શોધી ચઢાવો શૂળીએ… બાપડા ચૂંટણીપંચને! – ચુંટણીના માહોલ વચ્ચે વાંચો EVM મશીન વિશે…

યુપીમાં ૧૬ શહેરોના મેયરની ચૂંટણી પછી EVMમાં ગરબડની બૂમરાણ સપા અને બસપાએ કરી તે જોતાં ગુજરાતનાં પરિણામો પછી પણ જે તે ઉમેદવાર પોતાની હારની જવાબદારી પોતાના પક્ષના સંગઠનને બદલે ચૂંટણીપંચના માથે ઢોળે એવી શક્યતા છે. (એક યુવા નેતાએ ટીવી ચર્ચામાં એવું કહ્યું પણ છે, ‘સરકાર જશે, જો ઈવીએમમાં ગરબડ નહીં થાય તો…’)

અમે ત્રીસ વરસની રેવન્યૂની નોકરી દરમિયાન ચૂંટણી તંત્ર સાથે પ્રિસાઇડિંગ ઓફિસરથી માંડીને ચૂંટણી અધિકારી (રિટર્નિંગ ઓફિસર – આર.ઓ.) સુધીની કામગીરી કરી હોઇ, આ ગળે ઉતરે એવું નથી. ‘ઇવીએમ ફ્રૉડ’ના ઓનલાઇન વીડિયો જોયા પછી પણ નહીં.

ઇવીએમ કોઇ ઓનલાઇન પ્રોગ્રામ નથી; પણ એક કેલ્ક્યુલેટરની જેમ બેટરીથી ચાલતું યંત્ર હોઇ દરેક ઇવીએમ સ્વતંત્ર યુનિટ હોય છે. તેથી હૅક કરવાનો પ્રશ્ન નથી રહેતો.

જે લોકો ફ્રૉડની શક્યતા બતાવે છે એ દરેક મશીનમાં મૂકાનારી ચીપ સાથે અડપલાં કરવાની થિયરી લઈ આવે છે. મતદાનના દરેક તબક્કે દરેક ઉમેદવારના પ્રતિનિધિની સહી સાથેનું સીલ વાગતું હોય, જ્યાં ઇવીએમ સ્ટોર થાય તે રૂમને પણ ઉમેદવારો કે તેમના પ્રતિનિધિની સહી સાથેનું સીલ કરવામાં આવે, ત્યાં સિક્યુરિટીના અધિકારીઓ ભરી બંદુકે હાજર રહેતા હોય, ઉમેદવાર પોતે અથવા તેમના નિર્ધારિત વ્યક્તિઓને એ રૂમ બહાર ચોકી કરવા બેસાડી શકે એવી પણ જોગવાઇ હોય. ઉપરાંત આ બધી કાર્યવાહી પર જે રાજ્યની ચૂંટણી હોય તેના સિવાયના બહારના જુદા જુદા રાજ્યોના આઇએએસ કક્ષાના અધિકારીઓ ‘નિરીક્ષક’ તરીકે કામ કરતા હોય, ત્યારે કશી પણ ગોલમાલ કરવા કેટલાં સ્તરે અને ક્યા લેવલના ઓફિસરોને એ ગોરખધંધામાં સામેલ કરવા પડે એનો અંદાજ સામાન્ય લોકોને તો કદાચ ના પણ હોય. પરંતુ, રાજકીય પક્ષોને તો ચૂંટણીની વ્યવસ્થાના દરેક તબક્કે સામેલ કરાતા હોય છે અને એ જ એક બંધારણીય સંસ્થા ઉપર શંકાઓ ઉભી કરે એ લોકશાહી માટે અત્યંત શરમજનક કહેવાય.

જો એવી ગોલમાલ સત્તાધારી પક્ષ કરી શકતો હોય, તો દિલ્હીમાં ‘આપ’ને ૭૦માંથી ૬૭ બેઠકો લેવા દે? કે પંજાબમાં પોતાના ગઠબંધનને હારવા દે? કે પછી ગોવામા તડજોડ કરીને સરકાર બનાવવી પડે એવું કટોકટ રિઝલ્ટ આવવા દે? હવે નવા સુધારા જો કે ગમે તે થાય તો પણ, બેલેટ પેપરના જમાનામાં થતું એમ, ઇલેક્શન કમિશનને માથે ઠીંકરું ફોડવાનું જ સહેલું પડે. ચૂંટણી પંચે આ જ વર્ષે કરેલો પડકાર કે કોઇ રૂબરૂ આવીને ઈવીએમ સાથે ચેડાં કરી બતાવે. ત્યારે પણ કોઇ આવ્યું નહોતું.

હાર ખમી ન શકાય ત્યારે ઇલેકશન કમિશનને બલિનો બકરો બનાવવાનું સહેલું હોય છે અને તેમાં વિપક્ષો પણ દૂધે ધોયેલા નથી. યાદ હોય તો, બેલેટ પેપર હતાં તે દિવસોમાં કોંગ્રેસ જીતતી હતી ત્યારે પણ રશિયાથી આવેલી શાહીને કારણે વિરોધપક્ષના વોટમાં બીજો સિક્કો આપોઆપ ઉપસી આવે અને ડબલ વોટીંગને કારણે તે રદ થઈ જાય એવી ગોલમાલ થતી હોવાના આરોપો થતા જ હતા.

ટૂંકમાં, બલિનો સહેલો બકરો ઇલેક્શન કમિશન અને ચૂંટણીના કામમાં લાગેલા અધિકારીઓ અને કર્મચારીઓ કાયમ રહેવાના. બાકી તો ચૂંટણીનું સંચાલન પહેલા દિવસે ચૂંટણી કાર્યક્રમનું જાહેરનામું બહાર પાડવાથી લઈને બહુમતી મેળવનાર ઉમેદવારને ચૂટાયેલા જાહેર કર્યા પછી સમગ્ર પ્રક્રિયાને અવેરવા સુધીની કામગીરી સંભાળનાર કોઇપણ રેવન્યૂ ઓફિસર કહી શકશે કે એકાદી નાની ચૂંટણી કરવી એ પણ એક સાથે કમસેકમ ૨૫ દીકરીઓનાં સમૂહલગ્ન કરવાથી પણ વધારે અઘરું કામ હોય છે! તેનાં ‘ચેક્સ એન્ડ બેલેન્સ’નો અભ્યાસ કરનાર કોઇને પણ સમજાય કે આખી ચૂંટણી પર શંકા કરવાનું પાપ રાજકીય ઉદ્દેશ વગર કોઇ કરી જ ના શકે.

(આ લખાણ છઠ્ઠી ડિસેમ્બરે ફેસબુકના સ્ટેટસ તરીકે મૂક્યું હતું. પરંતુ, ચૂંટણીના ગરમાગરમ માહૌલમાં તે મૂકવાનું મુનાસિબ ન લાગતાં તેને ‘Public’ને બદલે ‘Ònly me’ કરીને સંતાડી દીધું હતું. હવે મતદાન પત્યું હોઇ જાહેરમાં મૂક્યું છે.)

લેખન : સલિલ દલાલ

શેર કરો આ માહિતી દરેક મિત્ર સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી