એનો પ્રશ્ન – મારું કન્ફ્યુશન અને ત્યારબાદનો ગુસ્સો

મારા વાચકમિત્રો સાથે આજે એક ખૂબ જ નાજૂક છતાં ઘણાં જ અગત્યના મુદ્દા અંગે વાત કરવી છે. હમણાં-હમણાંથી આ બાબતે ઘણાં પ્રશ્નો મારા કાઉન્સેલીંગના અનેક ક્લાયન્ટ્સ મને પૂછતાં રહેતા હોય છે. આપ સર્વેને જાણ છે જ કે રાઈટિંગ અને મારા ફાયનાન્શિયલ પ્રોફેશન સિવાય હું પતિ-પત્નીના રિલેશનશીપથી લઈને પારિવારીક મુદ્દાઓ, સંબંધો અને પેરન્ટીંગ સુધીની લગભગ તમામ બાબતો અંગે કાઉન્સેલીંગના સેશન્સ લઉં છું, પ્રેકટીસ કરું છું.

તો આ જ રીતના મારા કાઉન્સેલીંગના સેશન્સ દરમિયાનની વાત કરું તો, હમણાં-હમણાંથી મારા અનેક ક્લાયન્ટ્સએ જેમાં પૂણેથી લઈને મુંબઈ, સૂરત, નવસારી અને ભરૂચ જ નહીં પરંતુ નમર્દા જીલ્લાના અંતરિયાળ ગામડામાં રહેતા એક ક્લાયન્ટે પણ જ્યારે મને આ વિશે પ્રશ્ન પૂછ્યો, તેનું સોલ્યુશન માંગ્યુ ત્યારે થયું કે આ મુદ્દા વિશે કેટલીક વાતો મારે મારા લખાણમાં પણ કરવી જોઈએ.

બાળક સાથે સેક્સ કે મેન્સ્ટ્રલ સાયકલ જેવી નાજૂક બાબતો વિશે કઈ ઊંમરે અને કઈ રીતે વાત કરવી જોઈએ? આ વિશે તેને સાચુ જ્ઞાન આપવું હોય તો તેની કોઈ રીત ખરી? અમારે માટે સૌથી મોટી મુશ્કેલી એ છે કે તેના પ્રશ્નોના જવાબ શું આપવા અને કઈ રીતે આપવા એ જ અમને સમજાતું નથી.

ઓ.કે. સો, આ બધી માથાકૂટનો ટૂંકસાર એ છે કે, બાળકને સેક્સ એજ્યુકેશન ક્યારે અને કઈ રીતે આપવું? અને બીજું તેના પ્રશ્નોનાં જવાબ કઈ રીતે આપવા? આ વિશે વાત કરતા પહેલાં, મારા એક ક્લાયન્ટ સાથે તાજેતરમાં જ બનેલો એક નાનો પણ રસપ્રદ કિસ્સો આપની સાથે શેર કરવો છે. મારા એક ક્લાયન્ટનો ૧૧ વર્ષનો દીકરો છે. ખૂબ એક્ટિવ અને ટેલેન્ટેડ ચાઇલ્ડ છે એ. એ છોકરા સાથે તેના મા-બાપે બની શકે એટલી સરળ ભાષામાં, કોન્ડોમ શું ચીજ છે અને સેક્સ કોને કહેવાય તે વિશે થોડી ઘણી વાતો કરી હતી. હવે એક દિવસ બન્યું એવું કે, તે બાળકને તેના પિતાના કબાટના ખાનામાંથી કોન્ડોમનું પેકેટ મળી આવ્યું. કૂતુહલ વશ અને પોતે છેતરાયા હોવાની લાગણી સાથે તે બાળકે તેની માને પૂછ્યું કે, ‘મમ્મા, પપ્પાના ખાનામાં આ કોન્ડોમ પેકેટ શા માટે છે? એનો અર્થ એ થયો કે તમે હજી પણ સેક્સ કરો છો? પણ હવે તો હું આવી ગયો છું તો તમારે સેક્સની શું જરૂર?’ આટલાં પ્રશ્નોનો શું જવાબ આપવો તે વિશે તેની મા વિચારે એટલાં જ તે બાળકે બીજી વાત કહી, ‘આપણે જ્યારે જ્યારે ક્યાંક બહાર ફરવા જઈએ છીએ ત્યારે તારા પાર્સમાં મેં કોન્ડોમનું પેકેટ જોયું છે, મતલબ કે આપણે હોટેલમાં રહેવા જઈએ ત્યારે તમે ત્યાં સેક્સ કરો છો? બાળકના આવા સવાલો સાંભળ્યા પછી પહેલાં તો તેની મમ્માને શું બોલવું ને શું નહીં એ જ સમજાતું નહોતું. પરંતુ, તેણે અકળાયા વિના તેને પાસે બેસાડ્યો અને કેટલીક વાતો કરી. જેને કારણે તતપુરતું તો તેની મમ્માને એમ લાગ્યું કે તેના બાળકનું કન્ફ્યુશન દૂર થઈ ગયું છે, અને તે બધું સમજી ગયો છે. પરંતુ, બાળક જીજ્ઞાસાની જીવતી જાગતી મૂરત છે, આમ બે પ્રશ્નોના અડધા-પડધા જવાબથી તેની જીજ્ઞાસા સંતોષાઇ જતી નથી. તે જ દિવસની સાંજે તે બાળકના પિતાનો મારા પર ફોન આવ્યો અને તેમણે પોતાની મુંઝવણ વિશે વાત કરી. ‘હવે શું કરશું સર? મને કે મારી પત્નીને સમજાતું નથી કે શું કરવું?

