પૂરવાર કરી બતાવો અને એનાથી જ તમે જાતને જ્યાં છે ત્યાંથી ઉપર ઉઠાવતા જાવ અને પ્રગતિનાં પગથીયા ચડતાં જાવ. તો ફેન્સી ડ્રેસ કોન્ટેસ્ટમાં જો બાળકોનો બૌધ્ધિક વિકાસ ન થાય તો આ સ્પર્ધા કોના અને શેનાં માટે થઇ?? મમ્મીઓ માટે અને ઇનામો માટે જ ને!

ઘણાં વર્ષો પહેલાં મારે એક ફેન્સી ડ્રેસ કોન્ટેસ્ટમાં જજ તરિકે જવાનું થયું. એન્ટ્રી ઘણી બધી હતી પણ એ એન્ટ્રીમાં જે કેરેક્ટર્સ એક પછી એક આવતાં હતાં એ જોઇને લાગ્યું કે પેરેન્ટ્સનું પણ બૌધ્ધિકસ્તર કેટલું હશે. એ કેરેક્ટર્સ કાંઇક આવાં હતાં. કામવાળી, વાસણવાળી, ડોશી, રામુકાકા, ભંગાર વેચવા વાળો…. વગેરે. આ બધાં કેરેક્ટર્સ બનાવે એમાં પણ કાંઇ વાંધો નથી. કેમ કે આ બધાં પાત્રો પણ સમાજનો એક હિસ્સો જ છે.

પણ આ બધાં પાત્રો બનવાં માટે વિરોધ ક્યારે ન હોય?? ત્યારે જ કે જ્યારે જે-તે કેરેક્ટરને કાંઇક ઇનોવેટીવ કે ક્રિએટીવ રીતે કાંઇક નવીન પ્રકારે બનાવ્યું હોય. પણ જેટલી એન્ટ્રી એક પછી એક આવતી ગઇ એમાં મોટા ભાગનાં આવાં જ કેરેક્ટર્સ આવતાં જતાં હતાં. અને તમામ કેરેક્ટર્સ એવાં કે જે ફટાફટ બની જાય અને મહેનત પણ વધારે ન હોય. મતલબ કે હરિફાઇમાં ફક્ત ભાગ લેવો એ બાબતને જ પ્રાધાન્ય છે. બાળકોનાં બૌધ્ધિક વિકાસ ને નહિ. આવાં કેરેક્ટર્સ બનાવે એમાં બાળક શું શીખે?? ક્યારેય વિચાર્યું છે કે બાળકોનો બૌધ્ધિક વિકાસ આ સ્પર્ધા થકી કેવી રીતે વધશે??

એ જ સ્પર્ધામાં મે છેલ્લે ઈનામ વિતરણ વખતે પૂછ્યું કે આમાંથી ક્યા પાર્ટિશીપન્ટને તૈયાર કરતી વખતે જે કેરેક્ટર્સ એમને બનાવવામાં આવનાર છે એની વાત કે વાર્તા કોઇ પેરેન્ટ્સે બાળકોને કરી?? એમાં કઇ કઇ વસ્તુઓ વપરાય છે એનાં વિશે બાળકોને સમજાવ્યું?? તો એકપણ વાલિનો હાથ ઉંચો ન થયો.

આ જ પરિસ્થીતી બધે જ છે. પણ આની સામેનાંં મારાં મંતવ્યો એ છે કે….

(૧) આપણો દેશ એ એવી સરસ સંસ્કૃતી ધરાવે છે કે આપણી પાસે એટલાં બધાં કેરેક્ટર્સ છે કે જે એકેય કેરેક્ટર કોઇ સુપર હિરોથી કમ નથી. ગણપતી, હનુમાન, અર્જુન, કૃષ્ણ, શિવ જેવાં જાણીતાં અને ફેન્સી ડ્રેસ કોન્ટેસ્ટનાં હોટ ફેવરીટ કેરેક્ટર્સની સાથે કર્ણ, રાવણ, જટાયુ, બલરામ જેવાં આવી સ્પર્ધાનાં નોન ફેવરીટ કેરેક્ટર્સને પણ પસંદ કરવાં જોઇએ. જેનાં કારણે બાળકો એનાં વિશે જાણે.

(૨) આવાં કોઇ કેરેક્ટરને સિલેક્ટ કરીને એ બનાવતી વખતે એ પાત્ર વિશેની વાતો અને વાર્તા બાળકને કહેવી જોઇએ. જેથી બાળકનાં નોલેજમાં વધારો થાય.

(૩) જે પાત્ર બનાવીએ એ પાત્રની વિશેષ વસ્તુઓની માહિતી બાળકને આપીએ. જેથી એ પાત્રનું મહત્વ બાળકને સમજાય.

(૪) શક્ય હોય ત્યાં સુધી કોઇ સજીવ પાત્ર બનાવવાનું જ પસંદ કરવું. નિર્જીવ પાત્રો જેમ કે કચરા પેટી, બિગ બાજાર, મેગી, સોનાની દુકાન (આવાં પાત્રો પણ આવે જ છે હરિફાઇમાં) પસંદ ન કરવાં. એ જજીસ પર સારી અસર છોડતા નથી.

(૫) હા, સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જેવાં કેરેક્ટર્સ લઇ શકાય કેમ કે એ એક વ્યક્તિનુ જ કલ્પિત સ્વરૂપ છે.

(૬) કોઇપણ પાત્ર પસંદ કર્યા બાદ એ પાત્ર વિશે પૂરેપૂરૂં રિસર્ચ કરવું. અને એ પાત્રનાં પહેરવેશ અને દેખાવમાં શું વિશેષતા છે એ ચેક કરીને એ તમામ વસ્તુઓની તૈયારી કરવી. અને જોવું કે એકપણ વસ્તુ રહી ન જાય.

(૭) શક્ય હોય તો બાળકને જ એ રિસર્ચ કરવાં દેવું. એ પાત્ર વિશેની બુક્સ વંચાવવી. હવે તો નેટ પર પણ અઢળક સામગ્રી ઉપલબ્ધ છે. એમાં ફોટોગ્રાફ્સ જોઇને તમામ માહિતી એકઠી કરાવવી.

(૮) વેશભુષા બનાવતી વખતે પણ ઘરમાં પડેલ ફાજલ વસ્તુઓમાંથી જ ડ્રેસ બને એવો આગ્રહ રાખવો. જેથી બાળકની સર્જનાત્મક્તા ખીલે.

(૯) કોઇ પણ પાત્ર બનાવતી વખતે એમાં આવતી તમામ વસ્તુઓ જાતે બનાવવાનો આગ્રહ રાખવો. રેડીમેઇડ વસ્તુઓ સીધી જ મૂકવી નહિ.

(૧૦) અને જે વસ્તુ બનાવવાની હોય એને બનાવવાં માટે નવાં નવાં નુસ્ખાઓ અપનાવતાં રહેવાં.

આટલું કર્યા પછી હરિફાઇમાં ભાગ લેશો અને જો પ્રાઇઝ નહિ મળે તો પણ અફસોસ નહિ થાય. કેમ કે બાળકને જે નોલેજ મળ્યું છે એ હવે જીવનભર એની સાથે રહેવાનું છે. અને એ જ તો સાચું ઇનામ છે.

લેખક : ચેતન જેઠવા

આ પોસ્ટ ગમી હોય તો શેર કરજો…લાખો પેરેન્ટ્સ, ખાસ તો મમ્મી ઓ ને ઉપયોગી થશે અને નવા નવા આઈડીયાઝ મળશે !!

ટીપ્પણી