ફેસબૂક – છાનામાના કે છડેચોક! તમને શું લાગે છે??

આમ તો મને પણ ફેસબૂક- વોટ્સઅપથી નફરત હતી અને મારી ડોટરને ટોકવા માટે એ હાથવગો વિષય હતો. પછી ‘બાપુની કઢી’ની વાર્તા જેવું થયું અને મેં ફેસબૂક ચાખ્યું. બસ, એ દિવસથી પાછળ ફરીને જોયું નથી.

સવારે બ્રશ, રાત્રે ફાકી અને છાશવારે ‘ફેસબૂક’ મારે માટે બંધાણ બની ગયું. મારી આ ભાવાત્મક અને ભાવનાત્મક પ્રવૃત્તિનો વ્યાપ જેમ જેમ વધતો ગયો એમ એમ કોઈ પાર્ટી, જાહેર કાર્યક્રમો કે સામાજિક પ્રસંગે ‘પરોક્ષ’ ફેસબૂક મિત્રો (સ્ત્રીઓ વધારે, ખોટું નહીં કહું) પ્રત્યક્ષ હોંકારો કરવા લાગ્યા. એમાં વળી ‘તમે આમને વાંચો છો કે નહીં?’ એવો સવાલ મારી વાઈફને પૂછીને અમુક મંથરાઓ અને શકૂનીઓએ જામગરી પેટાવી. અત્યાર સુધી આછું મરકીને ‘કોની સાથે ચેટ ચાલે છે?’ એવો ઢીલો સવાલ પૂછી ટીવીમાં મશગૂલ રહેતી વાઈફના અવાજનો ટોન ઘેરો થતો ચાલ્યો. ફેસબૂકનો નશો કરવા માટે મીઠો ઠપકો આપતી ‘એ’ સજાગ થતી ગઈ અને મને સભાન કરતી ગઈ. એની ચકોર નજર અને સરવા કાન મારી ફેસબૂક પ્રવૃત્તિ ઉપર પહેરો ભરવા લાગ્યા.

અને જે થવાના એંધાણ હતા એ થઈને જ રહ્યું. મારા વાઈફે ભૂગર્ભમાં મારી ડોટર પાસેથી ફેસબૂક અને વોટ્સઅપ ચાખ્યાં. પછી એનો માહ્યલો હાથમાં રહે? એક દિ’ ડોટર મારફત ઓન લાઈન નોધાવેલ વધુ GB વાળા સ્માર્ટ ફોનની ડીલિવરી આપવા ફ્લિપકાર્ડનો માણસ બારણે આવીને ઊભો.

પછી તો એનો ટીવી જોવાનો સમય ઘટતો ગયો અને મારું બીપી વધ-ઘટ કરતો ગયો. એણે રસોઈ શો છોડ્યો, ગુજરાતી સમાચાર તરછોડ્યા, Mastii, Zindagi અને એવી તો કંઇક ચેનલોથી છેડો ફાડ્યો. કુદકેને ભૂસકે ફ્રેન્ડઝ અને નવાં નવાં ગ્રૂપ બનવા લાગ્યાં. આડે દિ’ સામે જોવાના સંબંધ ન હોય એવી મહિલાઓ સાથે હસાહસી ચાલી. એને વાઈફાઈ, રોમિંગ અને ડીપીમાં સમજ પાડવા લાગી. એ 3GB/4GB જેવાં જાર્ગન જાણી ગઈ!! એને ફોટો એડિટ ફાવી ગયું ને સેલ્ફીનું ઘેલું લાગ્યું.

મેં મારી વાઈફને આટલી સ્વતંત્ર ક્યારેય જોઈ નહોતી જેટલી એ જ્યારે મોબાઈલ ખોળામાં લઈને ભૂતકાળનો ખોળો ખુંદતી હોય કે નવી દૂનિયાના રહસ્યો ફેંદતી હોય.

મને બૂક્સ વાંચવાનો સામાન્ય શોખ છે એટલે કોઈવાર મોબાઈલ હડસેલીને કોઈ બૂક વાંચવામાં મશગૂલ હોઉં. છતાં થોડી થોડી વારે આંગળાં સળવળે ખરાં. મારી પોસ્ટ પર કોઈએ ફાંકડી કમેન્ટ કરી કે નહીં એ જોવાની તાલાવેલી કે પછી યાહૂ મેઈલ ચેક કરવાનું મન કેમ કરી રોકાય? ફેસબૂકિયાઓની સાઇકોલોજીથી બરાબર વાકેફ મારી વાઈફે એક સમી સાંજે મને ઝડપ્યો! ‘સેલહેન્ડેડ’ પકડા, સહી પકડા.

પછી તો ઘીના ઠામમાં ઘી પડતું રહ્યું. મારી વાઈફનો કોન્ફીડન્સ અનેક ગણો વધી ગયો. હવે એ ઘણાની ફ્રેન્ડઝ રિક્વેસ્ટ રિજેક્ટ કરે છે, દિવસમાં ઢગલો ફોટા ડિલીટ કરે છે, વોઈસ મેસેજ મૂકવો કે વોટ્સઅપ કોલિંગ કરવું એટલે એને મન ચણા-મમરા ચાવવા! એ પોતાની સેન્સ ઓફ હ્યુમરની ધાર કાઢતી રહે છે. એ ખૂણે ખાંચરેથી શોધેલ વિડીયો ફોરવર્ડ કરી ગ્રુપમાં ધાક જમાવે છે. એ મારી સામે બેસીને મારી જ પોસ્ટમાં બેધડક કમેન્ટ્સ કરે છે અને મારા નિયમિત વાચકો અને મિત્રવર્તુળ વચ્ચે રોફ જમાવે છે. આજે મને સેલહેન્ડેડ પકડાઈ ગયાનો લગીરેય સંકોચ નથી.

ફેસબૂક વોટ્સઅપમાં પડેલા કેટલાય મહાસુખ પામે છે ને કેટલાય દાઝે છે. ‘કઢીમાં શું દાટ્યું છે’ એવી શેખી કરનારા બાપુઓ એકવાર કઢી ચાખે પછી પોતાનો ફેંટો કઢીમાં રંગીને ખોંખારો ખાય એવો તાગ થાય છે એ વાત પાક્કી.

લેખક – અનુપમ બુચ

ટીપ્પણી