સૌથી પહેલી વાત તો એ કે, બાળકને સેક્સ એજ્યુકેશન આપવા અંગે કે મેન્સ્ટ્રલ સાયકલ વિશે વાત કરવા અંગે કોઈ નિર્ધારિત ઉંમર કે સમય નથી હોતો. જેમ જેમ તેના મનમાં પ્રશ્નો ઉદ્ભવતા જાય તેમ તેમ તે પ્રશ્નોના જવાબ આપવાની અને સરળ પણ સચોટ રીતે તેને સમજાવવાની તૈયારી તમારે રાખવી પડશે. સાથે જ નિર્ભિકપણે તમારે બાળકને એ વાત પણ સમજાવવું પડશે કે, દીકરા / દીકરી તને મનમાં આવો કોઈપણ પ્રશ્ન થાય કે કન્ફ્યુઝન થાય તો તું તે વિશે અમારી સાથે જ વાત કરશે. કોઈ મિત્ર પાસે કે બહારની વ્યક્તિ પાસે તેનું સોલ્યુશન શોધવાનો પ્રયત્ન નહીં કરે. તેમ થવા પાછળનું સૌથી મોટું જોખમ એ છે કે, તેનો મિત્ર (જે મહદાંશે તેની જ ઉંમરનો હશે) કે બહારની વ્યક્તિ તેને અડધી પડધી કે નહીં સમજાવવા જેવી બાબતો સમજાવશે, જેને કારણે બાળક ક્યાં તો વધુ કન્ફ્યુઝ થશે અથવા ખોટું જ્ઞાન મેળવશે. અને હાલના સંજોગોમાં તેની મહત્તમ શક્યતા છે કારણ કે, આજે ઈન્ટરનેટના યુગમાં બધી જ ચીજો ઈઝીલી અવેલેબલ છે, જે સમજવા માટે કે જોવા માટે કદાચ તમારા બાળકની હજી પુરતી ઊંમર નથી.

જ્યારે મેં તે બાળક સાથે વાત કરી ત્યારે જાણવા મળ્યુ કે, બાળકના મનમાં માત્ર આ જ પ્રશ્નો નહોતા બલ્કે બાળકને એવો પણ શક હતો કે, ‘મને રમતો હોવાને કારણે ઘરે મૂકીને મમ્મી-પપ્પા જ્યારે પણ એકલા બજાર જાય છે ત્યારે સેક્સ કરવા માટે જ જાય છે!’ હવે બાળનના દિમાગમાં તેના મા-બાપ પ્રત્યેનો આ શક ખરેખર જોખમી છે. તેવું નહીં હોવું જોઈએ. પરંતુ તો પછી આ બધાનો સરળ ઉપાય શું?

આપણે શરૂઆત, બાળકને આપણી શારિરીક રચના સમજાવવાથી કરવી પડશે. તેને વાર્તા સ્વરૂપે સરળ ભાષામાં એ સમજાવવાનો પ્રયત્ન કરવો પડશે કે તેનો ખૂદનો જન્મ કઈ રીતે થયો હતો. હવે એ જમાનો નથી રહ્યો કે જ્યારે તમે બાળકને એમ કહી શકો કે, ભગવાને મમ્માના પેટુમાં તેને મૂક્યો હતો અને સ્વીટ ગીફ્ટ તરીકે તું જનમ્યો હતો. આજનું જનરેશન એટલું એડવાન્સ છે કે, તેનામાં ઘણી બધી વાતો તેની ઉંમર પહેલાં સમજી લેવાની કાબેલિયત આવી ગઈ છે. તેને એ સમજાવવું પડશે કે સેક્સ એ કોઈ ચોરી કરવા જેવી કે છૂપાવવા જેવી ગંદી બાબત નથી બલ્કે તે પણ એક એટલી જ સ્વાભાવિક પ્રવૃત્તિ છે જેટલી આપણને રોજ ભુખ લાગે છે અને આપણે ખાવાનું ખાઈએ છીએ.

એક બાળકે તેની મમ્માને પૂછ્યું કે, ‘મોમ, આ સેનેટરી નેપકીન એટલે શું?’ મમ્માએ શાંતિથી તેને સમજાવ્યો કે, જે રીતે આપણાં ઘરની બારી પર આવતા પેલા કબૂતરે ગઈકાલે તેનું બાબુ જન્મે તે માટે ઈંડુ મૂક્યુ હતું ને, તે જ રીતે મમ્માના પેટુમાં પણ દર મહિને નવું બાબુને જન્મ આપવા માટે એગ બનતું હોય છે, પરંતુ આપણે ત્યાં તો તું આવી ગયો છે, એટલે હવે આપણે હમણાં બીજું બાળક નથી જોઈતું આથી, મમ્મા તે ઈંડામાં બાળક નથી લાવતી, હવે જ્યારે તે એગમાં બાળક નહીં આવે ત્યારે તે એગ તો વેસ્ટ થઈ જાય, અને વેસ્ટને તો આપણે શરીરમાં રાખી મૂકી નહીં શકીએ ને? નહીં તો બિમાર થઈ જવાય એટલે તે એગ તૂટી જાય અને મમ્માના શરીરમાંથી લોહી સાથે તે વેસ્ટ થઈ ગયેલું એગ બહાર નીકળી જાય, આમ દર મહિને જે તૂટી ગયેલું અને વેસ્ટ થઈ ગયેલું એગ હોય તે બહાર નીકળે ત્યારે તે બહાર ઢોળાઈ નહીં જાય તેને માટે મમ્માએ આ સેનેટરી નેપકીન પહેરવા પડે. જેમ આપણે પરસેવો લૂંછવા માટે નેપકીન વાપરીએ છીએ ને તેમ જ મમ્મા આ વેસ્ટ એગને લૂંછવા માટે સેનેટરી નેપકીન વાપરે છે.
તો બાળકનો બીજો પ્રશ્ન આવ્યો કે, ‘પણ તો પછી મમ્મા, આ એગમાં બાળક કઈ રીતે આવે છે?’ એટલે મમ્માએ ફરી કહ્યું, ‘મારા અને તારા ડેડાના લગ્ન થયા પછી અમે બંનેએ સાથે મળીને નક્કી કર્યું કે, અમારે તારા જેવું એક સરસ બાળક જોઈએ છે, એટલે અમે લોકોએ સેક્સ કર્યું અને એ સેક્સમાં ડેડાએ મને સ્પર્મ કાઉન્ટ ગીફ્ટ આપ્યા, એ સ્પર્મ કાઉન્ટને મેં મારા પેટુમાં સાચવી રાખ્યા અને પછી જ્યારે પેલું એગ બન્યું ત્યારે તેમાં આપોઆપ મૂકાઈ ગયા અને નવ મહિના સુધી તેને સાચવ્યા કર્યા જે ઈંડામાંથી ધીમે ધીમે તું બની ગયો.’

