ગ્રેટ ગોલ્ડન એરા – ‘બોબી’ ફિલ્મ સાથે જોડાયેલ કેટલીક મજેદાર વાતો

કેટલીક ફિલ્મો કે પ્રસંગો ની યાદગીરી આપણી જિંદગી સાથે એટલી બધી સંકળાયેલ હોય છે કે આપણા દિલના એક ખૂણામાં મીઠી યાદ બનીને કાયમી વસવાટ કરી લેતી હોય છે. ‘બોબી’ તેમાંથી એક છે.

યુવાનીમાં કદમ માંડી રહેલા બે ટીનેજર્સની અદભૂત પ્રેમ કહાની એકદમ ખૂબસૂરત રીતે આ ફિલ્મમાં દર્શાવવામાં આવી હતી. રિશી કપૂર-ડીમ્પલની ફ્રેશ જોડીએ તે સમયે યુવાન દિલોમાં રીતસર હલચલ મચાવી દીધી હતી. ગમે તેવાં મૂંજી માણસને પણ જિંદગીમાં એક વાર પ્રેમમાં પડવાનું મન થઇ જાય તેવી અસર આ ફિલ્મે ઉભી કરી હતી! તે સમયે થોડી મોટી ઉંમરના હીરો-હિરોઈનોને જોવા ટેવાયેલા દર્શકોને આ તરોતાજા જોડી,અદભૂત ફિલ્માંકન,સુપર ડુપર ગીતો,વિગેરેએ દિવાના કરી દીધા હતાં. 1973ની સાલની સૌથી હીટ સાબિત થયેલી આ ફિલ્મે તેના હીરો રિશી કપૂર અને હિરોઈન ડીમ્પલને પછીના વર્ષે આવેલ ફિલ્મફેર એવોર્ડ્સમાં આ ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ અભિનેતા અને અભિનેત્રીના એવોર્ડ્સ અપાવ્યા હતાં.

આ ફિલ્મ સાથે ઘણી યાદગાર બાબતો સંકળાયેલ છે, કાશ્મીરના અતિ સુંદર લોકેશન્સ, આ ફિલ્મ પછી કાશ્મીરનું મહત્વનું ટુરિસ્ટ પ્લેસ બની ગયેલું ‘બોબી હાઉસ’,બોબી સ્કુટર, રિશી કપૂરના શર્ટના લાંબા ગોળ ‘બોબી’ કોલર,પ્રેમ ચોપરાનો ખુબ જાણીતો બનેલ ડાયલોગ,’પ્રેમ નામ હૈ મેરા.પ્રેમ ચોપરા’ જેવી અનેક યાદગીરીઓ આ ફિલ્મ સાથે સંકળાયેલ છે.આ ઉપરાંત,રાજ કપૂરે આ ફિલ્મના અમુક પ્રસંગો દ્વારા પોતાની અંગત જિંદગીની સૌથી યાદગાર પળોને પણ દર્શાવવાની કોશિષ કરી છે.

રાજ કપૂરના કેરિયરના શરૂઆતના દિવસોમાં એક દિવસ રાજ કપૂર નરગીસની માતાના ઘેર તેમની પાસે નરગીસને પોતાની ફિલ્મમાં અભિનય કરવાં દેવા મનાવવા કે એવા કોઈ કામ માટે ગયા હતાં.અને જઈને દરવાજો ખટખટાવ્યો,આ સમયે રસોડામાં રસોઈ કરી રહેલ નરગીસ દરવાજો ખોલવા આવતા અને પૂછપરછ કરતી વખતે એકાએક વાળની લટ સરખી કરવાં જતાં લોટ વાળને અડી જતાં જે દ્રશ્ય સર્જાયું તે જ કદાચ રાજ કપૂર અને નરગીસની હિન્દી સિનેમાની સૌથી ઉત્તમ જોડી બનવાનું નિમિત બન્યું. પોતાની જિંદગીની આ અવિસ્મરણીય યાદગીરીને રાજ કપૂરે આ ફિલ્મમાં રિશી -ડિમ્પલની ખુબસુરત જોડી વડે ફિલ્મમાં આ દ્રશ્ય આબેહૂબ દર્શાવવાની કોશિષ કરી છે. ‘બોબી’ ડીમ્પલ કાપડિયાની ફિલ્મી કેરિયરની સૌ પ્રથમ ફિલ્મ હતી, રિશી કપૂરની પણ હીરો તરીકેની પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મ સાઈન કરી ત્યારે ડિમ્પલની ઉંમર હતી ફક્ત 16 વર્ષ! ગાયક શૈલેન્દ્ર સિંઘને પણ આ ફિલ્મના ગીતોની સફળતાએ આગવી ઓળખ અપાવી. લક્ષ્મીકાંત-પ્યારેલાલને તથા આનંદ બક્ષીને પણ આ ફિલ્મ દ્વારા આર કે ફિલ્મ્સમાં પ્રવેશ મળ્યો.

આ સમયમાં રાજકપૂરની પરિસ્થિતિ બહુ ખરાબ હતી.આ ફિલ્મ અગાઉની રાજ કપૂરની ફિલ્મ’મેરા નામ જોકર’ની પ્રારંભિક નિષ્ફળતાના કારણે ભયાનક આર્થિક નુકસાન સહન કરવું પડ્યું હતું. એટલે ‘બોબી’ ફિલ્મ માટે રાજ કપૂરે પોતાની પત્નીના ઘરેણા પણ ગીરવી મૂકી દેવા પડ્યા હતાં.એક તબક્કે તો હાજી મસ્તાન પાસે પણ નાણાકીય મદદ માંગવા જવું પડ્યું હતું.આમ,માનસિક રીતે પણ સાવ ભાંગી પડ્યા હતાં પરંતુ બોબી’ની સુપર ડુપર સફળતાએ રાજ કપૂરના તમામ ગમ ભુલાવી દીધા. આ ફિલ્મના કેટલાક ગીતોના સર્જન પાછળ પણ મજેદાર કિસ્સાઓ સંકળાયેલ છે.

આ ફિલ્મના નિર્માણ સમયે એક દિવસ સંગીતકાર લક્ષ્મીકાંત,આનંદ બક્ષીને પોતાનું નવું બની રહેલું ઘર બતાવવા લઇ ગયા હતાં,ઘર જોઇને પાછા ફરતી વખતે રસ્તો ભૂલી જતાં આમ તેમ ભટકવા લાગ્યા હતાં.આ સમયે આનંદ બક્ષીને અચાનક ગીત સ્ફૂરી ગયું. ‘બાહર સે કોઈ અંદર ના આ શકે!’ આ ફિલ્મમાં રાજ કપૂરના પ્રિય ગાયક મુકેશ દ્વારા પણ ગવાયેલ એક ગીત બેક ગ્રાઉન્ડમાં લેવાનું નક્કી કરાયું હતું,તેમ જ ગીતકાર વિઠલભાઈ પટેલે લખેલ એક ગીત પણ નક્કી કરાયું હતું પરંતુ પછી તે રદ કરાયા હતાં. આ ફિલ્મના બીજાં એક યાદગાર ગીત”ના માંગું સોના ચાંદી.’નું યાદગાર સંગીત આ ફિલ્મથી વીસ વર્ષ પહેલા રાજ કપૂર-નરગીસની ફિલ્મ”આવારા”ના એક સીનમાં બેક ગ્રાઉન્ડ મ્યુઝીક તરીકે હતું તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ‘દમ ભર જો ઉધર મુંહ ફેરે..

’ગીત શરુ થાય તે પહેલા આ ટયુન સાંભળવા મળે છે. નરેન્દ્ર ચંચલ દવારા ગવાયેલ અદભૂત ’બેશક મંદિર મસ્જિદ તોડો.’ હજી પણ ગમે ત્યારે સાંભળીયે, રૂવાંટા ઉભા થઇ જાય છે, આ ગીત માટે તેમને ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. ફિલ્મના કેટલાક રોમાન્ટિક સીન અને ગીતનું શૂટિંગ ગુલમર્ગમાં કરવામાં આવ્યું હતું. જયારે કલાઇમેક્સના કેટલાક ભાગનું શૂટિંગ કપૂર કુટુંબનું જ્યાં ફાર્મ હાઉસ આવેલું છે ત્યાં બોમ્બે-શોલાપુર હાઇ વે નજીક લોની પાસે કરવામાં આવ્યું હતું.

આ ફિલ્મના એક સીનના શુટીંગ દરમ્યાન અભિનેતા પ્રાણ નદીમાં ખરેખર ડૂબવા લાગતાં પરિસ્થતિ તંગ બની ગયેલ હતી પરંતુ સદનસીબે તેનો બચાવ થઇ જતાં બધાએ રાહતનો શ્વાસ લીધો હતો.આ ફિલ્મ બનાવવાનું નક્કી થયું તે સમયે રાજ કપૂરની તંગ આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અભિનેતા પ્રાણ દવારા ફક્ત એક રૂપિયો સાઈનીંગ એમાંઉન્ટ પેટે લેવામાં આવ્યો હતો. ‘બોબી’ ફિલ્મના હિરોઈનના રોલ માટે અનેક ટીનેજર્સના ઓડીશન લેવામાં આવ્યા,આ રોલ માટે નીતુ સિંહે પણ પ્રયત્નો કર્યા હતાં પણ 16 વર્ષની ડીમ્પલનું નામ ફાઈનલ કરવામાં આવ્યું હતું.

ફિલ્મમાં રિશી કપૂરની માતાના રોલ માટે રાજ કપૂરે અભિનેત્રી સાધનાને ઓફર કરી હતી પરંતુ માતાનો રોલ કરવાથી પોતાની ઈમેજને નુકસાન થવાના ભયે સાધનાએ આ રોલ સ્વીકારવાની ના પડી દીધી હતી.આ સમયે સાધનાની કારકિર્દીના વળતાં પાણી શરુ થઇ ગયા હતાં આથી આવા સમયે દર્શકોમાં પોતાની ભવ્ય ઈમેજ જળવાઈ રહે તેવી ફિલ્મ કરવાની તેમની ઈચ્છા અને તલાશ હતી આથી તેમણે આ ફિલ્મ કરવાં અસંમતિ દર્શાવી હતી, જે રોલ પછી સોનિયા સહાનીને મળ્યો. આ ફિલ્મમાં અભિનેતા પ્રેમનાથ એક માછીમાર હોય છે, આ માટે પ્રેમનાથ સતત એક મહિના સુધી એક માછીમાર સાથે રહ્યા હતાં અને તેની ભાષા અને રહેણીકહેણી વિગેરેનો અભ્યાસ કર્યો હતો.

રાજ કપૂરની દરેક ફિલ્મોમાં સમાજમાં પ્રવર્તતી વિસંગતતા દર્શાવીને કોઈને કોઈ પ્રકારનો સંદેશો આપવાની કોશિષ કરવામાં આવતી હોય તેવું દરેક ફિલ્મ જોઈએ ત્યારે લાગ્યા વિના રહેતું નથી. ‘બોબી’માં ક્રિશ્ચિયન સમાજની રહેણી કહેણી,સામાજિક પરિસ્થિતિનું નિરૂપણ કરવામાં આવ્યું છે, તેમ જ અમીર-ગરીબ,સમાજનો ઉચ્ચ,ફેશનેબલ સુશિક્ષિત વર્ગ અને માછીમાર જેવો તદ્દન સામાન્ય વર્ગ વચ્ચેનો દરેક રીતે અનુભવાતો તફાવત દર્શાવવામાં આવ્યો છે.

આ ઉપરાંત એક બીઝનેસ ડીલ તરીકે અને ફક્ત પૈસા અને સામાજિક પ્રતિષ્ઠા માટે પોતાના સંતાનોના લગ્ન નક્કી કરીને તેમની લાગણીઓ અને પ્રેમને ક્રુરતાથી કચડી નાખવાની કોશિષ કરવામાં આવે છે,તે ફિલ્મમાં બહુ આબાદ રીતે દર્શાવવામાં આવેલ છે. જો કે રાજ કપૂરે જે ફિલ્મમાં સૌથી વધુ મહેનત કરી અને તેના દિલથી સૌથી વધુ નજીક હતી તે ‘મેરા નામ જોકર’ની નિષ્ફળતા પછી રાજ કપૂરને સમજાઈ ગયું હતું કે હવે આદર્શવાદી સીધા સાદા હીરોવાળી ફિલ્મનો જમાનો પૂરો થઇ ગયો.આથી તેણે ‘બોબી’ના હીરો-હિરોઈનને એકદમ આધુનિક,બોલ્ડ,અને ગ્લેમરસ રજૂ કર્યા,અને ત્યાર પછી પણ આ સિલસિલો ચાલુ રાખ્યો.

‘બોબી’ ફિલ્મ સાથે એક અન્ય રસપ્રદ કિસ્સો પણ સંકળાયેલ છે. આ ફિલ્મના લોન્ચિંગની એક પાર્ટી દરમ્યાન શમ્મી કપૂર અને ફિરોઝ ખાન વચ્ચે ભયંકર ઝગડો થઇ ગયો હતો, જે દુશ્મનાવટ 25 વર્ષો સુધી ચાલી હતી અને છેક 1998માં ‘પ્રેમ અગન’ ફિલ્મ રીલીઝ થઇ તે સમયે બંને વચ્ચે સમાધાન થયું હતું. આ ફિલ્મના શૂટિંગ દરમ્યાન જ ડીમ્પલનું નામ જાણીતું થવા લાગ્યું હતું,અને તે પાર્ટીઓમાં પણ જવા લાગી હતી, આવી જ એક પાર્ટીમાં રાજેશ ખન્ના સાથે મુલાકાત થઇ હતી.ડીમ્પલ તે સમયે રાજેશ ખન્નાની ફેન હતી અને તેનાથી ખુબ જ ઈમ્પ્રેસ થઇ ગઈ હતી.

આ ફિલ્મનું કેટલુક ફાઈનલ કામ બાકી હતું તે દરમ્યાન જ ડીમ્પલના લગ્ન રાજેશ ખન્ના સાથે થઇ જતાં,રાજેશ ખન્નાના નખરાઓના કારણે રાજ કપૂરને છેલ્લે ફિલ્મ પૂરી કરવામાં ઘણી મુશ્કેલી પડી હતી. ફિલ્મફેર એવોર્ડ્સમાં તે વરસે ‘બોબી’નો દબદબો રહ્યો હતો અને કુલ 13 જેટલા નોમીનેશન્સ મળ્યા હતાં જેમાંથી પાંચને એવોર્ડ મળ્યા હતાં.જેમાં બેસ્ટ એક્ટર મેલ,ફીમેલ,બેસ્ટ મેલ પ્લે બેક સિંગર ઉપરાંત બેસ્ટ આર્ટ ડીરેક્શન,તથા બેસ્ટ સાઉંન્ડ ડીઝાઇન માટેનો મળી કુલ પાંચ એવોર્ડ મળ્યા હતાં. ફિલ્મના અંતમાં બન્ને પ્રેમીઓનું સુખદ મિલન થાય છે અને ખાધું પીધું ને રાજ કર્યું,તેવો હેપ્પી હેપ્પી અંત સાથે ફિલ્મ પૂરી થાય છે.પરંતુ બહુ ઓછા માણસોને એ વાતની ખબર હશે કે આ ફિલ્મનો અંત દુઃખદ આવે તેવો પણ એક વિકલ્પ વિચારવામાં આવ્યો હતો અને આ ફિલ્મના અંતિમ દ્રશ્યો બે અલગ અલગ રીતે ફિલ્માવવામાં આવ્યા હતાં. એક સુખદ અંતવાળો અને એક દુખદ અંતવાળો, પણ અંતે HAPPY ENDING વાળો અંત રાખવાનું નક્કી કરાયું હતું.

લેખક: તુષાર રાજા

આપ સૌને આ લેખ કેવો લાગ્યો ? અચૂક જણાવજો !!

ટીપ્પણી