આવા તો અનેક પ્રશ્નો બાળકના જીજ્ઞાસુ દિમાગમાં આવવાનાં. તમને શું લાગે છે, આ બાળકના પ્રશ્નો આ બે સવાલો પછી અટકી ગયા હશે? નહીં જ અટક્યા હોય. ફરી પ્રશ્ન આવ્યો, ‘મમ્મા તો પછી સેક્સ એટલે શું?’ ત્યારબાદ, સ્પર્મ કાઉન્ટ એટલે શું? વગેરે વગેરે. પ્રશ્નો અનેક છે અને રહેવાનાં જ. વાત એ છે કે તમે તેને કઈ રીતે હેન્ડલ કરો છો. મને યાદ છે, હું કોલેજમાં હતો ત્યારે અમારી કોલેજમાં એક વકૃત્વ સ્પર્ધાનું આયોજન થયું હતું, જેમાં વિષય રાખવામાં આવ્યો હતો, ‘સ્વસ્થ સમાજના ઘડતર માટે શું સેક્સ એજ્યુકેશન જરૂરી છે? હા કે ના.’ એ સ્પર્ધામાં મારી સાથે કૂલ ૨૭ પાર્ટીસિપેન્ટ્સ હતાં. ૨૬ સ્પર્ધકોએ આ વિષયને વિરૂધ્ધમાં વકતવ્ય આપ્યું હતું અને હું એક માત્ર સ્પર્ધક હતો જેણે વિષયની ફેવરમાં વકતવ્ય આપ્યું હતું. અને મને પહેલું ઈનામ પ્રાપ્ત થયું હતું. અહીં કોઈ બડાશ મારવાનો આશય નથી પરંતુ કહેવાનો આશય એ છે કે, આપણી માનસિકતા જ જ્યારે એ સ્વીકારવા તૈયાર નહીં હોય કે આપણો જન્મ થયો એ એક સનાતન સત્ય ઘટના છે અને તે અમૂક ચોક્ક્સ પ્રવૃત્તિનું પરિણામ છે ત્યારે આપણે આપણાં પછીના જનરેશનને તે વિશે કઈ રીતે સમજાવી શકીશું? સામાન્ય સંજોગોમાં એવું બનતું હોય છે કે બાળકના આવા પ્રશ્નોને ક્યાં તો ખીજવાયને ક્યાં તો ચૂપ કરી દઈને ડાળી દેવામાં આવતા હોય છે. ‘તને આ બધી ક્યાંથી ખબર પડી? કોની સાથે રમે છે તું, તારા મિત્રો કોણ છે, તેમની પાસેથી શીખ્યો છે ને આવું બધું?’ અથવા હજી તારી આ બધી વાતો કરવાની ઊંમર નથી. મોટો થઈ જા પછી બધું સમજાય જશે.’ આવું કહીને તેની જીજ્ઞાસાને મારી દેવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. અરે, ભલા માણસ તેને આવો પ્રશ્ન થયો એનો અર્થ જ એ છે કે, તેની ઉંમર થઈ જ ગઈ છે આ બધું જાણવાની. પ્રશ્ન માત્ર એ છે કે તમે તેને આ બધી બાબતો કઈ રીતે સમજાવો છો. અને તમને શું લાગે છે? તમે તેને ચૂપ કરાવી દેશો એથી એ આ બધા પ્રશ્નોના જવાબ નહીં શોધે? એ તો શોધશે જ. બસ માત્ર હવે પછી તમને આ વિશે નહીં પૂછે એટલું જ.

માટે, બાળકના પ્રશ્નોના જવાબ આપો, જરૂર આપો. બસ માત્ર તમારા જવાબની ભાષા અને રીત એવા હોવા જોઈએ જેથી તેને આ બધી જ બાબતો સમજાય. એક નોંધવા લાયક માહિતી અહીં આપની સાથે શેર કરું છું. દરેક માણસે, દરેક એટલે એ દરેક કે, જેઓ ટૂંક સમયમાં પરણવાની ઉંમરે પહોંચી રહ્યા છે, જેઓ મા-બાપ બન્યા છે અથવા બનવા જઈ રહ્યા છે, જેઓ દાદા-દાદી કે નાના-નાની બન્યા છે અથવા બનવા જઈ રહ્યા છે. આ તમામ લોકોએ એક વેબ સિરીઝ ચૂક્યા વિના જોવી જોઈએ. ‘સેક્સ ચેટ વીથ પપ્પુ એન્ડ પાપા’ આખીય સિરીઝ યુ ટ્યુબ પર ઈઝીલી અવેલેબલ છે, ડાઉનલોડ કરો અને એક વખત જોઈ જાઓ. તમારી આ પ્રકારની લગભગ બધી જ અવઢવનું સચોટ સોલ્યુશન આ વેબ સિરીઝમાં છે. તેનું પ્રેઝન્ટેશન પણ એટલું મજેદાર છે કે જોવાની મજા પડી જાય. નામ ફરી એકવાર યાદ કરાવી લઉં, ‘સેક્સ ચેટ વીથ પપ્પુ એન્ડ પાપા.’

ટીલ ધેન હેવ હેલ્ધી સેક્સ લાઈફ એન્ડ હેવ હેલ્ધી પેરન્ટીંગ.

લેખક :- આશુતોષ ગીતા

આપ આ માહિતીસભર પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. આવી બીજી મહત્વની પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી